અધ્યાય - ૫૯ - ભગવાન શ્રીહરિએ સંતો, ભક્તો અને સ્ત્રીઓને શાસ્ત્રોની મર્યાદા પાલન કરવાનો ઉપદેશ કર્યો.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:15pm

અધ્યાય - ૫૯ - ભગવાન શ્રીહરિએ સંતો, ભક્તો અને સ્ત્રીઓને શાસ્ત્રોની મર્યાદા પાલન કરવાનો ઉપદેશ કર્યો.

શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! તમે સર્વે મારૂં વચન સાંભળો, હું તમારા સર્વેનું હિત થાય તેવી વાત કરું છું. તે શું ? તો મારા આશ્રિત સર્વે જનોએ ક્યારેય પણ સત્શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ.૧

ત્યાગીઓ, ગૃહસ્થ પુરુષો અને સ્ત્રીઓએ પોતપોતાના ધર્મમર્યાદામાં રહી સત્શાસ્ત્રોક્ત લક્ષણવાળા સંતોનો સમાગમ નિત્યે કરવો.૨

કારણ કે, આ ઘોર કળિયુગમાં જીવોને સંસૃતિના બંધનમાંથી મુક્ત કરવામાં નિર્મળ અંતઃકરણવાળા સંતોજ સમર્થ છે.૩

સાધુ અને અસાધુને વિષે રહેલા બન્નેનાં જુદાં જુદં લક્ષણો સત્શાસ્ત્રને અનુસારે પોતાની બુદ્ધિથી જાણવાં, અને પછી સંતલક્ષણે યુક્ત સાધુપુરુષોનું સેવન કરવું.૪

કારણ કે, આ પૃથ્વી પર સત્પુરુષોના વેષ માત્રથી સ્વેચ્છાચારી અનેક પુરુષો મનુષ્યોને છેતરે છે. અને અમે જ સાચા સાધુ છીએ એમ કહીને ઉપરથી સ્ત્રી, દ્રવ્યની ખૂબજ નિંદા કરે છે, પરંતુ બીજા ન જાણે તેમ તેનો સંસર્ગ પણ રાખે છે. તેવા સાધુની પણ લક્ષણોથી પરીક્ષા કરીને, જાણ્યા પછી મુમુક્ષુઓએ દૂરથી જ તેનો ત્યાગ કરવો.૫

ત્યાગ કરવા યોગ્ય અસાધુનાં લક્ષણો :- હે ભક્તજનો ! સ્ત્રી, ધન, અને રસાસ્વાદમાં આસક્ત વર્તતા, તેમજ તેને માટે જ મનુષ્યોને છેતરવા બાહ્ય સાધુતાના વેષને ધરી રહેલા અસાધુઓને મૂર્તિમાન કળિયુગ જાણવા.૬

સ્ત્રીના ઉપભોગમાં લંપટ અને તેથી જ સ્ત્રીક્રીડામૃગ જેવા મૂઢ અને દેહાભિમાની એવા અસાધુ પુરુષોનો સંગ ક્યારેય પણ ન કરવો.૭

સ્ત્રીલંપટ પુરુષના પ્રસંગથી પુરુષને જેવું બંધન અને મોહ થાય છે તેવો બીજા કોઈના પ્રસંગથી થતો નથી, તે તમે નક્કી જાણો.૮

આવા સ્ત્રીલંપટ અસાધુના પ્રસંગથી જીવના અંતરમાંથી મુમુક્ષુતાનો અંકુર જ વિનાશ પામે છે. આવા અસાધુઓ કળિયુગમાં બહુ હોય છે.૯

હે ભક્તજનો ! ઉપર કહેલા અસાધુના સંગથી મુમુક્ષુતાનો અંકુર નાશ પામ્યા પછી જીવને નરકની પ્રાપ્તિ રૂપ સ્ત્રી, દ્રવ્ય અને પ્રાણિવધરૂપ હિંસા, આ ત્રણ પ્રકારના દોષમાં પ્રવૃત્તિ થાય છે, એમાં કાંઇ સંશય નથી.૧૦

મનુષ્યો સ્વભાવિક રીતે પ્રથમથી જ આ ત્રણ દોષમાં આસક્ત હોય જ છે, તેમાં પણ જો આવા પ્રકારના અસાધુનો પ્રસંગ થાય તો વધુ આસક્ત થાય છે.૧૧

હે ભક્તજનો ! આવા પ્રકારના સાધુના વેષમાં રહેલા અસાધુઓ અને તેના શિષ્યો દેહના અંતે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી કુંભીપાક નરકમાં રંધાય છે.૧૨

આ બાબત હું જે તમને કહી રહ્યો છું તે શ્રીમદ્ ભાગવતના તૃતીય સ્કંધના એકત્રીસમા અધ્યાયમાં સ્વયં કપિલ ભગવાને માતા દેવહૂતિ પ્રત્યે યથાર્થ કહી છે. તેમજ આપણા ઇષ્ટદેવ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને પણ શ્રીમદ્ ભાગવતના અગીયારમા સ્કંધના છવીસમા અધ્યાયમાં પોતાના પરમ ભક્ત ઉદ્ધવજી પ્રત્યે સ્પષ્ટપણે વિસ્તારથી કહેલી છે.૧૩

એટલાજ માટે મારા આશ્રિત સર્વે ભક્તજનોએ ક્યારેય પણ અસાધુનો સંગ ન કરવો. હવે તમને હું મુમુક્ષુઓને સેવવા યોગ્ય સાચા સાધુનાં લક્ષણો કહું છું.૧૪

સંગ કરવા યોગ્ય સાધુનાં લક્ષણ :- હે ભક્તજનો ! જે સાધુઓ અષ્ટપ્રકારે સ્ત્રીના સંગનો ત્યાગ કરી જીવન પર્યંત દૃઢ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતા હોય, ધનમાત્રનો સંસર્ગ છોડી દીધો હોય, અર્થાત્ દ્રવ્યનો સંગ્રહ પોતે કરે નહીં અને બીજા પાસે કરાવે પણ નહીં.૧૫

કેફ કરનારી વસ્તુનું ક્યારેય પણ સેવન કરતા ન હોય, રસના ઇંદ્રિયને જીતીને વશ કરી રસાસ્વાદનો ત્યાગ કર્યો હોય.૧૬

જે સાધુઓ કાયા, મન, વાણીથી પોતાનો કે પારકાનો દ્રોહ ન કરતા હોય, જીતેન્દ્રિય હોય, ક્રોધ ઉપર વિજય મેળવ્યો હોય, જેનું ચિત્ત નિર્વાસનિક થયું હોય.૧૭

જેને દેહ તથા દેહના સંબંધીમાં કે કોઇપણ પ્રકારના પદાર્થમાં સ્નેહ ન હોય, જુગાર આદિ કોઇ પ્રકારનાં વ્યસનો જેનામાં ન હોય અને પ્રગટ શ્રીકૃષ્ણ ભગવાનના આશ્રિત હોય તેને મેં સાચા સાધુઓ માનેલા છે.૧૮

જે સાધુઓ માર્ગ પહોળો હોય તો સ્ત્રીમાત્ર થકી ચાર હાથ દૂર ચાલે, તેમજ ઋષભદેવ ભગવાનના પુત્ર જડભરતજીની જેમ સદાય નિર્માનીપણે વર્તતા હોય, તે સાચા સાધુ કહેલા છે.૧૯

જે સાધુઓ પ્રમાદથી પણ પોતાના ધર્મનિયમમાં કોઇ ભંગ થાય તો, શાસ્ત્રોક્ત પ્રકારે પ્રાયશ્ચિત કરતા હોય.૨૦

સાધુની જોડ વિના ક્યારેય પણ કોઇ સ્થળે એકલા જતા ન હોય, તે પૃથ્વીપર સાચા સાધુઓ માનેલા છે.૨૧

શ્રીકૃષ્ણ ભગવાનની શ્રવણાદિક ભક્તિ વિના એક ક્ષણ પણ વ્યર્થ જવા દેતા ન હોય, તેને મેં સાચા સાધુ માનેલા છે.૨૨

હે ભક્તજનો ! ભવપાશથી મુક્ત થવા ઇચ્છતા મુમુક્ષુ પુરુષોએ આવા પ્રકારનાં લક્ષણોથી યુક્ત સંતો હોય તેમનો જ સમાગમ કરવો.૨૩

આ લોકમાં આવા સાધુતાનાં લક્ષણોથી રહિત હોય અને સ્વેચ્છાચારી હોય, તેનો વેષ ભલે સાચા સાધુ જેવો હોય પણ શ્વપચાદિકની જેમ ત્યાગ કરવો.૨૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આવા પ્રકારનું ભગવાન શ્રીહરિનું વચન સાંભળી નિસાસા નાખતી સ્ત્રીભક્તજનો પોતાના હિતને માટે ભગવાન શ્રીહરિને પૂછવા, વિચક્ષણ એવા પોતાના સંબંધીજન પુરુષોને મોકલ્યા.૨૫

હે રાજન્ ! પોતાની સંબંધી નારીઓના નેત્રોની શાન અને હાથની ચેષ્ટાથી તેઓના અભિપ્રાયને જાણી ગયેલા અને પ્રશ્ન પૂછવામાં વિચક્ષણ પુરુષો સ્ત્રીભક્તો વતી પૂછવા લાગ્યા કે, હે સર્વના આરાધ્ય ! હે પ્રભુ ! હે સ્વામિન્ ! તમે સાધુતા અને અસાધુતાના લક્ષણોનું વિવેચન અમારી આગળ સારી રીતે કર્યું. સત્-અસત્નો વિવેક મુમુક્ષુઓએ અવશ્ય જાણી રાખવો જોઇએ.૨૬-૨૭

પરંતુ હે સંતોના સ્વામી ! તમે સ્ત્રી અને દ્રવ્યના સંસર્ગનો ત્યાગ મુક્ત સ્થિતિને પામેલા અને મુમુક્ષુ સંતો માટે એક સરખો કહ્યો, તે બાબતમાં સ્ત્રીઓની પ્રેરણાથી અમારે તમને કાંઇક પૂછવું છે, તે સાંભળી તેનો યોગ્ય ઉત્તર અમને આપવાની અત્યારે કૃપા કરજો.૨૮-૨૯

હે ભગવાન્ ! આલોકમાં મુમુક્ષુ તેમજ મુક્ત આ બે પ્રકારના સાધુ રહેલા છે. તેમાં મુક્ત સંતો સિદ્ધ દશાને પામ્યા હોય છે. જ્યારે મુમુક્ષુ સંતો સાધન દશાવાળા હોય છે.૩૦

તે બન્ને પ્રકારના સંતમાં પરસ્પર મહાન અંતર રહેલું છે. બન્નેના નિયમમાં એક સમાનતા રાખવી કેટલી યોગ્ય છે ?૩૧

કારણ કે, હે પ્રભુ ! મુમુક્ષુ સાધુઓને સ્ત્રીનો પ્રસંગ બંધન કર્તા થાય છે એ નિશ્ચિત વાત છે. મુમુક્ષુ સંતોને કામાદિક દોષોનો સારી રીતે નાશ થયો ન હોવાથી સ્ત્રી દ્રવ્યનો ત્યાગ કરવો એ યોગ્ય છે.૩૨

પરંતુ આ લોકમાં જે સંતો આત્મા અને પરમાત્માના યથાર્થ જ્ઞાનવાળા હોય, તેમ જ જેણે પ્રાણ, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને જીતીને વશ કર્યાં હોય, તેમજ પોતાના શરીરમાં પણ સ્વતંત્રપણે રહેતા હોય, અર્થાત્ શરીરમાં રહેવા છતાં તેને દેહ, ઇન્દ્રિયો, મન અને પ્રાણનું કોઇ બંધન ન હોય.૩૩

વળી બ્રહ્મસ્વરૂપ પોતાના આત્માને સમાધિમાં લીન કરીને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીનારાયણ એવા તમારી સાક્ષાત્ પણે ઉપાસના, ભજન, ભક્તિ કરતા હોય.૩૪

તેમજ પ્રત્યેક મેષોન્મેષમાં નિરંતર સાક્ષાત્ નારાયણ એવા તમારૂં જ દર્શન કરતા હોય, એવા પ્રકારના જે સંતો છે, તે સંસારમાંથી તારનારા મુક્ત પુરુષો કહેલા છે.૩૫

હે ભગવાન્ ! આવા પ્રકારના મુક્ત સંતોને સ્ત્રીઓની આગળ બેસી તમારાં ગુણ ચરિત્રોનું ગાન કરવાદિકમાં કયો દોષ રહેલો છે ? અમને તો કોઇ દોષ જણાતો નથી, કારણ કે, તે મુક્ત સંતોને મન, સ્ત્રી અને પુરુષો બન્ને સરખા પણે ત્યાગ કરવા યોગ્ય હોય છે.૩૬

હે પ્રભુ ! બ્રહ્મનિષ્ઠ મુક્ત સંતપુરુષોએ પોતાના સંકલ્પ અનુસાર કરેલું આચરણ દોષરૂપ થતું નથી. આ પ્રકારે કેટલાક વિદ્વાનો પણ કહે છે.૩૭

આવા બ્રહ્મસ્થિતિને પામેલા મુક્ત સંત પુરુષોને સ્ત્રીઓના અંગ સ્પર્શથી પણ દોષ લાગતો નથી, તો પછી સ્ત્રીની સાથે બોલવામાં કયો દોષ લાગે ? કોઇ દોષ ન લાગે.૩૮

કારણ કે, હે સ્વામિન્ ! બ્રહ્મનિષ્ઠ મુક્ત સંતો તો ઝળહળતા અગ્નિ સમાન કહેલા છે. તેથી આલોકમાં જે જનો તેવા મુક્ત સંતોનો સમાગમ કરે છે. તે જનો પણ તે સંતની સમાન જ મુક્તભાવને પામી જાય છે, તે નિશ્ચે છે.૩૯

તો પછી હે પ્રભુ ! આલોકમાં ધનુષમાત્ર દૂર બેસી સ્ત્રીઓની આગળ ભગવાન શ્રીકૃષ્ણનાં ગુણ ચરિત્રોની કથા-કીર્તન કરવામાં તે મુક્ત સંતોને કયો દોષ લાગે ? અમારા મને તો કોઇ દોષ લાગતો નથી.૪૦

હાં . . . જો તેવા મુક્ત સંતો સ્ત્રીઓની આગળ ભગવાનનાં ગુણ ચરિત્રોની કથા વાર્તા ન કરે, અથવા અધર્મ માર્ગથી સ્ત્રીઓની રક્ષા કરવાની પ્રવૃત્તિ ન કરે, તો સ્ત્રીઓની ગતિ શું થાય ? કઇ રીતે સ્ત્રીઓનો આ સંસારમાંથી ઉદ્ધાર થાય ?.૪૧

હે સંતોના શ્યામ ! હે પ્રભુ ! સાધન દશાવાળા મુમુક્ષુ સંતો પોતાના વ્રતનો ભંગ થઇ જવાના ભયે સ્ત્રીઓની આગળ ભગવાનની કથા વાર્તા ન કરે એ નિયમ યોગ્ય છે.૪૨

તેમજ જે સ્ત્રી લંપટ અને ઉપરથી માત્ર સાધુતાનો વેષ ધારણ કરનાર સાધુપુરુષો આ પૃથ્વી પર એકલા ફરે જ છે. અને સ્ત્રીઓની આગળ સ્વેચ્છાએ વાતો પણ કરે છે.૪૩

હે પ્રભુ ! તમારાં આશ્રિત સ્ત્રી ભક્તજનો એવા સંતોના મુખે ક્યારેય પણ ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરતાં જ નથી. કારણ કે, તેઓ એકલા ફરતા સાધુઓને સ્ત્રીલંપટ તેમજ ધૂર્ત પુરુષો જાણે છે.૪૪

હે પ્રભુ ! માટે સ્ત્રીઓ ઉપર કૃપા કરીને કૃષ્ણ એવા તમારી ભક્તિની વૃદ્ધિ થાય તે માટે સ્ત્રી આગળ કથા વાર્તા કરવાની મુક્ત સ્થિતિને પામેલા સંતોને આજ્ઞા કરો.૪૫

હે શ્રીહરિ ! તમે જે અત્યારે સાચા સાધુનાં લક્ષણો કહ્યાં, તેમાં અષ્ટપ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાનું જે કહ્યું, તેમાં મુક્ત સંતોને માટે સ્ત્રીઓ આગળ બોલવાની છૂટ આપી સાત પ્રકારનું બ્રહ્મચર્યનો નિયમ કરો.૪૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે હરિભક્તોએ સ્ત્રીઓના કલ્યાણને માટે પ્રાર્થના કરી, ત્યારે ધર્મના રહસ્યને જાણતા ભગવાન શ્રીહરિ હરિભક્તોનાં સત્શાસ્ત્ર વિરૂદ્ધ વચનો સાંભળી હસવા લાગ્યા, ને ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા.૪૭

શ્રીનારાયણ મુનિ કહે છે, હે સંતો, ભક્તજનો, તથા બહેનો ! તમે સર્વે મારૂં વચન સાંભળો, જે પ્રકારે સ્ત્રીઓનું કલ્યાણ થાય તેવો ઉપાય હું તમને કહું છું.૪૮

શ્રીકૃષ્ણ ભગવાનની આશ્રિત સ્ત્રીઓને માટે અત્યંત હિતકારક હોવા છતાં તે શ્રીકૃષ્ણ ભગવાનની કથા વાર્તા જેવી રીતે કુસંગી પુરુષોના મુખે ક્યારેય પણ સાંભળવી નહિ.૪૯

તેવી જ રીતે મુક્ત પુરુષોના મુખ થકી પણ મારી આશ્રિત નારીએ અન્ય પુરુષોના સાંનિધ્ય વિના કેવળ એકલા સ્વતંત્ર પણે ક્યારેય પણ સાંભળવી નહિ.૫૦

જે મુક્ત સાધુ છે, તે પણ જો કેવળ સ્ત્રીઓની આગળજ ભગવાનનાં ગુણ-ચરિત્રોની કથા વાર્તા કરે તો તે મુક્ત સાધુ તે જ ક્ષણે ત્યાગીના ધર્મથકી ભ્રષ્ટ થાય છે. તેમાં કોઇ સંશય નથી.૫૧

હવે ભ્રષ્ટ થયેલા સાધુના મુખ થકી જે સ્ત્રી કથા-વાર્તા સાંભળે, તે પણ પોતાના ધર્મથકી ભ્રષ્ટ થાય છે. અને અધમગતિને પામે છે.૫૨

આ રીતે સ્ત્રી અને મુક્ત સાધુ બન્નેને મહાપાપ લાગતું હોવાથી બન્નેને અનિવાર્ય અનર્થની પ્રાપ્તિ થાય છે. એમ ઉદ્ધવાવતાર સદ્ગુરૂ રામાનંદ સ્વામીએ પૂર્વે મને કહેલું છે.૫૩

હે ભક્તજનો ! મેં કહેલી આ વાત એમ જ છે તેમાં કોઇ સંશય નથી. કારણ કે, પુરુષોની બુદ્ધિને ભ્રષ્ટ કરનારું કોઇ કારણ હોય તો સ્ત્રી છે, અને સ્ત્રીની બુદ્ધિને ભ્રષ્ટ કરનારું કોઇ કારણ હોય તો પુરુષ છે.૫૪

પૂર્વે ઘણા બધા મુક્ત પુરુષો અને ઘણી મુક્ત નારીઓ પણ પરસ્પરના પ્રસંગથી પોતપોતાના ધર્મથકી ભ્રષ્ટ થઇ અધોગતિને પામેલ છે.૫૫

ગમે તેવી મુક્ત સ્થિતિને પામ્યો હોય છતાં પુરુષે સ્ત્રીનો પ્રસંગ તો ક્યારેય ન કરવો. આ સંદર્ભમાં શ્રીમદ્ ભાગવતના કેટલાક શ્લોકો તમને સંભળાવું છું.૫૬

તૃતીય સ્કંધમાં કપિલ ભગવાનનું વચન છે કે, યોગના પરં પારને પામેલા અને ભક્તિની અતિશય સિદ્ધિને ઇચ્છતા મુમુક્ષુ પુરુષોએ, તેમજ મારી ઉપાસના કરી બ્રહ્મભાવને પામેલા મુક્ત પુરુષોએ પણ ક્યારેય સ્ત્રીઓનો પ્રસંગ ન કરવો. કારણ કે પ્રમદા બન્ને પ્રકારના પુરુષોને માટે નરક પ્રાપ્તિના દ્વારભૂત છે.૫૭

અગિયારમા સ્કંધમાં દત્તાત્રેય ભગવાનનું વચન છે કે, માયા રચિત સ્ત્રી, સુવર્ણ, આભરણ, વસ્ત્ર આદિ પદાર્થોમાં ઉપભોગ પણાની બુદ્ધિથી મોહ પામેલા મનવાળા, તેથી જ મૂઢ તેમજ નષ્ટ પામેલ દૃષ્ટિ વાળા અજ્ઞાની પુરુષો પતંગિયાની જેમ જ સ્ત્રી આદિમાં વિનાશ પામે છે.૫૮

નવમા સ્કંધમાં યયાતિ રાજાનું વચન છે કે, માતા, બહેન તેમજ પુત્રીની સાથે પણ એકાંતમાં વાસ ન કરવો. કારણ કે બળવાન ઇંદ્રિયોનો સમૂહ વિદ્વાન પુરુષોને પણ આકર્ષે છે. તો પછી બીજી યુવતીઓનો પ્રસંગ કેમ કરાય ? ન જ કરાય.૫૯

હે ભક્તજનો ! આ પ્રમાણે શ્રીમદ્ભાગવતનાં પ્રમાણ વચનો છે. તેથી મુક્ત પુરુષે પણ જીતેલા મનનો વિશ્વાસ કરીને ક્યારેય પણ સ્ત્રીનો પ્રસંગ ન કરવો. તેમજ મુક્તભાવને પામેલી અબળાઓ પણ પોતાના જીતેલા મનનો વિશ્વાસ કરીને પુરુષમાત્રનો પ્રસંગ ક્યારેય પણ ન કરવો.૬૦

મારી આજ્ઞાથી સ્ત્રીનો પ્રસંગ ઉદ્ભવતો હોય તો મારી આજ્ઞા પણ મુક્ત પુરુષોએ સ્વીકારવી નહીં. અને મારી આજ્ઞાથી સ્ત્રીઓને પુરુષનો પ્રસંગ ઉદ્ભવે તેવી આજ્ઞા મુક્ત સ્ત્રીઓએ પણ ન માનવી.૬૧

હે ભક્તજનો ! મુક્ત પુરુષો પ્રજ્જવલિત અગ્નિ જેવા છે. તેથી સ્ત્રીઓને તેમનો પ્રસંગ મુક્ત ભાવને પમાડે છે એમ જે તમે કહ્યું, તે તમારું વચન સત્પુરુષોના આચરણથી વિરૂદ્ધ છે. અને લોકવ્યવહારમાં તેમજ સર્વે વેદાદિ શાસ્ત્રોમાં પણ નિંદિત છે. તમારૂં આ વચન મહાપુરુષોને ક્યારેય પણ માન્ય નથી.૬૨-૬૩

એવું જે વચન છે તે તો કેવળ એક શ્રીકૃષ્ણ ભગવાનને વિષે જ સંભવે તેમ છે. પરંતુ શ્રીકૃષ્ણ ભગવાન વિના કોઇ પણ જીવ કે ઇશ્વરે વૈદિક મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, તે સર્વે જીવો અદ્યાપિ સુધી લોકમાં અને વેદમાં નિંદાને પાત્ર થયા છે.૬૪-૬૫

હે ભક્તજનો ! જગતના પિતા બ્રહ્માજી, આખા વિશ્વનો સંહાર કરનારા શિવજી, વરસાદ વરસાવી ત્રિલોકીનું પાલન કરનારા ઇન્દ્ર, ઔષધિઓનો અધિપતિ ચંદ્ર, સમગ્ર દેવતાઓના ગુરુ બૃહસ્પતિ આદિ અનેક કામદોષરૂપ શત્રુને વશ થઇ વૈદિક મર્યાદાનું ઉલ્લંઘન કરીને નિંદાને પાત્ર થયા છે.૬૬

તેથી તમે કહેલો સ્ત્રીઓની સાથે સંતપુરુષોને બોલવાનો સંબંધ ન રહે એ જ યોગ્ય છે. કારણ કે, સ્ત્રીનાં દર્શન માત્રથી સિધ્ધગતિને પામેલા મુક્ત પુરુષોનું પણ પતન થાય છે.૬૭

''સંતોને સ્વૈચ્છિક આચરણ દોષ માટે કલ્પાતું નથી'' એમ જે મનુષ્યો કહે છે, તે મહાપાતકી છે એમ જાણવું.૬૮

તેથી મુક્ત પુરુષોને પણ સ્વૈચ્છિક આચરણ કરવાની છૂટ છે, એમ ક્યારેય પણ માનવું નહિ. કારણ કે મુક્ત પુરુષો જ ધર્મના રક્ષક છે, તે છૂટછાટ લે તે કેમ ચાલે ?.૬૯

હે ભક્તજનો ! ભક્તિ તેમજ આત્મનિષ્ઠાને પામવા છતાં મુક્ત પુરુષો વનિતાના પ્રસંગથી ભ્રષ્ટ થયા છે. તેવી જ રીતે ભક્તિ તથા દૃઢ આત્મનિષ્ઠાને પામેલી સ્ત્રીઓ પણ જો પુરુષનો પ્રસંગ કરે તો જરૂર ભ્રષ્ટ થાય છે.૭૦

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ પ્રસંગે જનોને શિક્ષા આપવાના હેતુથી સંત અને અસંતનાં લક્ષણોનું નિરૂપણ કરી, મુક્તપુરુષોના યથેષ્ટ આચરણનો નિષેધ કર્યો, એ નામે ઓગણસાઠમો અધ્યાય પૂર્ણ થયો. --૫૯--