ગઢડા પ્રથમ – ૩૩ : મૂઢપણું, પ્રીતિ ને સમજણનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 10:59am

ગઢડા પ્રથમ – ૩૩ : મૂઢપણું, પ્રીતિ ને સમજણનું

સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ પ પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્‍યારે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ  ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગને છેડે રેંટો બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

તે સમે મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારનાં શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મઘ્‍યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરી ભગવાન રાજી  થાય? તે એવો એક ઉપાય કહો.” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”  સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરો એજ એક સર્વે સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો અતિ દ્રઢ જોઇએ જેને વિષે કાંઇ પોલ રહે નહિ. તે આશરાના ત્રણ ભેદ છે, એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોયપણ ડોલે નહિ, અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દૃઢ આશરો થાય છે, તે જેને દૃઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મુકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી. એવી રીતે જેને દૃઢ પ્રીતિ હોય તે પ્રીતિએ કરીને ભગવાનનો દૃઢ આશરો કહેવાય અને ત્રીજો પ્રકાર એ છે જે, જેની બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્‍વય વ્‍યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્‍વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્‍પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરૂષ પ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટ પુરૂષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્‍યાણને અર્થે નારદ સનકાદિકરૂપે વર્તે છે એ સર્વે રીતને સમજી જાણે અને પુરૂષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દ્રષ્‍ટિ પહોંચતી હોય, તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દઢ આશરો છે તે બીજાનો ટાળ્‍યો ટળે નહિ ને પોતાનો પણ ટાળ્‍યો ટળે નહિ. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થ પણે અથવા અસમર્થ પણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહિં” એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “કહો તો તમને એક પ્રશ્ર્ન પુછું” ત્‍યારે મુકતાનંદ સ્‍વામી બોલ્‍યા જે “પુછો મહારાજ” પછી એમ પુછયું જે. અમે કહ્યાં જે ત્રણ અંગ તેમાં તમારૂં કયું અંગ છે ? અને એ ત્રણ અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય, માટે મૂઢપણું, પ્રીતિ અને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારૂં કયું અંગ છે ?

પછી મુકતાનંદસ્‍વામી તથા બ્રહ્માનંદ સ્‍વામી બોલ્‍યા જે, “અમારે તો સમજણનું અંગ છે.” અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતાં તે કહ્યાં. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૩૩||