અધ્યાય - ૨૩ - જયાબાની પ્રાર્થનાથી સંતો-ભક્તોને પ્રબોધની પર્યંત રોકાવાની શ્રીહરિની આજ્ઞા.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:34pm

અધ્યાય - ૨૩ - જયાબાની પ્રાર્થનાથી સંતો-ભક્તોને પ્રબોધની પર્યંત રોકાવાની શ્રીહરિની આજ્ઞા.

જયાબાની પ્રાર્થનાથી સંતો-ભક્તોને પ્રબોધની પર્યંત રોકાવાની શ્રીહરિની આજ્ઞા.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! કાર્તિકસુદ ૨, ભાઇબીજ યમદ્વિતીયાના દિવસે ઉત્તમરાજાએ બહુજ ઘી સાકરથી યુક્ત પૂરણપોળી, દૂધપાક તેમજ અન્નકૂટનાં બચેલાં પક્વાન્નોથી સંતોને જમાડી ખૂબજ તૃપ્ત કર્યા.૧

તે જ દિવસની રાત્રીએ મોટી સભામાં ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન ભગવાન શ્રીહરિએ આ પૃથ્વીપર અજ્ઞાની જનોને ઉપદેશ આપવા સંતોને વિચરણ કરાવા મનમાં ઇચ્છા કરી. તે સમયે ઉત્તમરાજા ભગવાન શ્રીહરિની સમીપે આવી નમસ્કાર કરી જયાબાની પ્રેરણાથી કહેવા લાગ્યા.૨

ઉત્તમરાજા કહેછે, હે ભક્તવત્સલ ભગવાન ! આ અન્નકૂટના ઉત્સવમાં તમે લલિતાબાના સર્વે મનોરથ સર્વપ્રકારે પૂર્ણ કર્યા,૩

અને હે પ્રભુ ! પ્રબોધનીનો ઉત્સવ પણ કાંઇ હવે દૂર નથી, તેથી જયાબાનો મનોરથ પૂર્ણ કરવાની પણ આપ કૃપા કરો.૪

હે સ્વામિન્ ! સર્વે સંતો પણ કાર્તિકી પૂર્ણિમા સુધી સુખપૂર્વક અહીં ગઢપુરમાંજ નિવાસ કરીને રહે, એવી મારી આપની પાસે પ્રાર્થના છે.૫

તેમજ દેશદેશાંતરમાંથી આવેલા બ્રાહ્મણાદિ સર્વે ભક્તજનો પણ અહીં મારા ઘરમાંથી જ અન્નાદિ પદાર્થોનો સ્વીકાર કરીને અહીં રહે. હું તો નિમિત્તમાત્ર છું. બાકી બધું જ કરાવનારા ને કરનારા એક તમે જ છો.૬

હે રાજન્ ! આ પ્રમાણે ઉત્તમરાજાનાં વચનો સાંભળી ભગવાન શ્રીહરિ મંદમંદ હસવા લાગ્યા અને દૂર ઊભેલાં જયાબાની સામે જોતાં જોતાં, ભલે તે પ્રમાણે તમારો સંકલ્પ પૂર્ણ થાઓ, આ પ્રમાણે કહીને ખૂબજ રાજીપો દર્શાવ્યો.૭

પછી ઉત્તમરાજા જયાબાની સમીપે જઇને ભગવાન શ્રીહરિએ કહેલાં વચનો સંભળાવ્યાં, તે સમયે જયાબા પણ ખૂબજ ઉત્સાહમાં આવી ગયાં અને લલિતાબાની જેમજ પ્રબોધનીના ઉત્સવની સામગ્રી ભેળી કરવા લાગ્યાં.૮

આ બાજુ ભગવાન શ્રીહરિ સંતોને તથા દેશાંતરવાસી સર્વે ભક્તજનોને કહ્યું કે, હે સંતો ! હે હરિભક્તો ! તમે સર્વે કાર્તિકી પૂનમ સુધી અહીં દુર્ગપુરમાંજ નિવાસ કરીને રહો.૯

તેમજ તમારામાંથી જે કાચું અન્ન ગ્રહણ કરનારા બ્રાહ્મણો હોય તે સર્વે ઉત્તમરાજાના રાજકોષમાંથી જેમ પૂર્વે લેતા હતા તેમ જ લેજો.૧૦

અને જે રાંધેલું અન્ન જમનારા ભક્તજનો હોય તે ઉત્તમરાજાના ભવનમાં તેર દિવસ સુધી સમયે સમયે ભોજન લેશો.૧૧

આ પ્રમાણે ભગવાન શ્રીહરિની આજ્ઞા થવાથી સર્વે સંતો-ભક્તો અને બ્રાહ્મણો વચન પ્રમાણે વર્તવા લાગ્યા અને ઉત્તમરાજા દ્વારા અતિશય સત્કાર પામી સુખપૂર્વક ગઢપુરમાં જ નિવાસ કરીને રહ્યા.૧૨

અને ઉત્તમરાજા પ્રતિદિન મુનિજનો તેમજ ભક્તજનોને ખૂબજ ઘી સાકર યુક્ત ભોજનો પ્રેમપૂર્વક ઇચ્છાનુસાર જમાડી તૃપ્ત કરવા લાગ્યા.૧૩

તે સમયે શ્રીહરિએ પણ ઉત્તમરાજાની બહુ સંભાવના કરી સત્કાર્યા અને રાજભવનમાં જયાબા દ્વારા પ્રબોધનીના ઉત્સવ નિમિત્તે વિવિધ પકવાન્નો તૈયાર કરાવા લાગ્યા.૧૪

હે રાજન્ ! રમાબા તથા લલિતાબા આદિક પૂર્વોક્ત અનેક સ્ત્રીભક્તજનો પણ નિર્માની થઇ આ પ્રબોધનીના ઉત્સવ નિમિત્તે અતિશય આદરપૂર્વક અન્નકૂટના ઉત્સવની જેમ જ પક્વાન્નો તૈયાર કરવામાં તત્પર થયાં.૧૫

તેમજ ભગવાન શ્રીહરિને વિષે સર્વોત્તમ ભક્તિભાવને પામેલાં જયાબા પણ લલિતાબાની જેમજ કાર્તિકસુદ તૃતીયાથી આરંભીને પ્રબોધની ઉત્સવમાટે સેવા કાર્યમાં તત્પર થયાં.૧૬

તેમજ પ્રભાશંકર આદિ સર્વે બ્રાહ્મણો અને ગંગામા આદિ બ્રાહ્મણ પત્નીઓ પણ અતિશય આદરપૂર્વક અન્નકૂટના ઉત્સવની માફક જ પકવાન્નો તૈયાર કરવાની સેવામાં લાગ્યાં.૧૭

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ પણ કેડ સંઘાથે દઢ કછોટો બાંધી પ્રબોધનીના ઉત્સવને માટે નિત્યે પકવાન્નો તૈયાર કરાવતા લલિતાબાની જેમ હવે જયાબાને પણ ખૂબજ આનંદ આપવા લાગ્યા.૧૮

તે સમયે ઉદાર બુદ્ધિવાળા ઉત્તમરાજા પણ શ્રીહરિની આજ્ઞાથી જયાબા દ્વારા ઉત્સવ ઉપર મહાદાન કરવાને માટે ઉપયોગી વસ્તુ સામગ્રી લાવવાની સેવા કરવા લાગ્યા. ૧૯

અને ભગવાન શ્રીહરિ પણ પ્રતિદિન સત્સંગ સભામાં અનેક પ્રકારની પ્રશ્નોત્તરીથી સર્વે સંતો-ભક્તોને નિઃસંશય કરી આનંદિત કરવા લાગ્યા.૨૦

હે રાજન્ ! કાર્તિક સુદ તૃતીયાની રાત્રીના પ્રથમ પ્રહરમાં ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવનારાયણની આરતી કરી નારાયણ ધૂન્ય આદિ નામ સંકીર્તન કરી સભામાં ઊંચા સિંહાસન પર વિરાજમાન થઇ પોતાના સંતો-ભક્તો પ્રત્યે કહેવા લાગ્યા.૨૧

કે હે ભક્તજનો ! જે ભક્તજનના અંતરમાં જે કાંઇ પણ મને પૂછવાની ઇચ્છા હોય તે પૂછો, કારણ કે, નિઃસંશયપણે ભક્તિ તેમજ ધર્મનું આચરણ કરવામાં આવે તો યથાર્થ ફળની પ્રાપ્તિ થાય છે.૨૨

હે રાજન્ ! તે સમયે પોતાના વંશે સહિત ભાગવતધર્મની પોતાના હૃદયમાં વૃદ્ધિ કરવા ઇચ્છતા સભામાં ઉપસ્થિત પંચાળાના હેમંત-સિંહરાજા વિનયપૂર્વક ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને પૂછવા લાગ્યા ૨૩

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવ પર્યંત સંતો-ભક્તોને દુર્ગપુરમાંજ નિવાસ કરવાની આજ્ઞા આપી તેનું નિરૂપણ કર્યું એ નામે ત્રેવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૩--