ગઢડા મઘ્ય ૧૧ : કર્મ માત્ર ભકિતરૂપ થયાનું, આમયો યેન ભૂતાનાંનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:33am

ગઢડા મઘ્ય ૧૧ : કર્મ માત્ર ભકિતરૂપ થયાનું, આમયો યેન ભૂતાનાંનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ વદી ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ, અર્થ ને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ ને કામ તેનેજ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્‍યુલોક તેને વિષે ભોગવીને પછી ત્‍યાંથી પડે છે. ને નરક ચોરાશીમાં જાય છે. માટે જે જીવ ધર્મ, અર્થ ને કામને વિષે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે તે સર્વ સાત્‍વિકી, રાજસી ને તામસી થાય છે, ને તે કર્મનું ફળ સ્‍વર્ગ, મૃત્‍યુ ને પાતાળ એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે, પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહિ, અને જ્યારે મોક્ષ ન થાય ત્‍યારે જન્‍મ મરણ અને નરકનું દુ:ખ તે મટે નહિ. અને જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઇચ્‍છા તેનો ત્‍યાગ કરીને તેનાં તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એજ શુભ કર્મ છે તે ભકિતરૂપ થઇને કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્‍યાં શ્લોક છે જે :-

“આમયો યેન ભૂતાનાં જાયતે યશ્વ સુવ્રત ! | તદેવ હ્યામયં દ્રવ્‍યં ન પુનાતિ ચિકિત્‍સ્‍િાતમ્ ||”

“એવં નૃણાં ક્રિયાયોગા: સર્વે સંસૃતિહેતવ: | ત એવાત્‍મવિનાશાય કલ્‍પન્‍તે કલ્‍પિતા: પરે ||”

એ શ્લોકનો પૂર્વે વાત કરી એજ ભાવ છે. માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનનો ભક્ત હોય, તેનો પણ સર્વે અજ્ઞાની જીવના સરખો દેહનો વ્‍યવહાર જોઇને તે ભગવાનના ભક્તનો અવગુણ લે, તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ધણો ફેર છે. કેમ જે, વિમુખ જે જે ક્રિયા કરે છે તે પોતાની ઇન્‍દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે. ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભકિતરૂપ છે. અને જે ભકિત છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તેરૂપ છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષ્કર્મ્યરૂપ છે.  ત્‍યાં શ્લોક ભગવદ્રીતાનો છે:-

“કર્મણ્‍યકર્મ ય: પશ્‍યેદકર્મણિ ચ કર્મ ય: | સ બુદ્ધિમાનમનુષ્યેષુ સ યુકત કૃત્‍સ્‍નકર્મકૃત્ ||”

એ શ્લોકનો અર્થ એમ છે જે” ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે જેકર્મ કરે છે તે કર્મને વિષે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિમાર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બૂડયો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિષે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તે યુક્ત છે, કેતાં મોક્ષને યોગ્‍ય છે. અને ‘કૃત્‍સ્‍નકર્મકૃત્’ કેતાં સર્વે કર્મનો કરનારો છે. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે, તેનો કોઇ રીતે અવગુણ જો લે, તો તેના હૃદયને વિષે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે.”ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૧૧|| ||૧૪૪||