અધ્યાય - ૫૩ - ભગવાન શ્રીહરિના સાંનિધ્યમાં મોટી સભાનું આયોજન, ગાયકો દ્વારા ગાયન કળાનું દર્શન અને ગુજરાતના ભક્તજનોએ કરેલી ભગવાન શ્રીહરિની પૂજા.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:09pm

અધ્યાય - ૫૩ - ભગવાન શ્રીહરિના સાંનિધ્યમાં મોટી સભાનું આયોજન, ગાયકો દ્વારા ગાયન કળાનું દર્શન અને ગુજરાતના ભક્તજનોએ કરેલી ભગવાન શ્રીહરિની પૂજા.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિ જ્યારે ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા ત્યારે સર્વત્ર એકજ પ્રકારનો જયજયકારનો મોટો ધ્વનિ થવા લાગ્યો અને ભક્તજનો શ્રીહરિને પ્રથમ દંડવત્ પ્રણામ કરી ચરકમળનો સ્પર્શ કરવા લાગ્યા.૧

સર્વે ભક્તજનોને શ્રીહરિએ એક મુહૂર્ત પર્યંત દર્શન આપ્યાં, પછી હાથની મુદ્રાથી સૌને બેસાડયા.૨

સર્વે ભક્તજનો તથા સ્ત્રીઓ અને સંતો પણ શ્રીહરિના મુખકમળનું દર્શન કરતાં કરતાં તેમની સમીપે જ સૌ સૌની મર્યાદા અનુસાર યથાયોગ્ય સ્થાને બેસવા લાગ્યા.૩

હે રાજન્ ! તે સર્વે જનોની મધ્યે જ્ઞાન અને તપથી વૃદ્ધ સંતો હતા તે ભગવાન શ્રીહરિની જમણી બાજુ બેઠા અને તેની પાછળ બીજા સંતો બેઠા.૪

અને સંતોને વીંટાઇને અર્ધાચંદ્રાકારે લાખો હરિભક્તો બેઠા. તેમાં પણ જે વૃદ્ધ ગૃહસ્થો હતા તે આગળ બેઠા અને યુવાનો મધ્યે તથા કિશોરો તેની પાછળ બેઠા. આ પ્રમાણે મર્યાદાપૂર્વક સર્વ ભક્તજનો બેઠા.૫-૬

એજ રીતે સંઘમાં આવેલી સ્ત્રીઓ પણ પુરુષોનો સ્પર્શ ન થાય તે રીતે શ્રીહરિની સમીપે ડાબી બાજુએ અર્ધચંદ્રાકારે બેઠી.૭

તેમાં વૃદ્ધાઓ આગળ, યુવતીઓ મધ્યે અને કિશોરીઓ પાછળના ભાગે બેઠી. આ પ્રમાણે મર્યાદાપૂર્વક સ્ત્રીભક્તજનો શ્રીહરિની સમીપે બેઠી. તથા સોમલાખાચર આદિ પાર્ષદો શ્રીહરિની બન્ને બાજુ ઊભા રહ્યા.૮

પૂજા કરવા આવતા ભક્તજનો માટે શ્રીહરિની સામે બન્ને સભાના મધ્યભાગમાં એક ધનુષ્ય જેટલી પહોળી રસ્તાના રૂપમાં શ્રીહરિએ જગ્યા રખાવી.૯

પછી રામપ્રતાપભાઇ અને ઇચ્છારામભાઇ પણ સભામાં પધાર્યા, તેમનું મુક્તાનંદાદિ સંતો તથા મયારામ ભટ્ટ આદિ ભક્તજનોએ સન્માન કર્યું અને શ્રીહરિની સમીપે આગળના ભાગમાં બિરાજમાન કર્યા.૧૦

હે રાજન્ આ રીતે સર્વે સભાસદો જ્યારે સભામાં બેસી ગયા ત્યારે પ્રેમાનંદ સ્વામી આદિ ગાયક સંતોએ પોતપોતાનાં વીણા આદિ વાજિંત્રો તાલમાં સજ્જ કર્યાં.૧૧

તેમાં વિપંચિકા, મૃદંગ, ઝાંઝ, કાંસા અને તાલ વગેરે વાજિંત્રોને સ્વરના આલાપ સાથે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિ સંતોએ રચેલાં પદોનું એક મુહૂર્ત પર્યંત ગાન કર્યું. પછી સર્વના મનના અભિપ્રાયને જાણતા શ્રીહરિ ગાયકવૃંદને વિશ્રાંતિ લેવાની આજ્ઞા કરી અને દેશાંતરવાસી ભક્તજનોને ગાન કરવાનો આદેશ કર્યો. તેમનું ચતુરાઇપૂર્વકનું ગાન સાંભળીને ગાયકોની શ્રીહરિએ ખૂબજ પ્રશંસા કરી.૧૨-૧૪

પછી તેમને શાંત કરી તાસાં આદિક વાજિત્રોને સજ્જ કરી રહેલાવાદકોને હાથના ઇશારાથી વગાડવાનો આદેશ કર્યો.૧૫

તે સમયે સર્વે વાદકજનો અતિશય ઉત્સાહમાં આવી પોતપોતાનાં વાજિંત્રો વગાડવા લાગ્યા. શ્રીહરિ તેની ચતુરાઇ નિહાળીને ખૂબજ પ્રશંસા કરી.૧૬

અતિશય પ્રસન્ન થયેલા શ્રીહરિ સૌ સૌને અનુરૂપ વસ્ત્રો આપી રાજી કર્યા. પછી સિંહાસન ઉપરથી ઊભા થઇ સામે નજર કરી તો સમગ્ર ભૂમિ ઉપર મનુષ્યો જ જોવામાં આવ્યાં.૧૭

જે મનુષ્યો શ્રીહરિનું પૂજન કરવા પાત્રો લઇને ઊભા હતા તેઓના અંતરમાં શ્રીહરિની પૂજા કરવાનો અતિશય ઉત્સાહ હતો તેને ભગવાને અંતર્યામીપણે જાણ્યો.૧૮

તેથી ભક્તપ્રિય અને દયાનિધિ એવા ભગવાન શ્રીહરિ તેમનો મનોરથ પુર્ણ કરવા મેઘ સરખી ગંભીરવાણીથી જનો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! એક એક ગામના મનુષ્યો એક સાથે ભેળા મળીને પૂજા કરવા આવો.૧૯-૨૦

શ્રીહરિએ સર્વેને સૂચના આપી કે, પૂજામાં કોઇ સમૂહે વિલંબ કરવો નહિ, અને એક સમુદાય પૂજા કરીને પોતાના સ્થાને બેસી જાય પછી બીજા સમૂહે આવવું.૨૧

તે સાંભળી ભક્તજનો કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! તમે જેમ કહ્યું છે તેમજ અમે સૌ કરીશું, એમ કહી શ્રીહરિની આજ્ઞા મસ્તક ઉપર ચડાવી સૌ પૂજન કરવા લાગ્યા ૨૨

પૂજન કરનારા જનોની મધ્યે પ્રથમ શરીરમાં અલ્પ સામર્થીવાળા ગુજરાત પ્રદેશના હરિભક્તો હતા તે કોલાહલ કરતા કરતા ગામગામના સમૂહમાં સાથે મળી પૂજા કરવા આવ્યા,.૨૩

આદરપૂર્વક સુંદર વસ્ત્રો, ચંદન પુષ્પના હારો અને સુવર્ણના મણિજડેલા અનેક અલંકારો શ્રીહરિને અર્પણ કર્યાં અને અનેક ઉપહારોની ભેટ ધરી.૨૪-૨૫

તે કોલાહલ કરતા હોવાથી શ્રીહરિએ નાસિકાના અગ્રભાગ ઉપર જમણા હાથની તર્જની આંગળી રાખીને શાંત કર્યા. ને પૂજાની સમાપ્તિ થતાં તેઓને વિદાય કર્યા.૨૬

તેણે શ્રીહરિની આગળ પતાસાં, પેંડા અને ફળોના પર્વતની સમાન ઢગલાઓ કર્યા, અને તેમની સ્ત્રીઓ પણ અધિક સ્નેહને કારણે ફળ, પુષ્પોના હારો, અને વસ્ત્રાલંકારોથી શ્રીહરિની પૂજા કરીને વિદાય થઇ.૨૭-૨૮

હે રાજન્ ! શ્રીહરિ સ્વયં પૂર્ણકામ હોવા છતાં ભક્તજનોને રાજી કરવા માટે તેમના ઉપર પરમ કરુણા કરી, તેમણે અર્પણ કરેલાં આભૂષણો વગેરેનો સ્વીકાર કરતા હતા.૨૯

તે સમયે શ્રીહરિની સેવામાં તત્પર નિહારચંદ નામના દરજીભક્ત અન્ય ભક્તોએ લાવેલાં અંગરખાં, જામા આદિકને તત્કાળ ધારણ કરવા યોગ્ય બનાવી ધારણ કરાવતા હતા.૨૯-૩૦

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલદોલોત્સવ પ્રસંગે ગુજરાતના હરિભક્તોએ શ્રીહરિનું પૂજન કર્યું નામે ત્રેપનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૩--