ગઢડા મઘ્ય ૨૯ : ભગવાનમાં આસકિતવાળાનાં લક્ષણોનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:02am

ગઢડા મઘ્ય ૨૯ : ભગવાનમાં આસકિતવાળાનાં લક્ષણોનું

સંવત્ ૧૮૭૯ ના ફાગણ સુદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદા બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીકૃષ્ણ ભગવાનના સ્‍વરૂપને વિષે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય” તેનાં આવાં લક્ષણ હોય જે “પોતે માર્ગે ચાલીને અતિશે થાકી રહ્યો હોય, ને બેઠું થાવાની પણ શરીરમાં શકિત ન રહી હોય, અને તેવા સમામાં કાંઇક ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણીએ એકે ગાઉ પણ ચાલ્‍યો નથી, એવો સાવધાન થઇને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશે તત્‍પર થઇ જાય, અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્‍યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય, ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે, તો તત્‍કાળ સર્વ દુ:ખ થકી રહિત થઇ જાય. અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઇ ગયો એવો જણાતો હોય, અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે, તો તે ઘડીએ જાણીએ એને કોઇનો સંગ જ નથી થયો, એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઇ જાય,’ એવી જાતનાં જેને વિષે લક્ષણ હોય, તેને એ ભગવાનને વિષે દૃઢ આસકિત થઇ જાણવી.

પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “એ ભગવાનને વિષે એવી દૃઢ આસકિત શા થકી થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, કાં તો પૂર્વ જન્‍મનો એવો અતિ બળિયો સંસ્‍કાર હોય અથવા જે સંતને ભગવાનને વિષે એવી દૃઢ આસકિત હોય, તેને સેવાએ કરીને રાજી કરે, એ બેયે કરીને જ ભગવાનને વિષે એવી દૃઢ આસકિત થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૨૯|| ૧૬૨ ||