૧૩૧. મુકતાનંદસ્વામી, અખંડાનંદસ્વામી તથા કૈવલ્યાનંદસ્વામીને શ્રીહરિએ પુરેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:14pm

પૂર્વછાયો- એક અનુપમ વારતા, સુણજયો સુંદર સાર ।

મુક્તાનંદ મહારાજની, હું કહું કરી વિસ્તાર ।।૧।।

મુક્તાનંદ માહંતને, મળ્યા શ્રીમહારાજ ।

તોય ઉંડી અંતરે, દલમાંઇ રહેતી દાઝ ।।૨।।

કરે કથા બહુ વારતા, અંતરે વિન ઉછરંગ ।

સંકોચ રહે શરીરમાં, નહિ અંગમાંહિ ઉમંગ ।।૩।।

તેનો તે સંશય કાપવા, આપવા અતિ આનંદ ।

વાળી વરતી અંતરે, દેખાડ્યા શ્રીરામાનંદ ।।૪।।

ચોપાઇ- મુક્તાનંદ સંત શિરોમણી, મુખે શું કહીએ મોટ્યપ ઘણી ।

કરે વાત પ્રભુની વિસ્તારી, સુણી સુખી થાય નરનારી ।।૫।।

એક દિન કરી બહુ વાત, સુણિ સંત થયા રળિયાત ।

પછી બેઠા આસન પર આવી, દૃષ્ટિ અંતરમાંહિ ઠેરાવી ।।૬।।

ત્યાંતો દિઠા સ્વામી રામાનંદ, નિર્ખિ આવ્યો અંતરે આનંદ ।

મુક્તાનંદ કહે ધન્ય ધન્ય, દયાસિંધુ દીધાં દર્શન ।।૭।।

કરે સ્તવન મન મોદ ભારી, દેખી સુંદર મૂરતિ સારી ।

અતિ પ્રસન્ન વદન અનુપ, સુખ મૂરતિ સુંદરરૂપ ।।૮।।

હેતે હસી હસી જુવે સામું, પૂરે નિજસેવકની હામું ।

વળી કરે વાલપની વાત, સુણો મુક્તાનંદજી વિખ્યાત ।।૯।।

સારૂં સમજયા સંત સુજાણ, માન્યા પ્રભુ પ્રકટ પ્રમાણ ।

સ્વામી સહજાનંદ સુખરૂપ, એજ ઇષ્ટ અમારા અનુપ ।।૧૦।।

સારૂં થયું જે માન્યું સુજાણ, નહિ તો બહુ વિધ્યે થાત હેરાણ ।

સુણી મુક્તાનંદજીએ વાત, તેણે થયા અતિ રળિયાત ।।૧૧।।

પછી ચાલે બેસે જાગે સુવે, સ્વામી સહજાનંદજીને જુવે ।

જયારે કરે અંતર વરતી, દેખે સુખસાગર મૂરતિ ।।૧૨।।

પછી વાતમાં ચિત્ત ન લાગે, મન મૂર્તિમાંહિ અનુરાગે ।

એમ રહ્યું દન દોય ચ્યાર, દેખ્યો અલૌકિક ચમતકાર ।।૧૩।।

પછી પોતાના વચન માંય, બહુ જીવને સમાધિ થાય ।

એમ અલૌકિક રીત્ય જેહ, મુક્તાનંદને દેખાડી તેહ ।।૧૪।।

વળી એક દિન એકાએકી, ચાલ્યા મારગે મુક્ત વિવેકી ।

આવ્યું અરણ્ય ને ઉવાટ મળી, જીયાં મનુષ્ય માત્ર નહિ વળી ।।૧૫।।

દન થોડો ને જાવાનું દૂર, આવી નદી આડી ભરપૂર ।

નહિ આરો ઉતરવા લાગ, કાંઠે રહે તો વિડારે વાઘ ।।૧૬।।

નદી નીર તે ઉષર જાણો, લાગી પ્યાસ ને કંઠ સુકાણો ।

દેખી સમાજ સંકટ તણો, મુક્તાનંદને મોદ છે ઘણો ।।૧૭।।

થાશે ગમતું ગોવિંદતણું, એહમાંહિ શું જાશે આપણું ।

એમ દૃઢ કર્યો ઉર થાપ, આવ્યા વિપ્રરૂપે હરિ આપ ।।૧૮।।

કહે સાધુ શું કરો છો વિચાર, આવો ઉતારૂં હું નદીપાર ।

પછી થઇ મુક્તાનંદને મોરે, મુક્યા નદી ઉતારી આ કોરે ।।૧૯।।

કહે ચાલો હું આવું છું કેડ્યે, એમ કહી રહ્યા નદી તેડ્યે ।

મુક્તાનંદે ચાલી પાછું પેખ્યું, વિપ્રરૂપ દ્રષ્ટે નવ દેખ્યું ।।૨૦।।

ત્યારે મુક્તાનંદે મન જાણી, મહાપ્રભુજીએ મહેર આણી ।

આજ આવ્યો તો કષ્ટ અપાર, તેમાં શ્રીહરિએ કરી સાર ।।૨૧।।

એમ પરચો પૂરી અવિનાશ, અતિ સુખી કર્યા નિજદાસ ।

એવા બીજા પરચા પણ ઘણા, કહીએ કેટલા મહારાજતણા ।।૨૨।।

વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ ।

એક અખંડાનંદ આનંદી, કામ ક્રોધમાં ન ચડે કદિ ।।૨૩।।

અતિ ત્યાગી ને તપસી તને, સુખ દુઃખમાં ન ડગે મને ।

ભય વિગ્રહ વિપતિ આવે, માનામાને મન ન ડોલાવે ।।૨૪।।

સદા સુખિયા સમઝણ માંય, હરે ફરે હરિની ઇચ્છાય ।

ચાલ્યા એક દિવસ એકલા, સંગે સંત નહિ કોઇ ભેળા ।।૨૫।।

આવ્યા અરણ્ય ઉજાડ્યમાં સોય, જીયાં મનુષ્ય માત્ર નહિ કોય ।

તિયાં આવી વિંટ્યા વાઘ ચ્યારે, અખંડાનંદે વિચાર્યું ત્યારે ।।૨૬।।

આજ આવ્યો આ દેહનો કાળ, મારી વાઘ ખાશે તતકાળ ।

મોડું વહેલું પડત આ દેહ, એહ વાતમાં નહિ સંદેહ ।।૨૭।।

માટે આજ થયું અતિ સારૂં, વાઘ અથેર્ આવ્યું તન મારૂં ।

હવે વેળ્ય ન કરવી કાંઇ, જાઉં વહેલો વાઘ પાસે ધાઇ ।।૨૮।।

ચાલ્યા અખંડાનંદજી જયારે, આવ્યા અલબેલો વારે ત્યારે ।

જાણ્યું જનને મારશે વાઘ, બહુ કષ્ટે થાશે તન ત્યાગ ।।૨૯।।

તેતો મુજથી કેમ સહેવાય, જોઉં હું દાસને દુઃખ થાય ।

એતો ઘટે નહિ કોઇ કાળ, પછી કોણ કહે મને દયાળ ।।૩૦।।

માટે અવશ્ય એને ઉગારૂં, આજ સંકટમાંહિથી તારૂં ।

એમ હરિએ કર્યો વિચાર, કરવી અખંડાનંદની વાર ।।૩૧।।

પછી આનંદે અખંડાનંદ, ચાલ્યા સમરતા સહજાનંદ ।

આવ્યા સિંહસમીપ તે જયારે, સિંહ જોઇ રહ્યા સામું ત્યારે ।।૩૨।।

આવ્યા નજીક મુખને પાસ, નહિ તન ને મનમાં ત્રાસ ।

એમ કહેછે વાઘને વાત, શું જુઓછો કરો મારી ઘાત ।।૩૩।।

ત્યારે વાઘે તે થાપ ઉગામી, અડગ અખંડાનંદ સામી ।

ત્યાંતો ન ડર્યા નિર્ભય ભાળી, વાઘે થાપ તે પર ન વાળી ।।૩૪।।

આવ્યા વારે પોત્યે ભગવાન, થયું સાવજને ઉર જ્ઞાન ।

પછી લોટી લાગ્યા વાઘ પાય, આવા સાધુને કેમ મરાય ।।૩૫।।

પછી દઇ પ્રદક્ષિણા ચ્યાર, ગયા વાઘ તે વન મોઝાર ।

એમ પૂરી પરચો ભગવાન, નાથે ઉગારીયો નિજજન ।।૩૬।।

એક વાત કહું અતિ સાર, કરી જનની જીવને વાર ।

જેણી રીત્યે ઉગારીયા સંત, કહું તેનું હવે વરતંત ।।૩૭।।

એક કૈવલ્યાનંદ કૃપાળુ, ફરે દેશ પ્રદેશે દયાળુ ।

વાટ ઓઘટ વિકટ વન, કર્યું ગિરિગુફાએ ગમન ।।૩૮।।

એમ ફરતાં દેશ પ્રદેશ, કર્યો ગુજરધરે પ્રવેશ ।

ત્યાંથી કર્યું કંકદેશે મન, પોતા ભેળા પંચ મુનિજન ।।૩૯।।

આવ્યા સાભરતીરે સુજાણ, ન જાણે નદી પાસ મેરાણ ।

અતિ દર્શનની અભિલાષ, મને મહારાજ મળવા આશ ।।૪૦।।

અતિ પ્યાસી ઉદાસી અંતરે, એવા થકા તે આવ્યા સાભરે ।

પડ્યા ઉતાવળા પાણીમાંઇ, મને સાન ગમાન ન કાંઇ ।।૪૧।।

નદી મધ્યે આવ્યા મુનિ ધીર, આવ્યું અતિ ઉતાવળું નીર ।

આવ્યો ઘડેડાટ ઘોડો વળી, થયું વાંસજાળે જળ મળી ।।૪૨।।

તેહ મધ્યે બૂડ્યા મુનિરાય, પોથી ગોદડી ગઇ તણાય ।

બૂડીનીસરે મસ્તક બહારૂં, પાણી ઉતરે પેટમાં ખારૂં ।।૪૩।।

થયું મોતતણું મન નિશ્ચે, કિયાં જાય આવ્યા પૂર વચ્ચે ।

કહે માંહોમાંહિ એમ સંત, આ સમે ભજવા ભગવંત ।।૪૪।।

બીજે રાખવું નહિ ક્યાંય મન, કરો પ્રભુજીનું ચિંતવન ।

એમ વાત કહેતાં લાગી વાર, આવ્યા વારે ત્યાં વિશ્વઆધાર ।।૪૫।।

લાવ્યા હોડી હરિ જળમાંય, ઝટોઝટ ઝાલ્યા સંત બાંય ।

હોડીમાંય બેસારિયા હાથે, રાખ્યા સંતને બૂડતા નાથે ।।૪૬।।

પોથી ગોદડી સરવે લીધી, કોય વસ્તુ બૂડવા ન દીધી ।

સુખે ઉતારી મૂક્યા આ તીરે, કહે જાઓ મુનિ ધીરે ધીરે ।।૪૭।।

એમ ઉગારીયા નિજજન, પૂર્યો પરચો શ્રીભગવન ।

એમ કરે અનેકની સાય, તેતો મુખે કહ્યું નવ જાય ।।૪૮।।

અષ્ટ સિધ્ધિ નવ નિધિ જેહ, હાથ જોડી ઉભી રહે તેહ ।

ભવ વૈભવ વસ્ત્ર ને અન્ન, કોઇ વાતે ન પીડાય જન ।।૪૯।।

સદાસુખી દુઃખ નહિ લેશ, હરિ હરે સંકટ હમેશ ।

પૂરે પરચા અતિ અપાર, કહેશું કથા એ નિરધાર ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી, તથા અખંડાનંદ સ્વામી, તથા કૈવલ્યાનંદ સ્વામીને પરચા પૂર્યા એ નામે એકસો ને એકત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૧।।