અધ્યાય - ૩૩ - વિધવા સ્ત્રીઓના સંપૂર્ણ ધર્મોનું કરેલું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:37pm

અધ્યાય - ૩૩ - વિધવા સ્ત્રીઓના સંપૂર્ણ ધર્મોનું કરેલું નિરૃપણ.

વિધવા સ્ત્રીઓના સંપૂર્ણ ધર્મોનું કરેલું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! વિધવા સ્ત્રીના મસ્તક પર બાંધેલો અંબોડો પતિને બંધન કરનારો થાય છે. તેથી વિધવા સ્ત્રીઓએ મસ્તક પરના કેશનું મુંડન કરાવવું.૧

જો વિધવા કેશ રાખે તો તૈલાદિકના સંસ્કાર કર્યા વિનાના જટાતુલ્ય રાખે. અને મસ્તક ઉપર મુંડન તીર્થમાં કરાવવું અથવા શુભ પર્વને દિવસે કરાવવું.૨

તેઓએ આપત્કાળ પડયા વિનાના સમયે દિવસના અંતે સાયંકાળે જ એકવાર ભોજન કરવું, ધર્મહીન સ્ત્રીઓનો સંગ ન કરવો.૩

રોગાદિક આપત્કાળ પડયા વિના ખાટલા ઉપર સૂવું નહિ. નગ્ન સ્નાન કરવું નહિ અને ક્રોધનો તો દૂરથી જ ત્યાગ કરવો.૪

વિધવા સ્ત્રીઓએ ક્યારેય પણ શરીર ઉપર તેલમર્દન ન કરવું, સુગંધીમાન અત્તરાદિકનો ઉપયોગ ન કરવો.૫

કંઠે પ્રાણ આવવા છતાં બળદની સવારી ન કરવી. ભાંગ, ગાંજો આદિક માદક વસ્તુનું અને તાંબુલનું ભક્ષણ ન જ કરવું.૬

અતિ ભોજન ન કરવું, શરીરમાં ધાતુને વધારે તેવાં દૂધ, ઘી વિગેરે પદાર્થો તથા મિષ્ટાન્ન અને લવીંગ, એલચી, તજ આદિક ઉત્તેજક પદાર્થો પણ આપત્કાળ પડયા વિના ક્યારેય પણ ખાવાં નહિ. ઉત્તમ તેમજ કસુંબલ વસ્ત્રો ધારણ કરવાં નહિ.૭-૮

પુષ્પની માળા, ચંદન, હાથમાં કડાં અને સિંદૂર ધારણ કરવાં નહિ. આંખમાં આંજણ આજવું નહિ. સુવર્ણના અલંકારો અને સુવર્ણના તારે યુક્ત વસ્ત્રો પણ ધારણ કરવાં નહિ.૯

ભગવાન શ્રીહરિના પ્રસાદિનાં સૌભાગ્ય દ્રવ્ય કે ચંદનને આંગળીથી લઇ કંઠમાં ધારણ કરવાં, પરંતુ ભાલમાં ધારણ કરવાં નહિ.૧૦

તેવી જ રીતે વિધવાએ ભગવાનના પ્રસાદિના હારને સૂંઘીને અન્યને આપી દેવા, પરંતુ પોતે ધારણ કરવા નહિ.૧૧

ચિત્ર-વિચિત્ર વસ્ત્રો, કંચુકી અને દેશથી વિપરીત વસ્ત્રો ક્યારેય ધારણ ન કરવાં.૧૨

હાથ પગના નખ ન રંગવા તેમજ દાંત કે હોઠ ન રંગવા. ભાલમાં કુંકુમનો ચાંદલો ન કરવો તેમજ કુંકુમથી ભાલમાં પત્રિકા પણ ન કરવી.૧૩

સુવાસિનીનો, પુરુષનો કે સંન્યાસિણી સ્ત્રીના જેવો, અને નર્તકીના જેવો વેશ ન ધારવો.૧૪

કોઇ કાર્ય વિના જ્યાં ત્યાં ભટકવું નહિ. એકલાએ અન્યના ઘેર બેસવા ન જવું.

૧૫ વિધવાએ વૃદ્ધ પિતાના ખોળામાં પણ ન બેસવું. સસરાના કે પિતાના પક્ષની સ્ત્રીઓની આગળ ઉપહાસના જેમ વચનો ન બોલવાં.૧૬

વળી વિધવા સ્ત્રીએ માતાની આગળ ગ્રામ્યવાર્તા ન કરવી. અન્ય સ્ત્રીઓ આગળ શૃંગારરસ સંબંધી વાર્તા ન કરવી.૧૭

વિધવા સ્ત્રીઓએ હોળીની રમત ક્યારેય પણ ન કરવી. અપશબ્દો ન બોલવા. કોઇના પર મિથ્યાપવાદનું આરોપણ ન કરવું. કોઇને ગાળ ન દેવી.૧૮

સસરાપક્ષના જનોની સાથે નિર્લજ્જ થઇને વાદવિવાદ ન કરવો. જારપુરુષના સંગાદિક પાપે કરીને દૂષિત નારીની સાથે મિત્રતા ક્યારેય ન કરવી.૧૯

વિધવા સ્ત્રીએ સંન્યાસિણીની સાથે સ્ત્રી-પુરુષને એકાંતમાં મિલન કરાવી આપનારી દૂતીની સાથે અને શૂદ્ર થકી પણ નીચી સંકરજાતિની સ્ત્રી સાથે મૈત્રી ન કરવી.૨૦

યવનની નારી સાથે, કામાકુળ સ્ત્રી સાથે, પાખંડીની સ્ત્રી સાથે પણ મૈત્રી ન કરવી. તેમજ જે સ્ત્રીને ભગવાનના અવતારોમાં વિશ્વાસ ન હોય તેવી સ્ત્રીની સાથે, નિર્લજ્જ, ગર્ભસ્રાવ થાય તેવી ઔષધીને જાણનારી, વશીકરણાદિ મંત્રતંત્રને જાણનારી, ગર્ભને પાળનારી અને લોકોને છેતરનારી સ્ત્રીની સાથે પણ મિત્રતા ન કરવી.૨૧-૨૨

જો લોકાપવાદથી નિંદિત પુરુષને ઘેર પતિવ્રતા નારી હોય છતાં પણ તે પતિવ્રતા નારીનાં દર્શને તેમને ઘેર ન જવું.૨૩

વળી વિધવા સ્ત્રીએ પોતાના થકી અતિશય નીચ જાતિમાં જન્મેલી સ્ત્રી અતિશય ધર્મવાળી હોય છતાં પણ તેમને ઘેર બેસવા ન જવું.૨૪

જો પોતાનું ધન, આજીવિકા પૂરતું હોય તો તે ધનનો વ્યય ધર્મકાર્યને માટે પણ ક્યારેય ન કરવો.૨૫

જેનાથી પરનો આશ્રય કરવો પડે અને પોતાના વિધવા ધર્મથકી ભ્રષ્ટ થવાનો વારો આવે છે. તેમાં કોઇ સંશય નથી.૨૬

વિધવા સ્ત્રીએ વિવાહ, દેશાંતરમાંથી આવેલા પુરુષનો સંઘ, રાજાનું સૈન્ય, નૃત્ય, ગીત, લોકોનો ઉત્સવ અને સુંદર વેષને ધરી રહેલા પુરુષને જોવા ન જવું.૨૭

અરીસામાં પોતાનું મુખ ન જોવું. ક્યારેય પણ એકલા ન નીકળવું, સ્વછંદી ક્રીડા કરતા પુરુષોને જોવા નહિ.૨૮

તેમની સાથે બોલવું નહિ. અને તેમનો સ્પર્શ પણ ન કરવો. સત્શાસ્ત્રની કથા સિવાય પુરુષ સંબંધી કહેવા માંડેલી વાર્તાઓ ક્યારેય પણ સાંભળવી નહિ અને પોતે કહેવી પણ નહિ.૨૯

વાઘ, સિંહ, સર્પ, ઘર આદિકમાં અગ્નિ લાગવો, પાણીમાં ડૂબી જવાનો પ્રસંગ ઊભો થવો એ આદિક અનેક પ્રકારના ભયનો આપત્કાળ આવી પડે ત્યારે પુરુષનો સ્પર્શ થાય તથા તેમની સાથે બોલાય તો પણ દોષ લાગતો નથી. તેવી જ રીતે ધાવણા બાળકનો સ્પર્શ થાય કે તેમની સાથે બોલાય તેનો દોષ લાગતો નથી.૩૦

જે પુરુષનું ધોયેલું વસ્ત્ર ભીનું હોય કે સૂકાયેલું હોય, તે સિવાયનાં પુરુષનાં ધારેલાં વસ્ત્રો કે ધાર્યા પછી ઉતારીને મૂકેલાં વસ્ત્રનો વિધવા સ્ત્રીએ સ્પર્શ ન કરવો. તેમજ પુરુષના અંગ ઉપર રહેલાં વસ્ત્રનો પણ વિધવા સ્ત્રીએ સ્પર્શ ન કરવો.૩૧

હૃદયમાં કામભાવથી પુરુષનું ચિંતવન ન કરવું. સંભોગનું આચરણ કરતાં ચિત્રો ન ચિતરવાં અને તેવાં ચિત્રોનો સ્પર્શ પણ ન કરવો. તેમજ તેવાં પૂતળાંનો પણ સ્પર્શ કરવો નહિ.૩૨

વિધવા સ્ત્રીએ જાણી જોઇને પશુ-પક્ષી આદિકની મૈથુન ક્રિયા પણ જોવી નહિ. પોતાનું કાર્ય સિદ્ધ થાય એમ હોય છતાં પણ પુરુષની સાથે વિધવાએ મિત્રતા ન કરવી.૩૩

પુરુષના મળમૂત્ર કરવાને સ્થળે વિધવાએ મળમૂત્ર કરવા જવું નહિ. પુરુષની દૃષ્ટિ સંગાથે પોતાની દૃષ્ટિ બાંધીને ક્યારેય પણ પુરુષને જોવો નહિ.૩૪

ધર્મમાં રહેલી વિધવા સ્ત્રીએ પુરુષની સાથે બોલ્યા વિના કેવળ પોતાના હાથ, નેત્ર કે ભ્રૂકુટિને ઇશારે પુરુષને કંઇ પણ જણાવવું નહિ. પુરુષના ગુહ્યઅંગને જોવું નહિ.૩૫

હમેશાં પુરુષથી ચાર હાથ દૂર ચાલવું, દેવમંદિરમાં કે સાંકળા માર્ગમાં કે ઉત્સવમાં મનુષ્યોની ભીડ જામી હોય તેવા સમયે વિધવા સ્ત્રીએ પુરુષનાં અંગનો સ્પર્શ ન થાય તે રીતે પોતાના શરીરનું રક્ષણ કરવું, પરંતુ પુરુષથી ચાર હાથ દૂર ન રહેવાય તેનો દોષ નથી.૩૬

જે ઘરમાં ઉપરના માળે પુરુષ એકલો સૂતો હોય તે ઘરમાં તેની ઉપરના કે નીચેના માળે રાત્રીને વિષે એકલી વિધવા સ્ત્રીએ શયન કરવું નહિ.૩૭

પુરુષની દૃષ્ટિ પોતાના વક્ષઃસ્થળ, ઉદર કે સાથળ ઉપર પડે તે રીતે બેસવું નહિ. હાથ અને પગની ચંચળતાનો ત્યાગ કરવો. પુરુષ જુવે તે રીતે પોતાના અંગોનું ઘર્ષણ ન કરવું.૩૮

પિતા કે સસરા ન જાણે તે રીતે અન્ય કોઇ પુરુષ સાથે વ્યવહાર ન કરવો. કોઇ પણ પુરુષને સ્ત્રી દ્વારા કોઇ વસ્તુ પહોંચાડવી કે મંગાવવી નહિ.૩૯

યુવાની અવસ્થામાં રહેલી એકલી વિધવા સ્ત્રીએ માર્ગમાં યુવાન અવસ્થાવાળા પોતાના ભાઇ આદિક પુરુષની સાથે પણ ક્યારેય એકલા ચાલવું નહિ અને એકલા એકાંતમાં બેસવું પણ નહિ.૪૦

અહીં વિધવા સ્ત્રીઓના ધર્મમાં પુરુષની સાથે બોલવામાં કે સ્પર્શ કરવામાં, જોવામાં કે તેનાં વસ્ત્રાદિકના સ્પર્શમાં જે નિષેધ છે તે સમીપ સંબંધ વિનાના પુરુષનો છે એમ જાણવું.૪૧

હવે સમીપ સંબંધ વાળા પુરુષો કહીએ છીએ. પિતા, ભાઇ, કાકા, ભાઇના પુત્ર, કાકાના પુત્ર, ભાઇના પુત્રોના પુત્રો, કાકાના પુત્રોના પુત્રો, તેમની દિકરીના દિકરાઓ, માતામહ- નાનાબાપા, મામા, મામાના દિકરા અને તેમના દિકરા, તેમની દિકરીના દિકરા, ફુવા, તેમના દિકરા અને તેમના દિકરા, તેમજ તેમની દિકરીના દિકરા, ગુરુ, ગુરુના પુત્રો અને તેમના પુત્રો, સસરા, સસરાના ભાઇઓ તથા જેઠ, દિયર, તેમજ તેમના દિકરાઓ, દોહિત્રાઓ, દિકરીઓના જમાઇઓ, તથા પોતાના દિકરાઓ તથા તેમના દિકરાઓ, તથા પોતાની દિકરીના દિકરાઓ અને તેમના દિકરાઓ આ સર્વેને સમીપ સંબંધવાળા પુરુષો જાણવા. જો ઉપરોક્ત સર્વે પુરુષો ધાર્મિક હોય તો તેમની સાથે બોલવા, સ્પર્શ કરવા કે જોવામાં કોઇ દોષ નથી. જો તેમના અંગ સ્પર્શમાં દોષ ન હોય તો તેમનાં વસ્ત્રોના સ્પર્શમાં દોષ ક્યાંથી હોઇ શકે ? ન હોય.૪૨-૪૫

એકલી વિધવા સ્ત્રીએ દિવાલ આદિકના આવરણ વિનાના ઘરમાં અથવા એકાંત સ્થળમાં યુવાન અવસ્થામાં રહેલા પોતાના પિતાની સાથે પણ ક્યારેય રહેવું કે બેસવું નહિ.૪૬

પૂર્વોક્ત પિતા આદિક સમીપ સંબંધવાળા પુરુષો જો પાપી અને ભગવાન થકી વિમુખ હોય તો તેઓની સાથે પણ વિધવા સ્ત્રીએ બોલવું નહિ અને તેમનો સ્પર્શ પણ ન કરવો.૪૭

અને તેમનો સર્વપ્રકારે ત્યાગ કરી પોતાના નિષ્કામવ્રતનું રક્ષણ કરવું. તેમજ અન્નાદિક અર્પણ કરી પોતાનું પાલન-પોષણ કરે તેને પોતાના પિતા, પુત્ર ભાઇ આદિકની સમાન જાણી તેઓનો આશ્રય કરવો.૪૮

જે પુરુષ પોતાનો સમીપ સંબંધવાળો ન હોય છતાં પોતાનું પિતાની જેમ પોષણ કરે ને નિષ્કામવ્રતનું રક્ષણ કરાવે તેને જ સાચો પિતા કહેલો છે. પરંતુ પોતાના ધર્મનો વિનાશ કરાવે તેવો પિતા, પિતા કહેવાને યોગ્ય નથી.૪૯

જે પુરુષ પોતાના ભાઇની પેઠે પોતાનું પોષણ કરે ને ધર્મનું પાલન કરાવે તેને જ સાચો ભાઇ કહેલો છે. અને જે પોતાના પુત્રની જેમ પોતાનું પાલન પોષણ કરે તેને જ પુત્ર કહેલો છે, પરંતુ ધર્મની હત્યા કરનારને પુત્ર કે ભાઇ કહેલો નથી.૫૦-૫૧

વિધવા સ્ત્રીએ પોતાના ધર્મનું રક્ષણ કરનાર અને પોતાનું પાલન-પોષણ કરનારા પુરુષો સમીપ સંબંધ વિનાના હોય તથા જુદા વર્ણના હોય છતાં પણ તેને જ પિતા આદિકની સમાન જાણવા.૫૨

અને આવા પુરુષોનો સ્પર્શ, તેમની સાથે બોલવું કે તેમને જોવામાં વિધવા સ્ત્રીને કોઇ દોષ લાગતો નથી.૫૩

જે વિધવા સ્ત્રીના પિતા, ભાઇ આદિક સંબંધીજનો ન હોય તે સ્ત્રીને પોતાના નિષ્કામ ધર્મની રક્ષા કરવાની જો ઇચ્છા હોય તો પૂર્વોક્ત રીતિ પ્રમાણે પોતાના ધર્મનું રક્ષણ કરે તેવા સદ્ધર્મનિષ્ઠ પુરુષના આશ્રયે રહેવું.૫૪

પરંતુ ધર્મપરાયણ વિધવા નારીએ ક્યારેય પણ સ્વતંત્ર ન રહેવું. જો પોતાના જ્ઞાતિજનોનો અભાવ હોય તો વિધવા સ્ત્રીએ ધર્મરક્ષક રાજાને આશ્રયે રહેવું.૫૫

વિધવા સ્ત્રીએ પોતાની જાતિ થકી ભ્રષ્ટ કરે એવું કોઇ કર્મ ન કરવું, કારણ કે જાતિશુદ્ધિ જ બુદ્ધિશુદ્ધિનું કારણ કહેલું છે.૫૬

શ્રીનારાયણ ભગવાન કહે છે હે વિપ્ર ! હવે પોતાની આજીવિકા વૃત્તિ ચલાવવા માટે તૃણ, કાષ્ઠ આદિક વેંચાતું લેવા દેવા રૃપ કર્મ અથવા ખેતીનું કર્મ અથવા કોઇ સેવાનું કર્મ કરવાનું થાય તો તે પ્રસંગમાં પુરુષો સાથે અવશ્ય બોલવા આદિકનું કર્મ કરવું પડે તો તેવા સમયના ધર્મનો નિર્ણય હું તમને જણાવું છું.૫૭

આવા આજીવિકા માટેના વ્યવહારમાં પુરુષ સાથે બોલવાનું થાય કે તેના સ્પર્શનો પ્રસંગ થાય ત્યારે તેટલા સમય પૂરતું બોલવું કે સ્પર્શ કરવો, કારણ કે એજ એમની આજીવિકા મનાયેલી છે.૫૮

જો વિધવા સ્ત્રી પોતાના જીવન નિમિત્તમાં કુલોચિત વ્યવહાર ન કરે તો પોતાના જીવન નિમિત્તે પરનો આશ્રય કરવાનો થતાં તેમાં નિષ્કામવ્રતથકી ભ્રષ્ટ થવાય છે.૫૯

વળી વિધવા સ્ત્રીએ પ્રથમ માનસીપૂજા કરી યથા સમયે પ્રાપ્ત ઉપચાર દ્રવ્યોથી પોતાની પૂજાની શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું. અને શ્રીકૃષ્ણ ભગવાનને જ પોતાના પતિ માનવા.૬૦
અને પોતાની શક્તિ પ્રમાણે હમેશાં શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષરમંત્રનો જપ કરવો. દિવસે કે રાત્રીએ પોતાના સર્વે કાર્યોમાં શ્રીહરિનું સ્મરણ કરવું.૬૧

અને જ્યારે પોતે રજસ્વલા ધર્મમાં આવે ત્યારે અથવા જન્મ કે મરણનું કોઇ સૂતક આવે ત્યારે તથા રોગાદિક આપત્કાળમાં ભગવાનની માનસીપૂજા પોતે કરવી. પરંતુ બાહ્યપૂજા બીજી સ્ત્રીની પાસે કરાવવી.૬૨

વળી કરવા યોગ્ય ઘરનું કામ કરી આખો દિવસ ભગવાનની નવધા ભક્તિ કરવી. પરંતુ ભક્તિ વિનાનો વ્યર્થકાળ ક્યારેય નિર્ગમવો નહિ.૬૩

હે વિપ્ર ! ધર્મમાં રહેલી વિધવા સ્ત્રીઓએ સન્યાસી, બ્રહ્મચારી, અનાશ્રમી અને ત્યાગી સાધુઓનું અન્ન ક્યારેય પણ ન ખાવું. આપત્કાળમાં પણ ન ખાવું કારણ કે એ અન્ન જમવાથી સ્વધર્મમાં સ્થિતિરૃપ શુભમતિ નાશ પામે છે.૬૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ સ્ત્રીધર્મોમાં વિધવાના ધર્મનું નિરૃપણ કર્યું, એ નામે તેત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૩--