મંત્ર (૮૭) ૐ શ્રી અદ્રોહાય નમઃ

Submitted by swaminarayanworld on Wed, 02/03/2016 - 9:24pm

મંત્ર (૮૭) ૐ શ્રી અદ્રોહાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, “હે પ્રભુ ! તમે કોઈનો દ્રોહ કરતા નથી, અદ્રોહી છો. તમારો કોઈ દ્રોહ કરે તેને તમે સહન કરો છો, પણ કોઈનો દ્રોહ કરતા નથી અને ભક્તજનોને ચેતવણી આપો છો કે દ્રોહ કરશો તો તમે પછાત થતા જશો, નિંદા નરકમાં નાખે છે, દ્રોહ જેવું બીજું કોઈ પાપ નથી. બીજા પાપનાં પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેલાં છે પણ જે દ્રોહી છે તેના પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેલું નથી તે વજ્ર લેપ થાય છે.

ગૌહત્યા કરી હોય, બાલ હત્યા કરી હોય, સ્ત્રી હત્યા કરી હોય, બ્રહ્મહત્યા આદિક મહાન પાપ કર્યાં હોય તે કદાચ પ્રાયશ્ચિત કરવાથી પાપથી મુક્ત થાય પણ સંત, બ્રાહ્મણ, ગુરુ, દેવ અને ભગવાનના અવતારોનો દ્રોહ કરે, નિંદા કરે. તેની પ્રાયશ્ચિતથી પણ શુધ્ધિ થતી નથી, તે અસુર થઈ જાય છે.

-: માટે પાંચ દંડવત વધારે કર્યાં :-

ભગવાન સ્વામિનારાયણનો દરરોજનો નિયમ હતો કે પૂજા કરીને દંડવત કરે. એક દિવસ દંડવત પ્રણામ વધુ કર્યાં, તે જોતને શુકમુનિએ પૂછ્યું, “હે મહારાજ ! આજે દંડવત પ્રણામ વધુ કેમ કર્યાં ? ભગવાને સરસ જવાબ આપ્યો. ‘‘જાણે અજાણે કોઈનો દ્રોહ થઈ ગયો હોય તેના નિવારણ માટે પાંચ દંડવત પ્રણામ વધારે કર્યા.’’ આ સમજવા જેવી કથા છે.

ભગવાનની સામે ઘણા આસુરી પ્રકૃતિના મારા માર કરતા આવે ભરી સભામાં તિરસ્કાર કરે કે. નીકળી જાઓ મારા ગામમાંથી. આવું બધું શ્રીજીમહારાજ સાંભળે છતાં પણ કોઈનો દ્રોહ ન કરે. તેને સમજાવવાની કોશીશ કરે, પણ નિંદા કરી તિરસ્કાર ન કરે. રાજાના મહારાજા છે છતાં પણ અલ્પ એવા તુચ્છ જીવનાં વચનોને સહન કરે છે. સર્વની સાથે મિત્રભાવથી વર્તનારા છે. કેટલાક ભગવાનના ભક્ત કહેવાતા હોય પણ તર્ષાથી ભગવાન, ભગવાનના સંતોનો અને સત્સંગીઓનો દ્રોહ કરતા હોય છે, દુઃભાવતા હોય છે. ભક્તિ કરતા હોય, વાજીંત્ર વગાડતાં હોય, અખંડ નામ રટણ કરતા હોય, છતાંય તેમને અક્ષરધામની પ્રાપ્તિ નથી, નરકમાં જવું પડે છે.

વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે, “ભગવાનનો સંત અને ભગવાનના અવતાર કુરાજી થાય, એવું કાંઈ કર્મ થઈ જાય તો આ ને આ દેહે મૃત્યુલોકમાં જમપુરીના જેવું દુઃખ ભોગવે. ભગવાન અને સંતને કુરાજી કરે, ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય, ને નરકમાં પડવું પડે. માટે ભગવાનના ભક્તનો, સંતનો કયારેય દ્રોહ કરવો નહિ, પુણ્ય થાય તો પુણ્ય કરવું, પણ પાપથી બીતા રહેવું. દેવાનંદ સ્વામી ગાય છે.

પાપનો ભરે રે માથે પાપનો ભરે, પાપી કે કે કે કે ને કેમ પાપનો ભરે;

જુવાનીમાં આગ લાગી, પરત્રીયા હરે. દેવ સાધુને બ્રાહ્મણ તેની નિંદા બહુ કરે ..... પાપી ....

એ પાપે કરી રવિકીંકર ઝાલ્યા તે નરે દેવાનંદ કહે માર તડાતડ, વણમોતે મરે ..... પાપી ....

જો સાધુ સંત, બ્રાહ્મણની નિંદા કરશો તો, જમદૂતો જમપુરીમાં મારી મારી ને ધુંવાડા કાઢી નાખશે. એક વખત બ્રહ્માનંદસ્વામી એક ગામથી બીજે ગામ સંતો સાથે જઈ રહ્યા છે. રસ્તામાં જુવાનીયા સામે આવ્યા. તે વિના કારણે સંતોની નિંદા કરવા લાગ્યા, લેવું નહિ, દેવું નહિ ને આસુરી વૃત્તિવાળા અકારણ નિંદા કરે, સંતોને  નમસ્કાર કરો, યા ન કરો, તમારી મરજીની વાત. પરતું મશ્કરી કરી, એના દિલને દુભાવવું નહિ.

પુરાણોમાં રાવણ, કંસ જેવા રાક્ષસોની વાતો આવે છે. તો એ રાવણ, કંસના માથે શીંગડાં નહોતા, રાવણ અને કંસ મરી ગયા નથી, હજુ દુનિયામાં છે. અરસ-પરસ જુવાનીયા વાતો કરે, યુવાની એવી છલકદાર છે કે, ધ્યાન ન રાખો તો અનેકના અપરાધ કરી બેસે. યુવાનીયા કહે, ‘‘જુવો તો ખરા સ્વામિનારાયણના મુંડીયા, લાડવા ખાઈ ખાઈને કેવું પેટ વધાર્યું છે.’’

આ શબ્દો બ્રહ્માનંદસ્વામીએ કાનો કાન સાંભળ્યા. બ્રહ્માનંદસ્વામીની ફાંદ જરાક મોટી હતી. આણે મશ્કરી કરી, સ્વામી કહે, ‘‘ગાંડા લાડવા ખાઈ ખાઈને ફાંદ મોટી નથી કરી, મારા હૃદયમાં તો કેવળ પરમાત્મા સ્વામિનારાયણનો નિશ્ચય અને ભક્તિ ભરી છે. મૂર્ખા આ શરીરમાં દરરોજ લીંબુ જેટલું અન્ન જાય છે ને તું સમજ્યા વગર, જેમ ફાવે તેમ બોલે છે.’’ આટલું કહી સંતો ચાલતા થઈ ગયા.

બીજા જ દિવસે આ યુવાનીયો સાવ ગાંડો થઈ ગયો. ગામમાં રાડું પાડે ને રખડે બે હાલ થઈને અંતે નરકમાં પડ્યો. આ લોક બગડ્યો ને પરલોક બગડ્યો, હેરાન-હેરાન થઈ ગયો. સંતના દ્રોહથી વંશનો નાશ થઈ જાય છે, આયુષ્યનો, બુધ્ધિનો અને સુખનો નાશ થઈ જાય છે. આ જન મંગલની કથા અતિ અદ્‌ભુત કથા છે.

આપણામાં જે કાંઈ ખોટ ખામી હોય તે સમજીને ટાળવાની કથા છે. તેથી શાસ્ત્રો ટકોરી ટકોરીને કહે છે. દ્રોહ ન કરો, નિંદા ન કરો. જેના ચરણમાં માથા ઝુકાવા જોઈએ, જેના ચરણરજથી પૃથ્વી પાવન થાય છે, જેના ચરણ ધોઈને પી જવાય. શ્રીજીમહારાજ વાસુદેવાનંદજીના ચરણ ધોઈને પી ગયા છે, ખુદ પરમાત્મા, આટલો મહિમા જાણે, તો આપણે તો મચ્છર જેવા છીએ. સાધુ સંત થવું કાંઈ સહેલું નથી, કોઈ આપણાથી દુભાઈ જાય એવું કરવું નહિ, લોહીના સંબંધ કરતા સત્સંગનો સંબંધ ટકાવી રાખવો.