પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ર૦

Submitted by Parth Patel on Mon, 19/09/2011 - 12:40am

દોહા –

અશન વસન ભૂષન, વાહન વાસન જેહ । પુરૂષોત્તમને સ્પર્શતાં, થયાં શુદ્ધ સહુએ તેહ ।।૧।।

માયિક તે અમાયિક થયાં, થયાં ગુણમય ગુણાતીત । સ્પર્શતાં પરબ્રહ્મને, સહુ થયાં પરમ પુનીત ।।૨।।

એવી રીત્યે અવિનાશીયે, કર્યો અનેક જીવનો ઊદ્ધાર । પરમ ધામે પો’ચાડિયા, અલબેલે આ વાર ।।૩।।

દરશ સ્પર્શ દયાળ દઈ, કર્યું કોટિ કોટિનું કલ્યાણ । તેમ પરમ પ્રસાદિ થકી, પમાડ્યા પદ નિર્વાણ ।।૪।।

ચોપાઈ –

દિધા પરસાદિના બહુ થાળરે, દયા કરીને દીનદયાળરે । ભોજન બહુ ભાત્ય ભાત્યનાંરે, આપ્યાં જેને જુજવી જાત્યનાંરે ।।૫।।

મુકિ માથે નાથ હાથ દિયેરે, જન મગન મન કરી લિયેરે । વળી આપે મુખમાંહી પાકરે, સુંદર ભોજન ને વળી શાકરે ।।૬।।

જેજે જન પ્રસાદિ એ પામ્યારે, તેતો સર્વે સંતાપને વામ્યારે । થયા નિર્ભય ભય બેઠા ટાળીરે, પામ્યા બ્રહ્મમોહોલ ભાગ્યશાળીરે ।।૭।।

વળી પય પાણી પિધેલરે, તેહ જે જનને દિધેલરે । તેહ જન જાશે બ્રહ્મમો’લરે, તિયાં પામશે સુખ અતોલરે ।।૮।।

દહી મહી દુધ ને જે ઘૃતરે, આપ્યાં પોતાનાં જમેલ તર્તરે । જેજે જમેલ પ્રસાદિ આલિરે, લાગિ જમતાં પોતાને જે વા’લિરે ।।૯।।

તે પ્રસાદીને પરતાપેરે, જાશે અક્ષરે જમતલ આપેરે । વળી ફળ મુળ દલ દિધાંરે, જેજે જને હાથોહાથ લિધાંરે ।।૧૦।।

ગોળ ખાંડ સાકર શેલડીરે, જમેલ નાથની જેહને જડીરે । ચણેચી ને વળી ચોળાફળીરે, મેથી મૂળા ને મોગરી વળીરે ।।૧૧।।

જેજે વસ્તુ પોતાની જમેલરે, ર્અિધ જમીને અરધિ આપેલરે । એવી પોતાની જે પરસાદીરે, અનેક રીતની જે એહ આદિરે ।।૧૨।।

જેજે પામિયા છે એહ જનરે, તેતો પો’ત્યા છે બ્રહ્મસદનરે । ચણા ચણોલિ મગ પરદેશીરે, રૂડાં સઘોડાં જમ્યા જયાં બેસીરે ।।૧૩।।

પાક ઘઉં ચણા બાજરીનોરે, ગળી ગુંદલિ વળી મકાઇનોરે । પોતે જમી આપી જે જીવનેરે, તેહ લિધિ હેતે કરી જનેરે ।।૧૪।।

તેનાં ભાગ્ય નથી કે’વા લાગ્યરે, થઇ બ્રહ્મમો’લ માંઇ જાગ્યરે । વળી હરિ જમેલ મુખવાસરે, આપ્યો નાથે જાણી નિજદાસરે ।।૧૫।।

તે મુખવાસની વાત શી કહુંરે, જે પામિ સુખ પામિયા સહુંરે । એમ બહુ રીતના મુખવાસરે, પામી પામીયા બ્રહ્મમો’લે વાસરે ।।૧૬।।

પ્રીતે પોતાની પ્રસાદી દઇરે, જગે જીવ ઊદ્ધરિયા કઇરે । દરશ સ્પરશ ને પ્રસાદીરે, જેજે જન પામ્યા રાયજાદિરે ।।૧૭।।

તેતો થયા અક્ષરના વાસીરે, એમ ઊદ્ધારિયા આવી અવિનાશીરે । વે’તિ કિધિ છે અક્ષરવાટરે, જાવા જીવ સહુને એ માટરે ।।૧૮।।

એમ અનેકને જો ઊદ્ધાર્યારે, આપ પ્રતાપે પાર ઊતાર્યારે । છોટા મોટાને થઈ છે છુટીરે, સૌને મળેછે પ્રાપતિ મોટીરે ।।૧૯।।

એમાં કૃપાનું કામ ન રહ્યુંરે, સૌને એ ધામ સુગમ થયુંરે । મેલ્યા મોક્ષના છોડી વાવટારે, તાર્યા જગના જીવ સામટારે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે વશતિતમઃ પ્રકારઃ ।।૨૦।।