મંત્ર (૮૯) ૐ શ્રી સર્વોપકારકાય નમઃ

Submitted by swaminarayanworld on Wed, 02/03/2016 - 9:26pm

મંત્ર (૮૯) ૐ શ્રી સર્વોપકારકાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, “હે પ્રભુ ! તમે જીવ પ્રાણી માત્ર ઉપર ઉપકાર કરનારા છો. અપકાર કરે તેના ઉપર પણ ઉપકાર કરો છો. ઢોંગી ધુતારા, કામી, વામી અને હરામી, લાખો માણસોને ભરમાવીને હેરાન કરતા એવા પાખંડીને તમારા શરણે લીધા છે. ગુરુ થઈને સ્ત્રી અને ધનનું હરણ કરતા એવા ઘોર પાપ કરનારા મલીન આત્માઓને ભરાડીથી ભગત કર્યા. હજારો મરાઠા, કોલી, વાઘરી અને મુસલમાન જેના હૃદય વજ્રથી પણ અતિ કઠણ હતા, તેના ઉપર તમે ઉપકાર કરીને એમનું કલ્યાણ કર્યું છે.

ખોજા, સિંધી, આરબો તથા અન્ય લોકો જેનાં મન મલિનતાથી ભરાયેલા હતાં, તેવા અનેક જીવને શરણે લીધા. જન્માતરે પણ જેનું કલ્યાણ ન થઇ શકે એવા મહા મલિન વાસનાવાળા અસંખ્ય જનો પર ઉપકાર કરી એમનો મોક્ષ કર્યો છે. સ્થળચર, જળચર, ખેચર, પશુ, પક્ષી, નાગ, વાઘ, રીંછ એવા ભયાનક હિંસક જીવો પર પ્રભુની દૃષ્ટિ પડી તે સર્વે પાવન થઇ, મોક્ષના અધિકારી બન્યા.

અધિકારના મદવડે, માયાના આવરણથી જે અસુરી જીવો સંતો અને ભકતોને તાડન તિરસ્કાર કરનારા હતા તેમને અપાર ઐશ્વર્ય અને પ્રૌઢ પ્રતાપ દેખાડીને પોતાના આશ્રિત કર્યા. સત્યયુગમાં કોઇ મનુષ્યથી વર્તી ન શકાય. તથા પાળી ન શકાય એવાં અતિ આકરાં વર્તમાન પળાવી, બ્રહ્મરૂપ બનાવી, બ્રહ્મલોકના અધિકારી બનાવ્યા. ભગવાન સર્વ ઉપર ઉપકાર કરનારા છે. –

-: ખાધેલા અનાજને કોણ પચાવે છે ? :-

અન્ન, જળ, પ્રકાશ આપી આપણને કોણ જીવાડે છે ?  ભગવાન જીવાડે છે. સવારે કોણ જગાડે છે ? ભગવાન જગાડે છે. ન જગાડે તો છેલ્લો વરઘોડો કાઠવો પડે. રાત્રે કોણ સૂવાડે છે ? ભગવાન સૂવાડે છે. આપણાથી કાંઇ ન થાય. ઊંઘ આવવી એ પણ આપણા હાથની વાત નથી, છતાં વટ કરીએ કે હું ભગવાનને માનતો નથી.  અરે નહિ માને તેનાથી ભગવાનને કાંઇ ઓછું આવવાનું નથી તારું શું થાય છે તે જોજે.

ખાધેલા અનાજને કોણ પચાવે છે ? ભગવાન પચાવે છે. ભગવાન કહે છે, સૂવાનું કામ તારું અને આખી રાત જાગીને પચાવવાનું કામ મારું. ન પચાવે તો શું થાય ? જાનનો જાય.., શ્વાસો શ્વાસની રિધમ કોણ ચલાવે છે ? ભગવાન ચલાવે છે. દિવસ ને રાત ભગવાન પવનરૂપી વીંઝણો ચલાવે છે, ઋતુ અનુસાર ફળ ફૂલ અને અનાજ કોણ પકાવે છે ? ભગવાન પકાવે છે. તમે પાણી પાયા જ કરો પણ ભગવાનને ન પકાવવું હોય તો કાંઇ ન થાય તેથી ડગલે ને પગલે ભગવાનને યાદ કરો.

ભગવાને આપણા માટે ધરતી બનાવી, વૃક્ષો બનાવ્યાં, બોલવા વાણી આપી, વાણી ન હોત તો શું કરત ? જોવા આંખ આપી, ન આપી હોત તો શું કરત ? કાન ન હોત તો શું કરત ? જ્યાં નજર જાય ત્યાં ભગવાનના ઉપકારને યાદ કરો. ભગવાનના ઉપકારનો પાર નથી, એને ન ભૂલો.

ઉપકાર તમારા ભારે રે, હે શ્રી નિવાસા, હું નીરખું વારે વારે રે, હે શ્રીનિવાસા;

કાયા માણસની કેવી રૂડી કીધી, તેમાં યુક્તિ કેવી ભરી દીધી;

જગદીશે કરૂણા કીધી રે.... હે શ્રી નિવાસા.... ઉપકાર૦

તાજું દૂધ બાળકને કાજે, માના સ્તનમાં ભર્યું મહારાજે,

દાંત આપ્યા જમવા કાજે રે.. હે શ્રી નિવાસા૦

ભગવાનનો ઉપકાર જુઓ જન્મતાં પહેલાં માતાની છાતી દૂધે ભરી દીધી. ચાવવા માટે દાંત આપ્યા. જમવા અન્ન આપ્યું. પીવા પાણી આપ્યું. મફત પવન આપ્યો, સરસ મજાની બુદ્ધિ આપી. અનેક પ્રકારની ભેટ ભગવાને આપણને આપેલી છે.

સમજવા જેવી કથા છે. મંગળકારી ભગવાનનાં નામ છે. એના ઉપકારનો કોઇ પાર નથી. તમે ગરીબ હો, અને કોઇ માણસ તમને વિદેશ તેડી જાય, ત્યાં તમે બરાબર કમાઇ આવો તો તમે તેડી જનારનો ઉપકાર માનો છો કે, આ ભાઇએ મને સાથ દીધો. તો ભગવાન આપણને આવા ભારત દેશમાં લઇ આવ્યા, સર્વાપરી ઉપાસના સમજાવી, તો પ્રભુનો ખૂબ ઉપકાર માનવો જોઇએ. હે ભગવાન ! તમારા ઉપકારની શું વાત કરું ? પહેલી જ બક્ષિસ એ છે કે આપણને આવો મનુષ્ય જન્મ આપ્યો, ભારત દેશમાં અને ઉંચા કુળમાં વળી સત્સંગમાં.

તમે ખૂબ બીમાર થયા ને દવાખાને ગયા, પછી ડોકટરની દવાથી સાજા થયા તો તમે ડોકટરનો ઉપકાર માનો છો. પગ ભાંગી ગયો અને ભગવાનની કૃપાથી ડોકટરે દવા કરી, તમે સાજા થઇ જાઓ તો તમે ડોકટરનો ઉપકાર માનો છો. પૈસા દેતા છતાંય ઉપકાર માનો છો, તો ભગવાને આવી મજાની આંખ આપી, પગ આપ્યા, બધુંજ આપ્યું, એનો એક પૈસો લીધો ? બધું મફત આપ્યું. જરા ઊંડાણથી વિચાર કરજો, ખબર પડશે. ભગવાનનો ઉપકાર આપણા ઉપર કેટલો છે. કાંટો કાઢ્યો હોય તેનો ગુણ ભૂલાય નહિ તો આવો માનવ દેહ ભગવાને આપ્યો એનો જે ગુણ લેતો નથી તે હકીક્તમાં કૃતઘ્ની છે. પ્રેમાનંદ સ્વામી ભગવાનનો ઉપકાર માનીને ગદ્‌ગદ્‌ કંઠે ગાય છે.

બાંય ઝાલીને કાઢી લીધી બારણે રે લોલ. નહિંતર વહી જાત કયાંયની કયાંય અલબેલે જાઉં.

ધર્મકુંવરને વારણે રે લોલ.

જેમ ભગવાન પરઉપકારી છે, તેમ સંતો પણ પરઉપકારી છે. ઉપકારી સંતો આપણા ભારતનું ભૂષણ છે. ભગવાનના ઉપકારનો પાર નથી ને જીવની અવળાઇનો પાર નથી. સ્વામિનારાયણ ભગવાન હર હંમેશાં કહે છે અમારા દાખડા સામે જોજો, મારા સોના જેવા સત્સંગને ડાઘ લગાડશો નહિ. આશરે આવેલાનું ભલું કરજો, પર ઉપકાર કરવો એ મોટી વાત છે. શતાનંદસ્વામી કહે છે ‘‘હે પ્રભુ ! તમે પરમાર્થી છો સર્વે જીવ પ્રાણીમાત્ર ઉપર ઉપકાર કરો છો.’’