મારે મહોલે આવો હસીને બોલાવો, રે રંગભીના છેલા નંદજીના (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 10:59pm

રાગ સોલા

પદ - ૧

મારે મહોલે આવો હસીને બોલાવો, રે રંગભીના છેલા નંદજીના. છોજી૦

પાઘલડી પેચાળી, બાંધી છે રૂપાળી, રે લટકાળા, મોતીડાંવાળા. છો૦૨

કાના ગિરધારી, મૂરતિ  તારી, રે મન માની, છેલ ગુમાની. છો૦૩

બ્રહ્માનંદના પ્યારા, શોભો છો સારા, રે કેસરિયા, રંગના ભરિયા. છો૦

 

પદ - ૨

નંદજીના લાલા, લાગો છો વહાલા, રે નવરંગી, લેર  તોરંગી. છો૦ ૧

નેણુંનો નજારો, મને અતિ પ્યારો, રે અળવીલા, છેલછબીલા. છો૦ ૨

કુંજના વિહારી, મૂરતિ  તારી, રે હરિ મોરી, જીવનદોરી. છો૦ ૩

બ્રહ્માનંદ કહે છે, મન મારું રહે છે, રે વેણાંમાં,  તારા નેણામાં. છો૦ ૪

 

પદ - ૩

આંખ્યું અણિયાળી, માવા મરમાળી, રે કાંઈ કીધું, મનમારું લીધું. છો૦૧

મંદિર પધારો, જન્મ સુધારો, રે છોગાં મેલી, બળવંત બેલી. છો૦ ૨

સુંદર સોહાગી, લગની લાગી, રે તમ સંગે, ભીના રંગે. છો૦ ૩

બ્રહ્માનંદ ગાવે, મૂરતિ સોહાવે, રે રહો  તાજા, વ્રજના રાજા. છો૦ ૪

 

પદ - ૪

શોભે માથે  તોરા, આવોને ઓરા, રે ધીરે ગાતા, રંગના રાતા. છો૦ ૧

કોટે પરવાળાં, લાગેછે રૂપાળાં. રે નેણું ઘેરી, લાલજી લહેરી. છો૦ ૨

શ્યામ સલુણા, નેણુંમાં ટુણા, રે વ્રજદાણી, હું લોભાણી. છો૦ ૩

બ્રહ્માનંદ વારું,  તનમન મારું, રે તમ માથે, સદા મારે સાથે. છો૦ ૪

Facebook Comments