અમદાવાદ ૫ : પુરુષોત્તમનું અસાધારણ લક્ષણ. ધર્માદિક ચારનાં લક્ષણ.

Submitted by swaminarayanworld on Sun, 17/01/2016 - 2:34pm

અમદાવાદ ૫ : પુરુષોત્તમનું અસાધારણ લક્ષણ. ધર્માદિક ચારનાં લક્ષણ.

સંવત્‌ ૧૮૮૨ના ફાગણ વદી ૪ ચતુર્થીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીઅમદાવાદ મધ્યે શ્રીનરનારાયણના મંદિર થકી ઉત્તરાદિ દિશે વેદિકાને વિષે ઢોલીયા ઉપર ગાદીતકીયાનું ઉઠીંગણ દૃઇને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા, ને જમણા હસ્તને વિષે તુલસીની માળાને ફેરવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

તે સમે કુબેરસિંહજી છડીદારે શ્રીજીમહારાજને પ્રશ્ન પુછ્યો જે, “હે મહારાજ ! શ્રીપુરૂષોત્તમ ભગવાનનું અસાધારણ લક્ષણ તે શું છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અનેક જીવનાં પ્રાણ, નાડીનો સંકેલો કરીને જે તત્કાળ સમાધિ કરાવવી તે બીજાથી થાય નહિ, ને લક્ષાવધિ મનુષ્ય નિયમમાં રહ્યાં થકાં વશ વર્તે તે બીજા કોઇથી થાય નહિ, અને અક્ષરાદિક જે મુક્ત તેને પણ નિયમમાં રાખવાને સમર્થપણું તે પણ બીજામાં હોય નહિ એવી રીતે પુરૂષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે.” પછી વળી કુબેરસિંહજીએ બીજો પ્રશ્ન પુછ્યો જે “હે મહારાજ ! બ્રહ્માંડ તો અસંખ્ય કોટિ છે, ને ભગવાનનો અવતાર તો આ બ્રહ્માંડમાં જંબુદ્વિપના ભરતખંડને વિષે છે, અને બીજા બ્રહ્માંડોમાં અસંખ્ય જીવ છે તે જીવનો ઉદ્ધાર ભગવાન શી રીતે કરતા હશે ? તે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાન આ બ્રહ્માંડમાં વિરાજે છે તે જ ભગવાન સર્વેના સ્વામી છે ને અનંત કોટિ બ્રહ્માંડને વિષે અસંખ્ય જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે તે જ ભગવાન પોતે દેહ ધારણ કરે છે. તેને શરણે અસંખ્ય જીવ થાય છે, તેણે કરીને અક્ષરધામમાં શ્રી પુરૂષોત્તમના ચરણારવિંદને ઘણાક જીવ પામે છે એ ઉત્તર એનો છે.

અને વળી કુબેરસિંહે પુછયું જે, “હે મહારાજ ! ભગવાનને જાણવા વાળા જે સત્સંગી તેને શું શું તજવું ને શું શું ગ્રહણ કરવું ? તે કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ માયિક પદાર્થની આશા તે સર્વે પ્રકારે ત્યાગ કરવી ને ભગવાન સંબંધી આશાનું ગ્રહણ કરવું ને જો ધનને વિષે આશા હોય તો એમ આશા બાંધવી જે  ભગવાનના ધામમાં સોનામહોરૂં તથા હીરા, રત્ન, માણેક આદિક અમુલ્ય પદાર્થ છે એ સર્વે ભગવાનને ભજશું તો પામશું એમ આશા બાંધવી, પણ માયિક પદાર્થની આશા ન બાંધવી અને જો સ્ત્રી સંબંધી કામના હોય તો એમ વિચાર કરે જે પરસ્ત્રી સામી ખોટી નજર કરશું તો નરક ચોરાશીમાં જાવું પડશે ને ત્યાં મહાદુ:ખ થશે, ને વિષય તો કુતરાં ગધેડાં પણ ભોગવે છે અને મને તો પ્રગટ પુરૂષોત્તમ મળ્યા છે તે કુરાજી થશે તો મોટી ખોટ આવશે એમ જાણીને કામવાસનાનો ત્યાગ કરવો અને ભગવાન સંબંધી સુખનું ગ્રહણ કરવું ને દેહના સંબંધીમાં પ્રીતિ હોય તો તેનો ત્યાગ કરવો ને ભગવાનના દાસ જે સંત તે સંઘાથે પ્રીતિ કરવી, એ ગ્રહણ કરવું ને દેહને વિષે અહંબુદ્ધિ હોય તો તેનો ત્યાગ કરીને ભગવાનના દાસપણાની બુદ્ધિનું ગ્રહણ કરવું. ને ભગવાન અથવા સાધુ તે પોતાને કોઇક રીતે કચવાયા હોય ને તિરસ્કાર કર્યો હોય તેણે કરીને ભગવાનનો તથા સંતનો પોતાને અવગુણ આવ્યો હોય તો તેનો મનમાંથી ત્યાગ કરવો ને પોતાની ભુલ જાણવી, ને ભગવાન ને સંતોનો ગુણ ગ્રહણ કરવો. એવી રીતે સવળું વિચારવું પણ અવળું તો કોઇ દિવસ વિચારવું જ નહિ એવી રીતે એ પ્રશ્નનો ઉતર છે.”

અને વળી કુબેરસિંહે પ્રશ્ન પુછ્યો જે, “હે મહારાજ ! ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારેનું રૂપ કહો,” પછી શ્રીજી મહારાજ મંદ મંદ હસીને એમ બોલ્યા જે, “અર્થનું રૂપ તો એ છે જેણે કરીને ધન ભેળું કરવું અથવા મોક્ષ સંબંધી પોતાનો અર્થ સાધવો એ પણ અર્થનું રૂપ છે. અને ધર્મનું રૂપ તો એ જે તે ધન ધર્મને અર્થે સત્સંગમાં જ વાવરે પણ કુમાર્ગે ક્યાંઈ ન વાવરે એ ધર્મનું રૂપ છે. અને કામનું રૂપ તો એ છે જે એક પરણેલ સ્ત્રી રાખે અને તેનો પણ ઋતુ કાળે સંગ કરે અને બીજી સ્ત્રીયું જગતમાં છે તેને મા બેન દીકરી તુલ્ય જાણીને ત્યાગ રાખે એ કામનું રૂપ છે. અને મોક્ષનું રૂપ તો એ જે સત્સંગ સંબંધી જે સર્વે વર્તમાન તેને ખબડદાર થઈને રાખે ને ભગવાનનો અચળ નિશ્ચય રાખે એ મોક્ષનું રૂપ છે. એ ચારેનો ઉત્તર છે.”એમ કહીને પછી શ્રીજી મહારાજ પોઢી જાતા હવા.

ઇતિ વચનામૃતમ્ અમદાવાદનું  ।।૫।। ૨૨૫ ।।

Thursday, 27th March, 1826

નોંધ – આ વચનામૃતનો સમાવેશ વડતાલ દેશની આવૃતિમાં નથી.