૧૦૯. સ્નેહના દોષો અને તેને જીતવાના ઉપાયો.( નિઃસ્નેહી વર્તમાન )

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:50pm

ચોપાઇ-

હવે કહું નિઃસ્નેહી જન, સુણો રીત્ય તેની દઇ મન ।

એક પ્રભુ સાથે પ્રીત જોડી, બીજા જક્ત સહુ સાથે તોડી ।।૧।।

પિંડ બ્રહ્માંડમાં નહિ પ્રીત, ચૌદ લોકમાંહિ નહિ ચિત્ત ।

છે એ નિઃસ્નેહી જનની રીત્ય, પેખે પિંડને પહેલું અનિત્ય ।।૨।।

આદિ અંતે મધ્યે જોઇ એહ, પછી કરે તનમાં સનેહ ।

પેખી પ્રસિદ્ધ પિંડના હાલ, પછી માને જો મનાય માલ ।।૩।।

જયારે જુવે વિચારી આ પિંડ, દેખે નખશિખા નરક કુંડ ।

પરૂ પાચ ને પિયા પ્રસિધ્ધ, વહે લીંટ શેડા બહુવિધ્ધ ।।૪।।

કફ થુંક ને લાળ કહેવાય, નિત્ય નિસરે તે મુખમાંય ।

બહુ બળખા આવે ઓકાર, દિસે દાંત હાડકાંની હાર ।।૫।।

મજજા મેદને માંસ રૂધિર, મળ મૂતરે ભર્યું શરીર ।

હાડપિંજર મઢ્યું છે ચર્મે, માંહિ ભર્યો છે આંતર કર્મે ।।૬।।

ભર્યું રૂધિર તે રગરગે, વહે નરક તે નવ મારગે ।

નખ કેશમાં કૈક વસ્તુ ભલી, ભરી ભેચે માથાની તુંબલી ।।૭।।

સ્વેદ શુક્ર શલેષમ આમ, ગુંગા ગિડર આદિ અકામ ।

એવું પેખીયું પોતાનું પિંડ, ચોખું જાણ્યું ચમારનો કુંડ ।।૮।।

પેખી પ્રકટ પિંડમાં એહ, સંતે સમજી મૂક્યો સનેહ ।

એના સંબંધી જે જગમાંય, તે સાથે કેમ સનેહ થાય ।।૯।।

જયાં જયાં ધર્યો જીવે અવતાર, તિયાં કર્યો કુટુંબ પરિવાર ।

માત તાત ને ભગિની ભાઇ, સુતા સુત દારા ને વેવાઇ ।।૧૦।।

તેમાં કોણ અધિક ને ઓછે, સમ તુલ્ય સગાં એ સહુ છે ।

તેમાં કોણ સાથે પ્રીત જોડે, વળી કિયા સગાં સાથે તોડે ।।૧૧।।

લખચોરાશી કુટુંબ કર્યું, સરવે સગે આ બ્રહ્માંડ ભયુર્ં ।

માટે મેલ્યું એ કુટુંબ જેમ, સંતે મેલ્યું આ સમજી તેમ ।।૧૨।।

જેમ ગયો દ્વિજ ઢેડવાડે, ભૂલ્યે રહ્યો ત્યાં કોઇ દાડે ।

તેહ બ્રાહ્મણ પણાને ભૂલી, કેમ ફરે શ્વપચમાં ફૂલી ।।૧૩।।

એમ દેહ ને દેહ સંબંધી, તોડી પ્રીત્ય તેશું બહુ વિધિ ।

જેણે તોડી છે પિંડશું પ્રીત, તેનું બીજે બેસે કેમ ચિત્ત ।।૧૪।।

સ્વર્ગલોકનાં સુખ સાંભળી, નથી ઇચ્છતા તેહને વળી ।

એક બ્રહ્માના દિવસમાંય, ચૌદ ઇંદ્ર આવે વળી જાય ।।૧૫।।

તેની કોરનો ભય નહિ કાંઇ, એમ અંધધંધ મદમાંઇ ।

જીયાં ખાન પાન ને ખુમારી, મહા મદોન્મત્ત નરનારી ।।૧૬।।

જેવો તરુણ તને વેશાવાડો, તેવો અર્હિનશનો અખાડો ।

પુણ્ય ખુટે પડે પાછો તેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૧૭।।

કોઇક રીત્યેશું જાય કૈલાસ, તો ત્યાં ભૂત ભૈરવનો વાસ ।

અતિક્રોધી ને કરુર અંગે, એવા રહે છે શિવને સંગે ।।૧૮।।

ભાંગ્ય ધતુરા અશુધ્ધ આહાર, તમોગુણી ને તોરી અપાર ।

એમાં શું સુખ જાણી વસેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૧૯।।

બ્રહ્મલોકનું સુખ સાંભળી, મન વળગતું નથી ત્યાં વળી ।

કર્યો કામે જઇ તિયાં કાળો, અજ અંતરે થયો આકળો ।।૨૦।।

વળી જંઘથી જાયા અદેવ, યક્ષ રક્ષ થયા તતખેવ ।

તેતો લેવા તાક્યા અજ લાજ, બીજા ધ્રોડ્યા છે ખાવાને કાજ ।।૨૧।।

જોઇ એવું વિકળ લોક એહ, સંતે ન કર્યોસમજી સનેહ ।

હશે સુખ ટળી જાય તેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૨૨।।

એમ પેખિયું પિંડ બ્રહ્માંડ, મટી જાય દિઠિ એવી માંડ્ય ।

જાશે યતકિંચિત છે જેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૨૩।।

સ્વર્ગ મૃત્યુ ને પાતાળમાંય, રહેવા જેવી વસ્તુ નથી ક્યાંય ।

રહે નહિ જે દેખાય દેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૨૪।।

સ્થાવર જંગમ જે જે કહેવાય, સર્વે છે કાળના મુખમાંય ।

શું સમજીને કરે સનેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૨૫।।

એમ વાત કરે સહુ સંત, તમે સાંભળજયો ગુણવંત ।

જીયાંલગી મનાય હું દેહ, તિયાંલગી નહિ નિરસ્નેહ ।।૨૬।।

દેહ કેડે વળગ્યો સંસાર, પાપ પુણ્ય વળી પરિવાર ।

સુખ દુઃખ માન અપમાન, હર્ષ શોક વૃધ્ધિ વળી જયાન ।।૨૭।।

એહ સર્વે રહ્યાં દેહવાંસે, દેહ માનતાં સર્વે મનાશે ।

જયારે થાય દેહથી નિસ્પ્રેહ, ત્યારે તુટે સહુશું સનેહ ।।૨૮।।

જયારે મનાય આતમા આપ, ત્યારે જાય સર્વે સંતાપ ।

આત્મરૂપ મનાય આપણું, ત્યારે નર પામે નિર્સ્નેહીપણું ।।૨૯।।

આતમાને કોણ માત તાત, આતમાને કોણ નાત્ય જાત ।

કુળ કુટુંબ જે પરિવાર, આતમાને નહિ સુત નાર ।।૩૦।।

આતમાને નહિ આપ પર, શત્રુ મિત્ર ને નહિ અવર ।

આતમાને નહિ ધરા ધામ, આતમાને નહિ દેશ ગામ ।।૩૧।।

આતમાને નહિ ધન માલ, અશન વસન ભૂષણ રસાલ ।

માટે આતમા આપે મનાય, ત્યારે સર્વેથી નિઃસ્નેહ થાય ।।૩૨।।

આપે થઇ આતમસ્વરૂપ, ભજે પ્રભુ પરમાત્મારૂપ ।

રાખે પુરૂષોત્તમમાંહિ પ્રીત, બીજે બેસે નહિ કિયાં ચિત્ત ।।૩૩।।

તેહ ભક્ત થયો એકાંતિક, જેના અંતરમાં હરિ એક ।

એમ સમજીયા જન જેહ, થયા નિરવિઘ્ન નિરસ્નેહ ।।૩૪।।

એમ સમજયા વિના જેહ જન, તે નિઃસ્નેહી નહીં ર્નિિવઘન ।

બીજી રીત્યે થાય નિરસ્નેહ, તેને ક્યાંક બંધાય સનેહ ।।૩૫।।

દેહરૂપ થઇ કરે ત્યાગ, તેનો ટકે નહિ વૈરાગ ।

દેહ હોય ત્યાં દેહનું કુળ, દેહ સર્વે સનેહનું મૂળ ।।૩૬।।

જેમ માથેથી મોડતાં વૃક્ષ, લાગે પત્ર તેને બીજાં લક્ષ ।

જયારે મૂળેથી વૃક્ષ છેદાય, શાખા પત્ર ફુલ ફળ જાય ।।૩૭।।

તેમ દેહને ન માને આપ, ત્યારે જાય સમૂળો સંતાપ ।

એમ સમજયા સંત સુજાણ, જેને મળ્યા પુરૂષ પુરાણ ।।૩૮।।

થયો સનેહ શ્યામળા સંગે, થયું બીજું અભાવતું અંગે ।

મન ઢળી આવ્યું એહ ઢાળે, વળે નહિ પાછું કોઇ કાળે ।।૩૯।।

એમ કહી નિઃસ્નેહીની રીત્ય, સહજે રહેછે સંત એમ નિત્ય ।

નથી તેનો તે થાપ ઉત્થાપ, સ્વામી સહજાનંદ પ્રતાપ ।।૪૦।।

પૂર્વછાયો-

સુંદર રીત એ સંતની, એમ રહે તેહ નિરસ્નેહ ।

પિંડ બ્રહ્માંડ પદારથે, કેદિ કરે નહિ સનેહ ।।૪૧।।

કામ લોભ ને સ્વાદ સ્નેહ, જીતી બેઠા તેહ જન ।

માન તજયું જે મુનિયે, કહું સાંભળજયો સહુ જન ।।૪૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિરસ્નેહિ વ્રતમાન કહ્યું એ નામે એકસો ને નવમું પ્રકરણમ્ ।।૧૦૯।।