મંત્ર (૪૭) ૐ શ્રી અહીંસયજ્ઞપ્રસ્તોત્રે નમઃ

Submitted by swaminarayanworld on Mon, 29/02/2016 - 8:08pm

મંત્ર (૪૭) ૐ શ્રી અહીંસયજ્ઞપ્રસ્તોત્રે નમઃ

શતાનંદસ્વામી કહે છે, "હે મહારાજ ! તમે આ જગતની અંદર અહીંસામય યજ્ઞની પ્રવૃત્તિ કરી છે." જે યજ્ઞમાં જીવતા જીવની હિંસા થતી, જે યજ્ઞમાં નરબલિ હોમાતા, અશ્વ હોમાતા, કેટલાય જીવોને મારીને યજ્ઞમાં માંસ હોમાતું તે પાપ તજાવીને વૈદિક માર્ગ શુધ્ધ કર્યો, યજ્ઞયાગની રીત શીખવાડી કેટલાય બ્રાહ્મણો વેદના અવડા અર્થ કરીને પશુનું માંસ યજ્ઞમાં હોમતા હતા તે પાપને તમે બંધ કરાવ્યું. વૈદિક માર્ગને પ્રકાશિત કર્યો.

ભુજના જગજીવન બ્રાહ્મણે ખૂબ હિંસા કરીને યજ્ઞ કરવાનો આરંભ કર્યો તે વખતે સ્વામિનારાયણ ભગવાન ગંગારામ મલ્લને ઘેર બિરાજેલા, ભાવભીનું આમંત્રણ આપ્યું કે, તમે હદુ ધર્મના શ્રેષ્ઠ આચાર્ય છો, વિદ્યામાં પારંગત છો, માનવ સમાજમાં તમે અગ્રણી છો, તમે મારા યજ્ઞમાં પધારો, તો મારા યજ્ઞની શોભા ગણાશે.

સાધુ સંતોની સાથે ભગવાન યજ્ઞમાં પધાર્યા, જગજીવન મહેતાએ ખૂબ સ્વાગત કર્યું. પગે લાગ્યો અને ફૂલનો હાર પહેરાવ્યો. પછી ઊંચા આસન પર બેસાડ્યા. યજ્ઞ મંડપ માણસોથી ખીચોખીચ ભરાયો છે. કાશી, અયોધ્યા, જામનગર, દ્વારિકા વિગેરેના અનેક બ્રાહ્મણો બેઠા છે. પ્રભુ બ્રાહ્મણોને જોઇ ખૂબ રાજી થયા.

પ્રભુએ પાછળ નજર કરી તો અનેક જાનવરો પશુઓ બરાડા પાડે છે, પ્રભુએ પૂછ્યું, "કેમ આ જાનવરો બુમરાડા પાડે છે ? ભૂખ્યા છે કે તરસ્યા છે ?" જગજીવન મહેતાએ કહ્યું, "ભૂખ્યા નથી, બરાબર ખવડાવેલા પશુ છે, પણ એ બધાને યજ્ઞમાં હોમવા માટે ભેગા કર્યા છે, આ વેદ રહિત યજ્ઞ છે, એમાં બકરાનું માંસ હોમાશે તેથી જાનવરોનું કલ્યાણ થાશે."

-: વિનાશકાળે વિપરીત બુધ્ધિ :-

પ્રભુ સ્વામિનારાયણ કંપી ગયા, "આ શું બોલો છો ? બાપડા આ નિર્દોષ પ્રાણીને મારી નાખશો ? કતલ કરવાથી કલ્યાણ ન થાય, કરુણા રાખવાથી કલ્યાણ થાય. માંસ હોમવાથી કલ્યાણ થાય એમ કહો છો ? તો માણસનું માંસ કેમ હોમતા નથી ? બિચારા ભોળા ભટ જેવા બકરાને શા માટે મારો છો ?"

જગજીવન મહેતા ગુસ્સાથી બોલ્યા, "સ્વામિનારાયણ! તમને શું ખબર પડે! વેદમાં કહ્યું છે કે, બકરો હોમીને યજ્ઞ કરવો."

ભગવાને કહ્યું "તમે સમજતા નથી વેદનો ઊંધો અર્થ કરો છો. વેદ ભગવાનના મુખમાંથી ઊત્પન્ન થયા છે. એમાં હિંસા કરવાનું છે જ નહિ. જે ધાન્ય વાવીએ ને ઉગી ન નીકળે તેવા ધાન્યથી યજ્ઞ કરવો, અંકૂર બળી ગયા હોય એવા જવ, તલ અને ઘીથી હવન કરાય. બલિદાનમાં દૂધપાક હોમીને યજ્ઞ કરાય, પણ જીવતા જીવની કતલ કરીને હવન ન કરાય." ભગવાને ખૂબ સમજાવ્યા પણ વિનાશ કાળે વિપરીત બુધ્ધિ, સાચી વાત માની નહિ, તો છેવટે અરસ પરસ લડાઇ થઇ, તેમાં તે ભર બજાર વચ્ચે મરાયો ને જમપુરીમાં ગયો.

ભગવાન બુધ્ધજીએ પણ હિંસા ન કરવાનો જ ઊપદેશ આપ્યો છે. વૈદિક ધર્મમાં જેટલો અધર્મ પેસી ગયો હતો, તે સ્વામિનારાયણ ભગવાને નાશ કર્યો અને વૈદિક માર્ગ શુધ્ધ કર્યો. યજ્ઞ ચાલુ જ રાખ્યા પણ હિંસા થતી હતી તે અટકાવી.

ભગવાન સ્વામિનારાયણે બ્રાહ્મણોને સમજાવ્યા કે, "તમે દેવી આગળ હિંસા કરો છો તે યોગ્ય નથી. દેવી તો સૌની મા છે. મા બધાનું રક્ષણ કરે પણ ભક્ષણ ન કરે. દેવી આગળ માંસ ચડાવાય જ નહિ. જો ચડાવે છે તો દેવી કોપાયમાન થાય છે. અંતે એનું નિકંદન કાઢી નાંખે છે. આખા જગતને પોતાનો જીવ વહાલો હોય છે. મૃત્યુથી બધા કંપે છે. જીવ તો વહાલો છે પણ સગા સંબંધી પણ વહાલા છે, એકલા માણસને નહિ, કીડીને પણ પોતાનું જીવ વહાલું હોય છે. કીડીમકોડા જીવ પ્રાણી માત્રને તમે જરા આંગળી અડાડો એટલે ગભરાઇને દોડા દોડ કરશે. જીવ કોને વહાલો ન હોય ? બધાને વહાલો હોય તમે બ્રાહ્મણ છો. તમારાથી હત્યા કરાય જ નહિ. કોઇ હત્યા કરતું હોય તો જોઇ પણ શકાય નહિ."

"સંત અને બ્રાહ્મણનું હૃદય તો દયાળુ હોય તમે નિર્દય બનીને હિંસા કરો છો ? બ્રાહ્મણ થઇને પાપ કરો છો ? પાપ તમારે જમપુરીમાં ભોગવવું જ પડશે, માટે હિંસા કરવી મુકી દો. પશુએ આપણું શું બગાડ્યું છે કે, તમે નિર્દોષને મારી નાંખો છો ? તમને મારતા કંપારી નથી આવતી ? જો સુખી થવું હોય તો મારૂં માનો અને બિચારા પ્રાણીઓને મારો નહિ. જવ તલથી યજ્ઞ કરો. અન્નથી યજ્ઞ કરો." બ્રાહ્મણોને સારી રીતે શ્રીજી મહારાજે સમજાવ્યા અને હિંસા થતી અટકાવી. બ્રાહ્મણો બરાબર સમજયા તેથી હિંસા બંધ કરી અને હવિષ્યાનથી યજ્ઞ કરવા લાગ્યા. યજ્ઞમાં ખૂબ દક્ષિણા આપી, જય જય કાર પ્રવર્તાવ્યો, તેથી સ્વામિનારાયણ ભગવાનનું નામ અહીંસયજ્ઞ પ્રસ્તોત્ર છે.