મંત્ર (૯૭) ૐ શ્રી આત્મદાય નમઃ

Submitted by swaminarayanworld on Thu, 03/03/2016 - 7:37pm

મંત્ર (૯૭) ૐ શ્રી આત્મદાય નમઃ

શતાનંદસ્વામી કહે છે- ‘‘હે પ્રભુ ! તમે કેવા છો, રાજી થાવ તો તમે તમારો આત્મા આપી દો છો. કોઇક પૈસાનાં દાન કરે, કોઇક સોનાનાં દાન કરે, કોઇક કન્યા દાન કરે, કોઇક ધરતીનાં દાન કરે, પણ કોઇ પોતાના આત્માનું દાન ન કરે. પણ તમે એવા છો કે રાજી થાઓ તો ભકતોના દાસ બની જાઓ છો. પૂજ્ય છો છતાં દાસ બની જાઓ છો. એટલે ભકતોના વેચાણ બની જાઓ છો.

ભક્ત કહે છે તેમ તમે કરો છો ! ભક્તને આધિન બની જાઓ છો. ભગવાન બલિરાજાના દ્વારપાળ થઇને રહ્યા, આખી રાત પાતાળની ચોકી કરે, પછી લક્ષ્મીજી આવ્યાં, અને બલિરાજાને રાખડી બાંધી. બલિરાજાએ કહ્યું, ‘‘બહેન તમે રાખડી બાંધી તેથી જે માગો તે હું તમને આપું,’’ લક્ષ્મીજીએ કહ્યું, ‘‘મને કોઇ પદાર્થ નથી જોતતું, સોનું ચાંદી નથી જોતતું, વસ્ત્ર અલંકાર નથી જોઈતા,’’ ‘તે શું જોઇએ છીએ ?’’

લક્ષ્મીજીએ કહ્યું ‘‘આ તમારા નગરની ચોકી કરે છે. જે સિપાઇના રૂપમાં તે જોઇએ છીએ.’’ બલિરાજાએ કહ્યું, ‘‘એ તમારા શું થાય ? ‘લક્ષ્મીજીએ કહ્યું’ એ મારા પતિદેવ નારાયણ છે.’’ બલિરાજાએ કહ્યું ઘર પૂછીને બેય એવાંજ ભેગાં થયાં છે, એક આવીને મારું રાજ્ય લઇ ગયા, ને એક આવીને નારાયણને લઇ જાઓ છો. ભલે લઇ જાઓ. ભગવાન આવા આત્મદાયી છે, ભક્તના વેંચાણ થઇ જાય છે. દાસ થઇ જાય છે.

-: ભગવાન ભક્તના ગુલામ બની જાય છે :-

ભગવાન સંત સખુબાઇ ઉપર રાજી થયા. તો પોતે સખુબાઇ બનીને બધું ઘરનું કામ કરે, પાણી ભરવા જાય, લાજ કાઢીને ઘરમાં રસોઇ બનાવે, છાસ વલોવે, માખણ એનાં સાસુ ઉતારે, સાસુને એમ કે માખણ ખાઇ જશે તો ? ને વાત પણ સાચી ભગવાનને માખણ બહુ ભાવે. વાસીદું વાળે પણ કળ પડવા ન દે, કે આ ભગવાન છે. સખુબાઇ નિરાંતે યાત્રામાં ફરે છે, ને ભગવાન એના બદલામાં ઘરનું કામ કરે છે. વિચાર કરો, આટલી જેની ઊંચાઇ છે, આખા જગતનો રાજા તે બીજાના ઘરકામ કરે, સાસુના પગ દબાવે અને રસોઇ એવી સરસ બનાવે છે કે સાસુ સસરા રાજી રાજી થઇ જાય. છપ્પનભોગનો જમનાર એની રસોઇ કાંઇ જેવી તેવી હોય ? ભગવાન આવા આત્મદાયી છે. ભક્તના ગુલામ બની જાય છે.

લાડુબા, જીવુબાની રજા લે, બા ! રજા આપો તો વડતાલ જઇએ. એ આજે લાડુબાની રજા લે, તમામ દેવતાઓને જે આજ્ઞા કરે તે આજે લાડુબાની આજ્ઞા માગે. ભગવાન રામચંદ્રજી જનકપુરીમાં ગયા ત્યારે. ફૂલ વિણવા જવું હોય તો ગુરુ વશિષ્ઠજીની આજ્ઞા માગે. વશિષ્ઠજી કહે, ‘‘જાઓ.’’ ત્યારે ફૂલ વીણવા જાય, ભક્તની આજ્ઞામાં પોતે ચાલે, આવા ભગવાન આત્મદાયી છે.

બ્રહ્માદિક દેવતાઓ જેની આગળ હાથ જોડે, ભીખ માગે એ પ્રભુ ભક્તની આગળ દાસ બની જાય. ગોપી કહે કનૈયા ! મારી સામે નાચ કર, તો માખણ આપીશ, તો ભગવાન નાચ કરે. ભગવાન માખણના ભૂખ્યા નાચ નથી કરતા, ભાવના ભૂખથી નાચ કરતા. નહિતર માખણના તો નંદબાવાને ઘેર ઢગલા હતા. નવલાખ ગાયો એમના ઘેર દૂઝતી હતી. ત્યાં માખણની કમી ન હોય, પણ ભગવાન એવા હેતાળ છે, ભાવિક છે કે- ભક્તજનોના મન પોતે ખેંચી લે છે.

શરદપુનમની રાત્રીએ ભગવાન વૃંદાવનમાં રાસ રમ્યા, ત્યારે ગોપીઓને સહજ ગર્વ આવ્યો કે, પ્રભુ અમારી સાથે રમે છે. અમે કેવાં ભગવાનને વહાલાં છીએ ? ત્યારે ભગવાન રવાના થઇ ગયા. તેની ખબર રાધાજીને પડી, તેથી તે પણ ભગવાન સાથે ચાલતાં થઇ ગયાં. આગળ જતાં થાકી ગયાં, ત્યારે રાધાજીએ કહ્યું ‘‘કનૈયા હું થાકી ગઇ છું, મને ખભે તેડી લ્યોને.’’ ત્યારે ભગવાન રાધાજીને ખભે બેસાડીને ચાલતા થયા. વળી રાધાજીને પણ અહંકાર આવ્યો કે મારા જેવી કોઇ ચતુર નહિ, હું કેવી ભગવાનને માનિતી ને વહાલી કે મને ભગવાને ખભા ઉપર બેસાડી, ભગવાનને થયું આટલી વાર રાધાજી ફૂલ જેવાં હલકાં હતાં, પણ હવે અભિમાન આવવાથી ભારે થયાં છે. ભગવાનને અભિમાન બિલકુલ ગમતું નથી.

તેથી ભગવાને કહ્યું- રાધાજી ! જરા ઝાડની ડાળખી પકડજો, મને કાંટો વાગ્યો છે. રાધાજીએ ડાળ પકડી, ત્યાંથી પ્રભુ અદૃશ્ય થઇ ગયા, રાધાજી ઝાડની ડાળે લટકી રહ્યાં, પછી ગોપીએ આવીને ઊતાર્યાં. કહેવાનું તાત્પર્ય એ છે કે- ભગવાન આત્મદાયી છે. ભક્ત કહે પ્રભુ ! આ જમો તો જમે, પ્રભુ ! અમારી પાસે રમો તો રમે.

દાદાખાચર કહે ‘‘મહારાજ ! ફરી લગ્ન તો કરું, કે તમે મારી સાથે જાનમાં પરણાવા ચાલો તો,’’ પ્રભુ કહે ‘‘ભલે હું તૈયાર છું.’’

પ્રભુ કહે છે જાનમાં આવું, પાસે રહી તમને પરણાવું । હાંક્યો અર્જુનનો રથ જેમ, તમારો રથ હાંકીશ તેમ ।।

દાદાખાચર આરામથી રથમાં બેઠા, અને પ્રભુએનો રથ હાંકે, નોકર બની ગયા, ભગવાન આત્મદાયી છે, ભતાર દેવા જાય, કોશ હાંકે, રથ હાંકે, વહુ બની જાય, દીકરો બનીને ચાકરી કરવા જાય, સેવક બનીને ભક્તની પગચંપી પણ કરે, સર્વેના સ્વામી છે છતાં સેવક બની જાય, યોગક્ષેમને વહન કરે, આ કાંઇ નાની સૂની વાત નથી, સેવક બનવું કાંઇ સહેલું નથી, બીજાની ગુલામી કરવી તે કાંઇ જેવી તેવી વાત નથી. એ તો ભગવાન આત્મદાયી છે તેથી કરી શકે છે.