૨૮ ધમડકાના ગરાસીયા જોડીયે ભેળા થયા ને સત્સંગી કર્યા, દીકરીયું જીવતી રાખવાની આજ્ઞા કરી, તુણાથી જોડીયા, ધોરાજી થઈ જુનાગઢ પધાર્યા.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:20pm

અધ્યાય-૨૮

ત્યાંથી છોકરો પશ્ચિમ દિશે ચાલ્યો તે ગામોગામ રસ્તામાં મહારાજની પૂછા કરતો કરતો ગયો. તે હજારું ગામમાં ફરી વળ્યો તો પણ મહારાજના સમાચાર કોઇ ગામમાં કોઇએ પણ કહ્યા નહિ, ને મહારાજ પણ મળ્યા નહિ. એવી રીતે મહારાજને ખોળતાં ખોળતાં છોકરાને બાર વર્ષ વિતી ગયાં તો પણ મહારાજના સમાચાર ક્યાંય પણ મલ્યા નહીં. ત્યારે તે છોકરો પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો જે, મારો દેશ તો ઘણો દૂર રહી ગયો અને આટલા આટલા દેશો તથા ગામો હું ફરી આવ્યો, પણ મહારાજ ક્યાંઇ મલ્યા નહિં. આવી રીતે વિચાર કરીને અતિશય નિરાશ થઇ ગયો. તે છોકરાને કોઇ મનુષ્યે આવીને પૂછ્યું જે, છોકરા ! તું નિરાશ થઇ કેમ બેસી રહ્યો છે ? ત્યારે તેણે કહ્યું જે, હું ભગવાનને શોધું છું, પણ મને ભગવાન ક્યાંય મળ્યા નહિ. એટલા માટે હું નિરાશ થઇને બેસી રહ્યો છું. ત્યારે મનુષ્યે કહ્યું જે, આ દેહે કરીને ભગવાન તો ક્યાંથી મળે ? કારણકે ભગવાન મળવા તો બહુ દુર્લભ છે. ત્યારે છોકરે પૂછ્યું જે, તમે કોઇ દેશમાં કે ગામમાં કોઇ ચમત્કારી બાવો દેખ્યો કે સાંભળ્યો છે ? કોઇ મનુષ્યે તે બાવાની ચમત્કારી વાત તમારા આગળ કરી છે ? જો ચમત્કારી વાત કરી હોય કે જો સાંભળી હોય તો, એ બાવાનો ઐશ્વર્ય પ્રતાપ એવો છે જે છાનો રહેતો નથી. ત્યારે તે મનુષ્યે કહ્યું જે, કાઠીયાવાડ દેશ છે તેમાં એક ચમત્કારી બાવો સાંભળ્યો છે. વળી આ દેશનાં મનુષ્યો વાતો કરે છે જે, કાઠીયાવાડ દેશમાં એક ભારે તપસ્વી બાવો જીવનમુક્તા નામે કરીને છે તે ઘણાક મનુષ્યોને ચમત્કાર દેખાડે છે. તથા ધ્યાન, ધારણા, સમાધિ કરાવે છે. એવી રીતે મેં વાત મનુષ્ય આગળથી સાંભળી છે. વળી મેં સાંભળ્યું છે જે, તે બાવાએ લાખો મનુષ્યોને જ્ઞાન ઉપદેશ આપીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિને માર્ગે ચડાવીને ભગવાન સન્મુખ કર્યા છે. આવી રીતે લાખો મનુષ્યોને પોતાના શિષ્ય કર્યા છે ને ધર્મમાં વર્તાવે છે. ત્યારે  છોકરે કહ્યું જે, તેજ બાવો ભગવાન છે. ને મારે તેની જ પાસે જાવું છે.

એમ કહીને ત્યાંથી ચાલ્યો, તે ગામોગામ મનુષ્યોને પૂછતો પૂછતો છેવટ ગઢડામાં સવારના વખતમાં આવ્યો. ત્યાં જઇને દાદા ખાચરને પૂછ્યું જે, આંહિ કોઇ ચમત્કારી પુરુષ છે ? ત્યારે તેમણે કહ્યું જે, અહીં તો હાલમાં નથી. તે તો ભુજમાં છે, તે વાત સાંભળીને તે છોકરો મહારાજની પૂછા કરતો કરતો ભુજ આવ્યો. ને તે વખતે મહારાજ ભગવાનજીભાઇને ઘેર ગાદીતકીયા નખાવીને ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ચારે બાજુ સંત-હરિભક્તોની સભા ભરાઇને બેઠી હતી. ને મહારાજ ભારે ભારે જરીયાની વસ્ત્રો પહેર્યાં હતાં. ને ભારે ભારે નંગજડિત ઘરેણાં પહેર્યાં હતાં. તે સમયે છોકરો તે સભાથી દૂર આવીને ઊભો રહ્યો. ને પોતાનું શરીર અતિશય કૃશ ને વસ્ત્રો પણ જૂનાં ફાટેલાં પહેર્યાં હતાં. એવે વેશે તે છોકરો ઊભો, અને પોતાના મનમાં વિચાર કરતો હતો. ત્યારે મહારાજે તેના સામું જોયું ને છોકરાનું નામ લઇને તેને બોલાવ્યો. ને અતિ હેતે સહિત તત્કાળ ઢોલિયેથી ઉતરીને તે છોકરા સન્મુખ આવીને તેને બાથમાં લઇને મળ્યા.

તે વખતે સભામાં બેઠેલા કાઠી જે સુરોખાચર તથા અલૈયોખાચર તથા હીરજીભાઇ તથા સુંદરજીભાઇ તથા ગંગારામ મલ્લ તથા પાર્ષદ ભગુજી આદિક બોલ્યા જે, મહારાજ આ ભિક્ષુક જેવો દુબળો છોકરો છે તેને ઓળખ્યા વિના તત્કાળ ઢોલિયેથી ઉતરીને કેમ બાથમાં લઇને મળે છે ? તે સાંભળીને મહારાજે કહ્યું જે, અમે વનમાં વિચરતા હતા, તે દિવસે એની પર્ણકુટીમાં અમો એક માસ પર્યંત રહીને દૂધ, દહીં જમ્યા છીએ. તે છોકરાને ઓળખીએ પણ છીએ. અમે તેને ઘેર રહ્યા હતા. તેને વર્ષ બાર વીતી ગયાં છે. અમે તેને ઘેરથી અર્ધી રાત્રે ઊઠીને ચાલ્યા. અમને રાખવા સારુ તેમને ઘણું હેત હતું તે હેતને લીધે અમને તેને ઘેરથી દિવસે ચાલવાનો અવકાશ મળ્યો નહીં. તે માટે અમે અર્ધી રાત્રિએ તેને સૂતો મૂકીને ચાલી નીકળ્યા હતા. ત્યાર પછી તે છોકરો જ્યારે તેના ઘેરથી સૂતો જાગ્યો ત્યારે ઊઠીને અમને તેણે ક્યાંય પણ દેખ્યા નહીં, ત્યારે તેની ડોશીએ તેને કહ્યું જે, આપણે ઘેર બાવો હતો તે દેખાતો નથી, ને તું જ્યાં હોય ત્યાંથી તે બાવાને ગોતીને તેડી આવ. એટલે આ છોકરો અમને ખોળતો ખોળતો અહીં આવ્યો છે. તે વાત સાંભળીને સર્વે સભામાં બેઠેલા જે કાઠીઓ તથા ભુજના સત્સંગીઓ તે સર્વે ઊઠીને બે હાથ જોડીને મહારાજનાં ચરણારવિંદમાં પોતાનું મસ્તક નમાવીને ગદ્‌ ગદ્‌ કંઠથી બોલ્યા જે, હે મહારાજ ! તે છોકરાના જેટલો અમને તમારો મહિમા નથી સમજાણો, કેમ જે એ છોકરાને જેવી રીતે તમે મૂકીને ચાલી નીકળ્યા ને તે છોકરો તમને વાંસે ગોતતો ગોતતો હજારો ગાઉ ફરીને અહીં આવ્યો છે. અને અમે તો અહીં ઘેર આપ બેઠા છો, તો પણ તમારે દર્શને નિત્ય આવવું તે પણ નિયમસર અવાતું નથી, એમ કહ્યું. તે વખતે મુકુંદાનંદ બ્રહ્મચારીએ મહારાજને આવીને કહ્યું જે, હે મહારાજ ! થાળ તૈયાર થયો છે, જમવા પધારો. તે સાંભળીને મહારાજ તે છોકરાને કહ્યું જે, છોકરા ! તું પણ અમારી સાથે જમવા ચાલ. ત્યારે તે છોકરે કહ્યું જે, મહારાજ ! મેં હજી સ્નાન પણ કર્યું નથી. ત્યારે મહારાજે કહ્યું જે, નાહીને તું કોરું વસ્ત્ર પહેરી લે. ત્યારે તે છોકરો નાહીને કોરું વસ્ત્ર પહેરીને મહારાજ ભેળો જમવા ગયો.

એક બાજુ તે છોકરાને મહારાજે બેસાડ્યો, ને મહારાજ થાળ જમ્યા. ને તે છોકરાને પણ જમાડ્યો. ને મહારાજ ભગુજીને કહ્યું જે, ભગુજી ! વાળંદને બોલાવીને આ છોકરાની હજામત કરાવી નખાવો. એમ કહીને પોતે અક્ષરઓરડીમાં પોઢી ગયા. જ્યારે મહારાજ પોઢીને જાગ્યા ત્યારે છોકરો મહારાજની આગળ જઇને દર્શન કરીને બેઠો. ત્યારે મહારાજે તે છોકરાને કહ્યું જે, કેમ છોકરા ! તારે હવે સાધુ થાવું છે ? ત્યારે તે છોકરે કહ્યું જે, હે મહારાજ ! મારે સાધુ તો થાવું છે. પણ મારી મા મારી વાંસે વાટ જોશે. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તારી મા વાંસે વાટ જોશે તો આપણે એક દિવસ તારી માને ઘેર ત્યાં ચાલશું. ત્યારે તે છોકરે કહ્યું જે, ત્યારે તો મહારાજ ! ભલે મને સાધુ કરો. ત્યારે તેને મહારાજે સાધુ કરીને શુકાનંદ મુનિ નામ પાડ્યું ને તે સાધુ ભેળા રહ્યા. થોડા દિવસ વિત્યા બાદ મહારાજે શુકમુનિને કહ્યું જે, સ્વામી ! હવે તમારી માને દર્શન દેવા માટે ચાલો. એમ કહીને તે ડોશીને દિવ્ય દેહે તેડવા ગયા. તે સમયે તે ડોશીને મહારાજનાં તથા શુકાનંદ સ્વામીનાં જેવી રીતે પૂર્વે વનમાં દર્શન કર્યાં હતાં તેવી રીતે દર્શન થયાં. તે જોઇને ડોશી બોલ્યાં જે, ઓહોહો. મારો પુત્ર આ મહારાજને તેડીને મારે ઘેર પાછો આવ્યો. ત્યારે મહારાજે કહ્યું જે, ડોશી ! અમે તો તમારા દીકરાને સંગાથે લઇને તેડવા આવ્યા છીએ, કેમ જે તમે અમને દૂધપાક જમાડીને તથા સેવા કરીને રાજી કર્યા છે, તે હવે તેડી જાશું. તે સાંભળીને તેની દીકરી અતિશય રુદન કરવા લાગી. ત્યારે મહારાજે તે છોકરીને કહ્યું જે, તું શા માટે રૂદન કરે છે ? તું પણ સુખેથી ચાલ, તને પણ તેડી જાશું, એમ કહીને તે મા-દીકરી બન્નેને સંગાથે ધામમાં તેડી ગયા.

આ વાત સર્વે ભુજના હરિભક્તો આગળ શ્રીજીમહારાજે વિસ્તારે સહિત કહી સંભળાવી જે, આ છોકરે અમને રાખવા સારુ ઘણોયે પ્રયાસ કર્યો હતો. પણ તેને ઘેર અમે તે દિવસે રહ્યા નહિ. ને મુક્ત હોય તે આવી રીતે અમને ખોળતા ખોળતા અમારે સમીપે દર્શન કરવા આવે છે. એમ કહીને તે ભારે ભારે વસ્ત્ર ઉતારીને મહારાજે ભગવાનજીભાઇને આપ્યાં, ને તેમને કહ્યું જે, આ વસ્ત્ર તમારી પાસે રાખો, ને અમે જ્યારે ધોરાજી મંગાવીએ ત્યારે આપજો. એમ કહીને બે દિવસ રહ્યા. પછી જમીને ચાલ્યા તે અંજાર પધાર્યા ને સવાસરને દરવાજે માધવરાયની વાડી છે તેમાં ચાર કોશીયા કૂવાથી પૂર્વે શિવનું સ્થાનક છે, તે શિવના ચોતરા ઉપર ઉત્તર બાજુ શ્રીજીમહારાજ ઉતર્યા ને સુતાર રવજીને કહ્યું જે, તમે ગામમાં જાઓ, ને ચાગબાઇ આદિક બાઇઓને તથા ભાઇઓને કહેજો જે, મહારાજ આવ્યા છે, તે ગામમાં નહીં આવે. માટે તમે રસોઇ કરીને ત્યાં શિવને ચોતરે લઇને ચાલો.

પછી રવજી સુતારે જઇને બાઇઓને તથા ભાઇઓને તેમજ કહ્યું. ત્યારે બાઇઓ તથા ભાઇઓ તે સાંભળીને અતિશય રાજી થઇને મહારાજ માટે રસોઇ કરીને તે વાડીયે શિવના ઓટા ઉપર બેઠેલા શ્રીજીમહારાજને થાળ જમાડ્યો. ને મહારાજને જમાડીને પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! ગામમાં પધારો. ત્યારે મહારાજે કહ્યું જે, અમે ગામમાં નહીં આવીએ. અને કાલ પણ અમને જમાડવા માટે થાળ અહીં જ લઇને આવજો, એમ કહ્યું. પછી બીજે દિવસે પણ બાઇઓ તથા ભાઇઓએ થાળ કરીને શ્રીજીમહારાજને જમાડ્યા. જમીને આચમન કરીને જળપાન કર્યું. તે બાઇઓને તથા ભાઇઓને શ્રીજીમહારાજે કહ્યું જે, આ પ્રસાદી છે તે લઇ જાઓ. હવે અમે અહીંથી ચાલશું. તે આજ અમારે તૂણે જાવું છે. એમ કહીને શ્રીહરિ ચાલ્યા તે તૂણેથી વહાણમાં બેસીને જોડીયે ઉતર્યા. ત્યાં રવજી સુતારને કહ્યું જે, અમે આ નદીમાં બેઠા છીએ. ને તમે ગામમાં જાઓ. ને જમવા સારુ કંઇક ટીમણ લઇને આવો. પછી રવજી સુતાર ગામમાં ગયા અને ટીમણ લઇ ચાલ્યા આવતા હતા. ત્યાં માર્ગમાં ધમડકાના ગરાશિયા અદોજી, કલ્યાણસિંહજી, રામસિંહજી તથા રાયધણજી એ ચાર ભાઇઓ જોડિયામાં હતા તેમણે રવજી સુતારને દેખ્યા. ત્યારે તેમણે પૂછ્યું જે, રવજીભાઇ ! તમે અહીં કેમ આવ્યા છો ? ત્યારે રવજી સુતારે કહ્યું જે, શ્રીજીમહારાજ કચ્છ દેશમાંથી વહાણે બેસીને અહીં પધાર્યા છે, તેમની સાથે હું પણ આવ્યો છું. ને મહારાજ તો નદીમાં બેઠા છે, ને તેમના માટે હું જમવા સારુ ટીમણ લેવા આવ્યો છું. ત્યારે ચારે ભાઇઓએ કહ્યું જે, ચાલો, આપણે મહારાજને દર્શને નદીએ જાઇએ. પછી ચારે ભાઇઓ આવીને નદીમાં મહારાજનાં દર્શન કરીને બેઠા. ને રવજી સુતારે શ્રીહરિને જલેબી તથા સાટા તથા ઘેબર વિગેરે જમવાનું આપ્યું તે મહારાજ જમ્યા; ને રવજી સુતારે પાણીનો લોટો ભરીને આપ્યો તે જળપાન કરીને હાથ ધોઇને પછી ચારે ભાઇઓને મહારાજે કહ્યું જે પ્રસાદી જમશો ? ત્યારે ચારે ભાઇ બોલ્યા જે, કૃપા કરીને મહારાજ આપે તો જમીએ. ત્યારે મહારાજે કહ્યું જે, પ્રસાદી જમશો તો ગાંડા થઇ જાશો. ત્યારે અદોભાઇ બોલ્યા જે, મહારાજ ! હું તો સત્સંગી છું અને  મારા ભાઇઓ છે તે પણ પ્રસાદી જમે એવા છે, પણ કાંઇ ભય પામે એવા નથી.

પછીથી તે સર્વેને પ્રસાદી આપી તે જમ્યા. ને શ્રીજીમહારાજે વાતો કરીને કહ્યું જે, સત્સંગ કરો. દેહ છે તે ક્ષણ ભંગુર છે, તે ઘડીએકમાં નાશ થઇ જાય એવો છે. ફરીને આવો મનુષ્ય દેહ મળવો દુર્લભ છે. માટે કલ્યાણનું સાધન તો તત્કાળ કરવું, પણ તેમાં વિચાર ન કરવો. ત્યારે અદાભાઇએ કહ્યું જે, હે મહારાજ ! તમે વાત કરી તે સર્વે સાચી છે, અમે તમો કહો તેમ કરીએ. મહારાજે કહ્યું જે, તમો દીકરી મારવાની બંધી કરો. ત્યારે તે બોલ્યા જે, તે અમારાથી કેમ થાય ? એમ કરીએ તો અમારી લોકમાં લાજ જાય. કેમ જે અમારા ભાઇયાતો ને સગાં-સંબંધીઓ સર્વે મશ્કરી કરે, ને એમ કહે જે, તમે કોઇકના સાસરા થાશો, ને સાળા થાશો, ને તમારે ઘેર જમાઇ ને બનેવી આવીને બેસશે. એમ કહે તે લોકલાજ બહુ આડી આવે છે. ત્યારે મહારાજે કહ્યું જે, તમે સત્સંગ કરો ને દીકરીઓ જીવતી રાખો. ને બીજાના દીકરા ગરાસ વાળે છે, તેમ અમારી આજ્ઞાએ કરીને દીકરીઓ જીવતી રાખશો તો, તમારી દીકરીઓ તમારો ગરાસ વાળશે.

જો તમે અમારાં વચને કરીને સત્સંગ કરશો ને દીકરીઓ ને જીવાડશો તો તમારું કલ્યાણ થાશે. ને તમે કહ્યું જે, અમારાં સગાં સંબંધી તથા નાતીલાઓ તે અમારી મશ્કરી કરે, તે હમણાં એ મશ્કરી જણાય છે, પણ કોઇક રાજા એવો આવશે જે રાજા માત્ર અને ગરાશિયા જેટલા પૃથ્વી ઉપર છે તે સર્વેની દીકરીઓ જીવતી રખાવશે. ને જે દીકરીઓ મારશે તેનો ગરાસ પડાવી લેશે, ને કેદ કરશે. તે દિવસે તમારી મશ્કરી થાશે કે નહીં થાય ? થાશે. ત્યારે અદાભાઇએ કહ્યું જે, હે મહારાજ ! એવું થાશે તે અમે દેખશું ? ત્યારે મહારાજે કહ્યું જે, તમે દેખશો તો ખરા. ત્યારે તે ચારે ભાઇઓ વ્રતમાન ધારીને સત્સંગી થયા, ને મહારાજને પગે લાગીને ઊઠ્યા. ને મહારાજ ત્યાંથી ચાલ્યા તે હાલાર દેશમાં ધોરાજી ગામે પધાર્યા. ત્યાં લાલવડ હેઠે પોતે આવીને ઉતર્યા ને ત્યાં રહીને ભુજથી ભગવાનજી સુતાર પાસેથી વસ્ત્ર મંગાવ્યાં.

ત્યાં ગુજરાતનો સંઘ આવ્યો તેને પોતે કીનખાબનાં વસ્ત્ર પહેરીને સંઘને દર્શન દઇને, પછી તે ગામમાં જીજીભાઇ તથા અજુભાઇ આદિની સર્વે સેવા અંગીકાર કરીને ત્યાંથી ચાલ્યા તે ગામ જુનાગઢ પધાર્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મુમુક્ષુએ મહારાજનાં દર્શન કર્યાં તે ધમડકાના ગરાસીયા જોડીએ ભેળા થયાને તેમને સત્સંગી કર્યા. તથા દીકરીઓ જીવતી રાખવાની આજ્ઞા કરી, ને શ્રીહરિ જુનાગઢ પધાર્યા, એ નામે અઠ્યાવીસમો અધ્યાય. ૨૮