ગઢડા પ્રથમ – ૨ ત્રણ પ્રકારના વૈરાગ્યનું

Submitted by swaminarayanworld on Thu, 09/09/2010 - 12:21pm

ગઢડા પ્રથમ – ર. ત્રણ પ્રકારના વૈરાગ્યનું

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૫ પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

પછી મયારામ ભટ્ટે શ્રીજીમહારાજ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે “હે મહારાજ! ઉત્તમ, મઘ્‍યમ અને કનિષ્‍ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્‍ય તેનાં શાં લક્ષણ છે તે કહો ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે “ઉત્તમ વૈરાગ્‍ય જેને હોય, તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્‍ધ કર્મ વશે કરીને વ્‍યવહારમાં રહે પણ તે વ્‍યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહિ, અને શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્‍ધ અનુસારે પ્રાપ્‍ત થાય તેને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહિ અને તેનો ત્‍યાગ મોળો ન પડે અને તે વિષયને વિષે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સત્‍શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ, કાળ, સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહિ, તેને ઉત્તમ વૈરાગ્‍યવાળો કહીએ. અને જેને મઘ્‍યમ વૈરાગ્‍ય હોય, તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસકત ન થાય અને જો દેશ,કાળ,સંગ કઠણ પ્રાપ્‍ત થાય તો વિષયને વિષે બંધાઇ જાય અને વૈરાગ્‍ય મંદ પડી જાય તેને મઘ્‍યમ વૈરાગ્‍યવાળો કહીએ. અને જે કનિષ્‍ઠ વૈરાગ્‍યવાળો હોય, તેને સામાન્‍ય ને દોષે યુકત એવા પંચ વિષય જો પ્રાપ્‍ત થાય ને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચ વિષય પ્રાપ્‍ત થાય ને તેને ભોગવે તો તેમાં બંધાઇ જાય, તેને મંદ વૈરાગ્‍યવાળો કહીએ.”

ઇતિ વચનામૃતમ્  ગઢડા પ્રથમનું ||૨||

તા-૨૧/૧૧/૧૮૧૯  રવિવાર