સ્નેહગીતા કડવું - ૩૪

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:14pm

ઊદ્ધવજી એહની વાત કહું કથીજી, કોઈ રીતે કૃષ્ણમાંહિ જો કાચું નથીજી ।
અમે તો વિચાર્યું અમારા મનથીજી, અર્થ સારી ગયા એહ આપ સ્વારથીજી ।।૧।।

ઢાળ –

અર્થ સારી અલબેલડો, અળગા જાઈને એહ રહ્યા ।
વિયોગે અમે વિલખી વિલખી, શરીરના સુખથી ગયા ।।૨।।

જેમ પુષ્પની વાસ લઈ વેગળો, અલિ ઊડીને આઘો ફરે ।
જમ ફળ ખાઈ ખગ તજે તરુ, તેમ કૃષ્ણજી પણ એમ કરે ।।૩।।

દાહક વનને જેમ મૃગ મેલે, વિન તેજ રાજન રૈયત તજે ।
જેમ નિર્ધન પુરૂષ પરહરે પુંશ્ચલી, એમ અમને તજયાં બાંધી ધ્વજે ।।૪।।

જેમ સૂકા સરને પરહરીને, મેલીને જાય છે મરાલ ।  
જેમ ભીક્ષા લઈને તજે ભવન ભીક્ષુ, એવો નેહ કરે નંદલાલ ।।૫।।

વિદ્યાર્થી જેમ વિદ્યા ભણીને, વળી તજેછે વિદ્યાવાનજી ।
જેમ દક્ષિણા લઈ યજમાન તજે, તેમ કરે છે એહ કાનજી ।।૬।।

એમ અમને પરહર્યા ં, અલબેલે ઊદ્ધવ આજરે ।  
અમારૂં સુખ રાખ્યું અધુરૂં, એણે સાર્યું એનું કાજરે ।।૭।।

હવે છેટે રહી છેદેછે છાતી,દૂર રહીને દિયેછેદુઃખજી ।  
પ્રીત કરી પ્રાણ હરિ મેલ્યા, પછી સાનું રહે હવે સુખજી ।।૮।।

સુતાં બેઠાં સ્નેહ સાલે, પળેપળે પડ ઘણું પરજળે ।  
ઊદ્ધવજી અંતરની વાતો, તે બા’રે બીજું કોણ કળે ।।૯।।

ભરી કસી બાણ ભીંતરે, માર્યા ં છે એણે મર્મનાં ।
નિષ્કુલાનંદના નાથે અમને, ટાળ્યાં લોક કુળ ધર્મનાં ।।૧૦।। કડવું ।।૩૪।।