વચનવિધિ કડવું - ૧૮

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:15pm

વિમુખનો સંગ તજો તતકાળજી, હૈયે જાણી હડકાયા શ્વાનની લાળજી
વળગી અળગી કરતાં જંજાળજી, જાણજો જરૂર એજ જમ જાળજી

જમની જાળ જાણીને, તન મનમાં રાખવો ત્રાસ ।।
ભૂલ્યે પણ હરિભકતને, નવ બેસવું એહને પાસ ।। ર ।।

જેમ રાહુ સંગે રાકેશ રવિનું, અતિ તમે થાય તેજ લીન ।।
તેમ હરિ વિમુખના સંગથી, થાય મતિ અતિ મલિન ।। ૩ ।।

પ્રાવૃટ ઋતુ અંત પરખિયે, જયારે ઊગે અગસ્ત્ય આકાશ ।।
જળ સંકોચાયે સ્થળથી, તેમ વિમુખથી મતિ નાશ ।। ૪ ।।

જેમ વાયુના વેગે કરીને, વિખાઈ જાયે વળી વાદળાં ।।
તેમ વિમુખ વચનના વેગથી, જાય શુભ ગુણ આદિ સઘળાં ।। પ ।।

વાંસ વિછણ્ય વિયા જણ્યે, સુકે એક મૂકે શરીરને ।।
એમ કુસંગ અંગમાં આવતાં, મારે મોટા મુનિ ધીરને ।। ૬ ।।

કહી કહીને કહીએ કેટલું, રે’જો હરિ વિમુખથી વેગળા ।।
પરમ પદ તો પામશો, વામશો વળી દુઃખ સઘળાં ।। ૭ ।।

નિર્વિઘ્ન થાવા નરને, ન કરવો સંગ વિમુખનો ।।
નિષ્કુળાનંદ નિશ્ચે કહે, એ છે ઉપાય સુખનો ।। ૮ ।।