અધ્યાય - ૪૫ - ફૂલડોલનો ઉત્સવ કરવા અમદાવાદ શહેરમાં ભગવાન શ્રીહરિનું આગમન.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 9:24pm

અધ્યાય - ૪૫ - ફૂલડોલનો ઉત્સવ કરવા અમદાવાદ શહેરમાં ભગવાન શ્રીહરિનું આગમન.

ફુલડોલનો ઉત્સવ કરવા અમદાવાદ શહેરમાં ભગવાન શ્રીહરિનું આગમન. કમીયાળા ગામે(ભાલપ્રદેશમાં) રામનવમી ઉત્સવની ઉજવણી. શ્રીહરિનું ધોલેરાપુરે આગમન. ધોલેરામાં મદનમોહનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શિક્ષાપત્રી લખીને શ્રીહરિએ તેની સંતો પાસે આઠ પ્રતો તૈયાર કરાવીને આઠે દિશાઓમાં રહેલા ભક્તજનો પ્રત્યે મોકલી.૧

તેને ભક્તજનોએ પ્રાપ્ત કરી અને અતિશય આનંદને પામ્યા ને તેમની લહિઓ પાસે બહુ પ્રતો લખાવી સર્વે ભક્તોએ પોતપોતાની પાસે અલગ અલગ રાખીને અભ્યાસ કરવા લાગ્યા.૨

પછી તે સર્વે શિક્ષાપત્રીમાં લખ્યા પ્રમાણે પોતપોતાના અધિકારને અનુસારે વર્તન કરવા લાગ્યા. શિક્ષાપત્રીમાં લખેલા શ્રીકૃષ્ણ તે સ્વયં શ્રીહરિ જ છે એમ જાણી તેમનું ભજન કરવા લાગ્યા.૩

હે રાજન્ ! પછી શ્રીહરિ કેટલાક ભક્તજનોને સાથે લઇ પોતાના ભક્તજનોને આનંદ આપવા ફરી શ્રીનગર શહેરમાં પધાર્યા.૪

શ્રીહરિના અચાનક આગમનના હર્ષથી બહુ ઘેલા થયેલા શ્રીનગરનિવાસી ભક્તજનો તેમની સન્મુખ ગયા ને નમસ્કાર કરી પરમ હર્ષ પામતા પામતા શ્રીહરિને પુરમાં પધરાવ્યા.૫

ભગવાન શ્રીહરિ શ્રીનરનારાયણ ભગવાનનાં દર્શન કર્યાં ને તેમના મંદિરમાંજ પોતાનો નિવાસ કર્યો અને સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૬

અને શ્રીહરિ પણ પુરના ભક્તજનોની આગળ દરરોજ ભાગવતધર્મના ઉપદેશની વાતો કરતા ને તેઓને ખૂબ સુખ આપતા. દરરોજ રાત્રીના સમયે એક માસ પર્યંત ''શ્રીવાસુદેવ માહાત્મ્યનું'' શ્રવણ કર્યું.૭

આ વાસુદેવ માહાત્મ્ય આપણા સંપ્રદાયના સિદ્ધાંતનું મૂળ છે. આ પ્રમાણે કહેતા શ્રીહરિએ સકલ ભક્તજનોની સભામાં એ ગ્રંથની બહુ પ્રશંસા કરી.૮

પછી શ્રીહરિએ પૂર્વે વડતાલની જેમ અહીં શ્રીનગરમાં પણ મોટી સામગ્રીથી ફૂલડોલોત્સવની ઉજવણી કરી.૯

તે ઉત્સવમાં દેશાંતરોમાંથી હજારો ભક્તજનો આવ્યા. ગઢપુરથી ખાસ ઉત્તમરાજા આદિ ભક્તજનો તથા રામપ્રતાપભાઇ આદિ ભગવાન શ્રીહરિના સંબંધી જનો પણ આવ્યા. તેજ રીતે શ્રીહરિના આમંત્રણથી મુક્તાનંદ સ્વામી આદિ સંતો પણ વિચરણ કરતા આ ફૂલડોલોત્સવમાં પધાર્યા હતા.૧૦

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ ફૂલડોલનો ઉત્સવ ઉજવ્યા પછી. ફરી ભક્તજનોને સુખ આપતા એક પક્ષ સુધી ત્યાં નિવાસ કરીને રહ્યા, ત્યારે સર્વે ભક્તજનો અતિશય પ્રેમભાવથી શ્રીહરિનું પૂજન પણ કરતા.૧૧

પૂજામાં ભક્તજનોએ અનેક પ્રકારનાં અમૂલ્ય નવીન વસ્ત્રો, અલંકારો, ચંદન, પુષ્પની માળાઓ, પુષ્પના તારાઓ અને ધનની ભેટ અર્પણ કરી.૧૨

હે રાજન્ ! ભક્તજનોએ અર્પણ કરેલાં તે સર્વે વસ્ત્રાદિક પદાર્થો હતાં તે સર્વે શ્રીનરનારાયણદેવના દેશવિભાગમાં આવતાં હોવાથી પોતાના પુત્ર અયોધ્યાપ્રસાદજી મહારાજને અર્પણ કર્યાં.૧૩

શ્રીહરિએ સંવત ૧૮૮૨ના ચૈત્રસુદ બીજના દિવસે દેશદેશાંતરમાંથી આવેલા ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપીને સ્વયં પશ્ચિમદેશના ભક્તજનોને સાથે લઇ પશ્ચિમદેશમાં જવા નીકળ્યા.૧૪

પોતાના ભક્તોથી વીંટાયેલા શ્રીહરિ માર્ગમાં તેઓને સુખ આપતા ચૈત્રસુદ અષ્ટમી તિથિએ ભાલપ્રદેશમાં આવેલા કમીયાણા ગામે પધાર્યા.૧૫

હે રાજન્ ! સંતોની સેવામાં અતિશય ઉત્સુક મનવાળા ત્યાંના નિવાસી ભક્તજનોએ પોતાના ગામમાં રામનવમી ઉત્સવ કરવાની પ્રાર્થના કરી ત્યારે શ્રીહરિ તેમના ઉપર ખૂબ જ રાજી થયા ને ત્યાં જ સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા.૧૬

કમીયાળા ગામે(ભાલપ્રદેશમાં) રામનવમી ઉત્સવની ઉજવણી :- હે રાજન્ ! તે કમીયાળા ગામના ભક્તજનોએ ભગવાન શ્રીહરિની સાથે આવેલા સર્વે અનુયાયી સંતો ભક્તોને યથાયોગ્ય ઉતારા કરાવ્યા ને સંતોએ સહિત શ્રીહરિનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર પણ કર્યો.૧૭

શશિવર્ણ, હઠીભાઇ, વાહજી, ક્ષેમરાજ, અવચર આદિ પુરુષ ભક્તજનો તથા જિજિબા આદિ સ્ત્રીભક્તજનો પ્રેમથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૧૮

ભગવાન શ્રીહરિએ બીજે દિવસે રામનવમીના ત્યાં રામજન્મોત્સવનો ભવ્ય ઉત્સવ ઉજવ્યો. તેમાં ભાલ પ્રદેશના હજારો ભક્તજનો આવ્યા.૧૯

તે ભક્તોએ બહુ પ્રકારના ઉપચારોથી ભગવાન શ્રીહરિનું અતિશય પ્રેમથી પૂજન કર્યું. વળી ભક્તજનોએ પુનઃ રોકાવાની પ્રાર્થના કરી તેથી શ્રીહરિ કમીયાળા ગામે ચૈત્રી પૂનમ સુધી નિવાસ કરીને રહ્યા.૨૦

શ્રીહરિનું ધોલેરાપુરે આગમન :- હે રાજન્ ! ચૈત્રવદ પડવાના દિવસે ગઢપુર જવાની તૈયારી કરતા ભગવાન શ્રીહરિને ધોલેરાના રાજા પૂંજાજી પ્રાર્થના કરતાં કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! ધોલેરામાં મંદિર તૈયાર થઇ રહેવા આવ્યું છે.૨૧
તમે ત્યાં પધારો ને હે ભગવાન્ ! મંદિરમાં અત્યારે જ શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા કરો. મંદિરનું અધૂરું કામ અમે પ્રતિષ્ઠા પછી પણ પૂર્ણ કરી લેશું.૨૨

આ પ્રમાણે પૂંજાજી દરબારે કહ્યું. તેથી બહુ સારું એમ કહીને ભગવાન શ્રીહરિ સંતો-ભક્તોની સાથે ધોલેરાપુર જવા નીકળ્યા, ને સંગવકાળે જ ધોલેરાપુર પહોંચ્યા.૨૩

પૂજાજી દરબારે સ્વચ્છ કરેલા પોતાના ભવનમાં ભગવાન શ્રીહરિને ઉતારો કરાવ્યો ને અન્ય સર્વે સંતો ભક્તોને પણ યથાયોગ્ય સ્થાને ઉતારા અપાવ્યા. તથા શ્રીહરિ અને સંતો-ભક્તોનો અતિથિ સત્કાર કર્યો.૨૪

ધોલેરામાં મદનમોહનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા :- હે રાજન્ ! મંદિરનું કામ પૂર્ણ થવા આવ્યું છે, થોડું અધૂરું છે, એમ જાણી ભગવાન શ્રીહરિએ જ્યોતિષી બ્રાહ્મણોને બોલાવી શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠાનું મુહૂર્ત પૂછયું.૨૫

ત્યારે બ્રાહ્મણો કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! વૈશાખ સુદ તેરસના શુક્રવારે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે.૨૬

આ પ્રમાણે શ્રીહરિને કહ્યું, તેથી પ્રતિષ્ઠાનું મુહૂર્ત દૂર હોવાથી ગઢપુર જવા તૈયાર થયેલા શ્રીહરિને નમસ્કાર કરી પુંજાજી દરબારે પ્રાર્થના કરીને પ્રતિષ્ઠા સુધી ત્યાં જ રોકી રાખ્યા.૨૭

હે મહીપતિ ! ભક્તને વશ વર્તતા ભગવાન શ્રીહરિ પણ દરરોજ સદ્વાર્તાઓ કરી અદ્ભૂતાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિ સંતોને તથા પુંજાજી, નારાયણજી, ભોજો, મૌનો, વૃદ્ધ રતનજી, જીવણ, ખીમો અને વનમાલી આદિ ભક્તજનોને સુખ ઉપજાવતા ધોલેરામાં જ સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા,૨૮

તેથી ભાલપ્રદેશના ભક્તજનોને મોટો ઉત્સવ થયો. તેઓ પ્રતિદિન સમૂહમાં ભેળા મળી ધોલેરા દર્શને આવતા ને જતા. આમ કરતાં સંવત ૧૮૮૨ ના વૈશાખ સુદ તેરસને શુક્રવારે ભગવાન શ્રીહરિએ મંદિરમાં રાધાએ સહિત શ્રીમદનમોહનજી ભગવાન એવા શ્રીકૃષ્ણની શાસ્ત્રના વિધિ પ્રમાણે સ્થાપના કરી.૩૦

પ્રતિષ્ઠા સમયે અનેક પ્રકારના વાજિંત્રોના મધુર ધ્વનિ સાથે પૂજા વિધિનો મહાન ઉત્સવ થયો, ભગવાન શ્રીહરિએ હજારો વિપ્રોને ભોજન કરાવ્યાં .૩૧

ને મહા ઉદાર શ્રીહરિએ તે સર્વે બ્રાહ્મણોને દક્ષિણા અને વસ્ત્રો પણ અર્પણ કર્યા. બીજે દિવસે નરસિંહ ચૌદશનો ઉત્સવ પણ ધોલેરામાંજ ધામધૂમથી ઉજવ્યો.૩૨

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ પૂર્ણિમાના દિવસે ભોજન કરી સંતો-ભક્તોની સાથે ધોલેરાથી ચાલ્યા તે વૈશાખ વદ પડવાના દિવસે બપોર પછીના સમયે ગઢપુર પધાર્યા.૩૩

તે સમયે શ્રીહરિનાં દર્શન કરી દુર્ગપુરવાસી ભક્તજનોને ખૂબજ આનંદ થયો. સુખમયમૂર્તિ ભગવાન શ્રીહરિ પોતાની અક્ષર ઓરડીએ પધાર્યા અને ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યા.૩૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ અમદાવાદમાં ફૂલડોલનો ઉત્સવ કર્યો અને ધોલેરામાં શ્રીમદનમોહનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી એ નામે પીસ્તાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૫--