સારસિદ્ધિ કડવું - ૩૫

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:36pm

અતોળ રોળ રહ્યા દેહદર્શીને સાથજી, જે રાતદિન ગાય દેહસુખની ગાથજી

તેહ વિના વાત નથી આવી બીજી હાથજી, તે કેમ કરશે પ્રસન્ન નરનાથજી ।।૧।।

ઢાળ - 

નાથ પ્રસન્ન કેમ કરશે, જેને સેવા કરવી છે શરીરની ।।

તેને ભાવે નહિ બીજું ભીતરે, મર વાત હોય સુખશિરની ।। ર ।।

દેહને અર્થે દાખડો, રાત દિવસ કરે છે રહ્યો ।।

જરાય ન કરે જીવ અરથે, તેને ઉપદેશ આપવો શિયો ।। ૩ ।।

શરીર સારુ સાચવી રાખે, સર્વે સુખતણો તે સમાજ ।।

પણ જે જે કહે જીવ અરથે, તેનો તરત કરી દિયે તાજ ।। ૪ ।।

અન્ન અંબર સુંદર જોઈ, સારાં જાણી રાખે સાચવી ।।

કાલે આવશે કામ મારે, એમ ઇચ્છા ઉરમાં નિત્ય નવી ।। પ ।।

તુચ્છ વસ્તુ પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગશે મનવાંછિત ।।

એ ત્યાગી નથી છે વેષ ત્યાગીનો, તેની પડે શી પ્રતીત ।। ૬ ।।

ગોળ તજી ખાય છે ખોળને, તૂપ તજી ખાય છે તેલ ।।

તે પણ કો’યલ કણઝીતણું, ભૂંડી ગંધે દુઃખનું ભરેલ ।। ૭ ।।

એવાં સુખ શરીરનાં, લેવા સારુ વિસાર્યા નાથ ।।

તેને સંગે વૈરાગ્યવંત સંત, કેમ કરી રહી શકે સાથ ।। ૮ ।।

ભ્રમર ગીંગો ભેળા થયા, આશય અન્યોઅન્યનો અળગો ।।

ભ્રમર કમળ ભાળી રહ્યો, ગીંગો ગોબરવાડે વળગો ।। ૯ ।।

એમ સંત અસંત ભેળા રહે, પણ નોખા છે એકએકથી ।।

નિષ્કુળાનંદ કહે એ નથી છાનું, કે’વરાવો છો શું કથી ।। ૧૦ ।। કડવું ।।૩૫।।