તરંગઃ - ૮૮ - શ્રીહરિ-વિચરણ

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:58am

પૂર્વછાયો

મંગળમય ઘનશ્યામનું, ધામ છુપૈયા ગામ । જે જન જાય ત્યાં પ્રીતથી, તે થાય પૂરણકામ ।।૧।। 

અડસઠ તીરથ તે સ્થળે, રહે કરીને ત્યાં વાસ । છુપૈયાની સીમા દેખીને, જમગણ પામે ત્રાસ ।।૨।। 

તેત્રીસ કોટિ દેવતા, વેદ અને વાગીશ । છુપૈયાની રજ લઇને, સ્નેહે ધરે છે શીષ ।।૩।। 

નજરે દેખે જે છુપૈયા, પાપ પલાય દૂર । જન્મમરણનાં દુઃખ નાસે, ધન્ય છુપૈયાપુર ।।૪।।

 

 

ચોપાઇ

 

પ્રથમ પેલે દુર્વાસા શાપ, દીધો બદ્રિકાશ્રમે તે આપ । નરનારાયણ ઋષિરાયે, ગ્રહણ કીધો તેહ ઉપાયે ।।૫।। 

તે દ્વારાયે પુરૂષોત્તમ જેહ, અવતારી આવ્યા પોતે એહ । નાની સરવાર્ય છુપૈયાપુર,અયોધ્યાપુરી પાસ જરૂર ।।૬।। 

તેમાં પ્રગટ્યા દેવાધિદેવ, અક્ષરાધિપતિ વાસુદેવ । ધરમભક્તિને ભુવને આવ્યા, સાથે અનંત મુક્તને લાવ્યા ।।૭।। 

જન્મ્યા જે ઘડીયે હરિકૃષ્ણ, અષ્ટભુજાયે દીધાં છે દ્રષ્ન । અતિ તેજ તેજનો પ્રકાશ, બેઉ પોર રહ્યો છે ઉજાસ ।।૮।। 

તે પ્રકાશ પુરમાં જણાવ્યો, સર્વે જનને તે મન ભાવ્યો । વળી ચતુર્ભુજ થયા તેહ, સોળ વર્ષની અવસ્થા જેહ ।।૯।। 

શંખ ચક્ર ગદા પદ્મધારી, અક્ષરાતીત જે અવિકારી । વળી બાળરૂપે થયા હેઠા, નેત્ર ઉઘાડીને પોતે બેઠા ।।૧૦।। 

પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષણ, ચાર દિશામાં જોયું ચક્ષણ । એક પોહોર વાર એમ કીધું, મહા અદ્ભુત દર્શન દીધું ।।૧૧।। 

એવું ઐશ્વર્ય પુત્રનું જોઇ, સર્વે બાયું રહી મનમોઇ । તે પ્રતાપની વાર્તા જેહ, લક્ષ્મીમામીયે કહી છે તેહ ।।૧૨।। 

બાળસ્વરૂપે શ્રીઘનશ્યામ, અક્ષરાધિપતિ પૂરણકામ । ભક્તિમાતાયે ખૂબ રમાડ્યા, સ્તનપાન કરાવી જમાડ્યા ।।૧૩।। 

વળી માસના થયાછે માવ, દંતપંક્તિનો દેખાડ્યો ભાવ । માતાજી જોઇ આશ્ચર્ય પામ્યાં, તનમનનાં દુઃખડાં વામ્યાં ।।૧૪।। 

બાલચેષ્ટાથી રુદન કરે, માતા તે વાત મનમાં ધરે । અતિ ભુખ્યા થયા ઘનશ્યામ, અનંત કોટિ મુક્તના ધામ ।।૧૫।। 

ભક્તિમાતાના ખોળામાં હરિ, અતિ ભાર જણાવ્યો છે ધરી । સ્તનપાન કરાવે છે માતા, હેઠે મુકી દીધા સુખદાતા ।।૧૬।। 

વળી મુખમાં માયા દેખાડી, અતિ રોવે છે પગ પછાડી । વસંતામાસી ખમા કહીને, તેડી લીયે છે હાથ ગ્રહીને ।।૧૭।। 

બાલમુકુંદલાલજી નામ, નટવરલાલ ઘનશ્યામ । ગોવિંદ હરિકૃષ્ણજી કહે, પુરૂષોત્તમજી નામ લહે ।।૧૮।। 

એવાં નામ લઇને બોલાવે, હસાવીને તે લાડ લડાવે । તાળી પાડી સામું જોવરાવે, માતા પારણિયામાં ઝુલાવે ।।૧૯।। 

પારણામાં ચરણ પછાડે, ભુખ્યા છે એકાદશીના દાડે । બુમ પાડી ઉઠ્યા ઘનશ્યામ, ઘણા રોવા લાગ્યા સુખધામ ।।૨૦।। 

પ્રેમવતી રસોડામાં હતાં, દોડી આવ્યાં વિનતિ કરતાં । તમોને ખમા લાડીલા પુત્ર, પારણેથી લીધા બળસૂત્ર ।।૨૧।। 

ઓશરીમાં તે ગોટિલાં ખાય, ઉમરા પરથી પડી જાય । ભક્તિમાતા ખમા ખમા કહે, ત્યારે સામું જોઇને તે રહે ।।૨૨।। 

શિશુરૂપે ચરિત્ર કરે છે, ધરમદેવનું મન ઠરે છે । વળી ઘરના આંગણામાંય, ઘનશ્યામે લીલા કરી ત્યાંય ।।૨૩।। 

રમે જમે ને કરે છે ખેલ, ભાંખોડીયે ચાલે રંગરેલ । વળી ઘરમાં તે પડી જાય, સર્વે જનને નવ દેખાય ।।૨૪।। 

ઘડી એક અંતર્ધાન થાય, માતા પિતા અકળાઇ જાય । ત્યારે દયા લાવી બોલે શ્યામ, દેખો સુખમાં બેઠો આ ઠામ ।।૨૫।। 

પછે માતાજી ઉભા કરીને, ઘરમાં ચલાવે તે હરિને । આંગળી ઝાલીને સાથે ચાલ્યા, ખડકી ફળીમાં બહુ માલ્યા ।।૨૬।। 

હંસ ૧કારંડવ મયૂર જેવી, નિત્યે રમત કરે છે તેવી । વળી નાસી જાવાની રમત, એવો સખાને ગમે છે મત ।।૨૭।। 

ટોપી ડગલી ને સુરવાળ, ધરી શોભી રહ્યા છે દયાળ । શિર ઉપર કેશ ઝળકે, ટોપીયે મોતીની હાર ચળકે ।।૨૮।। 

બેઉ કાનમાં કુંડળ સારાં, કંઠમાં ઘરેણાં લાગે પ્યારાં । કંદોરાની ઘુઘરી ઘમકે, પગે ઝાંઝર અતિ ઝમકે ।।૨૯।। 

વળી અસુર આવ્યા છે ઝાઝા, ભગવાનની ન રાખી માઝા । પ્રભુયે વાંકી દષ્ટિથી જોયું, પોતાની માયામાં મન મોહ્યું ।।૩૦।। 

છુપૈયામાં ઉપદ્રવ થયા, ત્યારે અવધપુરીમાં ગયા । બ્રહટા શાખા નગરમાંય, શાંતિભુવનમાં રહ્યા ત્યાંય ।।૩૧।। 

રામચંદ્રજીના જન્મસ્થાન, કનકભુવને ભગવાન । હનુમાનગઢી ધરમદેવ, દર્શને જાય છે વાસુદેવ ।।૩૨।। 

સર્ગદ્વારી ને લક્ષ્મણઘાટ, રામઘાટે મોક્ષ કરવા માટ । ચાર માસ રહ્યા ધરમદેવ, છુપૈયામાં આવ્યા તતખેવ ।।૩૩।। 

ઘનશ્યામ ને રામપ્રતાપ, રહ્યા અક્ષરભુવને આપ । જન્મસ્થાનકના કેડે માવ, રસોડામાં જમે અતિભાવ ।।૩૪।। 

વળી દડ દડ દોડી જાય, નારાયણસરોવર ન્હાય । જળમાં ડુબકી ખાય ઘણી, ટોળી સર્વે સખાવૃંદતણી ।।૩૫।। 

સંતૈ જાવાની રમત કરે, ગજની પેઠે ચાલીને ફરે । ફ્રુદડીયે ફરે રંગલેરી, ઘરના ચોક વચ્ચે ઘણેરી ।।૩૬।। 

ફુલબાગમાં દોડીને જાય, નારંગી રામફળ તે ખાય । મકૈ ડોડાને ચિભડાં લાવે, શેલડી જમે અતિશે ભાવે ।।૩૭।। 

જન્મસ્થાનક આંબલી જેહ, કુવા કાંઠે બેસે જઇ તેહ । તેના ચોક વચ્ચે નિરધાર, સખા જાુક્ત બેઠા ઘણીવાર ।।૩૮।। 

મોઇ દંડાની રમત કરે, એક પગે તે કુદીને ફરે । ઠુમક ઠુમક પોતે ચાલે, હરિમંદિરીયાંમાં તે માલે ।।૩૯।। 

વળી ધનુરમાસમાં માવ, ભક્તિમાતાયે જમાડ્યા ભાવ । વસ્ત્ર દાગીના સારા ધરાવ્યા, નિશાળે ગયા છે મન ભાવ્યા ।।૪૦।। 

ઇચ્છારામ નંદરામભાઇ, તે પણ સાથે ગયા છે ધાઇ । ભણી ગણીને ઘેર તે આવે, મામા મામીઓને મન ભાવે ।।૪૧।। 

વળી રસોડામાં જમે નિત્યે, રામપ્રતાપની સાથે પ્રીતે । પુરી કચોરીને દહિંવડાં, હાથે શોભે છે હેમનાં કડાં ।।૪૨।। 

વળી છુપૈયે દેવ મુરારી, રમે ગેડી દડો ગિરધારી । વેણીરામ વિજય ત્રવાડી, તેના સાથે રમે દાડી દાડી ।।૪૩।। 

છુપૈયાપુરવાસી જનને, સમાધિ કરાવી છે જીવને । એવો પ્રતાપ દેખીને ભારી, વારણાં લીયે પુરની નારી ।।૪૪।। 

સખા સાથે રમે દડાગેડી, નંદરામ સંતાણા છે મેડી । છુપૈયા નરેચા વચ્ચે રમે, પછે ઘેર આવીને તે જમે ।।૪૫।। 

અનંત રોમે બ્રહ્માંડ ધરે, તેજ છુપૈયાપુરમાં ફરે । ઉત્પત્તિ સ્થિતિ ને જેહ કરે, તેજ છુપૈયામાં પગ ભરે ।।૪૬।। 

પોતાને નામે પુરૂષોત્તમ, આવ્યો અધિક માસ ઉત્તમ । ઘનશ્યામ ન્હાવા નિત્ય જાય, મીનસાગરે તે સમુદાય ।।૪૭।। 

ફુલડોલનો ઉત્સવ કરી, પોતે ન્હાવા પધાર્યા છે હરિ । સુવાસની તે સેવો કરીને, સર્વેને જમાડે પ્રેમ કરીને ।।૪૮।। 

જામફળ લાવ્યા મોતીરામ, તે તો લઇ ગયા ઘનશ્યામ । મોતીરામ ઝાલવાને ગયા, ત્યારે હરિ અંતર્ધાન થયા ।।૪૯।। 

મીનસાગર પીરોજપુર, નરેચા અસનારા જરુર । ગામ કુસમી નીવાદે ગામ, સુરવાલે જાય ઘનશ્યામ ।।૫૦।। 

ગામ તીનવે સુંદર શ્યામે, ભૂતનો મોક્ષ કર્યો તે ઠામે । મનોરમાયે તોપ ઉપાડી, ચાલ્યા ત્યાંથી પ્રતાપ દેખાડી ।।૫૧।। 

એવી રીત્યે છુપૈયા ફરતા, ચારે કોરે રમે જગકર્તા । ગામની બઝારે બહુ ફરે, ખંપાસરોવરે જઇ ઠરે ।।૫૨।। 

નારાયણસરોવર ન્હાય, જન્મસ્થાનકે જે કોઇ જાય । તેના પાપનો ક્ષયજ થાય, એમ વેદપુરાણ તે ગાય ।।૫૩।। 

વળી છુપૈયામાં લેશે છાપ, અક્ષરધામ પામશે આપ । ખંપાસરોવરે કોઇ ન્હાશે, તેનાં પાપ સર્વે બળી જાશે ।।૫૪।। 

વળી પાપી હતો એક જન, જમપુરી દેખાડી જીવન । જમના દૂત મારે છે ઘણું, જેને દયા નથી એક અણુ ।।૫૫।। 

પછે છુપૈયા સાંભરી આવ્યા, શ્રીહરિને દીઠા મન ભાવ્યા । જમના દૂત થૈ ગયા દુર, છુપૈયાપુર લાવ્યા જરુર ।।૫૬।। 

એક વણિકનો બાળ હતો, તે તો જન્મથી દેખતો નોતો । ત્યારે દયા લાવ્યા તેને માથે, તરત દેખતો કર્યો છે નાથે ।।૫૭।। 

તે પ્રતાપ જોઇ સર્વે જન, નિશ્ચે કરીને થયાં પાવન । અનંત રૂપે ચરિત્ર કર્યાં, પુરજનનાં દુઃખડાં હર્યાં ।।૫૮।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ-વિચરણ એ નામે અઠ્યાશીમો તરંગઃ ।।૮૮।।