મંત્ર (૪૪) ૐ શ્રી મહાવ્રતાય નમઃ

Submitted by swaminarayanworld on Mon, 29/02/2016 - 8:03pm

મંત્ર (૪૪) ૐ શ્રી મહાવ્રતાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, "હે પ્રભુ! તમે મહાવ્રતોનું પાલન કરનારા છો. મહાવ્રત એટલે શું ? મહાવ્રત એટલે સાર્વભૌમ વ્રત. સાર્વભૌમ વ્રત કયું કહેવાય ? બ્રહ્મચર્યવ્રત છે, તે સાર્વભૌમ અને મહાવ્રત છે. અસ્તયે, સત્ય, અપરિગ્રહ અને અહીંસા આ ચારને મહાવ્રત કહેવાય, પ્રભુને બ્રહ્મચર્યવ્રત અતિ પ્રિય છે. બ્રહ્મચર્યનો મહિમા શાસ્ત્રોમાં ખૂબ વર્ણવ્યો છે.

ન તપસ્તય ઇત્યાહ બ્રહ્મચર્ય તપોતમમ્ । ઊદ્ધરેતા ભવેદ્ યસ્તુ સ દેવો ન તુ માનુષ : ।।

તપ એ તપ નથી બ્રહ્મચર્ય એ જ તપ છે. જન્મથી મરણ પર્યંત અખંડ વીર્ય ધારણ કરનાર એવો જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, તે આ લોકમાં મનુષ્યરૂપે પ્રત્યક્ષ દેવ છે. સમુદ્ર તરવા માટે જેમ નાવ શ્રેષ્ઠ સાધન છે, તેવી જ રીત ભવસાગર તરવા માટે બ્રહ્મચર્યવ્રત ઊત્તમ સાધન છે.

શ્રીજીમહારાજ ગ.મ.૩૯ વચનામૃતમાં કહે છે, અમને નિષ્કામ ભકતના હાથની સેવા ગમે છે અને એમને સાથે રહેવું ગમે છે. અમને એવા નિષ્કામી ભકત ઊપર હેત થાય છે. અમે ટક્યા છીએ તે પણ નિષ્કામી વર્તમાનનો દૃઢવ્રત દેખીને ટક્યા છીએ, પાંચ વ્રતને મહાવ્રત કહેવાય !

અસ્તેય એટલે ચોરી ન કરવી તે ધણીને પૂછ્યા સિવાય કાંઇપણ લેવું નહિ, સગા બાપની ચીજ પણ ચોરવી નહિ. બીજું સત્ય, સત્ય વચન બોલવું. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે, "સત્ય વચન બોલવે કરીને પોતાનો અથવા પારકો દ્રોહ થાય એવું સત્ય વચન કયારેય બોલવું નહિ. સર્વનું હિત થાય તેવું વચન બોલવું. પ્રિય, મધુર અને મંગળ વચન બોલવું, કોઇની આજીવિકા તૂટી જાય, કોઇનું મૃત્યુ થઇ જાય, કોઇની હત્યા થઇ જાય, કોઇ મુશ્કેલીમાં મુકાઇ જાય એવું સત્ય હોય તો ત્યાં સત્ય ન બોલવું. પણ જે રીતે બીજાનું હિત થાય તેવું બોલવું તેને સાચી હકીકતમાં સત્ય કહેવાય છે."

ત્રીજું છે અપરિગ્રહ એ પણ મહાવ્રતમાં ગણાય છે, અતિ સંગ્રહખોરી ન કરવી, યોગ્ય સંગ્રહ કરવો, ત્યાગીને જેટલું શાત્રમાં કહ્યું છે તેટલું ત્યાગીએ રાખવું, ગૃહસ્થને પણ યોગ્ય જોઇતો સંગ્રહ કરવો, સાત આઠ પેઢીનો સંગ્રહ ન કરવો, મહેનત કરતા જે મળે તેમાં સંતોષ રાખીને ભગવાનનું ભજન કરવું.

-: સમય કાઢી સર્વેશ્વરનું સ્મરણ કરો. :-

મોટર ખપે, મકાન ખપે, ગાડી ખપે, વાડી ખપે, લાડી ખપે, દીકરા ખપે, ચાર-પાંચ લાખ રૂપિયા ખપે, આવી રીતે ખપે-ખપેમાં પોતે જ ખપી જાય. જેટલું મળે તેમાં સંતોષ ન રાખે. આ મંત્ર એ શીખવે છે કે અતિ સંગ્રહ ન કરો, જેટલો વ્યવહાર વધારશો તેટલી ઊપાધિ વધશે. સમય કાઢીને સર્વેશ્વરનું સ્મરણ કરો, સત્સંગ કરો.

છાપામાં ફોટા આવે છે કે, અમુક વ્યકિતએ ૧૦૦૦ વૃક્ષો વાવ્યાં. આપણને એમ થાય કે આવતા વર્ષે કચ્છ લીલુંછમ થઇ જશે. પણ વૃક્ષો વાવ્યા પછી પાણી પાય તો વૃક્ષો લીલા રહે. તેવી જ રીતે સત્સંગી થયા પછી નિયમિત ભક્તિ, ભજન કરે નિયમિત સત્સંગ સભામાં કથા સાંભળે, નિયમિત પાઠપૂજા કરે તો સત્સંગ લીલો રહે, પાણી વગર વૃક્ષ સુકાઇ જાય તેમ નિયમિત સત્સંગ વગર સત્સંગ સૂકાઇ જાય, માટે નિયમિત સત્સંગ કરવો જરૂરી છે.

ચોથું છે અહિંસા ... હિંસા કરવી નહિ, કોઇ જીવ જંતુને પણ મારાવા નહિ. ભગવાનને હિંસા બિલકુલ ગમતી નથી. છપૈયાની લીલા જુઓ બાલ ઘનશ્યામ મામાના દીકરાના લગ્ન પ્રસંગમાં ગયા. વૈશાખ મહિનાનો તીખો તડકો નારયણસરોવમાં પાણી થોડુંક ને કીચડ ઘણો, પાણી વગર માછલાં બધા તરફડે, મગરો અકળાય પનિયાને ઘરકામ માટે પાણી ન મળે.

બાલ ઘનશ્યામને કંપારી આવી ગઇ. જીવ પ્રાણી માત્રનો પોષક હું છું ને આ બધા પાણી વગર તરફડે છે ? પ્રભુએ નારાયણ સરોવરમાં પ્રવેશ કરી જમણા ચરણનો અંગૂઢો પૃથ્વીમાં હલાવ્યો, પાતાળમાંથી પાણીનો ધોધ છૂટ્યો. જોત જોતામાં સરોવર ભરાઇ ગયું, માછલાં ફરવા માંડ્યા, પક્ષીઓ ઊડી ઊડીને સરોવરમાં પાણી પીવા માટે આવ્યાં, નરનારી બધાને શાંત થઇ. ઘનશ્યામે સરોવર ભરી દીધું, આવા પ્રભુ દયાળુ છે, પ્રભુ અહિંસાના પ્રવર્તક છે. હિંસા ન કરવી તે મહાવ્રત છે.

એક વખતે વૈરાગીઓએ ઘનશ્યામને કહ્યું

"લીલી તાંદળજાની ભાજી, તોડી લાવો તમે તાજી તાજી" ઘનશ્યામ કહે નહિ લઇ આવું, એમાં જીવ છે તેથી પાપ લાગે.

ભાજી માંહી જીવ રહ્યો છે, અમને એવો નિશ્ચય થયો છે. માટે તોડું નહિ એક પત્ર, ત્યારે બોલ્યા વૈરાગી વિચિત્ર.

કેમ લડકા નથી તોડવી ભાજી, એમ કહી જયાં મારવા આવે ત્યાં પ્રભુએ લીલા કરી. અરસપરસ વૈરાગીઓમાં કલહ ઉભો થયો ને પોતપોતામાં લડી ને મૃત્યુ પામ્યા આ મંત્ર આપને સાવધાન કરે છે કે "હે ભકતજનો! હિંસા ન કરશો, ચોરી ન કરશો, તૃષ્ણા ન રાખશો, કોઇનું બૂરું ન ઇચ્છશો અને બ્રહ્મચર્યવ્રતનું પાલન કરશો, તો તેને બીજા કોઇ વ્રત કરવાની જરૂર નથી, પંચવ્રતને મહાવ્રત કહેવાય છે, આ પાંચ વ્રત મહાપ્રભુમાં રહેલા છે. તેથી શતાનંદજી કહે છે ‘મહાવ્રતાય નમઃ’ આ મહાવ્રતનું પાલન કરે તે મહાન ગણાય !

હકેથી દઇએ, હકેથી લઇએ, હકનું હજમ થાય; અણહકનું ઘરમાં લાવે તો, ઊલટી બરકત જાય.