ગઢડા મઘ્ય ૫૧ : “આત્મસત્તારૂપ રહે” તેનાં લક્ષણનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 12:47am

ગઢડા મઘ્ય ૫૧ : “આત્મસત્તારૂપ રહે” તેનાં લક્ષણનું

સંવત્ ૧૮૮૦ના ચૈત્ર વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજે પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, “કોઇક સમામાં તો જીવ સુષુપ્‍તિમાં જાય છે ત્‍યારે અતિશય સુખ થાય છે, અને કોઇક સમામાં સુષુપ્‍તિમાં જાય છે, તો પણ ઉદ્વેગ મટતો નથી તેનું શું કારણ છે ?” એ પ્રશ્ર્ન છે. પછી મોટા મોટા સંત હતા તેમણે એ પ્રશ્ર્નનું સમાધાન કરવા માંડયું, પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એતો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે, તે સુષુપ્‍તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે. માટે સુષુપ્‍તિમાં પણ અસુખ રહે છે. માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્‍યાં સુધી કોઇ જીવ સુખીયો રહે નહિ, અને જ્યારે આત્‍મસત્તારૂપે રહે ત્‍યારે જ સુખી રહે છે.”

પછી મુકતાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “આત્‍મસત્તારૂપે રહે તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, શિવ, બ્રહ્મા જેવા કોઇ સમર્થ કહેવાય નહિ, એ તો નારદ જેવાના પણ ગુરૂ છે, અને એ જેવા બ્રહ્મસ્‍વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે, તોપણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ઘ્‍યાન એ આઠ જો ભૂંડા થયા, તો તેને યોગે કરીને એ શિવ, બ્રહ્મા જેવાને પણ અંતરમાં અતિશે દુ:ખ થયું. માટે ગમે તેવો નિર્ગુણ હોય ને આત્‍મસત્તારૂપે રહેતો હોય, ને જો તેને ભૂંડા દેશ કાળાદિકનો યોગ થાય, તો તેને જરૂર અંતરમાં દુ:ખ થાય. માટે મોટા પુરૂષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઇ સુખી થતો નથી. માટે જેટલા ત્‍યાગી છે તેને તો ત્‍યાગીના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલા ગૃહસ્‍થ હરિભક્ત છે તેમને ગૃહસ્‍થના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલી બાઇઓ હરિભક્ત છે તેને બાઇયોના ધર્મ પ્રમાણે વર્તવું, અને જો તે થકી ઓછું વર્તે તોપણ સુખ ન થાય, અને જો તે થકી અધિક વર્તે તોપણ સુખ ન થાય. શા માટે જે પરમેશ્વરના કહેલા જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્‍યું હોય, તેમાં કોઇ રીતે બાધ આવે એવું ન હોય, ને સુખે પળે એવું હોય, ને તેથી ઓછું અધિક કરવા જાય, તે કરનારો જરૂર દુ:ખી થાય. માટે સત્‍પુરૂષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિષે રહ્યો છે, અને જે સત્‍પુરૂષની આજ્ઞાથી બહાર પડયો તે જ એને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્‍પુરૂષની આજ્ઞાને વિષે વર્તે છે તે જ આત્‍મસત્તારૂપે વર્તે છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૫૧|| ૧૮૪||