વરતાલ ૯ : ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય ? તેનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 2:40am

વરતાલ ૯ : ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય ? તેનું

સંવત્ ૧૮૮૨ના પોષ શુદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદીતકિયા બિછાવીને  વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિમંડળ સમસ્‍ત પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “રાજસી, તામસી ને સાત્ત્વિકી. એ ત્રણ પ્રકારનું જે માયિક સુખ તે જેમ ત્રણ અવસ્‍થાને વિષે જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર મુનિમંડળ સમસ્‍ત મળીને કરવા માંડયો પણ એનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પૃથ્‍વી આદિક ચાર ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિષે તારા છે તેટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે. અને તે ચિદાકાશને મઘ્‍યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે . તે મૂર્તિને વિષે જ્યારે સમાધિ થાય ત્‍યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્‍વરૂપમાં સ્‍થ્‍િાતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય જે,’હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિષે સુખ ભોગવ્‍યું’ એવી રીતે ભગવાનના સ્‍વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગવ્‍યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્‍વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે ને જે માયિક સુખ છે તે નાશવંત છે.” ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૯|| ૨૦૯ ||