વાલા મારી શુદ્ધ બુદ્ધ તેં હરિ લીધી રે, (૪)

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 7:21pm

રાગ - ગરબી

પદ - ૧

વાલા મારી શુદ્ધ બુદ્ધ  તેં હરિ લીધી રે,

તારે લટકે વેરાગણ કીધી - - વાલા૦ ટેક.

તારી નવલ કલંગી દીઠી રે, મનડામાં લાગે અતિ મીઠી રે;

જાણે જબર જાદુડાની ચીઠી. વાલા૦ ૧

જોયું મોળીડું આંટે ફરતું રે, પળ એક નથી વિસરતું રે;

મારું હૈડું ધીરજ નથી ધરતું. વાલા૦ ૨

ભાલે આડ કેસર કેરી ભાળી રે, રેખું ત્રણ ઊપડતી રૂપાળી રે;

જાણે મન પકડ્યાની છે જાળી. વાલા૦ ૩

વાંકી ભ્રકુટી ઘણી મન ભાવી રે, બ્રહ્માનંદને વસી ઊર આવી રે;

જાણે શ્યામ કબાણ ચઢાવી. વાલા૦ ૪

 

પદ - ૨

પ્યારા  તારી પ્યારી લાગે છે પાંપણિયાં રે,

જોઈ ભેખ લાધો મેં જોગણિયાં - - પ્યારા૦ ટેક

તારાં લોચનબાણ  તીખડીયાં રે, ઘણાં જાદુ હથોડીનાં ઘડીયાંરે;

આવી ઓચિંતાં મુજ પર પડીયાં. પ્યારા૦ ૧

તારી નાસિકા સુંદર નમણી રે, છે જો દીપક કીર લજમણી રે;

એ  તો જીવન દોરી છે અમણી. પ્યારા૦ ૨

કાને કુંડળ નૌતમ ધરીયાં રે, ભારે નંગ વળી રંગ ભરીયાં રે;

આવી અંતરમાં ઊંડાં ગરીયાં. પ્યારા૦ ૩

દીઠું મુખડું ચંદા કેરે ડોળે રે, તિલ દક્ષિણ ગૌર કપોળે રે;

બ્રહ્માનંદ કહે મુનિ  તેને ખોળે. પ્યારા૦ ૪

 

પદ - ૩

રૂડીતારી મુછની રેખા ઊપડતી રે, ચિત્તચોર્યું ચાલ લડથડતી. રૂડી.ટેક.

હૈડામાં વસી મારે હાંસી રે, એને સમરે છે જોગ અધ્યાસી રે;

જાણે પ્રેમતણી માંડી ફાંસી. રૂડી૦ ૧

હેતે દંત બત્રીસી હેરી રે, ઠીક થઈને વૃતિ મારી ઠેરી રે;

કાજુ કળિયું  તે દાડમ કેરી. રૂડી૦ ૨

વાલા મોરલી ધીરે સ્વરે વાજોરે, પ્રિતે અધર અમૃતરસ પાજો રે;

જયાં જાઓ ત્યાં સાથે  તેડી જાજો. રૂડી૦ ૩

જયારે ચાવોછો પાનસોપારી રે, છોળો આવે તંબોળની બા’રી રે;

તેનો બ્રહ્માનંદ અધિકારી. રૂડી૦ ૪

 

પદ - ૪

કાના તારો કંઠ કહ્યામાં ન આવે રે;

એ  તો કૌસ્તુભમણિને શોભાવે. કાના૦ ટેક

હૈડે પહેર્યા છે હાર હજારી રે, ભુજદંડ પ્રચંડ છે ભારી રે;

નાખી કંઠ જીવે વ્રજનારી. કાના૦ ૧

શોભે કમરે રટો સુધો સારો રે, જ્ઞાની ધ્યાનીનો દિવસ ગુજારો રે;

ચાલ જોઈ લાજે હંસ બિચારો. કાના૦ ૨

રૂડી લાગે છે પગની આંગળીયું રે, નખતેજ જાયે નહ કળીયું રે;

જાણે ચંદ્ર  તણી રે મંડળીયું. કાના૦ ૩

રાજે ચરણે લાંબી ઊર્ધ્વરેખું રે, હું  તો ધ્યાન વિના એને દેખું રે;

બ્રહ્માનંદ કે’ જન્મ ધન્ય લેખું. કાના૦ ૪

Facebook Comments