ગઢડા અંત્ય ૩૮ : સાંખ્યાદિકનું – સદાય સુખિયાનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:57am

ગઢડા અંત્ય ૩૮ : સાંખ્યાદિકનું – સદાય સુખિયાનું

સંવત ૧૮૮૫ના વૈશાખ સુદિ ૧૪-ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા. ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમે સાંખ્‍યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્વય કર્યો છે જે, માયાના કાર્યમાંથી ઉત્‍પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્‍યા છે. “કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, તે સર્વે સત્‍ય છે ને દિવ્‍ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્‍ચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન, તે જેતે તે મુક્ત પુરૂષ, તેમણે દિવ્‍ય એવા જે નાના પ્રકારના ઉપચાર, તેણે કરીને સેવ્‍યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વેોપરી જે પુરુષોત્તમભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્‍યાણને અર્થે આ પૃથ્‍વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઈષ્‍ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્‍યક્ષ પુરુષોત્તમભગવાન તેના સ્‍વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન; તેના સ્‍વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્‍યક્ષ પુરુષોત્તમભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વેોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્‍ય છે અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તેપણ નમસ્‍કાર કરવા યોગ્‍ય છે ને પૂજવા યોગ્‍ય છે.”

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “એક દ્રવ્‍યાદિકનો લોભ તથા સ્ત્રીને વિષે બેઠા-ઉઠયાની વાસના તથા રસને વિષે જીહ્વાની આસકિત તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય, એ છો વાનાં જેને હોય, તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ, સુખ તો કયારેય થાય જ નહિ. માટે જેને સુખ ઈચ્‍છવું હોય તેને એવા સ્‍વભાવ હોય તો ટાળવા ને નિવૃત્તિપર થવું ને બરોબરીયાની સોબત ન રાખવી ને દેહાભિમાને રહિત ને વૈરાગ્‍યે યુક્ત ને ભગવાનનું અલ્‍પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત્ વચનમાં ફેર પડયો હોય તેમ માનતા હોય એવા જે ભગવદ્ ભક્ત મોટા સાધુ તે સંધાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન, કર્મ, વચને વર્તવું. ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમને ત્‍યાગ કરીને થવા દેવો નહિ. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠા રહે જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે.” || ઈતિ વચનામૃતમ્ ગઢડા અંત્‍યનું. ||૩૮||૨૬૧||