તરંગઃ - ૭૮ - શ્રીહરિયે શ્રીનગરમાં શ્રીનરનારાયણદેવની તથા ભુજમાં શ્રીનરનારાયણદેવની તથા મુળીમાં શ્રીરાધાકૃષ્ણદેવની પ્રતિષ્ઠા કરી

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:38am

પૂર્વછાયો
શ્રીનગરે સ્વામિનારાયણે, સંત હરિજન સંગ । પ્રતિષ્ઠાનું પ્રયાણ કર્યું, રાજી થકા રૂડે રંગ ।।૧।।
હજારો વિપ્રને બોલાવ્યા, કરવા ઉત્તમ કામ । સામગ્રી સૌ ભેગી કરાવી, જે જોયે તેવી તમામ ।।૨।।
મહોત્સવ થઇ રહ્યો છે, આનંદ ઉર ન માય । લાખો જન તે લાવો લે છે, મંગલ ઉત્સવ થાય ।।૩।।
શ્રીહરિની આજ્ઞા પ્રમાણે, સંત કરે સહુ કાજ । સમે સુચિત ભક્ત દેખી, રાજી રહે મહારાજ ।।૪।।

ચોપાઇ
હવે મુહૂર્ત આવ્યું નજીક, ઘણા ભક્ત આવ્યા ત્યાં ભાવિક । પ્રતિષ્ઠાવિધિની સિદ્ધિને સારૂં, રૂડો મંડપ રચાવ્યો વારૂ ।।૫।।
મંદિર આગે મંડપમાંય, વિધિએ કુંડ કરાવ્યો ત્યાંય । એક દિવસ આગળ એહ, યથા યોગ્ય વિધિ કર્યો તેહ ।।૬।।
સ્વસ્તિવાચન પૂર્વક જોય, ગ્રહમખ કરાવ્યો છે સોય । સંવત્ અઢાર અગણોતેર, ફાગણ સુદી ત્રીજે તે પેર ।।૭।।
બ્રાહ્મણ આવ્યા છે તેણીવાર, વેદના મંત્ર કરે ઉચ્ચાર । પછે મધ્યના મંદિરમાંય, નરવીર પધરાવ્યા ત્યાંય ।।૮।।
પછે દક્ષિણ બાજુની માંય, રૂડું મંદિર છે જોડે ત્યાંય । તેમાં રાધાકૃષ્ણ પધરાવ્યા, વેદવિધિવડેથી વધાવ્યા ।।૯।।
વામ ભાગે મંદિર છે જેહ, રૂડું શોભીતું લોભીતું એહ । હરિકૃષ્ણ ધરમ ને ભક્તિ, તેમાં પધરાવ્યા કરી વિક્તિ ।।૧૦।।
પછે એ મૂર્તિયોમાં સાર, પોતાનું તેજ મુક્યું અપાર । નરવીરને મળ્યા છે પોતે, સર્વે સંત હરિજન જોતે ।।૧૧।।
વાજે વાજીંત્ર ઢોલ મૃદંગ, વૃદ્ધિ પામ્યો છે સૌને ઉમંગ । નભ મારગે આવ્યા છે દેવ, દુંદુભિનાદ કરે છે એવ ।।૧૨।।
કરે ચંદન પુષ્પની વૃષ્ટિ, તેણે શોભી રહી છે આ સૃષ્ટિ । નાચે રંભાદિ ગાંધર્વ ગાય, જય જયકારના શબ્દો થાય ।।૧૩।।
પૂજા કરે છે પોતે શ્રીશ્યામ, પ્રતિમાયો તણી તેહ ઠામ । આરતી ઉતારી મહારાજ, દેવ બ્રાહ્મણ સંતને કાજ ।।૧૪।।
પ્રતિમાયો સામુ જોયું ધીર, થયા બે ઘડી સુધી ત્યાં સ્થિર । ત્યાંતો પ્રગટ્યું તેજ અપાર, બે મૂર્તિયોમાંથી નિરધાર ।।૧૫।।
સર્વે મંદિરમાં પડી છાય, તેજ તેજ સર્વેને દેખાય । તે સમે સર્વે અવતાર, મૂર્તિમાન આવ્યા તેણીવાર।।૧૬।।
કરે હરિવરનું સ્તવન, જય જય તમે ભગવન । અમે સર્વે તવ અવતાર, તવ આજ્ઞા વિષે વર્તનાર ।।૧૭।।
કોટી ઇશ્વર બ્રહ્મ અગમ, વળી અક્ષર શોભે છે પરમ । પ્રકૃતિ પુરૂષ જપે જાપ, તે સહુથી તમે મોટા છો આપ ।।૧૮।।
બ્રહ્મમોલના વાસી વિહારી, સર્વે અવતાર તણાઅવતારી । સર્વ નિયંતા છો નિરધાર, સૌના અંતર્યામી સર્વાધાર ।।૧૯।।
તમારી ભક્તિ બળે અપૂર્વ, મોટા થયા છૈએ અમો સર્વ । વળી કામ કરો તમે જેહ, અમારાથી બને નહિ તેહ ।।૨૦।।
તમે પ્રભુ સ્વતંત્ર છો આપ, તમારૂં બળ પૌઢ પ્રતાપ । માનુષી ચેષ્ટા કરો છો જાણ, પ્રભુતાઇ વડેથી પ્રમાણ ।।૨૧।।
તેતો ધર્મતણી રક્ષા કરવા, વળી ભક્ત કેરાં દુઃખ હરવા । સાધુ સેવક બ્રાહ્મણ દેવ, તેમની વૃદ્ધિ કરવા એવ ।।૨૨।।
તે માટે કરો છો આ ચરિત્ર, તમે છો સદા પુન્ય પવિત્ર । એમ સ્તુતિ કરી ઘણીવાર, અંતર્ધાન થયા અવતાર ।।૨૩।।
મંડપમાં ગયા મહારાજ, કરે ઉત્તર પૂજન કાજ । દેવ બ્રાહ્મણને તૃપ્ત કીધા, સર્વેના વિભાગો વેંચી દીધા ।।૨૪।।
બ્રાહ્મણોને ઇચ્છા અનુસાર, દક્ષિણાઓ આપી છે અપાર । ભાવે કરાવ્યાં રૂડાં ભોજન, વિપ્રને ઘણા કર્યા પ્રસન્ન ।।૨૫।।
એમ શ્રીનગરમાં અલબેલે, પ્રતિષ્ઠા કરી સુંદર છેલે । જયકાર વર્તાવ્યો તે ઠારે, પછે ગયા પોતાને ઉતારે ।।૨૬।।
તેને બીજે દિવસે દયાળે, ચોરાશી કરી છે તતકાળે । શ્રીનગરના બ્રાહ્મણ સઘળા, જમાડી દીધા છે તે સબળા ।।૨૭।।
ચોરાશી નાતના જે વાડવ, કાંકરીયે જમાડ્યા તે સરવ । સંત હરિજનના જે સંઘ, સર્વે આવ્યા હતા જે ઉમંગ ।।૨૮।।
તેમને પ્રસાદીનું જે અન્ન, પ્રીતે કરાવ્યું સહુને પ્રાશન્ન । તે હરિજનોએ પૂજા કરી, વસ્ત્રાભૂષણ ભાવથી ધરી ।।૨૯।।
કરી ઉત્સવની ત્યાં સમાપ્તિ, સંત હરિજન પામ્યા તૃપ્તિ । સર્વે હરિજનોને નિરધાર, રજા આપી દીધી તેહવાર ।।૩૦।।
તે ગયા પોતપોતાને દેશ, ગુણ ગાતા પ્રભુના હમેશ । હવે શ્રીહરિ છે સર્વાધાર, પોતે ઘોડે થયા અસવાર ।।૩૧।।
જેતલપુર થઇ જરૂર, પ્રીતે પધાર્યા છે દુર્ગપુર । ત્યાં જયા લલીતા આદિ જન, પ્રભુને દેખી થયાં પ્રસન્ન ।।૩૨।।
શ્રીહરિના સંબંધે કરીને, જન્મ મરણ નાવે ફરીને । અવતારતણા અવતારી, નિજજનતણા સુખકારી ।।૩૩।।
તે સમે ભુજનગરથી ભક્ત, ગંગારામ આદિ જે વિરક્ત । આવ્યા તેડવા તે શ્રીહરિને, મન ભક્તિનો ભાવ ભરીને ।।૩૪।।
બોલ્યા વાલમ પ્રત્યે એ વાણ, દયાસિંધુ હે જીવનપ્રાણ । હવે પધારો ભુજ મોઝાર, ત્યાં મંદિર થયું છે તૈયાર ।।૩૫।।
પ્રતિષ્ઠા કરો આવીને પ્રીત્યે, સૌને સુખ આપો રૂડી રીત્યે । આવાં ભક્તનાં સુણી વચન, થયા તૈયાર શ્રીભગવન ।।૩૬।।
સંત હરિજન સૌ સાથ, ભુજનગર પધાર્યા છે નાથ । મંદિરમાં કર્યો છે મુકામ, સર્વે ભક્ત આવ્યા તેહ ઠામ ।।૩૭।।
દર્શન કરી પામ્યા આનંદ, વળી ભાળીને મુનિનાં વૃંદ । વેદવેત્તા વિપ્રને બોલાવ્યા, જ્યોતિર્વિદને પણ તેડાવ્યા ।।૩૮।।
શુભ મુહૂર્ત જોયું તે વાર, કરે છે સામગ્રી તૈયાર । મંડપ વેદવિધિ પ્રમાણે, શોભા સાથે કરાવ્યો તે ટાંણે ।।૩૯।।
દેવતાઓનાં કર્યાં પૂજન, વેદમંત્રથી કર્યો હવન । મધ્યનું જે મંદિર છે તેમાં, નરવીર પધરાવ્યા જેમાં ।।૪૦।।
તે જોડે પોતાનું જે સ્વરૂપ, પ્રીતે પધરાવ્યું છે અનુપ । મહોત્સવ મોટો કર્યો ત્યાંય, સર્વે આનંદ્યા છે મનમાંય ।।૪૧।।
બ્રાહ્મણને કરાવ્યાં ભોજન, દાન આપીને કર્યા પ્રસન્ન । સંત ભક્તને શહેરના જન, સર્વેને જમાડ્યા શુભ મન ।।૪૨।।
પૂર્વછાયોભુજ નગરમાં માવજી, ઘણા દિવસ રહ્યા ઘનશ્યામ । ત્યાંથી વાલો ગઢપુર ગયા, સંત સહિત સુખધામ ।।૪૩।।

ચોપાઇ

દુર્ગપુરમાં ધર્મકુમાર, રહ્યા વાલમજી સુવિચાર । તે સમે મુળીપુરથી સોય, દુત ગઢડે મોકલ્યો જોય ।।૪૪।।
બ્રહ્મમુનિ રામાભાઇના પત્ર, લઇને વેગે આવ્યો છે તત્ર । પત્ર આપ્યા શ્રીજીને તે ઠાર, કરજોડી કર્યો નમસ્કાર ।।૪૫।।
વાંચ્યા પત્ર તે સભા મોઝાર, તેના જાણી લીધા સમાચાર । મંદિર તૈયાર થયું જાણી, સજ્જ થયા છે સારંગપાણી ।।૪૬।।
સંત મંડળ ને હરિભક્ત, તે સહિત ચાલ્યા છે વિરક્ત । ૧અધ્વમાં આવે છે જે જે ગામ, તે તે ગામે કરે છે મુકામ ।।૪૭।।
તેની સેવા કરી અંગીકાર, ચાલ્યા જાય છે વિશ્વ આધાર । એમ કરતાં મુળીપુર આવ્યા, ભાવિક ભક્તને મન ભાવ્યા ।।૪૮।।
બ્રહ્મમુનિ અને રામાભાઇ, સંત હરિજનો સમુદાઇ । સામૈયું લઇને સામા આવ્યા, વાલાને મોતીડેથી વધાવ્યા ।।૪૯।।
વાજાં વાગે વિવિધ પ્રકાર, વર્તી રહ્યો છે જય જયકાર । સંત હરિભક્તે પૂજા કરી, મનોહર મૂર્તિ મન ધરી ।।૫૦।।
વાલો પધાર્યા પુર મોઝાર, આવ્યા દર્શને ભક્ત અપાર । મંદિરમાં કરાવ્યો ઉતારો, અતિ સુંદર નૌતમ ન્યારો ।।૫૧।।
સમીપે શોભે છે ઉપવન, જેમાં અરલક વાવ્ય પાવન । તેમાં હમેંશ કરે છે સ્નાન, વર્તાવે આનંદ ભગવાન ।।૫૨।।
રામાભાઇ તે મોટા રાજન, રઘાભાઇ દીવાન પાવન । તે સેવા કરે છે નિશદિન, અન્ન જળથી થઇ આધીન ।।૫૩।।
સંત હરિજન મહારાજ, તે પાસે કરે છે શુભ કાજ । પછે વેદિયા બ્રાહ્મણ જેહ, તેમને બોલાવ્યા નિઃસંદેહ ।।૫૪।।
પ્રતિષ્ઠા મુહૂર્ત પુછી લીધું, કામકાજ ચાલતું તે કીધું । હુત દ્રવ્યનું સર્વે સાહિત્ય, મંગાવી લીધું છે રૂડી રીત્ય ।।૫૫।।
તે સંબંધમાં જોયે જે વસ્તુ, તેને ભેગાં કરાવ્યાં સમસ્તુ । કુંડ મંડપ આદિ કરાવ્યા, વેદ વિધિએ રંગ પુરાવ્યા ।।૫૬।।
તે સમે હરિકૃષ્ણ જે વિપ્ર, સર્વે વિધિ કરાવે છે ક્ષિપ્ર । અંગ પ્રધાન દેવતા સમ, શ્રીહરિની પ્રીતિ અર્થે પરમ ।।૫૭।।
સર્વ વિધિ કરાવ્યો છે તેનો, જે સમે જોઇએ તે સમે તેનો । પછે મધ્યના મંદિરમાંય, રાધાકૃષ્ણ પધરાવ્યા ત્યાંય ।।૫૮।।
પોતાની મૂર્તિ તેમની જોડે, કરી પ્રતિષ્ઠા સ્થાપી છે કોડે । રણછોડજી વામ મંદિરે, તેમાં સ્થાપ્યા છે શામ સુંદિરે ।।૫૯।।
દક્ષિણ મંદિરે ભક્તિ ધર્મ, કર્યું સ્થાપન તે અનુક્રમ । ઘણો ઘોષ વાજીંત્રનો થાય, સંત ભક્ત ત્યાં મંગળ ગાય ।।૬૦।।
ઉંચે સ્વરે બ્રાહ્મણ તે ઠાર, વેદ મંત્રનો કરે છે ઉચ્ચાર । એવે ૧અભ્રમાર્ગે ૨વિબુધ, દુંદુભિ બજાવે છે તે શુદ્ધ ।।૬૧।।
દશ દિશાયોમાં શબ્દ ગયો, સુણી સર્વને આનંદ થયો । અમંગળનો કર્યો છે નાશ, માંગલિકનો કર્યો પ્રકાશ ।।૬૨।।
ચંદન પુષ્પ વૃષ્ટિ અપાર, ૩ક્રતુભુજ કરે છે તે ઠાર । પછે શ્રીહરિએ પૂજા કરી, ઉતારી આરતી હેત ભરી ।।૬૩।।
પોતાનું તેજ વાલમે લીધું, મૂર્તિઓ વિષે ધારણ કીધું । ત્યારે પ્રતિમાયોનો ઉજાસ, થયો તેજનો તેમાં પ્રકાશ ।।૬૪।।
સર્વ મંદિરમાં તે છવાયું, દશ દીશાઓ વિષે દેખાયું । તે વડે તમ અજ્ઞાન એવ, નાશ પામી ગયું તતખેવ ।।૬૫।।
પછે પ્રીતમે પ્રેમ ધરાવ્યો, પૂર્ણાહુતિનો હોમ કરાવ્યો । વિપ્રને આપ્યાં ઇચ્છિત દાન, રૂડાં કરાવ્યાં ભોજન પાન ।।૬૬।।
સંત હરિજનોને જમાડ્યા, તૃપ્ત કરી આનંદ પમાડ્યા । પ્રતિષ્ઠા કરી છે રૂડી રીત્યે, રાધાકૃષ્ણ દેવની ત્યાં પ્રીત્યે ।।૬૭।।
નિજ ભક્તતણે ઘેર ઘેર, રસોઇઓ જમ્યા રૂડી પેર । અતિ આનંદ સર્વેને આપ્યો, કાળ કર્મતણો ભય કાપ્યો ।।૬૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે શ્રીનગરમાં શ્રીનરનારાયણદેવની તથા ભુજમાં શ્રીનરનારાયણદેવની તથા મુળીમાં શ્રીરાધાકૃષ્ણદેવની પ્રતિષ્ઠા કરી એ નામે અઠ્ઠયોતેરમો તરંગઃ ।।૭૮।।