સારસિદ્ધિ કડવું - ૩૭

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:43pm

નિર્વાણ પદમાં પોં’ચાડે સંતજી, જે કોઈ દિલના દયાળુ અત્યંતજી

જેને એક ઉર રહિયા ભગવંતજી, તેણે કરી સદાય છે શુભ બુદ્ધિવંતજી।।૧।।

ઢાળ - 

શુભ બુદ્ધિવાળા સંત જેહ, તેહ સહુના સુખદાય છે ।।

તેથી દુઃખ ન ઊપજે, જે સુરતરુ સમ કે‘વાય છે ।। ર ।।

જેમ વિટપ બહુ પરમારથી, પરમારથી પાથ ને પૃથવી ।।

ઘન પવન પરમારથી, તેમ પરમારથી રાકેશ રવિ ।। ૩ ।।

જેમ તરુ સુખદાયી તેહથી, ફૂલ ફળ દળ શાખા મળે ।।

વળી શીતળ કરે છાયા વડે, તેમ સર્વે સંકટ સંતથી ટળે ।। ૪ ।।

જેમ જળ મળ હરે જનના, વળી પાન કર્યે હરે પ્યાસ ।।

તેમ સંત સુખ સહુને કરે, વળી હરે તન મન ત્રાસ ।। પ ।।

જેમ ભૂમિ પરમારથી ભણિયે, ઠામ ધામ ધાતુ આવે કામ ।।

તેમ સંત પરમારથી સમજો, સર્વે પ્રાણીના છે સુખધામ ।। ૬ ।।

જેમ મેઘ જિવાડે છે મેદિની, જેમ અર્ક કરે છે ઉજાસ ।।

જેમ શશી કરે છે શીતળતા, તેમ સંત સહુના સુખનિવાસ ।। ૭ ।।

જેમ પંચ ભૂતના પદાર્થથી, સર્વે સુખી રહે છે સંસાર ।।

તેમ સંત અલૌકિક સુખના, જાણી લિયો જરૂર આપનાર ।। ૮ ।।

સાચા સંતથી સરી ગયાં, કૈક જીવોનાં કાજ ।।

એવા સંતને સેવવા, અવસર આવિયો છે આજ ।। ૯ ।।

જો મનાય તો મને માનજો, છે અતિ અર્થની વાત ।।

નિષ્કુળાનંદ નકી કહે, સુખ થાવાની એ સાક્ષાત ।। ૧૦ ।।કડવું ।।૩૭।।