સારસિદ્ધિ કડવું - ૨૫

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:13pm

ધર્મ દઢ રાખશે હરિના મળેલજી, જે જન તન મન સુખમાં ન ભળેલજી

માયિક સુખથી પાછા વળેલજી, તેહને એ વાત સુધી છે સહેલજી ।।૧।।

ઢાળ - 

સુધી સહેલ એ વાત છે, ધર્મ પાળવો દઢ મને ।।

ધર્મ મૂકીને કામ કોઈ, કરવું નહિ કોઈ દને ।। ર ।।

ધર્મે બોલવું ધર્મે ડોલવું, ધર્મે જોવું દષ્ટે કરી ।।

સુતાં બેઠાં જાગતાં, ધર્મ નેમ રહેવું ધરી ।। ૩ ।।

ધર્મે હાલવું ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી ।।

ધર્મે રહેવું ધર્મે કહેવું, ધર્મે લેવી વાત સાંભળી ।। ૪ ।।

ધર્મે ખાવું ધર્મે પીવું, ધર્મ વિના ન ધરવા પાવ ।।

કરે કરવું કામ ધર્મનું, ધર્મે કરવો તન નિભાવ ।। પ ।।

સર્વે કામ ધર્મે કરવાં, ધર્મ મૂકી ન કરવું કાંઈ ।।

સર્વે કાળે એમ સમજી, રે’વું સદાય ધર્મ માંઈ ।। ૬ ।।

ધર્મ મૂકીને કારજ કોયે, કે’દી ન ઇચ્છે કરવા ।।

કરી એવી અચળ મતિ, તે રતી ન દિયે ફરવા ।। ૭ ।।

દેહ પયર્ંત ડોલવું નહિ, ધર્મ ધાર્યા છે તે માંયથી ।।

ટેક નેક ન તજવી, સદા રે’વું હરિ આજ્ઞાએથી ।। ૮ ।।

ધર્મે થાય તે ઠીક છે, રહિયે અધર્મ થકી અળગા ।।

એવા જન થઈ હરિના, રહિયે ધર્મને વળગા ।। ૯ ।।

સુખ દુઃખના સમુહ માંહિ, મૂંઝાઈ ધર્મ મૂકવો નહિ ।।

નિષ્કુળાનંદ કહે નિશ્ચે કરી, ધાર્યો ધર્મ તે ચૂકવો નહિ ।। ૧૦ ।।કડવું।।૨૫।।