૭૬ કાંકરીએ ચોરાસી કરી, પછી અસલાલી, જેતલપુર, ધોળકા થઈ ગણેશ ધોળકા રહ્યા, ને સંકલ્પનો મંદવાડ ઉતાર્યો, ત્યાંથી અડવાળ, અણીયાળી, સુંદરીયાણા, સારંગપુર, પીપલીયા, રાધાવાવ, ગઢપુર આવ્યા.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 4:54pm

અધ્યાય ૭૬        

પછી મહારાજ બોલ્યા જે, ‘નથુ ભટ્ટ ક્યાં ગયા છે ?’ ત્યારે સંતોએ કહ્યું જે, તે નાતના બ્રાહ્મણોને બોલાવવા ગયા છે. તેટલામાં તો નથુ ભટ્ટ તે સર્વે બ્રાહ્મણોને સાથે લઇને આવ્યા અને મહારાજને પગે લાગીને સર્વે બેઠા. તેના પ્રત્યે મહારાજે કહ્યું જે, ‘મારે બ્રાહ્મણોની ચોરાશી કરવી છે તે કાંકરીઆ તળાવની આપણી બાજુ કરશું.’ ત્યારે તેઓ બોલ્યા જે, હે મહારાજ ! તમે તો ચોરાશી કરીને બ્રાહ્મણોને જમાડશો, પણ બીજા કોઇથી થાય નહીં. ત્યારે મહારાજ બોલ્યા જે, પાણીને ઠેકાણે ઘી વાપરવું છે. અને જ્યાં તડકો હશે ત્યાં મોદિયું બંધાવશું અથવા વાદળાંની ઘટા બોલાવશું. ત્યારે તેઓ બોલ્યા જે, હે મહારાજ ! આવતી કાલે તો નહિ પણ પરમ દિવસે કરો. ત્યારે મહારાજે કહ્યું, બહું સારું. એમ કહ્યું ત્યારે બ્રાહ્મણો સર્વે પગે લાગીને ગયા. અને મહારાજે શહેરના સત્સંગીઓ લાલદાસ આદિકને કહ્યું જે, શહેરના વાણિયા આદિને ખબર પડશે તો ઘી ગોળ આદિકના ભાવ ફેરવી નાખશે. માટે તમો ઘી અને ગોળનો મણનો ભાવ બાંધી આવો જે, મણને ભાવે એકથી હજાર મણ સુધી ગમે તેટલું લઇએ તેનો એક જ ભાવ બાંધી આપો. એવી રીતે જ્યારે મહારાજે કહ્યું ત્યારે તેઓ શહેરમાં ભાવ બાંધી આવ્યા. પછી મીઠું આદિ હવેજ તથા ઘઉંના ગાડાંના ભાવ બાંધીને ભરી આવ્યા.

પછી છેટાં બેઠાં હતાં જે સત્સંગી બાઇઓ તેમને મહારાજે કહ્યું જે, તમે સર્વે દશ દશ શેર ઘઉં દળવા લઇ જાઓ. અને જો ઘંટી ન હોય તો ભાડે લેજો. તે વાત સાંભળીને હજારો સત્સંગી બાઇઓ તૈયાર થઇને ઘઉં લઇ ગયાં. અને મહારાજ જમવા પધાર્યા તે જમતાં જમતાં વાત કરવા લાગ્યા જે, સર્વે સંતો, બ્રહ્મચારીઓ તથા પાળા અને કાઠી તમે સર્વે તૈયાર રહેજો; કેમ જે આપણે બ્રાહ્મણની ચોરાશી કરવી છે. એમ આજ્ઞા કરીને સંતની પંક્તિમાં ખભે ખેસ બાંધીને પીરસવા લાગ્યા. તે લાડુ, જલેબી, ફુલવડી આદિક લઇને પીરસતાં પીરસતાં લ્યો સંતો ! એમ વારંવાર કહેતા જાય. એમ જમાડીને પછી મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન થયા. અને હરિભક્તોએ ચંદન-પુષ્પાદિકે કરીને પૂજા કરી અને પછી ઘોડેસવાર થઇને ગાજતે વાજતે સર્વે સંત મંડળ તથા પાર્ષદો, કાઠીઓ તેણે સહિત કાંકરીઆ પધાર્યા અને ઘોડીથી ઉતરીને ઓટા ઉપર ગાદી તકિયો નખાવીને બેઠા. અને ચોરાશીની સામગ્રીનાં ગાડાં ભરાઇને ચારે કોરથી આવવા માંડ્યાં. ત્યારે મહારાજે ઘેરે સાદે કરીને આનંદ સ્વામી તથા હરિભક્તોને કહ્યું જે, હવે આરતીનો સમય થયો છે.

પછી આરતી-ધૂન્ય કરીને પાછા બેઠા. અને મોદિયું તથા ઘઉં, દાળ, ચોખા અને નાના પ્રકારના મશાલા, વડીઓ વિગેરે સામગ્રીઓના મોટા મોટા ગંજ થઇ રહ્યા હતા તેને જોઇને મહારાજ બોલ્યા જે, ‘ચોકી પહેરાની ખબરદારી રખાવજો. કોઇ અજાણ્યાં માણસને આવવા દેશો નહીં. પછી મોટીબા તથા ગંગામા થાળ લાવ્યાં તેને જમ્યા અને આનંદ સ્વામીના મંડળને પ્રસાદી આપી. પછી જલપાન કરી મુખવાસ લઇને ઢોલિયા ઉપર બેઠા. અને મોટા મોટા સંતો પગે લાગીને બેઠા. મહારાજે કહ્યું જે, આપણે કાલે સાંજે સીધાં સર્વે આપી દઇએ અને ઘી પણ સાંજે આપીએ, કારણ કે રાતના રસોઇ કરે તો પાછલો પહોર દિવસ રહે ત્યાં સુધી જમી રહે. ત્યારે સંતો કહેવા લાગ્યા જે, સારું મહારાજ. પછી સંતો ઉતારે આવ્યા અને મહારાજ પોઢી ગયા. પછી સવારે વહેલા કાંકરીઆમાં સ્નાન કરીને ઘોડેસવાર થઇને નરનારાયણ દેવના મંદિરમાં આવ્યા અને દેવનાં દર્શન કરીને ઊભા. તેટલામાં વજેશંકર નામે નાગર પગરખાંએ સહિત મંદિરમાં આવ્યો તેને મહારાજે કહ્યું જે, અરે...વજેશંકર ! દેવની તો મર્યાદા રાખો, અમારી તો ઠીક. પછી મહારાજને બ્રહ્મચારીએ જમાડ્યા. તે જમી જલપાન કરી મુખવાસ લઇને સંતોને પ્રસાદી આપી. પછી રસોઇવાળા હરિભક્તોએ મહારાજની તથા સંતો અને બ્રહ્મચારીઓની સર્વની પૂજા કરી અને પગે લાગ્યા.

પછી મહારાજ ઘોડેસવાર થઇને કાંકરીઆ તળાવે પધાર્યા. ત્યાં મંચ ઉપર ઢોલિયે પોઢ્યા. ત્યાર પછી વજેશંકરને સરકારના ગુનામાં આવવાથી હાથ પગ બાંધીને ગાડામાં બેસાડીને સાથે ભીલની પટલન પચાસ વાંસે અને પચાસ આગળ એવી રીતે લઇ જતા હતા તે વાત કુબેરસિંહ આદિએ મહારાજની પાસે કરી. ત્યારે મહારાજ બોલ્યા જે, કાલે અમારાથી એમ બોલાઇ ગયું તે ઠીક ન થયું. જુવોને ભગવાનની તો કેટલી દયા ! પણ જીવની અવળાઇમાં કાંઇ ખામી નથી.

પછી સાંજ વેળાએ બ્રાહ્મણો સીધાં લેવા માટે વાસણ લઇને આવ્યા. અને ચોખા, દાળ, લોટ, ગોળ, ઘી, મશાલા ને શાક વગેરે આપવા માંડ્યું. ત્યારે જે ચોકે પચાસ માણસ હોય તે ચોકાનાં હજાર સીધાં માગે. એમ બ્રાહ્મણો બમણો સામાન લેતા જાય, અને મહારાજ તો જેટલું કહે તેટલું આપતા જાય.

પછી મહારાજ તથા પાર્ષદો વગેરે બ્રાહ્મણોને ચોકે ચોકે ફરવા લાગ્યા. તે બમણો ત્રમણો સામાન જોઇને પાર્ષદોએ કહ્યું જે, હે મહારાજ ! આટલા બધા સામાનનું આ શું કરશે ? ત્યારે મહારાજે કહ્યું જે, કાંઇ પોટલાં બાંધીને નહીં લઇ જાય. રસોઇ કરીને જમશે. એ વાત કરે છે ત્યાં તો એક બ્રાહ્મણ ઘીનાં કુંડલાંનું ગાડું ભરીને ચાલ્યો જતો હતો તે બધા ચોકાને ઉલ્લંઘીને આગળ ચાલ્યો ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ બળદોની નાથ પકડી એટલે તે શક્તિપંથી બ્રાહ્મણે સ્વામીના હાથના કાંડામાં બચકું ભર્યું, એટલે લોહીની ધાર ચાલી. તે જોઇને જમ તગડા રાઘવાનંદ સ્વામી એમ બોલ્યા જે, એક સંતને ધર્મરાજાના દૂત લઇને ચાલ્યા જાય છે. અને તે વખતે મહારાજ પણ બે સ્વારો લઇને ગાડાં પાસે આવીને બ્રાહ્મણને કહેવા લાગ્યા જે, તમે નાતનો કાયદો લોપીને ક્યાં ગાડું લઇ જાઓ છો ? ત્યારે તે બોલ્યો જે, આમ આઘેરો અમારો ચોકો છે. પછી મહારાજ બોલ્યા જે ગાડું પાછું વાળો અને તમારે જમવું હોય તો લાડુ, ઘી, ગોળ જે જોઇએ તે સુખેથી જમો પણ અમારા સંતને ભલા થઇને કોઇ ખાશો નહીં. એમ કહીને ગાડું પાછું વાળીને ઉતારે લાવ્યા અને પછી મહારાજ થાળ જમીને બોલ્યા જે, આનંદ સ્વામી કહાં હૈ ? ત્યારે સ્વામી આવીને ઊભા રહ્યા. તેને પૂછ્યુંજે, કાઠી સ્વારો તથા પાર્ષદો તથા ચોકિયાતને જમાડ્યા ? ત્યારે કહ્યું જે, રસોઇ તૈયાર છે પણ પીરસનારા સંતો કામકાજમાં છે એટલે જમાડ્યા નથી.

પછી ભગુજીને કહ્યું જે, તમે સર્વને જમાડો. એમ કહીને પોતે પોઢ્યા અને બીજે દિવસે નિત્ય વિધિ કરીને મંદિરમાં નરનારાયણદેવનાં દર્શન કરીને ઉતારે આવીને થાળ જમ્યા. પછી સર્વે બ્રાહ્મણોને ચોકે ચોકે ફરીને કહ્યું જે, ‘સૂર્યાસ્ત પહેલાં સર્વે જમી લેજો. અને લાડુમાં ઘી સારી પેઠે નાખજો.’ ત્યારે તેઓ કહેવા લાગ્યા જે, હે મહારાજ ! ઘી પુષ્કળ નાખ્યું છે. પછી મહારાજ વિસામાને ઓટે ગાદી તકિયા નખાવીને ઉપર બેઠા.અને મોટા મોટા સંતો તથા હરિભક્તો સર્વેને કહેવા લાગ્યા જે, ‘વરુણીમાં જે જે બ્રાહ્મણો હતા તેમને શેલાં બંધાવજો શિલ્પી તથા બીજા જેણે યજ્ઞની ક્રિયામાં ભોગ આપ્યો હોય તેઓનું પણ જેમ ઘટે તેમ સન્માન કરજો. પછી બ્રાહ્મણોની પંક્તિ થઇ ત્યારે છેટે ઊભા રહ્યા. અને સર્વે બ્રાહ્મણોએ ‘નરનારાયણ દેવની જય’ બોલાવીને પછી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલ્યા. પછી તે બ્રાહ્મણો મહારાજને જય સ્વામિનારાયણ કહીને જમવા લાગ્યા. અને મહારાજ ઢોલિયા ઉપર બિરાજ્યા. પછી સર્વે બ્રાહ્મણોને દક્ષિણા આપીને પ્રસન્ન કર્યા.

પછી મહારાજનાં દર્શન કરવા આવેલા અનંત ધામના મુક્તો તથા ઇન્દ્રાદિક દેવો સર્વેને પોતપોતાને સ્થાનકે જવાની આજ્ઞા કરી. અને સર્વને કહ્યું જે ‘શ્રી ભુજ નગરમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીએ ત્યારે ત્યાં સર્વ આવજો.’ એમ કહીને પછી મહારાજને ગંગામાએ થાળ જમાડ્યો. તે જમીને પછી સર્વ સંઘ સહિત નરનારાયણદેવનાં દર્શન કરીને ગાજતે વાજતે અસલાલી થઇને જયતલપુર આવ્યા. ત્યાં થાળ જમીને ચાલ્યા તે સાબરમતી ઉતરીને ધોળકે પધાર્યા. અને હાલ બેઠક છે ત્યાં ઉતર્યા. રેવાશંકરભાઇ આદિ હરિભક્તોએ રસોઇ કરીને જમાડ્યા અને પછી પોઢ્યા. પછી સવારે નિત્ય-વિધિ કરીને ચાલ્યા તે ગણેશ ધોળકા ગયા. ત્યાં પોતાના ભક્તની શિક્ષાને અર્થે ઉપશમપણાને પામ્યા અને ગણપતિના મંદિરમાં બિરાજ્યા. બ્રહ્મચારીએ જમવાનું પૂછ્યું પણ કાંઇ બોલ્યા નહીં. પછી દાદાખાચરે લાડુબાઇને કહ્યું જે, થાળ કરાવો ત્યારે લાડુબાઇએ થાળ કરીને જમાડ્યા. અને સંતો તથા સર્વ સંઘ પણ જમ્યા.

પછી મહારાજ પોઢ્યા. પછી સવારે નિત્ય-વિધિ કરીને સાબદા થઇને સંઘ સહિત ચાલ્યા તે ગામ અડવાળ આવ્યા અને ત્યાંથી ગામ અણીયાળી થઇને સુંદરીયાણા પધાર્યા. ત્યાંથી ગામ બગડ ગયા અને ત્યાંથી સારંગપુર પધાર્યા. ત્યાં થાળ જમીને રાત્રીએ પોઢ્યા અને સવારે સાબદા થઇને ગામ પીપળીઆ પધાર્યા. ત્યાંથી ચાલ્યા તે રાધા વાવે ઉતર્યા. ગઢડામાંથી હરિભક્તો સામૈયું લઇને સન્મુખ આવ્યા અને મહારાજની ચંદન-પુષ્પે કરીને પૂજા કરીને પગે લાગ્યા. પછી વાજતે ગાજતે ગઢપુરમાં પ્રવેશ કર્યો, અને દાદાખાચરના દરબારમાં બિરાજમાન થયા. અને સર્વે સત્સંગીઓ દર્શન કરવા લાગ્યા.

પછી મુકુંદ બ્રહ્મચારીએ મહારાજને થાળ જમાડ્યો. તે જમ્યા અને સંઘને રસોઇ કરાવીને સારી રીતે જમાડ્યો. પછી મહારાજે રાજી થઇને સંઘના હરિભક્તોને પોતપોતાને ઘેર જવાની આજ્ઞા આપી અને પછી પોતે અક્ષર ઓરડીમાં પોઢ્યા. સવારે મુકુંદ બ્રહ્મચારીએ સ્નાન કરાવ્યું. થાળ કરીને જમાડ્યા. પછી ઢોલિયા ઉપર બિરાજ્યા. અને કેટલાક સંતો અને સત્સંગીઓ પણ દર્શન કરીને બેઠા.

પછી મહારાજે વાર્તા કરી જે, અમદાવાદમાં નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરી અને બ્રાહ્મણોની ચોરાસી કરી તથા સંઘના હરિભક્તો તથા કેટલાક બીજાઓને પણ જમાડ્યા તો પણ ગોળ-ઘી આદિક સામાન ઘણો વધ્યો તે મંદિરમાં ગાડાં ભરીને લાવ્યા. અને જે બ્રાહ્મણો વરુણીમાં વર્યા હતા તેને શેલાં પાઘડીઓ બંધાવ્યાં. અને ખોબા ભરી ભરીને રૂપિયાની દક્ષિણાઓ આપી અને શિલ્પી આદિ કારીગરોને પણ જેમ ઘટે તેમ શિરપાવ કર્યો. એ આદિક વાર્તાઓ કરી. તે સાંભળીને હરિભક્તો રાજી થયા. પછી સંતનાં મંડળો બાંધીને દેશાંતરમાં ફરવા મોકલ્યા. અને આનંદ સ્વામીનું મંડળ અમદાવાદથી આવ્યું તેને મહારાજે અમદાવાદના સમાચાર પૂછ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી આદિક કહેવા લાગ્યા જે, આપણે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને ચોરાસી કરી અને બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી એ સર્વે કાર્ય નિર્વિધ્નપણે થયાં તે જોઇને શહેરનાં લોકો એમ બોલ્યાં જે પૂર્વે પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો હતો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન જેમ સહાયમાં હતા તેમ સહજાનંદ સ્વામી જેની સહાયમાં હોય તેને શું વિઘ્ન આવી શકે ? એમ દેશાન્તરોમાં વાર્તાઓ થાય છે. અને સંતો તથા બ્રાહ્મણોની પંક્તિઓ થઇ ત્યારે દેવતાઓ દર્શન કરવા આવેલા હતા તેને અજ્ઞાની લોકો તો વાદળાં રૂપે દેખતા હતા અને જે દૈવી જીવો તો વિમાને સહિત દેખતા હતા પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને પૂછ્યું જે ‘સાહેબ શું કરે છે ?’ ત્યારે સ્વામી કહે, ‘બે ત્રણ દિવસે મંદિરમાં આવે છે અને ટોપી ઉતારીને ઠાકોરજીનાં દર્શન કરીને રાજી થાય છે.’ પછી મહારાજ થાળ જમ્યા અને પછી અમદાવાદથી આવેલ જે સર્વે સંતમંડળ તેને પ્રસાદી આપી અને સર્વેને જમાડ્યા. પછી સંતો પોતાને ઉતારે ગયા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે કાંકરીએ ચોરાશી કરીને ચાલ્યા. તે રસ્તામાં સર્વે હરિભક્તોને દર્શન આપતા થકા શ્રીહરિ ગઢપુર આવ્યા એ નામે છોત્તેરમો અધ્યાય. ૭૬.