મંત્ર (૭૩) ૐ શ્રી સહજાનંદાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 7:22pm

મંત્ર (૭૩) ૐ શ્રી સહજાનંદાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, ‘‘હે પ્રભુ ! તમે સહેજે સહેજે આનંદ આપનારા છો, જગદ્‌ગુરુ રામાનંદસ્વામીએ નીલકંઠવર્ણીને મહા દીક્ષા પીપલાણીમાં આપી, ત્યારે પ્રભુનાં બે નામ ધારણ કરાવ્યાં, એક નારાયણમુનિ અને બીજું સહજાનંદ સ્વામી. સહજાનંદ નામાર્થક છે, નામ પ્રમાણે ગુણ છે. ઘણાં બહેનોનું નામ શાન્તાબેન હોય, પણ શાન્તિનું નામ નિશાન ન હોય, હોળી સળગ્યાજ કરતી હોય.

આનંદ બહાર નથી, આનંદ અંદર છે, સુખ અને દુઃખ, હર્ષ અને શોક, હાનિ અને લાભ, જન્મ અને મૃત્યુ, રાત અને દિવસ આ વિરોધી તત્ત્વ છે. પણ આનંદનું કોઇ જોડલું નહિ, પદાર્થનો આનંદ તુચ્છ છે, ક્ષણિક છે, કૃત્રિમ છે. પ્રભુના સ્વરૂપનો આનંદ નાશવત નથી પણ શાશ્વત છે. અવિનાશી આનંદ છે. એ આનંદનો ક્યારેય નાશ થતો નથી. પરમાનંદ છે, નિત્યાનંદ છે, નિત્ય સર્વદા અખંડ આનંદ, અખૂટ આનંદ છે ક્યારેય એ આનંદ ખૂટે નહિ.

કૂવો ખોદે પણ જ્યાંથી વહેણ આવતું હોય ત્યાં પથ્થર આડો હોય તો પાણી ન આવી શકે. તેમ જેના હૃદયમાં કામ, ક્રોધના પથ્થર, ઇર્ષા, અદેખાઇના પથ્થર સત્તાના અભિમાનના પથ્થર આડા હોય તેના હૃદયમાં  આનંદ ન આવી શકે. તો એને કથા સાંભળવામાં મજા ન આવે. કીર્તન ગવાતાં હોય તો ઝીલે નહિ, ગાય નહિ. બરાબર જોરથી તાલી બજાવીને ધૂન ગાય નહિ. આડું આવળું જોયા કરે. ભક્તિમાં રસ નહિ, ઉદાસ બેઠા હોય. તો સમજવું કે સત્સંગરૂપી સરોવરમાં એણે બરાબર સ્નાન કર્યું નથી, તેથી આનંદ ક્યાંથી પ્રગટે ? એ આનંદ બ્રહ્માનંદસ્વામીને મળ્યો. મુકતાનંદ, નિષ્કુળાનંદ વિગેરે સંતોને મળ્યો. એ આનંદ શુકદેવજીને મળ્યો. એ આનંદ નરસૈયાને અને મીરાંબાઇ, લાડુબા, જીવુબાને મળ્યો. સુખનો ભોકતા મન છે અને આનંદનો ભોકતા આત્મા છે.

-: આપણા શરીરમાં પાંચ કોશ છે :-

અન્નમય બીજો પ્રાણમય ત્રીજો મનોમય ચોથો વિજ્ઞાનમય અને પાંચમો આનંદમય, આ પાંય કોશ શરીરમાં છે, અન્નમય કોશ એટલે આ શરીર અન્નથી ટકી રહ્યું છે, જીવપ્રાણી માત્રને ખોરાક જોઇએ જ. એ અન્નમય કોશ, પ્રાણમય કોશથી ટકે છે, પ્રાણ હોય તોજ શરીર ટકે, કેવળ અન્નથી ટકી ન શકે, પ્રાણમય કોશમાં પાંચ પ્રાણ છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. આ પાંચ પ્રાણને કારણે બધી જ ક્રિયાઓ થાય છે. આ પાંચ પ્રાણ કામ ન કરે ત્યારે મૃત્યુ થઇ જાય, એટલે એ પ્રાણમય કોશની આગળ મનોમય કોશ છે, એ મનોમય કોશ અત:કરણની ભૂમિકામાં સમાયેલો છે.

મન સાફ ન હોય તો આનંદ રહેતો નથી, મન સાફ રાખવું હોય તો અન્નમય કોશ સાફ રાખવો પડે. અન્નમય કોશ શુદ્ધ અને પવિત્ર હોય તો પ્રાણમય કોશ શુદ્ધ રહે, પ્રાણમય કોશ શુદ્ધ હોય તો મનોમય કોશ શુદ્ધ રહે. અન્ન પવિત્ર તેનું મન પવિત્ર.

તેનાથી આગળ વિજ્ઞાનમય કોશ છે. વિજ્ઞાનમય કોશ શું કરે ? આખું જગત એના ચિત્તમાં સમાવીને બેઠું છે. જેટલું બ્રહ્માંડમાં છે તેટલું પિંડમાં છે. આત્મા સોના જેવો પ્રકાશિત છે, તેમ ચિત્ત પણ દર્પણ જેવું પ્રકાશિત છે. તે ચિત્તમાં વાસના, વિકાર અને અપેક્ષા રહે છે, દર્પણ જો મેલું હોય તો પ્રતિબિંબ બરાબર ન દેખાય.

તેમ જેના ચિત્તમાં વિકારની ધૂળ, વાસનાની ધૂળ, અપેક્ષાની ધૂળ સંપત્તિ સન્માન વગેરે દુર્ગુણોની ધૂળ ચડી જાય તો એ આનંદમય કોશમાં જઇ શકતો નથી. આનંદમય કોશમાં આત્મા અને પરમાત્મા બેઠા છે. જો આનંદમય કોશમાં જાય તોતેને પરમાત્માનાં દર્શન થાય છે અને દેહાધ્યાસ ભૂલી જાય છે, બ્રહ્મરૂપ થઇ જાય છે. તેને સ્થિતિપ્રજ્ઞ કહેવાય.

દેહથી પૃથક્‌ આત્માને જુદો સમજી શકે, તે સહેજે સહેજે આનંદમાં રહી શકે. સુખ કે દુઃખ હોય, હર્ષ કે શોક એને નડે નહિ અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, ગમે તેવી સ્થિતિમાં એ આનંદના સાગરમાં રહી સહજાનંદના આનંદમાં મસ્ત રહે છે.

આનંદમય કોશમાં કોણ પહોંચ્યા ? અનેક પુણ્યાત્મા પહોંચ્યા છે. અગત્રાઇના પર્વતભાઇ, ગઢપુરના દાદાખાચર, મિથિલાના જનકરાજા, ભાગવતજીના વકતા શુકદેવજી, મુકતાનંદસ્વામી વગેરે અનેક સંતો અને મુકતાત્માઓ આનંદમય કોશ સુધી પહોંચી ગયા એને પ્રભુ સહજાનંદનો રંગ લાગી ગયો. જે આનંદમય કોશ સુધી નથી પહોંચ્યા તે તો માયામાં ગોથાં ખાય છે, જનાવરની જેમ જીવે છે.

જનાવર બે કોશમાં જીવે છે, અન્નમય અને પ્રાણમય. પોતાનું જ ખાજ ખાય અને ફરે, મન શુદ્ધ પવિત્ર ન હોય તો વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ બંધ રહી જાય. શરીરમાં છે તો ખરા પણ બંધ પડ્યા છે, કામ નથી કરતા. આનંદમય કોશને ખોલવા હોય તો નિત્ય હરિ સ્મરણ ભાવ વિભોર થઇ હરિભજન કરો તો આનંદમય કોશમાં પ્રવેશ મળશે અને બ્રહ્મરસના ભોગી બનશો.

બ્રહ્મરસનું પાન કરશો તો ચિત્તમાંથી માયા અને વાસના વિલીન થઇ જશે.તંતો બહારના વિષયો વિક્ષેપ નહિ કરે. એની સપાટીમાં રહેલો અનંદ સહેજે બહાર આવશે, પછી તમને રાગ, દ્વેષ, સુખ, દુઃખ, હાનિ, લાભ કાંઇ નહિ નડે.

-: માયાની માર ન ખાવી હોય તો સહજાનંદનું શરણું લો :-

બહારના પંચ વિષયનો આનંદ કૃત્રિમ છે, ખોટો છે, તુચ્છ છે. અતરનો આનંદ શાશ્વત છે અને સત્ય છે. સહજાનંદમાં આનંદ વધતો જાય, તેને કથા કીર્તનમાં આનંદ આવે, રાસ રમવામાં મજા આવે, એને પ્રભુની પૂજા કરવામાં સત્સંગ સમૈયામાં મજા આવે. જગતની તમામ ક્રિયામાં જ મન સૂગ આવે, એનું મન ભગવાન સિવાય કયાંય ચોંટે નહિ. ભગવાનમાં જ મન લાગેલું રહે. તેથી તે સદાય અક્ષરધામનું સુખ અહીંયા બેઠા બેઠા અનુભવે છે. જનમંગલનો નિચોડ આ મંત્ર સમજાઇ જાય તો એનો બેડો પાર થઇ જાય, નિષ્કુળાનંદસ્વામીએ આ સહજાનંદ સ્વામીનો ખૂબ મહિમા ગાયો છે.

સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે,

સહજાનંદ નામ જેના મુખે રે,તેતો બ્રહ્મપુરે જાશે સુખેરે.

સહજાનંદ સહજાનંદના જપ કરે તો તે અક્ષરધામમાં સુખેથી પહોંચી જાય છે, અને અંતે ઉત્તમ ગતિને પામે છે, તમે આનંદમાં રહો ને આનંદમાં રાખો.