૫ ઋષભદેવજીએ કરેલો પોતાના પુત્રોને ઉપદેશ.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 9:04pm

અધ્યાય - : - ૫

ઋષભદેવજીએ કરેલો પોતાના પુત્રોને ઉપદેશ.

ઋષભદેવજી કહે છે - હે પુત્રો ! આ મૃત્યુલોકમાં મનુષ્ય શરીર કેવળ સંસારિક વિષયો ભોગવવા માટે જ નથી, વિષયભોગો તો વિષ્ઠા ખાનારાં ભૂંડ, કૂતરાંઓ વગેરે પ્રાણીઓને પણ મળે જ છે, આ શરીરથી કેવળ દિવ્ય તપસ્યા જ કરવી જોઇએ કે જેથી અંતઃકરણ શુદ્ધ થાય, કારણ કે અંતઃકરણની શુદ્ધિથી જ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ૧ સંતોએ મહાપુરુષોની સેવા કરવી એ મુક્તિનું દ્વાર કહેલું છે, અને સ્ત્રીનો સંગ કરનાર કામીપુરુષોનો સંગ કરવો તેને નરકનું દ્વાર કહેલું છે. જેઓ સમાન દૃષ્ટિ રાખનારા, ક્રોધરહિત, સર્વના મિત્ર અને ર્સંઈાચાર સંપન્ન હોય તેને મહાપુરુષો કહેલા છે. ૨ આવા મહાપુરુષો કેવળ પરમાત્માના પ્રેમને જ પુરુષાર્થ માનતા હોય છે, અને સ્ત્રી, પુત્ર, ધન વગેરે સામગ્રીથી સંપન્ન ઘરોમાં અરુચિ રાખનારા તેમજ દેહ નિર્વાહ કરતાં વધારે ઇચ્છા નહીં રાખનારાને મહાપુરુષો સમજવા. ૩  જ્યારે ઇન્દ્રિયોને રાજી કરવા સારુ કાંઇ પણ કર્મ કરે ત્યારે ગાફલતાથી પાપ થયા વિના રહેતું જ નથી, અને તે પાપને લીધે નાશવંત અને દુ:ખરૂપ એવો આ દેહ ઉત્પન્ન થયો છે, એટલા જ માટે વારંવાર કર્મ કર્યા કરવાં તે હું યોગ્ય માનતો નથી. ૪ જ્યાં સુધી જીવને આત્મતત્ત્વ જાણવાની ઇચ્છા થતી નથી ત્યાં સુધી જ તે અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. અને જ્યાં સુધી લૌકિક ક્રિયાઓમાં જ રુચિવાળો હોય છે ત્યાં સુધી મનમાં કર્મની વાસનાઓ દૂર થતી નથી. તેના કારણે દેહરૂપી બંધન પ્રાપ્ત થાય છે. ૫ ભગવાન કહે છે આ પ્રમાણે અવિદ્યા વડે આત્મસ્વરૂપના ઢંકાઇ જવાથી કર્મોમાં વશ થયેલું ચિત્ત મનુષ્યને ફરીથી કર્મમાં જ પ્રવૃત્ત કરે છે, અને તેના કારણે તે જીવને મારે વિષે પ્રીતિ થતી નથી. તેથી જ તે દેહ બંધનમાંથી છૂટી શકતો નથી. ૬ સ્વાર્થમાં પાગલ થયેલો જીવ જ્યાં સુધી વિવેકદૃષ્ટિથી ઇન્દ્રિયોની ચેષ્ટાને મિથ્યા જોતો નથી, ત્યાં સુધી આત્મસ્વરૂપની વિસ્મૃતિ થઇ જાય છે, તે કારણે વિષય પ્રધાન ઘરમાં મિથુનાદિ વિષયોને ભોગવતો અને મહા કલેશને ઉઠાવતો ઘરમાં જ આસક્ત રહે છે. ૭ સ્ત્રીપુરુષનો જે પરસ્પર સંબંધરૂપ દામ્પત્યભાવ છે તેને જ વિદ્વાનો તેમના હ્રદયની બીજી સ્થૂળ અને દુર્ભેદ્ય ગ્રંથિ કહે છે, દેહાભિમાનરૂપી એક એક સૂક્ષ્મ ગ્રંથિ તો તેમનામાં અલગ અલગ રીતે પહેલાંથી જ છે તેના કારણે જીવને પોતાની ઇન્દ્રિયો ઉપરાંત સ્વજન, સુત, ધન, ધામ અને ધરા આદિમાં હું અને મારાપણાનો મોહ થાય છે. ૮ જ્યારે માણસની કર્મવાસનાઓને કારણે બંધાએલી મજબૂત ગાંઠ ઢીલી પડે છે, ત્યારે તે માણસ દામ્પત્યભાવથી નિવૃત્ત થઇ જાય છે, અને ત્યારપછી સંસારના કારણભૂત અહંકારને ત્યજી દઇને બધાજ પ્રકારનાં બંધનોમાંથી મુક્ત થઇને ભગવાનના પરમધામને પામે છે. ૯ (અહંકારનો ત્યાગ અને પરમપદની પ્રાપ્તિ માટે પચીશ પ્રકારના સાધનો કહેછે) ઋષભદેવ ભગવાન કહે છે, હે પુત્રો ! સર્વનો ઇશ્વર એવો જે હું તે મારી ભક્તિ, ગુરુની સેવા, તૃષ્ણાનો ત્યાગ, સુખ-દુ:ખાદિક દ્વંદ્વોને સહન કરવાં, આ જીવને જ્યાં જાય ત્યાં દુ:ખ જ ભોગવવું પડે છે. આવો વિચાર, જ્ઞાન મેળવવાની ઇચ્છા, તપ, સકામ કર્મોનો ત્યાગ, હમેશાં મારાં ચરિત્રરૂપ કથાનું શ્રવણ, મારા ગુણોનું ગાન, મારા ભક્તોનો સંગ કરવો, વૈર બુદ્ધિનો ત્યાગ, સમતાથી, શાન્તિથી અને શરીર - ઘર વગેરેમાં હું અને મારાપણાના ભાવને ત્યજવાની ઇચ્છાથી, સારી રીતે વેદાંત શાસ્ત્રના અભ્યાસથી, એકાંતસ્થળનું સેવન, પ્રાણ, ઇન્દ્રિય અને મનને સારી રીતે જીતવાથી, શાસ્ત્રો અને મહાપુરુષોના વચનોમાં વિશ્વાસ, અષ્ટપ્રકારના બ્રહ્મચર્યનું પાલન, પોતાના કર્તવ્યનો ત્યાગ ન કરવો, વૃથા વચન ન બોલવું, સર્વત્ર મારી જ સત્તા જોવાથી, અનુભવ અને જ્ઞાન સહિતના તત્ત્વવિચારથી, યોગના સાધનરૂપ સમાધિ, ધૈર્ય, ઉદ્યમી અને સત્ત્વગુણથી યુક્ત થઇને અહંકારરૂપ પોતાના લિંગશરીરને ત્યાગ કરી દેવું જોઇએ. ૧૦-૧૩ મનુષ્યે પોતે સાવધાન રહીને કર્મોને રહેવાના સાધનરૂપ અને અવિદ્યાથી પ્રાપ્ત થયેલ હ્રદયગ્રંથિરૂપ બંધનને શાસ્ત્રોમાં દર્શાવેલી રીતે કાપી નાખવું જોઇએ. ૧૪ અને જેને મારો લોક પામવાની અથવા મારા કેવળ અનુગ્રહની જ ઇચ્છા હોય તેને તો બાપે દીકરાઓને, ગુરુએ શિષ્યોને અને રાજાએ પ્રજાઓને ક્રોધ રહિત થઇને આવો જ ઉપદેશ કરવો જોઇએ, પણ કર્મમાં જ મૂઢ બનેલા અજ્ઞાની લોકોને કર્મમાંજ ફરી જોડવા ન જોઇએ. જન્મથી જ સકામ માણસોને પાછા ફરી સકામ કર્મમાં જ જોડવા એ તો આંધળાને ખાડામાં નાખવા બરાબર છે. માટે તેવું કામ કરનારને કયા પુરુષાર્થની પ્રાપ્તિ થાય ? ૧૫ માણસ પોતાનું સાચું કલ્યાણ જોવામાં તો આંધળો જ છે, તેથી જ તેઓ અનેકવિધ ભોગવિલાસમાં ફસાઇને તુચ્છ અને ક્ષણિક એવાં સુખ માટે એક બીજા સાથે વૈર રાખે છે અને ક્ષણિક સુખ મેળવવા જતાં અનંત દુ:ખ આવી પડે છે, એ મૂઢ લોકો વિચાર કરતા નથી. ૧૬ ખાડામાં પડવા માટે અવળા માર્ગે જતા નેત્રહીન મનુષ્યને જેમ આંખવાળો મનુષ્ય તે તરફ જવા દેતો નથી, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્યને અવિદ્યામાં ફસાઇને દુ:ખો તરફ જતો જોઇને, દયાળુ અને જ્ઞાની મનુષ્ય તેને પાછો સંસારના માર્ગમાં જ કેમ જોડે ? અર્થાત્‌ સ્વભાવથી જ અજ્ઞાની માણસને અજ્ઞાનનો માર્ગ બતાવવો એ તો અવળા માર્ગે જતા આંધળાને તે જ માર્ગે જવા પ્રેરણા બરાબર છે. ૧૭ સંસારના માર્ગમાં પડેલા મનુષ્યને ભક્તિમાર્ગનો ઉપદેશ આપી તેને સંસારમાંથી મુક્ત કરાવી શક્તો નથી તે ગુરુ, ગુરુ નથી; સ્વજન, સ્વજન નથી; પિતા, પિતા નથી; માતા, માતા નથી; ઇષ્ટદેવ, ઇષ્ટદેવ નથી અને પતિ, પતિ નથી. (અર્થાત્‌ વારંવાર થતા જન્મ મરણથી જે મુક્ત કરી શકે તેણે જ શિષ્ય, સંબંધી કે પુત્ર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ, અને દેવ પણ તેને જ માનવા કે જે આપણી પૂજા સ્વીકારી મોક્ષ આપી શકે.) ૧૮

મારા આ અવતાર શરીરનું રહસ્ય સાધારણ મનુષ્યો જાણી શકે તેમ શક્ય નથી. શુદ્ધ સત્ત્વમય મારું હ્રદય છે અને તેમાં જ ધર્મ રહેલો છે, અને અધર્મને મેં ઘણો જ દૂર કરી દીધો છે તેથી જ સત્પુરુષો મને ‘‘ઋષભ’’ નામથી કહે છે. ૧૯ શુદ્ધ સત્ત્વમય હ્રદયમાંથી જ તમો સર્વે ઉત્પન્ન થયા છો, તેથી મત્સર છોડીને તમારા મોટાભાઇ ભરતની સેવા કરો. તેની સેવા કરવી એ મારી જ સેવા કરવા બરાબર છે અને એ જ તમારું પ્રજાપાલન કાર્ય છે. ૨૦ બીજા બધા ભૂતો કરતાં વૃક્ષો અત્યંત શ્રેષ્ઠ છે, તેમના કરતાં ચાલનારા જીવો શ્રેષ્ઠ છે અને તેમના કરતાં જ્ઞાનયુક્ત પશુ શ્રેષ્ઠ છે, તેમના કરતાં ઉત્તરોત્તર મનુષ્યો, પ્રમથ, ગંધર્વ, સિદ્ધો, કિન્નરો, અસુરો, દેવતાઓ આદિ શ્રેષ્ઠ છે. દેવતાઓમાં પણ ઉત્તરોત્તર ઇન્દ્ર, બ્રહ્માજીના પુત્ર દક્ષ વગેરે પ્રજાપતિઓ, રુદ્રો શ્રેષ્ઠ છે. અને તે રુદ્રો બ્રહ્માજી થકી ઉત્પન્ન થયા છે તેથી રુદ્રો કરતાં બ્રહ્માજી શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે તે બ્રહ્માજી મારાથી ઉત્પન્ન થયા છે અને તે મારી ઉપાસના કરે છે તેથી હું તેમના કરતાં પણ શ્રેષ્ઠ છું, પરંતુ મારાં કરતાં પણ બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, કારણ કે હું તેમને પૂજ્ય માનું છું. ૨૧-૨૨ ઋષભદેવ ભગવાન સભામાં બેઠેલા બ્રાહ્મણો પ્રત્યે કહે છે, હે વિપ્રો ! બીજા કોઇ પણ પ્રાણીને હું તમારા જેવાં સમજતો નથી તો તમારાથી શ્રેષ્ઠ તો માની જ કેમ શકું ? જે લોકો બ્રાહ્મણોને શ્રદ્ધા પૂર્વક જમાડે છે તે આહુતિને હું જેટલી પ્રસન્નતાથી સ્વીકારું છું તેટલી પ્રસન્નતાથી અગ્નિમાં હોમાયેલી સામગ્રીનો સ્વીકાર કરતો નથી. ૨૩ જે બ્રાહ્મણો મારા પ્રાચીન દેહરૂપ વેદ તેનું અધ્યયન કરી ધારણ કરે છે અને જેઓમાં પરમ પવિત્ર શમ, દમ, સત્ય, દયા, તપ, તિતિક્ષા અને જ્ઞાનાદિ સત્ત્વગુણો રહેલા છે તેવા બ્રાહ્મણો કરતાં અધિક શ્રેષ્ઠ કોણ હોઇ શકે ? ૨૪ હું કે જે બ્રહ્મા વગેરે કરતાં શ્રેષ્ઠ છું, સ્વર્ગ તથા મોક્ષનો અધિપતિ છું અને સર્વ કારણનો કારણ એવો જે હું તે મારી પાસેથી પણ અકિંચન એવા જે મારા ભક્તો તે નિઃસ્પૃહ હોવાને કારણે કાંઇ પણ ઇચ્છતા નથી, તો પછી રાજ્યાદિક વગેરેની તો ઇચ્છા જ ક્યાંથી રાખે ? ૨૫ હે પુત્રો ! તમો સમસ્ત સ્થાવર, જંગમ પ્રાણીઓને મારું જ શરીર સમજીને શુદ્ધ બુદ્ધિથી ડગલે ને પગલે તેમની સેવા કરો, એ જ મારી સાચી પૂજા છે. ૨૬ મન, વાણી અને દૃષ્ટિ આદિ અન્ય સર્વે ઇન્દ્રિયોની ક્રિયાઓનું સાક્ષાત્‌ ફળ એ મારી આ પ્રકારની પૂજા છે, એ વિના મનુષ્ય પોતાને મહા મોહમય એવા કાળપાશથી છોડાવી શક્તો નથી. ૨૭

શુકદેવજી કહે છે- હે રાજન્‌ ! ઋષભદેવજીના પુત્રો પોતે બધી જ રીતે કેળવાયેલા હતા, તોપણ લોકોને ઉપદેશ આપવાના ઉદૃેશથી મહાપ્રભાવશાળી પરમ સુહ્રદ ભગવાન ઋષભે તેમને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. સો પુત્રોમાં ભરત સૌથી મોટા હતા અને મહા વૈષ્ણવ તેમજ વૈષ્ણવોના સેવક હતા, તેનો પૃથ્વીના પાલનને માટે રાજ્યાભિષેક કરી પોતે તુરત સંસારનો ત્યાગ કરી નિવૃત્તિપરાયણ થયા અને મહામુનિઓને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિનો યોગ્ય ઉપદેશ આપવા માટે પોતે બિલકુલ વિરક્ત થઇ ગયા; તે સમયે કેશ વિખરાયેલા હતા, ઉન્મત્તના જેવો વેશ હતો, અને શરીર તો કેવળ દિશારૂપી વસ્ત્રોથી જ ઢંકાયેલું હતું, આવી સ્થિતિમાં તેઓ અગ્નિહોત્રના અગ્નિઓને પોતામાં જ લીન કરીને સંન્યાસી થઇ બ્રહ્માવર્ત દેશમાંથી બહાર નીકળી ગયા. ૨૮

તેઓ સર્વથા મૌન થઇ ગયા, લોકો બોલાવે તોપણ નહીં બોલતા મૌનવ્રત ધરીને ચૂપ જ રહેવા લાગ્યા, આટલું જ નહીં પણ જડ, અંધ, બધિર, મૂંગા, પિશાચ અને ગાંડાઓની પેઠે ચેષ્ટા કરવા લાગ્યા. ૨૯ ક્યારેક નગરોમાં અને ગામોમાં, તો ક્યારેક ખીણોમાં, ખેડૂતોની વસ્તીમાં, બગીચામાં, પહાડી ગામોમાં, સૈન્યની છાવણીમાં, ગૌશાળાઓમાં, ભરવાડોના નેસડાઓમાં અને ક્યારેક ધર્મશાળાઓમાં વાસ કરતા હતા. તો વળી ક્યારેક જંગલો અને આશ્રમો વગેરેમાં પણ વિચરતા હતા. એવા ભગવાન ઋષભદેવજીને કોઇ રસ્તેથી જતા લોકો, મુક્ત મને વિચરનારા હાથીને જેમ માખીઓ સતાવે તેમ મૂર્ખ અને દુષ્ટ લોકો તેમની પાછળ પડી તેમને હેરાન કરતા હતા, કોઇ ધમકી આપી બિવરાવતા, કોઇ મારતા, કોઇ તેમના ઉપર પેશાબ કરતા, કોઇ થૂંકતા, કોઇ ઢેખાળા મારતા, કોઇ વિષ્ઠા અને ધૂળ ફેંકતા, કોઇ અધોવાયુ છોડતા અને કોઇ ગાળો આપીને તેમનો તિરસ્કાર કરતા હતા. તોપણ વનનો હાથી જેમ માખીઓને ન ગણકારે તેમ ઋષભદેવજી પણ એ કોઇને ગણકારતા ન હતા, કેમ કે આત્મા અને અનાત્માના અનુભવને લીધે પોતે પોતાના સ્વરૂપમાં જ મગ્ન રહેતા હતા, આ મિથ્યા શરીરમાં તેમને જરા પણ અહંતા મમતા ન હતી. તેઓ તો કાર્ય કારણરૂપ સમસ્ત પ્રપંચના સાક્ષી થઇને પરમાત્માના જ સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ રાખી પૃથ્વી પર વિચરણ કરતા હતા. ૩૦ એમના હાથ, પગ અને વક્ષઃસ્થળ બહુ જ સુકોમળ હતાં, બાહુ અને ખભા મોટા હતા, કંઠ તથા મુખ વગેરે અવયવોની રચના ઘણી જ સુંદર હતી, સ્વભાવથી મનોહર અને સ્વતઃસિદ્ધ હસવાથી મુખ અત્યંત શોભતું હતું, આંખો નવા કમળપત્ર જેવી રાતી, લાંબી અને સુંદર હતી, તેમની કીકીઓ શીતળ અને સંતાપને હરનારી હતી. કાન, ગાલ, હાથ અને નાસિકા સરખા અને સુશોભિત હતા, તેમના હાસ્ય યુક્ત મનોહર મુખારવિંદની શોભા જોઇને નગરની સ્ત્રીઓના ચિત્તમાં કામદેવનો પ્રવેશ થતો હતો, તેમના મુખ આગળ લાંબી વાંકડિયાળી કેશલટો લટકી રહી હતી, તેમના માથાના મોટા વાળના ભારને લીધે અને અવધૂતોના જેવા ધૂળથી ખરડાયેલા શરીરને કારણે જડ જેવા જણાતા હતા. ૩૧ ઋષભદેવ ભગવાને વિચાર્યું કે આલોકો મને યોગનું સાધન કરવામાં વિઘ્નરૂપ છે અને તેનાથી બચવા માટે બીભત્સવૃત્તિથી રહેવું એજ યોગ્ય છે, એમ માની અજગરવૃત્તિથી રહેવા લાગ્યા, એક જ જગ્યાએ રહેવું ખાવું, પીવું, મળ-મૂત્રનો ત્યાગ કરવો એ બધું જ સૂતાં સૂતાં જ કરવા લાગ્યા, અને પોતાના મળ-મૂત્રમાં જ આળોટીને આખું શરીર ખરડી મેલ્યું હતું. ૩૨ તેમની એ વિષ્ઠામાંથી એવો સુગંધ નીકળવા માંડ્યો કે તેથી ફરતા દશ યોજન સુધીમાં સર્વે જગ્યા સુગંધમય બની ગઇ હતી. ૩૩ એ પ્રમાણે પોતાની સર્વે ચેષ્ટા ગાય, મૃગ અને કાગડાની પેઠે કરતા હતા, ક્યારેક ઊભા ઊભા, ક્યારેક બેઠાં બેઠાં, ખાતા, પીતા કે મળ-મૂત્રનો ત્યાગ કરતા હતા અને બીજી સર્વે ક્રિયાઓ પણ પશુના જેવી જ કરતા હતા. ૩૪ આ પ્રમાણે ઋષભદેવજી પોતે તો મોક્ષદાતા હતા છતાં પણ પરમહંસોને ત્યાગના આદર્શનો બોધ આપવા માટે ઘણા પ્રકારની યોગચર્યાઓનું આચરણ કરતા હતા, તેઓ સર્વ શ્રેષ્ઠ મહા આનંદનો નિરંતર અનુભવ કરતા ભગવાન પોતે જ હતા છતાં પણ લોકોની ભીડ નહીં થવાને સારુ યોગીઓએ આમ વર્તવું જોઇએ એમ દેખાડવા સારુ એ પ્રમાણે કરતા હતા. સર્વપ્રાણીઓના આત્મારૂપ અને આત્મ સ્વરૂપ ભગવાન શ્રીવાસુદેવ સાથે કોઇ પ્રકારનો ભેદ ન હતો, તેથી તેમના સર્વે પુરુષાર્થ પૂર્ણ થઇ ચૂક્યા હતા. તેથી આકાશ ગમન, મનના સરખો શરીરનો વેગ, અંતર્ધાન થઇ જવું, બીજાના શરીરમાં પ્રવેશ કરવો, દૂરના શબ્દો તથા પદાર્થોને જાણવા આદિક અનેક પ્રકારની સિદ્ધિઓ સ્વેચ્છાએ પોતાની પાસે હતી જ છતાં પણ તેમણે તેમનો મનથી પણ આદર કે સ્વીકાર કર્યો નહીં. ૩૫

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ઋષભદેવ ચરિત્ર વર્ણન નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ. (૫)