ગઢડા મઘ્ય ૩૬ : અખંડવૃત્તિના ચાર ઉપાયનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:18am

ગઢડા મઘ્ય ૩૬ : અખંડવૃત્તિના ચાર ઉપાયનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા શુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનના સ્‍વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એનો ઉપાય તો ચાર પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોટવાનો સ્‍વભાવ હોય તે જ્યાં ચોટાડે ત્‍યાં ચોટી જાય. તે જેમ પુત્ર કલત્રાદિકમાં ચોટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોટે. માટે એક તો એ ઉપાય છે. અને બીજો ઉપાય એ છે જે અતિશે શૂરવીરપણું, તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે માટે તેના હૃદયમાં અતિશે વિચાર ઉપજે, તે વિચારે કરીને ઘાટ માત્રને ટાળીને અખંડ ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે, તે જેના હૃદયને વિષે જન્‍મ, મૃત્‍યુ ને નરક ચોરાશી તેની બીક અતિશે રહેતી હોય તે બીકે કરીને ભગવાનના સ્‍વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્‍ય છે, તે જે પુરૂષ વૈરાગ્‍યવાન હોય ને સાંખ્‍યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્‍માને જુદો સમજીને તે આત્‍મા વિના બીજાં સર્વે માયિક પદાર્થને અસત્‍ય જાણીને, પછી તે આત્‍માને વિષે પરમાત્‍માને ધારીને તેનું અખંડ ચિંતવન કરે, અને એ ચાર ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય, પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહે નહિ. અને ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. તે જેને અનેક જન્‍મનાં સુકૃત ઉદય થયાં હોય તેને ભગવાનના સ્‍વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે, ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહા દુર્લભ છે.” એવી રીતે ભગવાનના સ્‍વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરીને પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “આ સંસારને વિષે માયા માયા કહે છે તે માયાનું રૂપ અમે જોઇ લીધું છે જે, ‘ ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે; અને આ જીવને પોતાનો જે દેહ ને દેહનાં સગાં-સંબંધી ને દેહનું ભરણપોષણ કરનારો, એટલાંને વિષે તો જેવું પંચવિષયમાં જીવને અતિશે હેત છે તે થકી પણ વિશેષ હેત છે. માટે જેને દેહ ને દેહનાં, સગાંસંબંધી ને દેહનાં ભરણપોષણ કરનારાં એમાંથી સ્‍નેહ તુટયો, તે પુરૂષ ભગવાનની માયાને તરી રહ્યો છે, અને જે પુરૂષને ભગવાન વિના બીજામાંથી હેત તુટે છે તેને ભગવાનને વિષે હેત થાય છે. અને જ્યારે ભગવાનને વિષે હેત થયું ત્‍યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે, અને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી, ત્‍યારે તેને બીજું  કાંઇ કરવું રહ્યું નથી, તે તો કૃતાર્થ થયો છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૩૬|| ૧૬૯ ||