મંત્ર (૬૨) ૐ શ્રી ચતુર્વગફલપ્રદાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 5:25pm

મંત્ર (૬૨) ૐ શ્રી ચતુર્વગફલપ્રદાય નમઃ

શતાનંદસ્વામી કહે છે :- ‘‘હે પ્રભુ ! તમે ચાર પુરુષાર્થને આપનારા છો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનારા છો, ભગવાને ધર્મની બાબત સમજાવતાં અર્જુનને કહ્યું, તારો ધર્મ શું ? બીજી બધી ચિંતા છોડી દે, તું તારા ધર્મને સંભાળ. ક્ષત્રિયનો ધર્મ છે અન્યાય, અનીતિ અને અસત્યની સામે યુદ્ધ કરવું. આ યુદ્ધ મારા માટે યુદ્ધ નથી પણ ધર્મનું કાર્ય છે.

જે ધર્મને જીવનમાં રાખે છે તેને અર્થ માટે, એટલે પુરુષાર્થ પાછડ દોડવું પડતું નથી, સહેજે એને પ્રાપ્ત થાય છે. લક્ષ્મી સત્પાત્ર હોય ત્યાંજ ટકે છે. ભગવાનનો થઇને ભક્ત રહે છે તો તેને અર્થ પ્રાપ્ત થાય છે, પણ ખ્યાલ રાખજો કે માગવામાં ઉતાવડ ન કરજો ભક્તની સામે ભગવાન નજર રાખે છે, વણ માગે બધું જ આપ્યું છે ને આપતા રહે છે. જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે ત્યાં બધું જ છે.’’

બીજી બાબત અર્થ . . . જંગલમાં સરોવર ભર્યું હોય, તો ત્યાં પશુ-પક્ષી અને મનુષ્યો તમામ જીવ પ્રાણીમાત્ર બધાં પાણી પીવા આવે, દેડકાં, મગર, માછલાં એ સરોવરમાં હરે ફરે છે ને આનંદ કરે, સરોવરને કોઇને બોલાવવા જવું પડતું નથી, આવો મારી પાસે પાણી પીવા. એમ બોલાવવું પડતું નથી. આપો આપ બધાંજ આવે છે, તેમ જેના જીવનમાં ધર્મ હોય , ભક્તિ આદિક સદ્‌ગુણો હોય ત્યાં સત્ય, ધર્મ, નીતિ, ન્યાય, શાંતિ અને સંતોષ આદિક બધું જ આવે છે.

ત્રીજી બાબત છે, કામ. . . . ધુમાડાથી અગ્નિ દબાઇ જાય છે, જેમ બહુ મેષ ચડવાથી દર્પણ દબાઇ જાય છે. એજ રીતે માણસનું તમામ જ્ઞાન, તમામ સમજણ, સદ્‌બુદ્ધિ કામનાથી ઢંકાઇ જાય છે. જિંદગી પૂરી થાય પણ ઇચ્છાઓ પૂરી થતી નથી.

-: સુખમાં માણસ ભાન ભૂલે છે :-

માણસ માત્રને એમ નથી થતું કે આપણે ખૂબ આનંદ કર્યો, બહુ જોયું, બહુ જીવ્યા, બહુ ખાધું, બહુ અનુભવ્યું, બહુ કમાયા, બહુ જાણ્યું, આવું સમજાતું નથી. કામના એવી ચીજ છે. આખી ઉમર ચાલી જાય, છતાં ઇચ્છાઓની તૃપ્તિ થતી નથી, ઇચ્છાઓ અનત છે.

શંકરાચાર્યજી મહારાજને એક વૃદ્ધબાપા મળ્યા, કેડથી બેવડા વળી ગયા છે. હાથમાં લાકડી, મોઢું ગોખલા જેવું, હોઠ લબડી પડે, માથાનું છાપરૂં ધોળું થઇ ગયું, ચામડીમાં કરચલીઓ પડી ગઇ છે. આખું શરીર ખખડી ગયું છે.  શંકરાચાર્યજીએ કહ્યું ! ‘‘બાપા હાય વોય છોડો ને પ્રભુ ભજો, જીવનું ભાતું કાંઇક બાંધી લો.’’ બાપા કહે :- ‘‘અમાારા સંસારીનું તમને ખબર ન પડે, મારા છોકરા રમતિયાળ છે. વ્યવહારમાં બરાબર ધ્યાન ન રાખે તેથી ખેતરનું ધ્યાન અને ઘરનું ધ્યાન મારે રાખવું પડે છે, આખા કટુંબની સંભાળ રાખવી તેમાં ભગવાન ક્યાંથી સાંભળે ? એક ખેતર છે ને બીજું ખરીદવાનું છે. સામે એક માળનું મકાન છે તેના ઉપર બીજો માળ બાંધવનો છે. એટલે બેસી રહે ચાલે નહિ. શંકરાચાર્યજીએ કહ્યું ‘‘બાપા ! માનવને ઝંઝટ વધારતાં જ આવડે છે. માનવ એવું માને છે કે મને સર્વ પ્રકારનું સુખ મળે, પછી હું ભક્તિ કરીશ, તે કલ્પના ખોટી છે, સુખમાં માણસ ભાન ભૂલે છે.’’ શકરાચાર્યજી તરત બોલ્યા.

અંગં ગલિતં પલિતં મુંડં દશનવિહીતં જાતં તુંડમ્‌ ।

વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડં તદપિ ન મુંચતિ આશાપિંડમ્‌ ।।

ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે ! ।

કહેવાનો હાર્દ, પ્રભુ ચારવર્ગને દેનારા છે, આપણી યોર્ગ્યંતા પ્રમાણે પ્રભુ આપે જ છે. દુનિયાની બધી સત્તા એક આદમીને ભગવાન દેશે તો પણ માણસ ધરાશે નહિ. દુનિયાનું તમામ સૌંદર્ય એક વ્યક્તિને મળશે તો પણ સૌંદર્યના વિકારો જશે નહિ. સૌંદર્ય અને સત્તા તેમાં એને પૂર્ણતા નહિ દેખાય.

સદ્‌ગુરુનો સહારો અને સત્સંગનો પ્રસાદ અને કથાનું અમૃત જ્યાં સુધી નથી મળ્યું, જ્ઞાન પચ્યું નથી, ત્યાં સુધી જે કાંઇ મળશે તેમાં સંતોષ થશે નહિ. પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખો, તચ્છાઓથી દૂર થાઓ તો મોક્ષ દૂર નથી.

પ્રભુ ચાર પુરુષાર્થનું ફલ પ્રદાન કરનારા છે. જેવી ભક્તની ભાવના તેવાં ફળ તેને આપે છે. કોઇ ભક્તને ધર્મ જોઇએ, તો ધર્મમાં અચળતા આપે છે. કોઇને ધન સંપત્તિની તચ્છા હોય તો એ આપે છે. સંપત્તિ આપીને રાજી કરે છે. કોઇ ભક્ત કહે કે મારે કાંઇ નથી જોતતું; તમારા ચરણની સેવા જોઇએ છીએ. તો પ્રભુ તેને મોક્ષ આપે છે. પણ એક શરત જો વાસના રહેશે તો જન્મ ધરવો પડશે. ખોટી વાસના પણ જન્મ ધરાવે ને સારી વાસના પણ જન્મ ધરાવે.

-: જન્મ જન્માતરનો થાક ઉતરી ગયો. :-

સ્વામિનારાયણ ભગવાનના વખતમાં બનેલો એક પ્રસંગ છે. હરજી ઠક્કરનાં મા બહુ સત્સંગી હતાં. ધર્મ નિયમનું બરાબર પાલન કરે. કથા કીર્તન કરે, આમ કરતા કરતા અત સમો આવી ગયો. મનમાં વિચાર થયો કે મેં મારા હાથે શ્રીજીમહારાજને થાળ જમાડ્યો નહિ. મારા હાથનો થાળ પ્રભુ જમે તો બહુ સારું, આવું ચિંતન કરતા કરતા પ્રાણ નીકળી ગયા.

યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજન્ત્યન્તે કલેવરમ્‌ । તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્‌ભાવભાવિત : ।।

અંતે જેવી મતિ તેવી ગતિ થાય. યાદ રાખજો, ભગવાનની ભક્તિ કરી હોય, દાનપુણ્ય કર્યાં હોય, તે નિષ્ફળ જતાં નથી. પણ જો વાસના રહી જાય તો દેહ ધરાવે. તે બાઇ પાંચુબાને ઘરે દીકરી થઇને આવ્યાં, નામ રાખ્યું હીરબાઇ, હીરૂ અગ્યાર વરસની થઇ ત્યારે શ્રીજીમહારાજે પાંચુબાને કહ્યું આ હીરૂને રસોઇ બનાવતાં શીખવાડજો. પાંચુબા કહે, ‘‘મહારાજ, હીરૂ હજુ નાનકડી છે.’’ પ્રભુએ કહ્યું, ‘‘નાનકડી ભલે છે, દીકરીને નાનપણથી રસોઇ શીખવાડવી જોઇએ.’’ હીરૂ એક મહિનામાં દાળ ભાત ને રોટલી બનાવતાં શીખી ગઇ. શ્રીજીમહારાજે કહ્યું, ‘‘પાંચુબા, કાલે હીરૂને થાળ બનાવવા આપજો. અને અમને જમાડવા માટે હીરૂને મોકલજો.’’ શ્રીજીમહારાજ થાળ જમ્યા.

હીરૂને દિવ્ય દૃષ્ટિ આપી, હીરૂને પૂર્વજન્મનું જ્ઞાન થયું. ખબર પડી કે મારે મહારાજને થાળ જમાડવાની ઇચ્છા હતી તે આજે પૂરી થઇ, પોતે શ્રીજીમહારાજ પ્રેમથી જમ્યા અને બધાંને પ્રસાદ આપ્યો. હીરૂ પ્રસાદ જમીને ઘેર ગઇ, જમીને સૂઇ ગઇ. ત્યાં જોરદાર તાવ આવ્યો. પાંચુબા દોડતા શ્રીજીમહારાજ પાસે આવ્યાં, અને વાત કરી કે હીરૂને તાવ આવી ગયો છે. પ્રભુએ કહ્યું ‘‘ચિંતા ન કરો બધું સારું થશે. થાકનો તાવ છે તે ઉતરી જશે.’’ બરાબર ચાર વાગ્યે શ્રીજીમહારાજ દિવ્ય વિમાનમાં હીરૂને બેસાડીને અક્ષરધામમાં લઇ ગયા.

જન્મ જન્માતરનો થાક ઉતરી ગયો. એની શુભ વાસના પૂરી થઇ ગઇ. અને શ્રીજી ધામમાં લઇ ગયા. મૂળ કથાનો હેતુ એ છે કે, ભગવાન ચતુર્વગફલપ્રદાતા ચોક્કસ છે, પણ વાસનાનું દોરડું જો બાંધેલું રહી જાશે તો મોક્ષમાં ખામી આવી જશે. પદાર્થની ઇચ્છાઓ જીવનને કષ્ટમય બનાવે અને જીવવાની ઇચ્છા મૃત્યુને કષ્ટમય બનાવે છે, અંતિમ વિચાર એ નવા જન્મનું કારણ બને છે. શ્રીજીમહારાજ ચતુર્વગ ફલપ્રદાતા છે.