વચનવિધિ કડવું - ૧૬ સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણું રે ગુનેગાર રે; પદ-૪

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:12pm

વળી એક વારતા સાંભળો સારીજી, લીધી લંકાપુરી રાવણને મારીજી
પછી કહ્યું રામે રામાનુજને વિચારીજી, વે’લા આવો વિભીષણને પાટે બેસારીજી

પાટે બેસારી વે’લા આવજો, વિસારશો મા એહ વચનને ।।
વળી વારું  છું તમને, બેસશો મા રાવણ આસને ।। ર ।।

પછી જઈ જોઈ લંકાપુરી, દીઠી રાવણની રિદ્ધિ અતિ ।।
ગમ વિના બેઠા ગાદિયે, તિયાં તર્ત ફરી ગઈ મતિ ।। ૩ ।।

ત્યાં તો સુણ્યું નગારું સેનનું, શ્રીરામનું શ્રવણે કરી ।।
કહે કેનું નગારું એ કોણ છે, મારી કાઢો એ સેના પરી ।। ૪ ।।

એમ વચન વિસારતાં, મતિ રતી પણ નવ રઈ ।।
પછી આસનથી ઊતર્યા, ત્યારે ભારે અતિ ભોંઠપ થઈ ।। પ ।।

વળી અયોધ્યાની વારતા, રામે કહ્યું રામાનુજને ।।
આવવા મા દેશો અમ પાસળે, વળી પૂછ્યા વિના મુજને ।। ૬ ।।

અણ પૂછ્યે દીધી આગન્યા, દુર્વાસાને દર્શન તણી ।।
તે વચન લોપાણું જાણી રામજી, કહ્યું જયારે મુનિસભા ભણી ।। ૭ ।।

ત્યારે ઋષિ કહે વચનદ્રોહીનું, મુખ ન જોવું પાછું ફરી ।।
નિષ્કુળાનંદ પછી રામાનુજે, વાત સત્ય એ માની ખરી ।। ૮ ।।

પદ-૪
રાગ-ધોળ
‘આજ મારે ટાણું રે આવ્યું છે મહાસુખનું’ એ ઢાળ.

સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણું રે ગુનેગાર રે;
સંતો જયાં જયાં જાયે ત્યાં જન મળી, વળી કરે તિરસ્કાર રે. સંતો૦ ।। ૧ ।।
સંતો લેશ વચન જો લોપિયે, અતિ થઈ ઉન્મત્ત રે;
સંતો એક એકડો જેમ ટાળતાં, ખોટું થઈ જાયે ખત રે. સંતો૦ ।। ૨ ।।
કોઈ સો કન્યા પરણાવે સુતને, પછી મરે મોટિયાર રે;
રાંડ્યા વિના એમાં કોણ રહે, રાંડે સૌ એક હાર રે. સંતો૦ ।। ૩ ।।
એમ વચન વિના આ વિશ્વમાં, વરતે છે જે વિમુખ રે;
નિષ્કુળાનંદ તેને નીરખતાં, સંત ન માને સુખ રે. સંતો૦ ।। ૪ ।।