૧૫૧. સાકરબાઇ અને તેની ભત્રીજી કસે રબાઇ, વલીબાઇ શખે , સરુ તના અરદેશર પારસી અને ભકત ભગુને મળેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:42pm

પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું કાનમ દેશના કાંય ।

ધન્યધન્ય એહ ભક્તને, જેની શ્રીહરિએ કરી સાય ।।૧।।

એક ઉતરાદ ગામમાં, કહીએ કણબી સાકર બાઇ ।

હરિજન અતિહેત હૈયે, પ્રીત્ય ઘણી પ્રભુમાંઇ ।।૨।।

તેના દેહનો આવિયો, વળી અવધિ પોત્યે અંત ।

ચ્યાર દિવસ મોરથી, આવ્યા પોત્યે ભગવંત ।।૩।।

આવી કહ્યું એહ બાઇને, તું કર હરિનું ભજન ।

આજથકી દન ચારમાં, છુટશે તારું તન ।।૪।।

ચોપાઇ- પછી માની વાલાનું વચન, બાઇ બેઠી કરવા ભજન ।

સમરે સ્વામીને શ્વાસઉશ્વાસ, થઇ જક્તસુખથી ઉદાસ ।।૫।।

એમ કરતાં વીત્યા દન ચાર, આવ્યા તેડવા પ્રાણ આધાર ।

એની ભત્રિજી નામ કેશર, આવ્યા ઘનશ્યામ તેને ઘેર ।।૬।।

આવ્યા પોત્યે પ્રકટપ્રમાણ, સુખસાગર શ્યામ સુજાણ ।

દિધાં બહુ જનને દર્શન, નિર્ખિ બાઇ થઇ છે મગન ।।૭।।

કહે ધન્યધન્ય મારા નાથ, આજ અમને કર્યાં સનાથ ।

ઘણે દાડે પધાર્યા છો ઘેર, મુજ રંકપર કરી મહેર ।।૮।।

એમ કહીને આપ્યાં આસન, કર્યાં ભાત્ય ભાત્યનાં ભોજન ।

પછી નાથ જમ્યા તેને ઘેર, કરી મનમોહનજીએ મહેર ।।૯।।

જમી ઉઠ્યા આપ્યો મુખવાસ, પછી હાથ જોડી કહે દાસ ।

આજ આવ્યાનું કારણ કહીયે, સુણિ બોલ્યા સ્વામીજી તૈયે ।।૧૦।।

તારી કાકી સાકરબાઇ નામે, તેને તેડી જાશું નિજધામે ।

આવ્યા એ સારૂ બેસીને વાજી, તેડી જાતાં તું રાજી કુરાજી ।।૧૧।।

ત્યારે બોલી છે કેશરબાઇ, એહ જીવની ધન્ય કમાઈ ।

જેને તેડવા આવ્યા છો તમે, શિદને કુરાજી થાયે અમે ।।૧૨।।

એવું સાંભળી બોલ્યા મહારાજ, નહિ તેડી જાઇએ એને આજ ।

પણ ચાર દન મોર આવી, એને તેડ્યાનું ગ્યાતા ઠરાવી ।।૧૩।।

તેને કહેજયે તું જઇ વચન, કૈયે નહિ છુટે તારૂં તન ।

એમ કહી પધાર્યા મહારાજ, કરી અલૌકિ એટલું કાજ ।।૧૪।।

વળી વાત કહું એક સારી, હરિજન લેજયો હૈયે ધારી ।

કાનમ દેશમાં કેલોદ ગામ, તિયાં શેખ વલીભાઇ નામ ।।૧૫।।

સાચા સંતની વાત સાંભળી, ગઇ અસત્ય આસતા ટળી ।

સાચા જાણ્યા સદ્ગુરુ સ્વામી, બીજા જણાણા ખરા હરામી ।।૧૬।।

પીર ફકીર મલાં મલંગ, તેને તજી કર્યો સતસંગ ।

પછી સહુએ કર્યો એ વિચાર, કર્યા વલીભાઇ નાત્યબાર ।।૧૭।।

તેને વીતિગયાં વર્ષ ચાર, નહિ વલીને સંશય લગાર ।

ભલો ભક્ત જક્ત નહીં જેને, સ્વામી વિના માને નહિ કેને ।।૧૮।।

ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ, સહુ ઉપર રહી સુજાણ ।

એમ કરતાં હરિભજન, તેને વીતિ ગયા બહુ દન ।।૧૯।।

પહોંતિ અવધિ દેહની જયારે, આવ્યા તેડવા મહારાજ ત્યારે ।

લાવ્યા રથ વેલ્ય ને વિમાન, આપે અશ્વે બેસી ભગવાન ।।૨૦।।

આવી વાડીમાં ઉતર્યા નાથ, બહુ સખા છે પોતાને સાથ ।

દિઠું વાડીવાળે તે પ્રસિદ્ધ, રથવેલ્ય વિમાન બહુવિદ્ધ ।।૨૧।।

ઘણાં ઘોડાં બળદ અપાર, બોલ્યો રખવાળો તેહ વાર ।

મારી ખેતી આ જાશે ખવાઇ, અમારે છે આટલી જીવાઇ ।।૨૨।।

ત્યારે બોલિયા દીનદયાળ, ચિંતા મ કર તું રખવાળ ।

આ બળદ ને ઘોડાં અમારાં, તારી ખેતિનાં નહિ ખાનારાં ।।૨૩।।

અમે આવ્યા છીએ આંહિ આજ, વલીભાઈને તેડવા કાજ ।

એમ એને કહી અવિનાશ, પછી આવ્યા વલીભાઇ પાસ ।।૨૪।।

થયાં વલીભાઇને દર્શન, લાગ્યો પાય કહે ધન્યધન્ય ।

મારે હતો ભરૂંસો તમારો, જાણું જરૂર નહિ વિસારો ।।૨૫।।

ત્યારે નાથ કહે અમે આજ, આવ્યા તમને તેડવા કાજ ।

એવું સુણ્યું વાલાનું વચન, ચાલ્યા વલીભાઇ તજી તન ।।૨૬।।

દિઠા સતસંગી કુસંગી સહુએ, માન્યું આશ્ચર્ય મનમાં બહુએ ।

કહે ધન્ય ધન્ય સતસંગ, જીતી ગયા વલીભાઇ જંગ ।।૨૭।।

થયો પરચો પ્રગટ પ્રમાણ, નહિ માને મૂરખ અજાણ ।

એમ કહી રહ્યાં નરનારી, જોઇ સામર્થી સ્વામીની ભારી ।।૨૮।।

વળી સુરત શહેરની વાત, કહું સહુ સાંભળો વિખ્યાત ।

તિયાં રહે બહુ હરિજન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૨૯।।

પૂરે પરચા નિત્ય પ્રત્યે નાથ, તેણે મગન રહે સહુ સાથ ।

એવું સમઝે નહિ કોઇ જન, પ્રભુ આવ્યા વિના છુટે તન ।।૩૦।।

રથ વેલ્ય વાજી ને વિમાન, લાવે અંત સમે ભગવાન ।

આવે તેડવા જનને નાથ, માગી શિખ જાય હરિ સાથ ।।૩૧।।

એવો સહુને મને વિશ્વાસ, તન તજી જાશું પ્રભુ પાસ ।

પણ એક વાત છે નવીન, કહું સાંભળો જન પ્રવિન ।।૩૨।।

એક પારશી અરદેશરજી, તેને સતસંગની રીત્ય રજી ।

સાચા જાણ્યા સહજાનંદ સ્વામી, બીજા જણાણા લોભી હરામી ।।૩૩।।

જોયા જોગી જંગમ સન્યાસી, તપી ત્યાગી વૈરાગી ઉદાસી ।

પીર ફકીર મલાં મલંગી, દીઠા શેખ ભેખ બહુરંગી ।।૩૪।।

કણ વણ રહ્યા કુકશા ગ્રહિ, એવા દીઠા જગતમાં કહિ ।

જોઇ લીધું સર્વનું તે સાર, જાણ્યા ભૂલેલ ભૂમિનો ભાર ।।૩૫।।

જયારે સાંભળી સ્વામીની વાત, ત્યારે મનમાં પામ્યો નિરાંત ।

પછી અતિશે વિશ્વાસ આવ્યો, તેડી સ્વામીને શહેરમાં લાવ્યો ।।૩૬।।

અતિ આદરે પધરાવ્યા નાથ, હતા મુનિ પંચ શત સાથ ।

કરી પૂજા ઘેર પધરાવી, સારી સેવા કરી મનભાવી ।।૩૭।।

લીધો લોચન ભરીને લાઓ, જાણ્યું આવો નાવે ફરી દાઓ ।

તિયાં નાથ રહ્યા નવ દન, દીધાં બહુ જીવને દર્શન ।।૩૮।।

કરી અનેક જનનાં કાજ, ત્યાંથી પાછા પધાર્યા મહારાજ ।

તેને વીતિ ગયા બહુ દન, થયું અરદેશરને સ્વપ્ન ।।૩૯।।

દીઠા સહજાનંદ સુખકારી, અતિ તેજોમય મૂર્તિ ભારી ।

લાગ્યો લળીલળી વળી પાય, નિર્ખિ નયણાં તૃપ્ત ન થાય ।।૪૦।।

પછી નાથ કુંકુમ લઇ લાલ, કર્યો ચંદ્ર અરદેશર ભાલ ।

કહ્યું સવારે તને રાજન, દેશે મોટ્યપ માનજયે મન ।।૪૧।।

એમ કહી પધાર્યા દયાળ, જાગ્યો અરદેશર તતકાલ ।

લઇ દર્પણ ને મુખ દેખ્યું, દિઠો ચાંદલો આશ્ચર્ય લેખ્યું ।।૪૨।।

થયું કહ્યું હતું તે મહારાજે, આપી શહેર સુબાગરી રાજે ।

જેજે કહિતી સ્વપને વાત, તેતો સવારે થઇ સાક્ષાત ।।૪૩।।

પામ્યો પરચો આશ્ચર્ય લેખ્યો, ભાલમાં ચંદ્ર પ્રકટ દેખ્યો ।

એવાં એવાં આ સમે મહારાજ, કરે છે જનનાં બહુ કાજ ।।૪૪।।

વળી ભક્ત એક ભગુનામ, તેને જાણે તે સઘળું ગામ ।

લીયે પારકી વઢવેડ્ય વેંચાતિ, કરે નિત્ય કમાણી તેમાંથી ।।૪૫।।

કહે સહુ છે કજીયાદાર, મુવા પછી જાશે જમદ્વાર ।

પણ ભગુને ભરોસો ભારી, નાથ નહિ જાુવે કરણી મારી ।।૪૬।।

લોભી લંપટી છું હું હરામી, પણ નહિ તજે મુજને સ્વામી ।

એવો ખરો વિશ્વાસ તે દલે, ન ભજે બીજાને કોઇ પળે ।।૪૭।।

એમ વીતિ ગયા બહુદન, આવી અવધિ તજીયું તન ।

આવ્યા તેડવા પોત્યે મહારાજ, લાવ્યા રથ એક ભગુકાજ ।।૪૮।।

તેણે હસ્તિ જાુત્યા જન જોઇ, પામ્યા આશ્ચર્ય તે સહુ કોઇ ।

કહે માંહો માંહિ એમ મળી, આવી વાત ન દિઠી સાંભળી ।।૪૯।।

હસ્તિ રથ દિઠો દ્રગે આજ, ચાલ્યા ભગુને તેડી મહારાજ ।

હુવાં દર્શન જન બહુને, થયો પરચો જણાણું સહુને ।।૫૦।।

એવા એ શહેરમાંહી અનેક, થાય પરચા ન લખાય છેક ।

સવેર્ લખતાં ન આવે પાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને એકાવનમું પ્રકરણમ્ ।।૧૫૧।।