સારસિદ્ધિ કડવું - ૧૪

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 9:13pm

રાગ :- ધન્યાશ્રી

 

તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમાજી, અતિ આનંદ રહ્યો છે તેમાંજી ।

અણું એક ભાર નથી દુઃખ એમાંજી, તે તો તેહ જાણે જન પ્રગટયો છે જેમાંજી ।।૧।।

 

રાગ :- ઢાળ

 

જેને પ્રગટયો તે જન જાણે, બીજા શું વખાણે વાણિયે ।

વણ દીઠે કરે વારતા, તે પૂરી કેમ પ્રમાણિયે ।।ર।।

પણ જેના પંડયમાં પ્રગટયો, તીખો તીવ્ર વૈરાગ્ય ।

તેહના અંગમાંહિ ૨અજાનો, રે’વા તે ન દિયે ભાગ ।।૩।।

જેમ કંચનને કુંદન કરતાં, તેને જાણજો જોયે તાપ ।

તેમ તીવ્ર વૈરાગ્યના તાપથી, શુદ્ધ થાય અંતર આપ ।।૪।।

વિશલ્યકર્ણિ ઔષધિવડે, શલ્ય નિસરી જાયે શરીરથી ।

તેમ તીવ્ર વૈરાગ્ય તેણે કરી, જાયે વિષયશલ્ય અચિરથી ।।પ।।

જેમ સુરાખારને અરઘે કરી, ગોળી ગળિને નિસરે બાર ।

તેમ તીવ્ર વૈરાગ્યના વેગથી, રહે નહિ વિષય વિકાર ।।૬।।

સુખ દુઃખના શલ્ય શરીરે, ક્ષણુંક્ષણુંએ ખટકે ખરાં ।

તે તીવ્ર વૈરાગ્યના વેગ વિના, પંડયમાંથી ન થાય પરાં ।।૭।।

સુતાં બેઠાં ચાલતાં, શલ્ય સૂક્ષ્મ સણકા કરે ।

તે બૃહત વૈરાગ્ય વિના, કોયેથી પણ નવ નિસરે ।।૮।।

બા’રના દરદની ઔષધિ, કાષ્ટ ધાતુની કે’વાય છે ।

પણ તીવ્ર વૈરાગ્ય ટાળી, અંતર દુઃખ કાંયે જાય છે ? ।।૯।।

તીવ્ર વૈરાગ્ય તન મનને, શોધિને કરે છે શુદ્ધ ।

નિષ્કુલાનંદ એ સુખનિધિ છે, એમ કે’છે સંત સુબુદ્ધ ।।૧૦।। કડવું ।।૧૪।।