૮૨. દર્શનાતુર ભકતોને દર્શન આપવા અમદાવાદ, ડડુસર, ઉમરેઠ, આણંદ, બોચાસણ વગેરે ગામો ફરી પાછા ગઢડે પધાર્

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:13pm

રાગ સામેરી-

પછી પધાર્યા ગઢડે, હરિજનને હેતે કરી ।

રહી દિન થોડાઘણા, અમદાવાદ જાવા ઇચ્છા કરી ।।૧।।

પછી પ્રભુજી પધારીયા, શ્રીનગર સુંદર શ્યામ ।

દેવા દરશન દાસને, પુરવા હૈયાની હામ ।।૨।।

દાસ સહુ દિવસના, દરશન વિના દુઃખી હતા ।

તેને તે સુખ આપવા, આવ્યા સખા સમીપે શોભતા ।।૩।।

પુરપતિ રાજી અતિ, નરપતિ આવી નમિયો ।

દાઝ્યા કુમતિ કુમોદની, જાણી હરિ અર્ક ઉદય થયો ।।૪।।

હરિજન મન હુલશ્યાં, જેમ ફુલ્યાં કમળનાં વન ।

નાથ નયણે નિરખી, અતિ મન થયાંછે મગન ।।૫।।

પછી ગાતે વાતે ગામમાં, પ્રભુને પધરાવિયા ।

અવિદ્યા જનને ઉપરે, જીત્યના ડંકા વજાવિયા ।।૬।।

પાંચ દિવસ પુરમાં, આપે રહ્યા અલબેલ ।

પછી પોત્યે પધારીયા, સંગે સખા લઇ રંગરેલ ।।૭।।

કૈક ચડ્યાં ચોતરે, કૈક ચડ્યાં અગાશી અટારીયે ।

જુવે ઝરૂખા ગોખમાં, કઇક બેઠાં બારીયે ।।૮।।

પડે ધ્રોશ પડઘમતણી, ઘણી ભિડ્ય ચૌટા ચોકમાં ।

બાલ જોબન વૃધ્ધ વનિતા, બોલે જયજય લોકમાં ।।૯।।

નરનારીયે નાથ નિરખી, લાવો લીધો લોચનનો ।

મીટે મનોહર મૂરતિ, જોઇ પુર્યો મનોરથ મનનો ।।૧૦।।

દાસને દરશન દેતા, ધીરેધીરે હાલે હરિ ।

સમૂહ જન સનેહશું, નાથ નિખેર્નયણાં ભરી ।।૧૧।।

પછી પોત્યે પધારીયા, પ્રભુજી પુરબારણે ।

અનેક જન જીવન જોઇ, વળી જાય વાલાને વારણે ।।૧૨।।

એમ દઇ દર્શન દાસને, ચાલ્યા દીનદયાળ ।

જનમન રંજન કરવા, હરિ આવિયા વેલાલ્ય ।।૧૩।।

અતિ ઉત્સવ કરી જને, પ્રભુ ઘેરે પધરાવિયા ।

ધૂપ દીપ કરી આરતી, ભાવે ભોજન થાળ ધરાવિયા ।।૧૪।।

રસેભરી રસોઇ કરી, પછી પરમહંસ જમાડિયા ।

આમ્રફળ હરિ હાથે આપી, મુનિ મોદ પમાડિયા ।।૧૫।।

પછી ત્યાંથી પધારીયા, આવી કણભે રજની રહ્યા ।

હરિપુર પ્રસાદ લઇ, મેમદાવાદે આવિયા ।।૧૬।।

દિધાં દર્શન દાસને, દયાળે દિન દોય તિયાં ।

સંતને સુખ આપતા, પછી વાલ્યમ વડથલ ગયા ।।૧૭।।

જનમન મગન થયાં, નાથ નયણે નિરખી ।

ગાતાં વાતાં ગામમાં, પધરાવિયા હૈયે હરખી ।।૧૮।।

તેને ભુવન ભાવ કરી, હરિ હેતે પધારીયા ।

દાસને દર્શન દઇ, નવલા તે નેહ વધારીયા ।।૧૯।।

જને સુંદર ભોજન કરાવી, જમાડ્યા જીવનને ।

પછી સર્વે સંતને, કરાવ્યાં ભોજનને ।।૨૦।।

શાક પાક સોયામણાં, આમ્રફળ ઉપર ફરે ।

હરિ મોદક લઇ હાથે, પીરસતાં મનુવાર કરે ।।૨૧।।

એમ સુખ અતિઘણું, આપી સુંદરશ્યામ ।

પછી પ્રભુજી પધારીયા, આવિયા ડડુસર ગામ ।।૨૨।।

દીધાં દરશન દાસને, જીવન ભવન તેને જઇ ।

નરનારી નાથ નિરખી, કૃતારથ થયાં કઇ ।।૨૩।।

એમ આનંદ આપતા, ઉમરેઠમાં હરિ આવિયા ।

બાળ જોબન વૃધ્ધના, મનમાં તે ઘણું ભાવિયા ।।૨૪।।

સમૈયે વળી સહુ મળી, આવિયાં નર ને નાર ।

ભાવ જોઇ ભવન તેને, પધારીયા મોરાર ।।૨૫।।

શહેરમાં સંઘ સામ્યો નહિ, પછી ઉતર્યા પુરબારણે ।

ઉંચે આસને બેઠા વાલો, દેવા દરશન કારણે ।।૨૬।।

પછી હરિજને હાથ જોડી, વાલાને વિનતિ કરી ।

ભોજન કરવા ઘેર અમારે, આવિયે આપે હરિ ।।૨૭।।

રસોઇ રસ રોટલીની, કરી છે તમ કારણે ।

જમી તમે જન જમાડો, આજ અમારે બારણે ।।૨૮।।

પછી પ્રભુજી પધારીયા, નિજજન હેતે જમ્યા હરિ ।

સંતને ભોજન કરાવી, ચાલિયા ત્યાંથી ફરી ।।૨૯।।

વાટમાં જે ગામ આવે, તેમાં વસે વરણ અઢાર ।

સહુ આવે દર્શને, ભાવે ભર્યાં નરનાર ।।૩૦।।

ત્યાંથી સામરખે શ્યામ આવી, રહ્યા હરિ ત્યાં રાત્ય ।

હેતે કરી હરિજનને, બહુ બહુ કરી ત્યાં વાત ।।૩૧।।

એમ આનંદ આપતા, આવ્યા આણંદ ગામ ।

અસ્વારી સંત સહિત હરિ, ભક્તવત્સલ સુખધામ ।।૩૨।।

પુરવાસી હરિજન સરવે, સામાં આવ્યાં નરનાર ।

દર્શન કરી મહારાજનાં, આનંદ પામ્યાં અપાર ।।૩૩।।

ઢોલ નગારાં વજાડીને, ઘેર પધરાવ્યા ઘનશ્યામ ।

જમાડ્યાં ભોજન ભાવતાં, પૂરણ કર્યાં નિજકામ ।।૩૪।।

કેશર ચંદન ભાવ કરી, પૂજિયા પૂરણબ્રહ્મ ।

પુરૂષોત્તમ અક્ષરપતિ, કોઇ ન જાણે મર્મ ।।૩૫।।

ભાગ્યવંતે હરિ પૂજિયા, અભાગી રહ્યાં નર વામ ।

ત્યાંથી સંત હરિ હાલિયા, નિર્માની મન અભિરામ ।।૩૬।।

નિશાવાસ વરતાલ રહી, ગામ ગાને ગોવિંદ આવિયા ।

હેત જોઇ હરિજનનાં, એક રજની ત્યાં રહ્યા ।।૩૭।।

બીજે દિન બોચાસણે, આવિયા અવિનાશ ।

ત્યાં નિર્મળ જન નાથનો, તેનું નામ કાશીદાસ ।।૩૮।।

તિયાં પ્રભુજી પધારીયા, દયા કરી દીનદયાળ ।

હરિજન મન હરખિ, વળી પૂજીયા તતકાળ ।।૩૯।।

ધૂપ દીપ કરી આરતી, અતિ ભાવે ભૂધર જમાડીયા ।

પલંગ સુંદર પાથરી, પળ એક પ્રભુને પોઢાડીયા ।।૪૦।।

પછી મુનિજનને, જમાડવા પંગત્ય કરી ।

પરમહંસને પીરસવા, ત્યાં આવિયા આપે હરિ ।।૪૧।।

સંત જમાડી શ્યામળે, પછી સવેર્ ને શિખ કરી ।

પોતે પધાર્યા પાંચાળમાં, એમ આપી સુખ શ્રીહરિ ।।૪૨।।

પવિત્ર કરવા પૃથ્વી, એમ ફરે સુંદરશ્યામ ।

જેજે જને નિરખીયા, તે થયાં પૂરણકામ ।।૪૩।।

ધન્ય ધન્ય એ દેશ ગામને, ધન્ય સર સરિતા વન ।

ધન્ય એ વાપી કૂપને, જેનાં જળ પીવે જીવન ।।૪૪।।

ધન્ય ભવન એ જનનાં, જયાં પ્રભુનાં પગલાં થયાં ।

સત્ય વૈકુંઠ સરખાં, વળી કેમ કરી જાય કહ્યાં ।।૪૫।।

જીયાં જીયાં હરિ વિચર્યા, તિયાં પાપી કોઇ પ્રાણ તજે ।

તે જાય નહિ જમપુરમાં, રહે નહિ પાપ રજે ।।૪૬।।

એવી એ મોટી વારતા, પ્રાકૃત નર પ્રિછે નઇ ।

સમઝે સંત શિરોમણી, જેની અપ્રાકૃત દૃષ્ટિ થઇ ।।૪૭।।

નિત્યે ચરિત્ર નાથનાં, જે સાંભળશે શ્રધ્ધા કરી ।

તે નર કાળની જાળમાંઇ, પડે નહિ પાછો ફરી ।।૪૮।।

પતિતને પાવન કરવા, ચરિત્ર છે ભગવાનનાં ।

સાંભળતાં સદ્ય શુધ્ધ થાય, જાય પાપ તે જનનાં ।।૪૯।।

વારમવાર વિસ્તાર કરી, ગાશે ગુણ ગોવિંદના ।

તે જન સર્વે દુઃખ વામશે, પામશે દન આનંદના ।।૫૦।।

હરિજન મન હુલશી, સુણી ચરિત્ર સુધાસમ સાર ।

અજ્ઞાનીને અભાવ થાય, લાગે સુમલ ખાર ।।૫૧।।

એમ સહુને સુખ આપ્યાં, જયેષ્ઠશુદી નવમીને દને ।

એટલી લીળા કરી હરિ, આવ્યા ઉત્તમને ભુવને ।।૫૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે શ્રીહરિ ગઢડે પધાર્યા એ નામે બ્યાશિમું પ્રકરણમ્ ।।૮૨।।