તરંગઃ - ૬૯ - શ્રીહરિ સારંગપુરથી ગઢપુર પધાર્યા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:29am

પૂર્વછાયો

હોંશીલા તે હરિજન છે, પ્રેમતણો નહી પાર । તનમનથી સેવા કરે, ધરી ઉમંગ અપાર ।।૧।। 

ઘરો ઘરે થાળ કરે છે, જમાડે વારમવાર, સંત ભક્ત પાર્ષદને, આપે ભોજન અપાર ।।૨।। 

દધિ દુધ ઘૃતની ઘણી, કરે છે રેલમછેલ । તેવી રીતે તૃપ્ત કરેછે, પૂરણ કરીને પ્રીત ।।૩।। 

દશ દિન રાખ્યા વ્હાલાને, અતિ આગ્રહથી એવ । ભોજનપાને તૃપ્ત કર્યા, કરી અપરિમિત સેવ ।।૪।।

 

ચોપાઇ

 

ડાંગરવેથી પધાર્યા દયાળ, કરજીસણે ગયા તેકાળ । ત્યાંના ગોવિંદજી હરિજન, વળી કશલાજી તે પાવન ।।૫।। 

ઉમંગથી સામા આવ્યા જન, વ્હાલાને વધાવ્યા શુભ મન । પ્રેમ નેમ કરીને અપાર, તેડી ગયા તે ગામ મોઝાર ।।૬।। 

ગામથી પૂર્વદિશાની માંય, ભાગોળે પધરાવ્યાછે ત્યાંય । હિંડોળો બાંધ્યો સુંદરસાર, તેમાં બિરાજ્યા પ્રાણઆધાર ।।૭।। 

તેની શોભા વર્ણવી ન જાય, કેતાં કેતાં કવિ હારી જાય । એવી શોભા ધરતા થકા શ્યામ, મોટી સભા કરી છે તેઠામ ।।૮।। 

સભામાં આવ્યા હજારો જન, સંત હરિજન તે પાવન । હરિયે સામું જોયું અનુપ, પ્રેમે કરી થયા તદરૂપ ।।૯।। 

એમ આનંદ આપેછે નિત્ય, પંદર દિન રહ્યા ત્યાં અજીત । સેવા પૂજા કરી અંગીકાર, ત્યાંથી પધાર્યા પ્રાણઆધાર ।।૧૦।। 

ખાંતિલો ગયા ખોરજગામ, નિજ સેવકના સુખધામ । ત્યાંના બેચર ગોદડ ભક્ત, પ્રગટ પ્રતાપેછે વિરક્ત ।।૧૧।। 

એ આદિ બીજા સૌ હરિજન, સામા આવ્યા છે નિર્મળ મન । તેડી ગયા તે ગામમોઝાર, સેવા કરીછે રુડે પ્રકાર ।।૧૨।। 

પછે ત્યાંથી કર્યું છે વિચરણ, મોખાસણે શ્રીઅશરણશરણ । જેઠા રાયચંદ આદિભક્ત, કર્યું સ્વાગત પ્રેમઆશક્ત ।।૧૩।। 

પછે ત્યાંથી કર્યું છે પ્રયાણ, પલીયેજ ગયાછે સુજાણ । જેઠા ગંગા ને ઝુમખરામ, તેણે સેવ્યા હરિ સુખધામ ।।૧૪।। 

ત્યાંથી પધાર્યા નારદીપુર, નાનાભાઈ ને ઘેર્ય જરૂર । તેણે કરાવ્યાં ભોજન પાન, બે રજની રહ્યા તેહ સ્થાન ।।૧૫।। 

ત્યાંથી પધાર્યા છે સોજેગામ, નિજ-ભક્તનાં કરવા કામ । દેવજી આદિક હરિજને, કર્યું સન્માન નિર્મળ મને ।।૧૬।। 

ગામ નારદી થૈ અભિરામ, વ્હાલો પધાર્યા છે વડુગામ । માનો જેરામ તુલસીદાસ, તેમણે સેવા કરી હુલ્લાસ ।।૧૭।। 

પછે ગયા ઝુલાસણ ગામ, ત્યાંછે ભક્ત દેવકરણ નામ । ચોધરી હિરા આદિક જને, તેણે સત્કાર કર્યો સુમને ।।૧૮।। 

ત્યાંથી ગામ ઓળે ગયા શ્યામ, ભક્ત રાજી થયા અભિરામ । નરોત્તમજી સિધરદાસ, રત્નબાયે સેવા કરી તાસ ।।૧૯।। 

પછે ત્યાંથકી શ્રીનરવીર, ધમાસણે ગામ ગયા ધીર । રાયજી ને કાશીદાસ આદિ, જાણીને થયા સર્વ આહ્લાદિ ।।૨૦।। 

સામૈયું કરીને તેણીવાર, તેડી ગયા છે ગામમોઝાર । કુવા ઉપર વડનું વૃક્ષ, તેના હેઠે બિરાજ્યા પ્રત્યક્ષ ।।૨૧।। 

પછે શ્રીહરિને ત્યાં જમાડ્યા, સેવા કરી આનંદ પમાડ્યા । પ્રસાદી વધી છે તેહવાર, પ્રભુયે નાખી કૂપમોઝાર ।।૨૨।। 

વળી ચાલ્યા છે દીનદયાલ, મોટેરા ગામ પધાર્યા લાલ । કૈયે ભૂધર પુરૂષોત્તમ, તેમણે સેવા કરી ઉત્તમ ।।૨૩।। 

ત્યાંથકી ચાલ્યા શ્યામશરીર, ઉતર્યા સાબર- મતીનું નીર । વેગેથી આવ્યા વિશ્વઆધાર, સંત પાર્ષદ સહિત સાર ।।૨૪।। 

દરિયાપુર દરવાજા બાર્ય, આપણી વાડી છે જેહ ઠાર । તેમધ્યે મોટો કૂપ છે જ્યાંય, વાલિડો આવીને ઉભા ત્યાંય ।।૨૫।। 

મોટો આંબલો શીતળ છાંય, તેના હેઠે ઉભા હરિરાય । રોઝે ઘોડે બેઠાછે રંગીલો, અતિશોભેછે શ્યામછબીલો ।।૨૬।। 

ચારે તરફ જોયું ધ્યાન દઈ, બોલ્યા વચન પ્રસન્ન થઈ । સુણો સંત ને પાર્ષદ સહુ, આ ભૂમિકા પવિત્ર છે બહુ ।।૨૭।। 

અમારી પ્રસાદીનું આ ઠાર, તેના મહિમાનો નહિ પાર । એમ કહીને શ્રી યોગીનાથ, પધાર્યા સંત પાર્ષદ સાથ ।।૨૮।। 

પછે શ્રીનગરે પોચ્યા છે શ્યામ, નવા વાસમાં કર્યો મુકામ । પટેલ ભૂધરભાઇને ઘેર્ય, પંદર દિન રહ્યા રુડી પેર ।।૨૯।। 

વળી ત્યાંથી ચાલ્યા અવિનાશ, જેતલપુર ગયા હુલ્લાસ । જીવણ ભક્ત આસજીભાઈ, શંકરદાસ મનોહર ત્યાંઈ ।।૩૦।। 

ગંગાદાસ અને આશારામ, એ આદિ બીજા ભક્ત તમામ । સામા આવ્યા છે સામૈયું લેઇ, તેડી ગયા અતિ માન દેઈ ।।૩૧।। 

મોલમાં પધરાવ્યા પાવન, સર્વે ભક્તને ભાવ્યા છે મન । પ્રાણપતિને એ સમે ત્યાંઈ, થોડો જ્વર આવ્યો અંગમાંઇ ।।૩૨।। 

ઉગમણા ઓરડામાં નિદાન, તેમાં બિરાજ્યા છે ભગવાન । શગડીમાં કરાવ્યો છે તાપ, અલબેલોજી તાપે છે આપ ।।૩૩।। 

સર્વે સંતનાં મંડળ જેહ, જેતલપુરે આવ્યા સૌ તેહ । પ્રેમવડેથી કર્યા પ્રણામ, મળ્યા મહારાજને તેઠામ ।।૩૪।। 

પછે બેઠા છે રુડે પ્રકાર, શ્રીહરિએ પુછ્યા સમાચાર । મહાપ્રભુ સંતને કે ત્યાંય, તમે સર્વે રહો હવે આંય ।।૩૫।। 

ત્યારે સંત કહે છે તે ટાણે, અમે કરીશું આજ્ઞા પ્રમાણે । પણ ભિક્ષા પુરી નહી થાય, ઘણા સંતનો છે સમુદાય ।।૩૬।। 

વળી બોલ્યા છે વાલો વચન, હવે સુણો તમે મુનિજન । બાયુ જમે છે પાશેર અન્ન, રે છે થૈને તે મનમગન ।।૩૭।। 

માટે મળે જે ભિક્ષામાં અન્ન, તેમાં નિર્વાહ કરી લ્યો મન । એમ કહીને સુંદરશ્યામ, પંદર દિન રહ્યા તે ઠામ ।।૩૮।। 

ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય, તેની વાતો કરે છે સોહાગ । સંતનો મહિમા જે અપાર, અલબેલે કહ્યો છે તે ઠાર ।।૩૯।। 

ગ્રંથવૃદ્ધિ પામે છે અપાર, તેથી કરતો નથી હું વિસ્તાર । માટે સંક્ષેપે લખ્યું છે એહ, કોઇ કરશો ન મન સંદેહ ।।૪૦।। 

જેતલપુરમાં ઘણીવાર, લીલા કરીછે પરમ અપાર । સંત હરિજનને તેઠામ, સુખ આપ્યાંછે સુંદર શ્યામ ।।૪૧।। 

વળી ત્યાંથી ચાલ્યા ભગવાન, દંઢાવ્યમાં ફરતા નિદાન । વિજાપુર ગયા રુડી પેર, ભક્ત પ્રયાગજીતણે ઘેર ।।૪૨।। 

ક્ષેત્રમાં વાવ્ય પર જીવન, ઓરડીમાં રહ્યા નવ દિન । વજીબાને પોતાનો નિશ્ચય, કરાવ્યો હરિયે તે સમય ।।૪૩।। 

વરાહજીનું મંદિર જ્યાંય, દર્શન કરી જમતા ત્યાંય । કોઇ દિવસ પ્રાણઆધાર, જાતા વ્હાલા બારોટને દ્વાર ।।૪૪।। 

મંદિરમાં ત્યાં કરી દરશન, કૃષ્ણમૂર્તિને અડી પાવન । ગરુડજીને ઠેરવે હાથ, એવાં ચરિત્ર કરીને નાથ ।।૪૫।।

 ચાલ્યા ત્યાંથકી સુંદરશ્યામ, સાબરમતી સંગમ જે ઠામ । તેમાં સ્નાન કરીને જરૂર, વ્હાલો ગયા ગામ સંઘપુર ।।૪૬।। 

પ્રભુદાસતણે ઘેર માવ, જમી ચાલ્યા નટવરનાવ । ૧મધુપુરીના જે મહાદેવ, તેમાં રાત્રિ રહ્યા ૨ભક્તદેવ ।।૪૭।। 

બીજે દિવસે પ્રાતઃકાળ, ગામ વાઘપુરે થૈ દયાળ । ગયા અનોડીયે ભગવાન, અમરાજીને દીધાં દરશન ।।૪૮।। 

ત્યાંથી લાખાગઢ થઈ શ્યામ, ગંગાતીરે ચાલ્યા અભિરામ । ૩વૃષાપુરીનો આરો છે જેહ, ત્યાંહાં ગંગાજી ઉતર્યા તેહ ।।૪૯।। 

વિકાનાળે થઈ પરમેશ, ગામ સાદરે ગયા દેવેશ । ક્ષત્રિયોતણો ચોરોછે જ્યાંય, રહ્યા છ દિવસ પ્રભુ ત્યાંય ।।૫૦।। 

ગામ વાસણે ગયા જીવન, ગંગાજીત્રટ જ્યાં ઉપવન । તેમાં ઉતર્યા શ્રીઅવિનાશ, નિજ ભક્તતણા સુખરાશ ।।૫૧।। 

ત્યાંના ભક્ત પુંજા ભાવસાર, લાવી દીધી મિઠાઈ તેવાર । પથ્થરની ધોળી શિલા જેહ, તે ઉપર બેસી જમ્યા તેહ ।।૫૨।। 

પછે ત્યાંથી ચાલ્યા પરબ્રહ્મ, પેથાપુર ગયા પ્રભુ પરમ । સાબરમતીનો કિનારો જ્યાંય, સુખડિયા નામે શિવ ત્યાંય ।।૫૩।। 

તેમાં રાત્રિ રહ્યા રુડી પેર, વળી બીજે દિન સુખભેર । સમીપે કર્યું ગંગામાં સ્નાન,ગયા મંદિરમાં ત્યાં નિદાન ।।૫૪।। 

કર્યાં મહાદેવનાં દરશન, હરિહર ભેટ્યા ધરી મન । પૂજારીબાવે દિધું છે માન, પ્રેમે કરાવ્યાં ભોજન પાન ।।૫૫।। 

નિંબવૃક્ષની શાખાને સાથ, હિંડોેળો બંધાવ્યો યોગીનાથ । ઘણીવાર ઝુલ્યા તે અભીષ્ટ, તેથી નિંબશાખા થઇ મિષ્ટ ।।૫૬।। 

અદ્યાપિ સુધી છે મિષ્ટ ડાળ, એવા પ્રૌઢ પ્રતાપી કૃપાળ । પછે ચાલ્યા તેગામની માંય, હાલે મંદિરછે વળી ત્યાંય ।।૫૭।। 

તેઠેકાણે હતું નિંબવૃક્ષ, ઉભા રહ્યા ત્યાં વ્હાલો પ્રત્યક્ષ । ક્ષત્રી વરહાજી ને જેઠા વ્યાસ, તે પ્રત્યે બોલ્યા શ્રીઅવિનાશ ।।૫૮।। 

દ્રષ્ટિ ફેરવી ચારે કોર, કહે ભક્તને ધર્મકિશોર । સુણો હરિજનો પ્રેમાશક્ત, આંહી થશે ઘણા મુજભક્ત ।।૫૯।। 

એમ કરતાં વાત વિચાર, હરિયે બતાવ્યો ચમત્કાર । યોગકલાવડે અભિરામ, દેખાડ્યું છે તેજોમય ધામ ।।૬૦।। 

દિવ્ય સાકાર મૂર્તિ ને સ્થાન, શોભે સિંહાસને તે નિદાન । કોટિકોટિ નિરંજન મુક્ત, શ્રીહરિ બિરાજ્યા તેણે જુક્ત ।।૬૧।। 

તે દેખીયે સર્વે હરિજન, તદાકાર થયા નિજ મન । પામ્યા આશ્ચર્ય જન અપાર, કરવા લાગ્યા મન વિચાર ।।૬૨।। 

આતો નોેય પેથાપુર ગામ, આપણ છૈયે આ કોણ ઠામ । આનંદ પામ્યા ન રહી ધીર, તેજ દેખી થઇ ગયા સ્થિર ।।૬૩।। 

પછે પ્રગટ પ્રભુયે આપ, સમાવી લીધો નિજ પ્રતાપ । ત્યારે ભક્ત થયા સાવધાન, નિશ્ચે જાણી લીધા ભગવાન ।।૬૪।। 

હવે ધર્મધુરંધર ધીર, ચાલ્યા ત્યાંથકી શ્રીનરવીર । સાબરમતી ઉતરીને શ્યામ, ગયા શ્રીહરિ જાખોરે ગામ ।।૬૫।। 

પછે સલકિયે ગયા શ્યામ, દયાળજી ભક્ત કેરે ધામ । ખટદિન રહ્યા પ્રભુ ત્યાંય, ઘણી કૃપા કરી મનમાંય ।।૬૬।। 

ત્યારે તે ગામના હરિજન, અતિ પ્રેમી ને ઉદાર મન । નવાં નવાં ભોજન કરાવી, જમાડે શ્રીહરિને બોલાવી ।।૬૭।। 

પછે ભક્ત બોલ્યા જોડી હાથ, મેર્ય કરો અમપર નાથ । પાણીનું ઘણું છે દુઃખ આંઇ, વર આપોને પ્રસન્ન થઇ ।।૬૮।। 

તેવું સુણીને દીનદયાળ, બોલ્યા મેર્ય કરી તેહકાળ । ખારી નદીમાં ન ખુટે નીર, એવો વર આપ્યોછે સધીર ।।૬૯।। 

પછે ત્યાંથી ચાલીયા જીવન, ગયા સરસવણિયે મોહન । વિપ્ર છગનને ઘેર છેલ, રાત્રિ રહી ગયા વડથલ ।।૭૦।। 

ઘેલારામ વિપ્રને ભુવન, દશ દિન રહ્યા ભગવન । યજ્ઞ કરાવ્યો છે નિરધાર, હિંડોળે ઝુલ્યા છે તેહઠાર ।।૭૧।। 

લીલા કરી અનંત પ્રકાર, સેવાયો કરીછે અંગીકાર । પછે ગયા છે જીવનપ્રાણ, ઘોડાસર થઇને ડભાણ ।।૭૨।। 

એમ વિચરે વારમવાર, અખિલ ભુવન કિરતાર । પૃથ્વી તળ કરવા પાવન, આપે ધરી મનુષ્યનું તન ।।૭૩।। 

જેને નેતિ નેતિ કે નિગમ, અતિ મતિ ગતિ ને અગમ । ગુણ ગાય શારદા ને શેષ, તેહ પાર પામે નહિ લેશ ।।૭૪।। 

ક્ષરઅક્ષરના છે આધાર, જેનો મહિમા અપરમપાર । ધર્મ ભક્તિ ને સ્થાપવા કાજ, દેશોદેશ ફરે મહારાજ ।।૭૫।। 

ડભાણ ગામના પાટીદાર, લલ્લુદાસ રઘુનાથ સાર । તેણે તેડ્યા હરિ નિજઘેર, થાળ કરાવીયો રૂડી પેર ।।૭૬।। 

જમાડીયા ત્યાં જીવનપ્રાણ, બીજા હરિજને કરી તાણ । રહ્યા નાથ ત્યાં ઘણા દિન, પોતે થઇ અતિશે પ્રસન્ન ।।૭૭।। 

એક દિન ગયા પુરબાર્ય, લીલા કરવા ધારીને પ્યાર । પૂર્વદિશાયે એક તળાવ, ત્યાં વડ અતિ ગરકાવ ।।૭૮।। 

વટે બંધાવી હિંડોળો નાથ, ઝુલે નાથ ગાય ૧જનગાથ । ઝુલતા થકા થઇ પ્રસન્ન, ચતુર્ભુજે દિધું છે દરશન ।।૭૯।। 

મહાતેજ તેજનો અંબાર, પામ્યા જન આશ્ચર્ય અપાર । એવી અલૌકિક લીલા કરી, પછે ત્યાં થકી ચાલીયા હરિ ।।૮૦।। 

આવ્યા ખેડેગામ દીનબંધુ, સુખદાયક કરૂણાસિંધુ । શિવ મંદિરે મુકામ કરી, સરિતામાં ન્હાવા ગયા હરિ ।।૮૧।। 

પછે કાછીયા ઝવેર નામ, તેને ઘેર જમીયા છે શ્યામ । બે દિવસ રહીને સધાવ્યા, જેતલપુરમાં હરિ આવ્યા ।।૮૨।। 

ત્યાંથી નાગડકે ગયા માવ, દશ દિન રહ્યા કરી ભાવ । પછે ત્યાંથકી ચાલ્યા જરૂર, પ્રભુ પધાર્યા સારંગપુર ।।૮૩।। 

સંત હરિજનને ઉમંગે, સૌને તેડાવ્યાછે રૂડે રંગે । ફુલડોલનો સમૈયો સિદ્ધ, સારંગપુરે કર્યો પ્રસિદ્ધ ।।૮૪।। 

ઘણો રંગ ગુલાલ અબીર, ત્યાં ઉડાડે છે શ્રીનરવીર । આપ્યું સંતને સુખ અપાર, વર્તાવ્યોછે જયજયકાર ।।૮૫।। 

એક દિવસ દેવમુરારી, બેઠાછે ઉતારે ગિરિધારી । આવ્યા મહાનુભાવાનંદ ધીર, કરી પ્રાર્થના નામી શિર ।।૮૬।। 

સ્વામીતો બેઠા શ્રીજીને પાસ, ઉંડી અંતરમાં કરી આશ । ચરણ ચાંપવા ગયા જરુર, પ્રેમવડેથી થયા આતુર ।।૮૭।। 

ચરણ ખેંચી લીધાં ઉતકર્ષ, સ્વામીને કરવા દીધાં ન સ્પર્શ । ત્યારે બોલ્યા મહાનુભાવાનંદ, મહાપ્રભુ સુણો સુખકંદ ।।૮૮।। 

આ રૂડાં ચરણકમલ કાજ, જોગ લીધો છે મેં મહારાજ । સહિયે છૈયે જે તિરસ્કાર, પાપી ધુળ નાખેછે અપાર ।।૮૯।। 

કાઢી મુકેછે ગામથી બાર, વ્યંગ વચન કેછે નાદાર । સર્વે કરીયે છૈયે સહન, તમારા સારૂ પ્રાણજીવન ।।૯૦।। 

તોય ચરણ ખેંચીલ્યો છો આમ, અળગા શું રોછો સુખધામ । ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, હવે સુણો સ્વામી તમે આજ ।।૯૧।। 

કાઢી મુકે છે ગામથી બાર, કે નાખે એક ધુળ લગાર । એમાં કહી બતાવો છો કેમ, ચરણારવિંદ નવ મળે એમ ।।૯૨।। 

આ ચરણારવિંદના સારૂ જોય, યોગી યોગ આરાધે છે સોય । કેટલાએક જપેછે જાપ, કૈક તપિયા સહેછે તાપ ।।૯૩।। 

ઉધેઇ રાફ વળેછે દેહ, તોય મળે નહિ ચરણ એહ । તમે કરી લ્યો મન વિચાર, શરીરે સહે કષ્ટ અપાર ।।૯૪।। 

એમ લાખો વર્ષવીતી જાય, પણ સ્વપ્ને ન દર્શન થાય । તમજેવા તો પ્રેમી અનેક, ગયા સત્સંગમાંથી વિશેક ।।૯૫।। 

ત્યારે બોલ્યા મહાનુભાવાનંદ, સુણો સ્વામી શ્રીસહજાનંદ । હુંતો જાવું તેવો નથી ક્યાંય, નિશ્ચે માની લેજ્યો મનમાંય ।।૯૬।। 

પછે શ્રીહરિ થયા પ્રસન્ન, ચરણારવિંદ આપ્યાં છે પાવન । ચરણ લાંબા કર્યા પછે નાથે, સ્વામીયે ભિડ્યા હૃદયસાથે ।।૯૭।। 

શિર ઉપર ચાંપ્યા ઉમંગે, દાબવા સારું આપ્યાં ઉત્સંગે । પછે મહાપ્રભુ બોલ્યા વાણ, સર્વે સંત સુણીલ્યો પ્રમાણ ।।૯૮।। 

તવરાને મેળે જાજ્યો તમે, તે સ્થળે નક્કી આવશું અમે । એમ સંતને કહી વચન, ગઢપુરે પધાર્યા જીવન ।।૯૯।। 

દાદાખાચરના મોહોલમાંય, કરી નિવાસ રહ્યા છે ત્યાંય । એની સેવા કરી અંગીકાર, એવા દયાળુ દેવ મુરાર ।।૧૦૦।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ સારંગપુરથી ગઢપુર પધાર્યા એ નામે અગણોતેરમો તરંગ ।।૬૯।।