અધ્યાય - ૬ - શ્રોતાઓનાં લક્ષણો અને પાળવાના નિયમો.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:39pm

અધ્યાય - ૬ - શ્રોતાઓનાં લક્ષણો અને પાળવાના નિયમો.

શ્રોતાઓનાં લક્ષણો અને પાળવાના નિયમો. નિયમો. વક્તાને અપાતાં દાનનો વિધિ.

તમોગુણી શ્રોતાઓનાં લક્ષણો :- ભગવાન શ્રી નારાયણમુનિ કહે છે, હે ઉત્તમ ભૂપતિ ! જે શ્રોતાજનો કથા સાંભળવામાં શ્રદ્ધા અને ભક્તિથી રહિત હોય, લોભી હોય, ગ્રંથના અર્થમાં પૂર્વાપરના પ્રસંગને જાણ્યા વિના ગ્રંથને દૂષણ આપતા હોય, ગ્રંથના અર્થમાં કલ્પિત હેતુવાદ ઊભા કરી સંશય કરતા હોય, બીજા શ્રોતાઓની સાથે ઇર્ષ્યા કરતા હોય.૧

વળી જે શ્રોતાઓ પર્વના પવિત્ર દિવસોમાં કે સમાપ્તિમાં વક્તાને દક્ષિણા ન આપતા હોય, શ્લોકના ભાવ તથા સ્વરૂપનું બરાબર ચિંતવન કર્યા વિના અતિશય પ્રશ્નો કર્યા રાખતા હોય, તે શ્રોતાને તમોગુણી અને અધમ કહેલા છે.૨

રજોગુણી શ્રોતાઓનાં લક્ષણો :- જે શ્રોતાઓ સ્વભાવમાં શ્રદ્ધાએ રહિત હોય છતાં પણ શ્રદ્ધાવાળાના પ્રસંગથી કથા સાંભળતા હોય, શક્તિ હોવા છતાં દશમા ભાગનું ધન આપતા હોય, પોતે જાણે વિદ્વાન હોય તેવું દેખાડતા હોજ.૩

દંભી, મત્સરી, માની અને એક આસને સ્થિર બેસી શકતા ન હોય, ક્ષણવારમાં ક્રોધ અને ક્ષણમાં રાજીપો જણાવે તેવા શ્રોતા રજોગુણી મનાયેલા છે અને તે મધ્યકક્ષાના કહેલા છે.૪

સાત્વિક શ્રોતાઓનાં લક્ષણો :- જે શ્રોતાઓ કથાના પ્રસંગે પોતાના સર્વે વ્યવહારિક કાર્યોનો ત્યાગ કરી શ્રદ્ધા અને ભક્તિએ સહિત વિનયયુક્ત થઇને શ્રીમદ્ ભાગવત પુરાણનું નિત્ય શ્રવણ કરતા હોય.૫

વળી જે શ્રોતા નિત્યે ચંદન પુષ્પાદિક વડે વક્તાની પૂજા કરતા હોય, સમયે સમયે સ્કંધની સમાપ્તિ વખતે કે વ્રત ઉત્સવના પ્રસંગમાં વક્તાને યથાયોગ્ય દક્ષિણા આપતા હોય, અન્ય સર્વે શ્રોતાઓને માન આપતા હોય.૬

વળી જે મત્સર રહિત હોય, ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ થાય તેવી ઇચ્છા રાખીને આદરપૂર્વક એક ચિત્તે કથાનું શ્રવણ કરતા હોય, તે શ્રોતા સાત્વિક અને ઉત્તમ કહેલા છે.૭

આવાં સાત્વિક લક્ષણોએ યુક્ત ઉત્તમ શ્રોતાઓએ પુસ્તકની અને પુરાણીની પૂર્વોક્ત વિધિ પ્રમાણે પૂજા કરીને કથા સાંભળવી.૮

શ્રોતાઓ માટે નિયમો :- હે રાજન્ ! શ્રોતાઓએ મસ્તક ઉપર પાઘ બાંધી રાખીને કે પગ લાંબા કરીને કથા ન સાંભળવી. કથા દરમ્યાન કથા સ્થળથી આઘાપાછા ન થવું, પાન, સોપારી ચાવતાં કથા ન સાંભળવી, બહાર અંદર પવિત્ર રહી વાણીને નિયમમાં રાખીને કથા સાંભળવી.૯

કથામાં શ્રોતાએ પગ ઉપર પગ ચડાવીને વીરઆસને ન બેસવું, કથા સાંભળતાં આડું અવળું ન જોવું, પરસ્પર વાતો ન કરવી, ગ્રામ્ય વાતો પણ ન કરવી અને એકાગ્ર મને કથાનું શ્રવણ કરવું.૧૦

જો કથા સાંભળતાં કોઇ સંશય ઉત્પન્ન થાય તો વક્તાને નમસ્કાર કરી ધીરેથી પૂછવું. કથામાં બેઠા હોઇએ ત્યારે હાથ, પગ આદિકની ચંચળતાનો ત્યાગ કરવો.૧૧

શ્રોતાઓએ ઇન્દ્રિયોને જીતી બ્રહ્મચર્યાદિક નિયમોનું પાલન કરવું, સ્કંધની સમાપ્તિ વખતે કે કોઇ ઉત્સવના દિવસે વક્તાને પોતાની શક્તિ પ્રમાણે દક્ષિણા આપવી.૧૨

દરેક સ્કંધની સમાપ્તિ વખતે સો બ્રાહ્મણો જમાડવા અને તે બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા પણ આપવી, તેમાં અશક્ત શ્રોતાએ તો શ્રીમદ્ ભાગવત કથાની જ્યારે સંપૂર્ણ પૂર્ણાહુતિ થાય ત્યારે સો બ્રાહ્મણોને ઇચ્છિત ભોજન અને દક્ષિણાવડે સંતોષ પમાડવા.૧૨-૧૪

હે રાજન્ ! કથાના પ્રારંભના દિવસે પ્રથમ ગણપતિની પૂજા કરવી અને ગાયત્રીમંત્રનો જપ કરવા એક બ્રાહ્મણની વરણી કરવી.૧૫

તે બ્રાહ્મણે કથાની સમાપ્તિ સુધીમાં પ્રતિદિન ત્રણ હજાર ગાયત્રીમંત્રનો જપ કરવો. તેમજ મુખ્ય શ્રોતાએ અન્ય પાંચ બ્રાહ્મણોની પણ વરણી કરવી.૧૬

અને તે બ્રહ્મચર્યવ્રતનું દૃઢ પાલન કરનારા વૈષ્ણવ પાંચ વિપ્રો દ્વારા શ્રીવાસુદેવ ભગવાનને રાજી કરવા માટે બાર અક્ષરનો ''ૐ નમો ભગવતે વાસુદેવાય'' એ મંત્રનો પ્રતિદિન પાંચ હજાર મંત્રની સંખ્યામાં જપ કરાવવો.૧૭

તેમજ તે જપ કરનારા વિપ્રોને મુખ્ય શ્રોતાએ અન્ન વસ્ત્રો અર્પણ કરવાં અને કથાની સમાપ્તિમાં દક્ષિણા આપવી. અન્ય શ્રોતા વિપ્રો હોય તેમને પણ શક્તિ પ્રમાણે દક્ષિણા આપવી.૧૮

કથા દરમ્યાન મળમૂત્ર ઉપર વિજય મેળવવા માટે અલ્પાહાર કરવો સુખકારી છે. તેથી શ્રોતાએ હવિષ્યાન્નવડે એકવાર જ ભોજન કરવું, ચોખા, જવ, ઘઉં, મગ, તલ, ગાયનું દૂધ, દહીં, ઘી, ખાંડ, સાકર, મીઠું, કેળા, આંબલી, આંબાના ફળ, જીરું, સૂંઠ, નાળિયેર, સામો, રાજગરો આદિ હવિષ્યાન્ન કહેલાં છે.૧૯

જો થઇ શકે તો સાત દિવસની પારાયણમાં સાત ઉપવાસ કરવા, અને જો તેમ સમર્થ ન હોય તેણે ખજૂર, ફળ આદિનું એકવાર ફલાહાર કરવું, અથવા માત્ર દૂધનું જ સાત દિવસ પર્યંત પાન કરવું.ર૦

અથવા મીઠા વિનાનું એકવાર ભોજન કરવું, અથવા એકવાર ભોજન કરવું, તેમાં બીજીવાર ફલાહાર પણ કરવું નહિ. આ બધા વિકલ્પોમાંથી પોતાનાથી જે સુખસાધ્ય હોય તેનો આશ્રય કરી કથાનું શ્રવણ કરવું.૨૧

હે રાજન્ ! જો એકવારનું ભોજન કથાશ્રવણ કરવામાં સહાયક થાય અને નિદ્રા કે આળસ ઉત્પન્ન કરનારૂં ન થાય તો તે વિકલ્પ સર્વ કરતાં શ્રેષ્ઠ છે. અને જો ઉપવાસ નિદ્રા, આળસ આદિ વડે કથામાં વિઘ્નકારક થાય તો તે શ્રેષ્ઠ નથી.૨૨

જો ભગવાનની સ્થિર પ્રતિમા ન હોય તો કથાના આરંભના દિવસથી દરરોજ વક્તાની આગળના ભાગમાં ચલપ્રતિમાનું સ્થાપન કરવું.૨૩

જો કે સપ્તાહ પારાયણમાં પ્રથમથી જ ભગવાન શ્રીહરિની સુવર્ણની પ્રતિમા તૈયાર કરાવવી અને સાત દિવસ સુધી વક્તાની આગળ સ્થાપન કરી પૂજન કરવું.૨૪

જ્યારે કથાની સમાપ્તિ થાય ત્યારે દક્ષિણાની સાથે એ સુવર્ણની મૂર્તિનું પણ પવિત્ર પાત્ર બ્રાહ્મણને દાન આપી દેવું. અને આવી રીતે કરવા અશક્ત હોય તેમણે સાવધાની રાખી પૂર્વોક્ત વિધિ પ્રમાણે યથાશક્તિ દાન કરવું.૨૫

સપ્તાહ પારાયણમાં વક્તાએ પ્રાતઃકાળે કથાનો પ્રારંભ કરવો ને સાડા ત્રણ કલાક સુધી કથા વાંચવી, બપોરના બે કલાક વિરામ કરવો.૨૬

મધ્યાહ્ને જ્યારે પુરાણી વિરામ કરતા હોય ત્યારે સર્વે શ્રોતાજનોએ મુહૂર્ત પર્યંત રૂક્મણિપતિનું નામ સંકીર્તન કરી ભજન કરવું.૨૭

જ્યારે શ્રીમદ્ ભાગવતની સંપૂર્ણ સમાપ્તિ થાય ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુન પ્રત્યે કહેલી ગીતાનું અર્થે સહિત અથવા મૂળશ્લોકનું શ્રવણ કરવું. કારણ કે શ્રીમદ્ ભગવદ્ગીતા છે તે શ્રોતા અને વક્તા બન્નેના સર્વે મનોરથ પૂર્ણ કરે છે.૨૮

વક્તાને અપાતાં દાનનો વિધિ :- હે રાજન્ ! કથાની સમાપ્તિ થાય ત્યારે મુખ્ય શ્રોતાએ પુસ્તકની અને વક્તાની પોતાની પાસે ધનને અનુસારે મહાપૂજા કરવી, અને અન્ય શ્રોતાએ પણ પોતપોતાની શક્તિ પ્રમાણે વક્તાનું મહાપૂજન કરવું.૨૯

તેમાં શક્તિમાન મુખ્ય શ્રોતાએ વક્તાને નવીન રેશમી વસ્ત્રો સુવર્ણનાં કુંડળ, કડાં, બાજુબંધ, આદિ આભૂષણ તથા હજાર સોનામહોરની દક્ષિણા આપવી.૩૦

આવી રીતનું દાન કરવા અશક્ત મુખ્ય શ્રોતાએ એકસોને આઠ સોનામહોરનું દાન કરવું. તેથી વધુ અશક્ત હોય તેમણે પોતાની શક્તિ પ્રમાણે ધન અર્પણ કરીને વક્તાને રાજી કરવા.૩૧

અને અન્ય શ્રોતાઓએ પણ પોતપોતાની શક્તિ પ્રમાણે વસ્ત્રો, અલંકારો અને દક્ષિણાનું વક્તાને દાન કરવું, અથવા વક્તાના ગૃહસ્થ ધર્મને ઉપયોગી જે કોઇ વસ્તુ હોય તે શ્રોતાઓએ અર્પણ કરવી.૩૨

સાત મહર્ષિઓએ અલ્પ ધનવાળા શ્રોતાઓને માટે વક્તાને અલગ અલગ આપવાની દક્ષિણામાં અડદના દાણા જેટલું સુવર્ણ કે રૂપાની મુદ્રા કહેલી છે.૩૩

હે રાજન્ ! મુખ્ય શ્રોતાએ આગળ કહું એવો મંત્ર બોલીને એક પલ સુવર્ણ અર્થાત્ ત્રણથીચાર તોલાભાર સુવર્ણમાંથી તૈયાર કરેલા સિંહની પૂજા કરીને વક્તાને અર્પણ કરવો.૩૪

આપતી વખતે મંત્ર આ પ્રમાણે બોલવો કે, નાનાં મોટાં વનમાં, કિલ્લાને વિષે કે ચોર, અજગર આદિકથી ભયંકર માર્ગમાં સિંહનું દાન કરવાના પ્રભાવથી હિંસક પ્રાણીઓ કે મનુષ્યો મારી હત્યા ન કરે.૩૫

હે રાજન્ ! પૂર્વે પરિક્ષિત રાજાએ અપમૃત્યુથી થતી અસદ્ગતિને રોકવા માટે સુવર્ણના સિંહનું દાન કર્યું હતું.૩૬

શિંગડાં કે ઉગ્ર દાંતથી ભયંકર એવા હિંસક કે ઘાતક પ્રાણીઓનો અધિપતિ સિંહ જ કહેલો છે. તેથી તેનું દાન કરનાર મનુષ્યોને અપમૃત્યુનો કે દુર્ગતિનો સંભવ રહેતો નથી.૩૭

સિંહના દાન પછી વક્તાને દૂઝણી ગાયનું પ્રયત્નપૂર્વક દાન કરવું, પછી ગાયત્રી મંત્રથી અને દ્વાદશાક્ષર મંત્રથી જપના દશમા ભાગે હોમ કરવો.૩૮

દૂધપાક યુક્ત ઘીથી હોમ કર્યા પછી શ્રોતાએ આહુતિથી તલ અને ડાંગરના દ્રવ્યોવડે વિધિ પ્રમાણે હોમ કરવો.૩૯

જો હોમ કરવાની અનુકૂળતા ન હોય તો તેમાં થતા ખર્ચ જેટલું ધન દાનમાં અર્પણ કરવું, તેનાથી પણ સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. તેમાં કોઇ સંશય નથી.૪૦

હે રાજન્ ! આ પ્રમાણે મેં કથા શ્રવણ વિધિમાં જે વિશેષતા હતી તે કહી. તેમજ પૂર્વોક્ત અન્ય વિધિ પણ અહીં શ્રીમદ્ ભાગવત કથા વિધિમાં જાણી લેવો.૪૧

આ વિધિ પ્રમાણે જે જનો આ શ્રીમદ્ ભાગવતની કથાને સાંભળશે તે પૂર્વોક્ત પોતે ઇચ્છેલા સર્વે મનોરથોનું ફળ આલોકમાં તથા પરલોકમાં નિશ્ચય પ્રાપ્ત કરશે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી.૪૨

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે શ્રીમદ્ ભાગવત કથાના શ્રવણ વિધિમાં શ્રોતાઓનાં લક્ષણ અને નિયમ ધર્મનું નિરૂપણ કર્યું એ નામે છઠ્ઠો અધ્યાય પૂર્ણ થયો. --૬--