અધ્યાય -૫૨ - મુક્તાનંદ સ્વામી અને વર્ણીરાજનો સંવાદ.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 9:16pm

અધ્યાય - ૫૨ - મુક્તાનંદ સ્વામી અને વર્ણીરાજનો સંવાદ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મુક્તાનંદ સ્વામી આદિ સર્વે સંતો વર્ણીરાજને સદાય ધ્યાનપરાયણ સ્થિર દૃષ્ટિવાળા જોઇને અતિશય આશ્ચર્ય પામ્યા, અને મુક્તાનંદ સ્વામીએ તેમને એકવખત પૂછયું કે, હે વર્ણીરાજ ! સર્વકાળે તમારી દૃષ્ટિ સ્થિર જોઇને અમને પ્રશ્ન થાય છે કે તમે ક્યા દેવતાનું ધ્યાન કરો છો ? તે અમને જણાવશો ? આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીનું વચન સાંભળી નીલકંઠ વર્ણી કહેવા લાગ્યા કે, હે નિષ્પાપ મુનિ ! સર્વે ઐશ્વર્યે સંપન્ન સર્વેશ્વર શ્રીરાધીકેશ ભગવાન શ્રીકૃષ્ણ છે. તે જ સત્શાસ્ત્ર સંમત અમારા ઇષ્ટદેવ છે.૧-૩

તે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ છે. તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આદિ સમસ્ત દેવોના પણ દેવ છે. અને વરાહ આદિ અનંત અવતારોને ધરનારા છે. હે મુનિ ! તે મારા ઇષ્ટદેવનું હું નિત્યે ધ્યાન કરું છું, અને નિત્યે પૂજન કરું છું, તેમજ કલિયુગના દોષમાંથી તારનારું તેમનું નામસંકીર્તન પણ નિત્યે કરું છું,૪-૫

હે મુનિ ! પોતાના શુભાશુભ કર્મથી આ સંસારસાગરમાં ભમતા અને દુઃખી થતા મનુષ્યોને આવા ઘોર કલિકાળમાં સંસારસાગરમાંથી ઉગરવાનો એક શ્રીકૃષ્ણ ભગવાન વિના બીજો કોઇ આશ્રય નથી. માત્ર તેમનું એક શરણ જ ઉપાય છે. માટે લક્ષ્મીપતિ ભગવાન ગોવિંદના ચરણકમળ વિના અન્ય વસ્તુમાં મને એક અણુમાત્ર પણ પ્રીતિ નથી.૬-૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિએ આ પ્રમાણે પોતાનો હૃદયગત અભિપ્રાય કહ્યો, તેથી અતિશય પ્રસન્ન થયેલા મુક્તાનંદ સ્વામી પોતાને ભગવાનના એકાંતિક ભક્તો હમેશાં વહાલા લાગતા હોવાથી મહાબુદ્ધિશાળી અને ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત શ્રીહરિને કહેવા લાગ્યા કે, હે વર્ણીરાજ ! અમે સર્વે સંતો પણ આ પૃથ્વીપર અત્યારે તમે કહ્યા તે જ શ્રીકૃષ્ણ ભગવાનનાં ઉપાસના ભજન કરીએ છીએ. અને ગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી હૃદયકમળમાં તેનું સાક્ષાત્ દર્શન પણ કરીએ છીએ.૮-૯

શ્રીરામાનંદસ્વામીનો મહિમા :- હે વર્ણીરાજ ! આલોકમાં રામાનંદ સ્વામી નામે પ્રસિદ્ધ જે સ્વયં ઉદ્ધવજી છે, તે જ અમારા સદ્ગુરુ છે, મુમુક્ષુઓને આશ્રય કરવા યોગ્ય છે.૧૦

એ જેમના ઉપર કૃપા કરે છે, તે મનુષ્ય સમાધિમાં ગોલોક ધામને વિષે અખંડ રાસલીલામાં બિરાજતા મુરલીધર શ્રીકૃષ્ણનાં દર્શન કરે છે.૧૧

તો પછી હે બ્રહ્મન્ ! ભક્તિ, ધર્મ અને તપથી યુક્ત વર્તતા તમારા જેવા મહાપુરુષોને તે રામાનંદ સ્વામીને વશ વર્તતા ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ દર્શન આપે એમાં શું કહેવું ? એ તો આપે જ.૧૨

હે વર્ણીરાજ ! અમે સર્વે સંતો ગુરુ રામાનંદ સ્વામીને ભગવાન શ્રીકૃષ્ણથકી જુદા જોતા નથી. કારણ કે મનુષ્યોના કલ્યાણને અર્થે સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન જ અત્યારે ગુરુ રામાનંદ સ્વામીરૂપે રહેલા છે.( સર્વેશ્વર શ્રીકૃષ્ણ જ ગુરુરૂપથી પ્રકટ થઇને મુમુક્ષુઓને ઉપકાર કરે છે, માટે શિષ્યોએ ગુરુમાં આવી દૃષ્ટિ કરવી એવી શાસ્ત્રમર્યાદા છે.)૧૩

હે વર્ણીરાજ ઉદ્ધવજીને પોતાની સમાન ગુણવાળા જાણીને તેમને વિષે ભગવાન શ્રીકૃષ્ણે જ અંતર્ધાન થતી વખતે આ ભરતખંડમાં મુમુક્ષુજીવોને મોક્ષને માટે ગુરુપદ સ્થાપન કરેલું છે.૧૪

તેથી હે બ્રહ્મન્ ! આ વર્તમાનકાળે ઉદ્ધવજી સિવાય બીજે ક્યાંય ગુરુપદ રહેલું નથી. આ બાબતમાં શ્રીમદ્ભાગવતના તૃતીય સ્કંધના ચતુર્થ અધ્યાયના બે શ્લોકો પ્રમાણભૂત છે તે તમે સાંભળો.૧૫

ભગવાન શ્રીકૃષ્ણનું આપેલું ગુરુપદ :- હે વર્ણીરાજ ! ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, આલોકમાંથી જ્યારે હું અંતર્ધાન થઇશ ત્યારે મારા સ્વરૂપને આશરે રહેલા જ્ઞાનના અધિકારી અત્યારે આત્મવિદોમાં શ્રેષ્ઠ એક માત્ર ઉદ્ધવજી છે. ઉદ્ધવજી મારા થકી એક અણુમાત્ર પણ ન્યૂન નથી. કારણ કે, તે શબ્દાદિ પંચવિષયોથી ક્યારેય ક્ષોભ પામતા નથી. તેવું તેમાં સામર્થ્ય છે. માટે આલોકના મનુષ્યને મારું જ્ઞાન આપવા ઉદ્ધવજી આ પૃથ્વીપર ભલે રહે. તેને ઋષિઓનો શાપ અડશે નહિ.૧૬-૧૭

હે નિર્દોષ નીલકંઠવર્ણી ! આ પ્રમાણે સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને પોતાના તિરોધાન સમયે કહ્યું છે. તેથી તેમના આશ્રિત અમે સર્વે તે ગુરુની આજ્ઞામાં રહીને શ્રીકૃષ્ણનું ભજન સ્મરણ કરીએ છીએ.૧૮

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીનું વચન સાંભળી શ્રીનીલકંઠ વર્ણીને પિતા ધર્મદેવે કહેલ ગુરુ રામાનંદ સ્વામીનું અને તેના ગુણોનું સ્મરણ થઇ આવ્યું. ત્યારથી માંડીને સ્વયં સાક્ષાત્ શ્રીકૃષ્ણ હોવા છતાં મનુષ્યનાટયને શોભાવવા માટે શ્રીહરિને ગુરુ રામાનંદ સ્વામીની સેવા કરી તેમની કૃપા સંપાદન કરી પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ચંદ્રનાં દર્શન કરવાની ઉત્કંઠા જાગ્રત થઇ.૧૯-૨૦

શ્રીવર્ણીરાજનો સત્સંગમાંજ રોકાઈ જવાનો દૃઢ ઠરાવ :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારપછી નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીને પ્રણામ કરીને અતિ સ્નેહથી કહેવા લાગ્યા, કે હે સદ્બુદ્ધિમાન સ્વામી ! આજથી હું તમારો છું, મારું હિત થાય તેવું મને શિક્ષણ આપજો. બીજી કોઇ શંકા ધરશો નહિ.૨૧

હે સ્વામી ! ગુરુ રામાનંદ સ્વામીનાં દર્શન મને જલદી થાય તેવા ઉપાયો કરો. હે રાજન્ ! આ પ્રમાણે કહીને વર્ણીએ પોતાનું જન્મ અને કર્મ સંબંધી સર્વ વૃત્તાંત સંક્ષેપથી મુક્તાનંદ સ્વામીને કહી સંભળાવ્યું.૨૨

હે રાજન્ ! ત્યારપછી રામાનંદ સ્વામીના શિષ્યોમાં અગ્રેસર મુક્તાનંદ સ્વામી બ્રાહ્મણ શ્રેષ્ઠ શ્રીહરિનો આદર સત્કાર કરી કહેવા લાગ્યા કે, હે વર્ણી ! તમને ધન્ય છે. કારણ કે તમે મનુષ્ય જન્મને સફળ કરવા જઇ રહ્યા છો.૨૩

અને સદ્ગુરુ રામાનંદ સ્વામી અત્યારે તો ભુજનગરમાં વિરાજે છે. બે ત્રણ માસ વિત્યા પછી જરૂરથી ફરી અહીં પધારશે.૨૪

હે વર્ણી ! તમારા અંતરમાં રામાનંદ સ્વામીનાં દર્શનની ઇચ્છા જો હોય તો અમારા વચનમાં સર્વ પ્રકારે વિશ્વાસ રાખી સ્વામી ન પધારે ત્યાં સુધી અહીંના બ્રહ્મચારીઓની માફક અમારી પાસે નિવાસ કરીને રહો.૨૫

હે રાજન્ ! મુક્તાનંદ સ્વામીનાં વચનો સાંભળી શ્રીહરિ ત્યાંજ નિવાસ કરીને રહ્યા. સંતોએ બહુ પ્રેમ આપ્યો. તેથી સ્વધર્મનું પાલન કરતા શ્રીહરિ રામાનંદ સ્વામીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા.૨૬

મુક્ષુક્ષુઓને સત્સંગમાં રહેવાની શિખવાડેલી રીત :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આશ્રમમાં રહ્યા પછી શ્રીહરિ તદ્દન નિર્માનીપણે વર્તી વિવિધ સેવા કરતા રહેતા. પત્રાવલી બનાવવા માટે ખાખરાનાં પાન લાવતા. રસોઇ પકાવવા માટે સૂકાં ઇંધણ લાવતા, છાણાં થાપતાં તથા વથાણમાંથી છાણ ભેળું કરી લાવતા, જળ ભરી લાવતા. રસોઇ બનાવવા ધાન્ય સાફ કરતા, રસોઇનાં એઠાં વાસણો માંજી નાખતા. આશ્રમમાં રહેતા સંતો વર્ણીઓની સેવા કરતા. સંત મંડળમાં કોઇ સંત-વર્ણી બિમાર પડે તો તેને રુચિકર રસોઇ કરી આપે. રોગને પારખી તે પ્રમાણેની ઔષધી તૈયાર કરીને આપે. ગરમ ઠંડા જળની જેવી જરૂરત હોય તે તૈયાર કરી આપે, ચરણ ચંપી કરે, માથું દબાવે, વીજણો ઢોળે વિગેરેની સેવા ખૂબજ હર્ષથી કરતા.૨૭-૨૮

મનુષ્યો ગમે તેટલા પ્રયત્ન કરે છતાં જે સદ્ગુણો પ્રાપ્ત ન કરી શકે તેવા નિર્માનીપણે સાધુની સેવા કરવી દયા ક્ષમા આદિ અનંત સદ્ગુણો શ્રીહરિમાં જોઇ મુક્તાનંદ સ્વામી આદિ સંતમંડળને જેવો ગુરુ રામાનંદ સ્વામીમાં સ્નેહ હતો તેવો શ્રીહરિમાં સૌને સ્નેહ થયો, અંતરમાં ગુરુ રામાનંદ સ્વામીનાં દર્શનની અત્યંત ઉત્કંઠા ધરાવતા અને સદાય તીવ્રતપપરાયણ જીવન જીવતા શ્રીહરિ સંતો વર્ણીઓ અને તીર્થવાસીઓની ખૂબજ સેવા કરતા છતાં પોતાના ધર્મના નિયમો કે ભક્તિ ભજનના નિયમોનો ક્યારેય ત્યાગ થવા દેતા નહિ.૨૯-૩૦

હે રાજન્ ! આ રીતે પોતે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન હોવા છતાં ઐશ્વર્યને છુપાવી મનુષ્યચરિત્રને કરતા શ્રીહરિ લોજપુરમાં નિવાસ કરીને રહેતા અને જે રીતે મુક્તાનંદ સ્વામી આદિ સંતમંડળને પોતામાં સ્નેહવૃદ્ધિ પામે એવા પ્રકારનું વર્તન રાખતા. જોકે ક્યારેક ક્યારેક થોડું પોતાનું ઐશ્વર્ય દેખાડતા તથા મનુષ્યોથી અસાધ્ય સાધુતા અને દુષ્કર યોગની કળાઓ પણ દેખાડતા.૩૧-૩૨

પરમેશ્વરના રૂપમાં શ્રીહરિનું સંતોને દર્શન :-હે રાજન્ ! એકાંતમાં બેસી શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા કેટલાક સંતોને પોતાના હૃદયકમળમાં પ્રગટ થયેલા તેજના સમૂહમાં શ્રીકૃષ્ણનાં દિવ્ય વિગ્રહ ધારી શ્રીહરિનાજ રૂપમાં દર્શન થતાં અને કેટલાક સંતોના હૃદયકમળમાં બહાર વર્ણીવેષે દર્શન કરેલા શ્રીહરિને જ પોતાના હૃદયકમળમાં સ્ફુરાયમાન થતા દર્શન થતાં હતાં. ક્યારેક કોઇ સંતના હૃદયકમળમાં સ્ફુરાયમાન થયેલા વર્ણીવેષ શ્રીહરિનાં દર્શન થતાં હોય અને અચાનક બદ્રીપતિ નારાયણઋષિનાં રૂપમાં દર્શન થવા લાગે, વળી ક્ષણવારમાં તે જ વર્ણીવેષ શ્રીહરિનાં દર્શન થાય. હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિનું અલૌકિક ઐશ્વર્ય જોઇ સંતો શ્રીહરિને જ સાક્ષાત્ પરમેશ્વર માનવા લાગ્યા. પરંતુ મનુષ્યનાટયને કરતા ભગવાન શ્રીહરિની ઇચ્છાથી એ દિવ્યભાવનું તેઓને વિસ્મરણ પણ થઇ જતું.૩૩-૩૬

અંતર્યામીપણાનું અને યોગકળાનું પ્રકટન :- હે રાજન્ ! ધ્યાન કરતી વખતે ક્યારેક કોઇ સંતનું મન ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપમાં જોડયું હોય ને પૂર્વવાસનાના બળે ઇતર પદાર્થમાં દોટ મૂકે ત્યારે તેનાથી ઘણા દૂર બેઠેલા ભગવાન શ્રીહરિ તેને જાણી ધ્યાનપરાયણ સાધુને બોધ આપતા કે, ''હે સાધુ મહારાજ ! તમારું મન ભગવાનને છોડી બીજે ભટકી ગયું છે. માટે આ રીતે તેને પકડીને મૂર્તિમાં જોડો.'' આ પ્રમાણે તેમને શીખ આપતા.૩૭

હે રાજન્ ! તેનાથી અતિશય વિસ્મય પામેલા સંતો શ્રીહરિના સ્વરૂપનો નિશ્ચય કરવા સમર્થ થતા નહિ કે આ કોણ હશે ? તેથી શ્રીહરિની તેઓ દેવની પેઠે સેવા કરતા.૩૮

તે સંતો ભગવાન શ્રીહરિની ક્યારેક નેતી, ક્યારેક ધૌતી અને ક્યારેક બસ્તી આદિ અનેક યોગક્રિયાઓનાં દર્શન આશ્ચર્યપૂર્વક કરતા, જે ક્રિયાઓ પોતાનાથી સાધવી ઘણી દુષ્કર હતી.૩૯

તેમ જ ભગવાન શ્રીહરિ યોગીઓને પણ આશ્ચર્ય ઉપજાવે તેવા સહજ સમાધિના લક્ષણવાળા શૂન્યક નામના પ્રાણાયામે સહિત પૂરક, રેચક અને કુંભક આદિ અનેક પ્રાણાયામના પ્રકારો કરીને સંતોને દેખાડતા.૪૦

ક્યારેક શ્રીહરિ સમાધિ લગાવતા ત્યારે કોઇ એક અંગમાં પ્રાણની ધારણા કરતા. તે પ્રાણધારણાની કળા જોઇને સંતો શ્રીહરિને આ કોઇ મોટા રાજયોગી છે એ પ્રમાણે નક્કી માનતા.૪૧

હે રાજન્ ! ભગવાન શ્રીહરિની તપશ્ચર્યાદિક જે જે ક્રિયાઓ હતી તે સર્વે પૃથ્વીપરના મનુષ્યોને કરવી દુષ્કર હોવાથી સર્વે સંતોને અત્યંત આશ્ચર્ય ઉપજાવતી હતી.૪૨

આ પ્રમાણે શ્રીહરિની સર્વે ક્રિયા અલૌકિક હતી છતાં પોતે સાધુગુણે સંપન્ન થઇ સંતોના પ્રિયપાત્ર થઇ દાસની માફક સંતોની સેવા કરતા રહેતા.૪૩

એટલું જ નહિ અન્નસત્રમાં કોઇ અભ્યાગતો આવે તેને પણ તેમની ઇચ્છા અનુસાર અન્નદાન કરી તેઓને સંતોષ પમાડી રાજી કરતા.૪૪

હે રાજન્ ! વર્ષાઋતુમાં શ્રીહરિ મેઘની ધારા સહન કરતા. શિયાળામાં જળમાં બેસતા અને ઉનાળામાં પંચધૂણી તાપતા. આ પ્રમાણે તીવ્ર તપશ્ચર્યા કરતા શ્રીહરિ સંતમંડળમાં રહી મુક્તાનંદ સ્વામી આદિ સૌ સંતોને આશ્ચર્ય ઉપજાવતા હતા.૪૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં રામાનંદ સ્વામીના ગુરુપણાનું નિરુપણ કર્યું અને થોડું થોડું ઐશ્વર્ય દેખાડવાની સાથે પણ દાસપણે સંતોની સેવા શ્રીહરિ કરી રહ્યા છે તેનું નિરૂપણ કર્યું એ નામે બાવનમો અધ્યાય. --૫૨--