ગઢડા અંત્ય ૧૦ : વૃંદાવન અને કાશીનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:34am

ગઢડા અંત્ય ૧૦ : વૃંદાવન અને કાશીનું

સંવત્ ૧૮૮૩ના આસો વદી ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત  વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્‍સંગી હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે શ્રીજી મહારાજ પાસે એક માઘ્‍વી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્‍યો. તેને શ્રીજીમહારાજે પુછયું જે, “તમારા સંપ્રદાયના ગ્રંથને વિષે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે અને વળી એમ કહ્યું છે જે, ‘મહાપ્રલયમાં પણ વૃન્‍દાવનનો નાશ થતો નથી.’ અને શિવમાગર્ી હોય તે એમ કહે છે જે, ‘મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો, એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી, શા માટે જે, મહાપ્રલયમાં તો પૃથ્‍વી આદિક પંચભૂતનો અતિશે પ્રલય થઈ જાય છે ત્‍યારે વૃન્‍દાવન ને કાશી તે કેમ રહેતાં હશે ?” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજે ભાગવતનું પુસ્‍તક મંગાવીને એકાદશસ્‍કંધમાંથી તથા દ્વાદશસ્‍કંધમાંથી ચાર પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાવ્‍યો. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “આ ભાગવતનો તથા ગીતાનો મત જોતાં તો જેટલું પ્રકૃતિપુરુષ થકી થયું છે તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી. અને જો મહાપ્રલયમાં, વૃન્‍દાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્‍યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવો. શા માટે જે, વ્‍યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી. અને બીજા તો જે જે આચાર્ય થયા છે તેમણે વ્‍યાસજીના કરેલા ગ્રન્‍થને આશરીને પોત પોતાના સંપ્રદાય ચલાવ્‍યા છે. માટે આદિ આચાર્ય જે વ્‍યાસજી તેનાં જે વચન તે સર્વે આચાર્યનાં વચન કરતાં અતિ પ્રમાણ છે. માટે વ્‍યાસજીનાં વચન તથા વેદની શ્રુતિએ કરીને જે વૃન્‍દાવન મહાપ્રલયમાં નાશ નથી થતું’ એવું જે પ્રમાણ તે કહી સંભળાવો તો અમારો સંશય નિવૃત્ત થાય. અને જે જે આચાર્ય થયા તેમણે પદ્મપુરાણનાં વચને કરીને પોતપોતાનો મત સ્‍થાપન કર્યો છે તે તો પદ્મપુરાણમાં ક્ષેપક શ્લોક નાખી નાખીને સ્‍થાપન કર્યો છે, તે પોતાના મતના હોય તે માને પણ બીજા કોઈ માને નહિ માટે શ્રીમદ્ ભાગવત સરખા પ્રસિદ્ધ પુરાણનું વચન કહી સંભળાવો તો અમારે પ્રતીતિ આવે, શા માટે જે વ્‍યાસજીએ વેદ પુરાણ ઈતિહાસ એ સર્વેનું સાર સાર ગ્રહણ કરીને શ્રીમદ્ભાગવત કર્યું છે માટે જેવું ભાગવત પ્રમાણ એવાં બીજાં પુરાણ અતિશે પ્રમાણ નહિ. અને જેવી ભગવદ્ગીતા પ્રમાણ તેવું સમગ્ર ભારત પ્રમાણ નહિ. માટે એવા બળવાન શાસ્ત્રનું વચન કહી સંભળાવો તો અમને હા પડે.”

એવી રીતનાં જે શ્રીજી મહારાજનાં વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ એમ બોલ્‍યો જે, “હે મહારાજ ! તમે જે પ્રશ્ર્ન કર્યો તે સત્‍ય છે, ને તમારા પ્રશ્ર્નનો ઉત્તર કરવાને આ પૃથ્‍વી ઉપર કોઈ સમર્થ નથી અને મારા મનને તો તમારા સ્‍વરૂપની દ્રઢ પ્રતીતિ આવી છે જે, તમે તો સર્વે આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના ઈશ્વર છો.’ માટે મને ૨તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “વેદ, પુરાણ, ઈતિહાસ ને સ્‍મૃતિઓ, એ સર્વે શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે, જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર, એ સર્વે અનાદિ છે અને માયા છે તે તો પૃથ્‍વીને ઠેકાણે છે, અને પૃથ્‍વીમાં રહ્યાં જે બીજ તેને ઠેકાણે જીવછે, અને ઈશ્વર તો મેધને ઠેકાણે છે તે પરમેશ્વરની ઈચ્‍છાએ કરીને પુરૂષરૂપ જે ઈશ્વર તેનો માયા સંધાથે સંબંધ થાય છે ત્‍યારે જેમ મેધના જળના સંબંધે કરીને પૃથ્‍વીમાં હતાં જે બીજ તે સર્વે ઉગી આવે છે; તેમ માયામાંથી અનાદિ  કાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે પણ નવા જીવ નથી થતા. માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે ને તે માયાને વિષે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે. પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી; એ તો અનાદિ જીવ જ છે. તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્‍યારે ભગવાનની માયાને તરે ને નારદ સનકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે ને ભગવાનનો પાર્ષદ થાય છે. એવી રીતે અમારો સિદ્ધાંત છે.” એવી રીતનાં જે શ્રીજીમહારાજનાં વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવપણાના મતનો ત્‍યાગ કરીને શ્રીજીમહારાજનો સમાશ્રય કરતો હવો, અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હવો. ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૧૦|| ૨૪૪ ||