અધ્યાય -૩૨ - મા પ્રેમવતીના પ્રશ્નથી શ્રીહરિગીતાનો પ્રારંભ.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 6:11pm

અધ્યાય - ૩૨ - મા પ્રેમવતીના પ્રશ્નથી શ્રીહરિગીતાનો પ્રારંભ.

સુવ્રતમુનિ કહે છે. હે રાજન્ ! સર્વ સદ્ગુણોથી સંપન્ન, ભગવાનનાં માતા પ્રેમવતી, સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણના અવતાર એવા પોતાના પુત્ર શ્રીહરિને પૂછવા લાગ્યાં ૧

પ્રેમવતી કહે છે, હે પ્રભુ ! તમને મારા નમસ્કાર. તમે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન છો. તમે શરણાગતની મહા આપત્તિઓને પણ હરનારા હરિ છો. તમે સાક્ષાત્ નારાયણઋષિ છો. એથી મુમુક્ષુઓને માટે એક આશ્રય કરવા યોગ્ય છો. માટે હે હરિ ! તમે કહ્યું જે 'માયા જન્મ મરણ રૂપ સંસારનું મૂળ કારણ છે.' જીવને બંધન કરનાર તે માયારૂપી અજ્ઞાનની નિવૃત્તિ જે ઉપાયવડે થાય તેવું સાધન મને યથાર્થ જણાવો. ૨-૩

હે સૌને સન્મતિ પ્રદાન કરનારા પ્રભુ ! હું ભક્તિ, તમારે શરણે આવી છું. મને જગતનાં સાંસારિક સુખોમાંથી વૈરાગ્ય થયો છે. તેથી મુમુક્ષુ એવી મને, તમે મારું હિત થાય તેવું પરમ કલ્યાણકારી સાધન યથાર્થ રીતે કહો. કારણ કે તમે આ પૃથ્વી ઉપર સમસ્ત જીવ પ્રાણીમાત્રનું કલ્યાણ કરવા માટે જ પ્રગટ થયેલા સાક્ષાત્ નારાયણ ઋષિ છો, એમ હું જાણું છું. હે હરિ ! સૂર્ય જેમ બાહ્ય અંધકારનો નાશ કરે, તેમ પ્રગટ પ્રતાપી એવા તમે મારા અંતરના અંધકારનો તત્કાળ વિનાશ કરો. મનુષ્યની જેમ વર્તતા તમે તમારા દિવ્ય સંકલ્પથી તમારું અલૌકિક દિવ્ય ઐશ્વર્ય છુપાવ્યું છે. માટે હે ઇશ ! તમારા ચરણકમળમાં હું પ્રાર્થના કરું છું. ૪-૬

આત્યંતિક મોક્ષનું સાધન શરણાગતિ :- સુવ્રતમુનિ કહે છે હે રાજન્ ! આ પ્રમાણે માતા પ્રેમવતીએ પ્રેમથી પ્રાર્થના કરી તેથી સ્વતઃસિદ્ધ વિશુદ્ધ જ્ઞાની પરમાત્મા શ્રીહરિ અતિ પ્રસન્ન થયા. અને મુમુક્ષુ માતા ભક્તિને આત્મા પરમાત્મા સંબંધી સનાતન અધ્યાત્મ શાસ્ત્રનો ઉપદેશ કરવા લાગ્યા. ૭

શ્રીહરિ કહે છે, હે મા ! તમે મુમુક્ષુ છો, સંસારમાંથી વિરક્ત છો. એથી જ તમારું હિત થાય તેવું મોક્ષનું સાધન હું તમને જણાવું છું. જે સાધન સર્વ શાસ્ત્રોને માન્ય છે અને શાસ્ત્રોને જાણનારા ઋષિમુનિઓએ પણ નિર્ણીત કરેલું છે. ૮

હે મા ! સર્વાન્તર્યામી, વિષ્ણુ, પુરુષોત્તમનારાયણ એવા સાક્ષાત્ શ્રીકૃષ્ણ પરમાત્મા, એક જ મુમુક્ષુજનોને સર્વપ્રકારે આરાધના કરવા યોગ્ય અને ભજવા યોગ્ય છે. તેમની જ માયાને કારણે મોહ પામેલો જીવ સમુદાય જન્મમરણરૂપ સંસૃતિમાં ભમ્યા કરે છે. તેમાંથી જે જીવ પરમાત્માને શરણે જાય છે તેજ તેમની માયાને તરી શકે છે. અનન્ય શરણાગતિ સિવાય આત્યંતિક મોક્ષ કદાપિ શક્ય નથી. ૯-૧૦

પરમાત્માને શરણે જવાની રીત અને તેનું ફળ :- હે મા ! સર્વપ્રથમ સંતોના સમાગમથી તે પરમાત્માનો મહિમા જાણવો. અને પછી મહિમા જાણવાથી પ્રાપ્ત થયેલા સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત તેની એકાંતિકી ભક્તિથી એ પરમાત્માનું સેવન ભજન કરવું. હે મહાવ્રતધારી મા ! આવી રીતે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત ભક્તિ કોઇ કરે તો તેમાં કોઇ પણ વિઘ્નો ક્યારેય પણ પરાભવ કરી શક્તાં નથી. પરંતુ વિષમ દેશકાળના યોગે કરીને જો એ ભક્તિમાં કે તેના ત્રણ અંગમાં કાંઇ પણ ઉણપ સર્જાય તો તેમાં જરૂરથી વિઘ્નો પરાભવ કરે છે. ૧૧-૧૩

ભગવાનનું ભજન કરનાર ભક્તજનોની કાર્ય અને કારણરૂપ માયાની સર્વપ્રકારે નિવૃત્તિ તો એક માત્ર ત્રણ અંગોએ સહિત ભક્તિરૂપી સાધનથી જ થાય છે. માયાની નિવૃત્તિનો અન્ય કોઇ ઉપાય જ નથી. અને આવી માયાની જ્યારે સંપૂર્ણપણે નિવૃત્તિ થાય છે ત્યારે જ ભગવાનનો એકાંતિક ભક્ત તેમના પરમ ધામને પામે છે. જે ધામને વેદો 'બ્રહ્મ' એવા નામથી કહેછે. જ્યાં મહાકાળ અને મહામાયાનો પણ ભય નથી એવા અક્ષરબ્રહ્મધામને વિષે એ એકાંતિક ભક્ત અનંત અપાર અને અવિનાશી એવા મનોવાંછિત અતિશય દિવ્યસુખને પ્રાપ્ત કરે છે. ૧૪-૧૬

હે રાજન્ ! પોતાના પુત્રનાં વેદ, શાસ્ત્ર, પુરાણ અને પંચરાત્ર આગમનાં સિદ્ધાંતરૂપ વચનો સાંભળી મા ભક્તિ ફરી પૂછવા લાગ્યાં ૧૭

વિસ્તારપૂર્વક જાણવા મા પ્રેમવતીનો પુનઃ પ્રશ્ન :- પ્રેમવતી કહેછે, હે સકલ શાસ્ત્રના તત્ત્વવેતા ! ''સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય- આ ત્રણ અંગે સહિત ભગવાનની અનન્ય ભક્તિરૂપી સાધનથી કાર્યકારણરૂપ માયાની નિવૃત્તિ થાય છે.'' આ સિદ્ધાંત તમે જે કહ્યો. તેના સ્વરૂપને વિસ્તારપૂર્વક હું યથાર્થ જાણવા ઇચ્છું છું. હે મહાબુદ્ધિમાન્ ! હું સ્ત્રી છું મને જે રીતે સરળતાથી યથાર્થ બોધ થાય તે રીતે તમે વર્ણન કરો. ૧૮-૧૯

બીજું કે તમે કહ્યું કે સંતો પાસેથી ભગવાનના સ્વરૂપના મહિમાનું જ્ઞાન તથા સ્વધર્માદિ અંગોએ સહિત ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો તે સંતો કેવા હોય ? તેનાં લક્ષણો પણ મને જણાવો. તેવીજ રીતે હે હરિકૃષ્ણ ! તમે સર્વજ્ઞાછો, તેથી સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં લક્ષણો પણ જુદાં જુદાં વિવેચન કરીને યથાર્થપણે મને સમજાવો. ૨૦-૨૧

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ધર્મ, જ્ઞાન આદિના સ્વરૂપને યથાર્થ જાણવાની ઇચ્છાથી મા ભક્તિએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે અનાદિસિદ્ધ પુરાતનમુનિ નૈષ્ઠિકવર્ણિવેષધારી ભગવાન શ્રીહરિ અતિ આદરપૂર્વક મા ભક્તિ પ્રત્યે કહેવા લાગ્યા. ૨૨

હે મા ! આત્મકલ્યાણ ઇચ્છતાં તમારો આ પ્રશ્ન અતિ સુંદર છે. તેમાં સર્વ જીવપ્રાણીમાત્રનું હિત રહેલું છે, અને જ્ઞાની પુરૂષોએ પણ આ તમારો પ્રશ્ન સમજવા યોગ્ય છે. તેથી હે સતી ! મા ! મુમુક્ષુઓને માટે સમાગમ કરવા યોગ્ય તથા સ્વધર્માદિ અંગોએ સહિત ભક્તિને પ્રાપ્ત કરાવી આપવામાં કારણભૂત એવા પવિત્ર સત્પુરૂષોનાં લક્ષણો પ્રથમ તમને કહું છું. ૨૩-૨૪

શરણું લેવા યોગ્ય સત્પુરૂષોનાં લક્ષણો :- જે દયાળુ હોય, ક્ષમાશીલ હોય, સર્વજીવોનું હિત કરનારા હોય, પ્રારબ્ધનાં સુખદુઃખને સહન કરનારા હોય, અસૂયાએ રહિત હોય, શાંત હોય, અજાતશત્રુ હોય, ઇર્ષારહિત હોય, કોઇની સાથે વૈરબુદ્ધિ ન રાખતા હોય, નિર્માની હોય, મત્સરરહિત હોય, યોગ્યતાને અનુસાર અન્યને માન આપનારા હોય, પ્રિય એવી સત્યવાણી બોલનારા હોય, કામ ક્રોધ અને લોભ ઉપર જેણે વિજય મેળવ્યો હોય, મદરહિત હોય, અહંતા અને મમતાથી પર વર્તતા હોય, સ્વધર્મમાં દૃઢ હોય, દંભરહિત હોય, અંદર અને બહાર પવિત્ર રહેતા હોય, બ્રાહ્ય ઇન્દ્રિયોનું દમન કરનારા હોય, જિતેન્દ્રિય હોય, સ્વધર્મપાલનમાં સાવધાન હોય, સુખ-દુઃખ, માન-અપમાન અને હર્ષ-શોકના દ્વન્દ્વે રહિત હોય, ધીરજવાન હોય, કર્મ-ઇન્દ્રિયો અને જ્ઞાન-ઇન્દ્રિયોની ચપળતાએ રહિત હોય, પરિગ્રહ કરતા ન હોય, જીવોને જ્ઞાનવાર્તાનો બોધ કરવામાં નિપુણ હોય, ત્રણદેહ અને ત્રણ અવસ્થાથી પર આત્મસ્વરૂપમાં નિષ્ઠાવાળા હોય, સર્વજીવપાણી ઉપર ઉપકાર કરનારા હોય, હમેશાં નિર્ભયપણે વર્તતા હોય, માયિક પદાર્થોના ઉપભોગની અપેક્ષા ન હોય, જુગાર આદિ વ્યસનથી રહિત હોય, નિયમો પાળવામાં શ્રદ્ધાવાળા હોય, ઉદાર સ્વભાવના હોય, તપ કરવામાં નિષ્ઠાવાળા હોય, નિષ્પાપી હોય, ગ્રામ્યવાર્તાઓ ક્યારેય ન કરતા હોય, સત્શાસ્ત્રોના વ્યસની હોય, પ્રાપ્ત થતા પંચ વિષયોમાં આસક્તિએ રહિત હોય, અનાસકત અને વિવેકી હોય, મદ્યમાંસાદિકના સંસર્ગે રહિત હોય, નિયમપાલનમાં દૃઢ હોય, કોઇની ચાડીચુગલી ન કરતા હોય, ચોરીનું કર્મ ન કરતા હોય, બીજાની ગુપ્ત વાતને ક્યારેય પ્રકાશ ન કરતા હોય, નિદ્રાને જીતીને વર્તતા હોય, આહાર ઉપર વિજય મેળવ્યો હોય, સંતોષી હોય, સ્થિરબુદ્ધિવાળા હોય, અહિંસામય વૃત્તિવાળા હોય, તૃષ્ણાએ રહિત વર્તતા હોય, સુખ અને દુઃખમાં અર્થાત્ પોતાને અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમદર્શી હોય, શાસ્ત્રનિષિદ્ધકર્મ કરવામાં લજ્જાવાળા હોય, સ્વશ્લાઘા અને પરનિંદાનો ત્યાગ કરનારા હોય, શાસ્ત્રોક્ત બ્રહ્મચર્યવ્રતનું પાલન કરનારા હોય, યમ અને નિયમોથી યુક્ત વર્તતા હોય, આસનને જીત્યું હોય, પ્રાણ ઉપર પણ વિજય મેળવ્યો હોય, ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળનો જેને એક દૃઢ આશરો હોય, સદાય ભગવદ્ભક્તિપરાયણ જીવન જીવતા હોય, નિત્ય ભગવાનને અર્થે જ સર્વ ક્રિયા કરનારા હોય, પ્રેમથી નિત્ય ભગવાનના અવતાર ચરિત્રોનું શ્રવણ અને કીર્તન કરનારા હોય, ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપના ધ્યાનપરાયણ જીવન જીવતા હોય, અને ભગવાનની ભક્તિ વિનાની ક્ષણ પણ વ્યર્થ ગુમાવતા ન હોય, હે નિષ્પાપ મા ! આવાં લક્ષણોથી સંપન્ન હોય તેને સંત જાણવા.૨૫-૩૭

હે મા ! આવા સંતના પ્રસંગથી જ ભગવાનની માહાત્મ્યજ્ઞાને સહિત એકાંતિકી ભક્તિ પ્રગટ થાય છે, અને આવા સંત થકી જ ભગવાન અને ભગવાનના અવતારોની અતિ અદ્ભૂત પાવનકારી ચરિત્રોની કથા સાંભળવા મળે છે.૩૮-૩૯

ભગવાનના ગોલોક, વૈકુંઠ તથા અક્ષર આદિક ધામોમાં ભગવાનનાં જે અનંત અપાર ઐશ્વર્યો રહેલાં છે, તે પણ આવા સંતોના પ્રસંગથી મુમુક્ષુ જાણી શકે છે.૪૦

તેવી રીતે ક્ષીરસાગરને કિનારે આવેલા અને બ્રહ્મતેજથી સભર એવા શ્વેતદ્વિપ ધામનો મહિમા પણ તેમના થકી જ સમજાય છે.૪૧

વૃંદાવન, દ્વારિકા બદરિકાશ્રમ વગેરે આ ધરતીપરનાં ભગવાનનાં ધામનો મહિમા પણ આવા સંતો થકી જ જાણવામાં આવે છે. આ ભારતવર્ષના પુલહાશ્રમ આદિ પવિત્ર ક્ષેત્રોનો તથા શોભાયમાન પવિત્ર ગંગા, યમુના આદિક તીર્થોનો મહિમા પણ આવા સંતો થકી જ સમજાય છે. ૪ર-૪૩

હે મા ! ભગવાન શ્રીકૃષ્ણ સંબંધી જે કાંઇ અદ્ભૂત આશ્ચર્યો રહેલાં હોય તે સર્વેનું માહાત્મ્ય મુમુક્ષુ શ્રોતાજનોને આવા સંતો થકીજ જાણવા મળે છે. પ્રથમ સંતો થકી ભગવદ્ચરિત્રોનું શ્રવણ થાય છે. તે શ્રવણ થકી જ ભગવાનનો મહિમા સારી પેઠે સમજાય છે, તેણે કરીને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત ભગવાનને વિષે ભક્તિ પ્રગટ થાય છે. ૪૪-૪૫

હે મા ! આવા સત્પુરુષોનાં દર્શન કરવાથી તેમનો સ્પર્શ કરવાથી, તેમને નમસ્કાર કરવાથી તેમના ચરણની સેવા કરવાથી, તેમને ભોજન કરાવવાથી, તેમનું ચંદન પુષ્પહારવડે પૂજન કરવાથી અનંત જન્મોથી ઉત્પન્ન થયેલા પાપના સમૂહો તત્કાળ મૂળસહિત નાશ પામેછે. તેમના ચરણમાં સમગ્ર તીર્થો નિવાસ કરીને રહ્યાં છે, ભગવાન શ્રીકૃષ્ણે આવા સત્પુરુષોને પોતાના હૃદય સમાન કહેલા છે. હે મા ! આવા સત્પુરુષોના પ્રસંગથી મુમુક્ષુજનોને આ જગતમાં કોઇ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી. પરંતુ સર્વે સુલભ થાય છે, ૪૬

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મ શાસ્ત્રના પ્રથમ પ્રકરણમાં શ્રીહરિગીતાના પ્રથમ અધ્યાયમાં સત્પુરૂષોનાં લક્ષણોનું નિરૂપણ કર્યું એ નામે બત્રીસમો અધ્યાય. --૩૨--