શ્ર્લોક ૧૨૩-૧૩૨ આચાર્યના વિશેષ ધર્મ

Submitted by swaminarayanworld on Fri, 08/01/2010 - 10:36am

હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ- છીએ અમારા મોટા ભાઇ અને નાનાભાઇ તેના પુત્ર જે અયોધ્‍યાપ્રસાદ  અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્‍ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ કયારેય ન કરવો. (૧૨૩)

અને તે સ્‍ત્રીઓને કયારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઇ જીવને વિષે ક્રુરપણું ન કરવું અને કોઇની થાપણ ન રાખવી (૧૨૪)

અને વ્‍યવહારકાર્યને વિષે કોઇનું પણ જમાનગરું ન કરવું ને કોઇ આપત્‍કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્‍કાળને ઉલ્‍લંઘવો પણ કોઇનું ફરજ તો કયારેય ન કરવું (૧૨પ)

અને પોતાના જે શિષ્‍ય તેમણે ધર્મ નિમિત્ત પોતાને આપ્‍યું જે અન્‍ન તે વેચવું નહિ અને તે અન્‍ન જુનું થાય તો તે જુનું કોઇકને દઇને નવું લેવું અને એવી રીતે જે જુનાનું નવું કરવું તે વેચ્‍યુ ન કહેવાય (૧૨૬)

અને ભાદરવા સુદી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. (૧ર૭)

અને અમારે આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્‍થાપન કર્યા એવા જે તે અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષ જનને દીક્ષા આપવી (૧ર૮)

અને પોતાના આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સચ્‍છાસ્‍ત્રનો અભ્‍યાસ આદર થકી કરવો. (૧૨૯)

અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્‍થાપન કર્યા એવા જે શ્રીલક્ષ્‍મીનારાયણ આદિક શ્રીકૃષ્‍ણના સ્‍વરુપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી (૧૩૦)

અને ભગવાનના મંદિર પ્રત્‍યે આવ્‍યો જે હરકોઇ અન્‍નાર્થી મનુષ્‍ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્‍નના દાને કરીને આદર થકી સંભાવના કરવી (૧૩૧) અને વિદ્યાર્થી ભણાવ્‍યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્‍વીને વિષે સદવિદ્યાની પ્રવૃતિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. (૧૩૨)