પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૧૫

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 12:19pm

દોહા

જગજીવન જગ કારણે, પોતે પ્રગટિયા પરબ્રહ્મ ।

સુખદાયક જન સહુના, પૂરણ પુરૂષોત્તમ ।।૧।।

સુંદર મૂર્તિ સોયામણિ, અતિ રૂપાળી રંગરેલ ।

મનભાવન મહારાજની, છબી શોભાએ ભરેલ ।।૨।।

એવી મૂર્તિ અવલોકિને, કહો કોણ ન કરે પ્રીત ।

જન જુવે જે ઝાંખી કરી, તેનું ચોરાઈ જાય ચિત્ત ।।૩।।

જે જે ક્રિયા જગદીશ કરે, જન ધરે તેનું ધ્યાન ।

તે તે જાય હરિ ધામમાં, નકિ વાત નિદાન ।।૪।।

ચોપાઈ –

જેજે રીતે જોયા જગપતિરે, તેતે પામિયા પરમ પ્રાપતિરે ।

સુતાં જાગતાં દાતણ કરતાંરે, તેલ ફુલેલ અત્તર ચોળતાંરે ।।૫।।

ના’તાં અંગે અંબર પે’રતાંરે, વળી ચાખડીપર ચડતાંરે ।

શ્વેત પછેડી અંગે ઓઢતાંરે, દીઠા જીવન જેણે જમતાંરે ।।૬।।

જમ્યા જે જાયગા જેને ઘેરરે, શાક પાક સુંદર સારી પેરરે ।

લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ભોજનરે, દિઠા જમતા જેણે જીવનરે ।।૭।।

એવી મૂર્તિ જે જને જોઈરે, પામ્યા પરમ ધામને સોઈરે ।

જોયા જીવનને પૂજયા જનેરે, કુંકુમ કસ્તુરી સુગંધિ ચંદનેરે ।।૮।।

અંગે દિગંબર વાઘાંબરરે, મૃગાજિન ને દિઠા ટાટાંબરરે ।

ગોદડી ને ચાદર ચોફાળરે, દિઠા ઓઢેલે દીનદયાળરે ।।૯।।

ધોતી ગુડકિ ગૂઢે રંગે રેટેરે, કસિ કમર દૂસાલ ફેંટેરે ।

અંગરખી સુરવાળ જામેરે, જોઈ કૈક ગયા હરિધામેરે ।।૧૦।।

ડગલી સોનેરી રૂપેરિયેરે, કિનખાપની ફૈયે ધારિયેરે ।

ડગલી જરિની બોર કસુંબા વાળીરે, ચકમો પટુ પાંમરી રૂપાળીરે ।।૧૧।।

બોરી ચોફાળ સાલ દુસાલેરે, ડગલી ગર્મ પોસની રૂમાલેરે ।

પાઘ કસુંબી સોનેરી સારીરે, બાંધિ બોકાની લિયે ઊર ધારીરે ।।૧૨।।

મુગટ કુંડળ મનમાં ધારેરે, ટોપી કેવડા ફુલની સંભારેરે ।

ગુંજાહાર જોયા કરી હામેરે, તેતો જન ગયા હરિધામેરે ।।૧૩।।

તોરા ગજરા ને કંકણરે, હાર ફુલના જોયા અનકણરે ।

મોતી પરવાળાં ને કપૂરરે, તેના અતિ શોભે હાર ઊરરે ।।૧૪।।

વેઢ વટિ ને કડાં સોનાનેરે, ખોશ્યાં ફુલ સોનાનાં બે કાનેરે ।

એહ આદિ આભૂષણ ભારીરે, ધર્યાં અંગે એવી છબી ધારીરે ।।૧૫।।

જેહ જન કરે છે ચિંતવનરે, તે થાય છે પરમ પાવનરે ।

બેઠા ખાટ પાટ ને પલંગેરે, જોયા ખુરસી ઢોલિયે ઊમંગેરે ।।૧૬।।

સાંગામાંચી ગાદી ચાકળેરે, મેડે મંચે આસન સઘળેરે ।

ગોખ વાણ વંડી દેવોલેરે, કુબા ઘર મેડી આદિ બોલેરે ।।૧૭।।

મંદિર મંડપ દલિચા ચાદરેરે, તંબુ રાવટીયે બહુ વેરેરે ।

અટારી અગાશી ઓટે આંગણેરે, દિઠા તિયાં બેઠા ભાવ ઘણેરે ।।૧૮।।

ગાડી વે’લ્ય આદિ જે વાહનરે, ગજ બાજે બેઠા જોયા જનરે ।

તે જન જાશે બ્રહ્મમો’લમાંઈરે । તેમાં સંશય કરશો માં કાંઈરે ।।૧૯।।

એમ શ્રીમુખે કહ્યું તે સંભારિરે, વાત લખીછે સારી વિચારીરે ।

તેતો જુઠી નથી જરાભારરે, સહુ નિશ્ચે જાણો નિરધારરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે પંચદશઃ પ્રકારઃ ।।૧૫।।