૧૬૦. પોતાનું કાર્ય પુર્ણ થતાં શ્રીહરિએ સ્વધામ પધારવાનો સંકલ્પ કહેતાં વ્યાકળુ બનેલા આશ્રિતજનોન

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:53pm

પૂર્વછાયો- અધિકારી એહ ધામનાં, હરિ કર્યાં બહુ નરનાર ।

કરી અલૌકિક એટલું, પછી મનમાં કર્યો વિચાર ।।૧।।

જેહ કારણ હું આવિયો, તે થયું સરવે કાજ ।

કેડ્યે કરવા નવ રહ્યું, એમ મને વિચાર્યું મહારાજ ।।૨।।

જીવ જાણે સહુ જક્તમાં, એમ પ્રૌઢ વધ્યો પ્રતાપ ।

સૂર્ય સમ શોભી રહ્યો, સત્સંગ સુંદર આપ ।।૩।।

વર્ણાશ્રમ હરિ આશરે, જે આવિયાં નરનાર ।

તેને ભૂલ્યે પણ ભાસે નહિ, જે જાશું જમને દ્વાર ।।૪।।

ચોપાઇ- એવો પ્રતાપ પ્રભુજી તણો રે, છાયો દેશ પ્રદેશમાં ઘણો રે ।

ગામોગામ શહેરપુરે સોય રે, સહજાનંદ સમ નહિ કોય રે ।।૫।।

ચ્યારે કોરે શહેરને માંઇ રે, રહ્યો પ્રતાપ પૂરણ છાઇ રે ।

ત્યારે એમ વિચાર્યું મહારાજ રે, કર્યું સરવે પૂરણ કાજરે ।।૬।।

જેહ અર્થે છે આ અવતાર રે, ધરી કર્યું તે સર્વે આ વાર રે ।

એમ વિચાર્યું મહારાજે મન રે, કર્યું શું શું તે કહુંછું જન રે ।।૭।।

કળિબળને પામી અધર્મી રે, થયા અસુર ગુરુ આશ્રમી રે ।

બીજા ભૂપરૂપે જે રહ્યાતા રે, કરતા પાપ આપ ન બીયાતા રે ।।૮।।

તેતો પ્રભુ પોતાને પ્રતાપે રે, પાપી પાછા પડ્યા આપ પાપે રે ।

વળી કામ ક્રોધ લોભ મોહ રે, માન ઇરષા સ્વાદ સમોહ રે ।।૯।।

એહાદિ અધર્મ પરિવાર રે, હતો જીવના હૃદય મોઝાર રે ।

તેતો નિજ પ્રતાપને બળે રે, કાઢ્યો સતશાસ્ત્ર કરી કળે રે ।।૧૦।।

સત્ય જ્ઞાન વૈરાગ્ય અહિંસ્ય રે, બ્રહ્મચર્ય આદિ ધર્મવંશ્ય રે ।

તેતો જીવોના હૃદયમાંઇ રે, સ્થાપ્યો અચળ પર્વતપ્રાઇ રે ।।૧૧।।

શુદ્ધ સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય રે, સહિત એકાંતિક ભક્તિ જાગ રે ।

ગ્રામ ગ્રામ પુર પુર પ્રતિ રે, જન માંહિ પ્રવર્તાવી અતિ રે ।।૧૨।।

વળી દુર્વાસા ઋષિને શાપે રે, થયાંતાં મનુષ્ય ભક્તિ ધર્મ આપે રે ।

બીજા ઉદ્ધવાદિ ઋષિરાય રે, સર્વે આવ્યા હતા શાપ માંય રે ।।૧૩।।

તેને મુકાવી ને મહારાજ રે, બીજાં પણ કર્યાં કઇ કાજ રે ।

યોગ કળાઓ ધ્યાન ધારણા રે, તેણે જુક્ત કર્યાં જન ઘણાં રે ।।૧૪।।

વળી ઉપનિષદને માંઇ રે, કહી દહર વિદ્યા સુખદાઇ રે ।

એહ આદિ બ્રહ્મવિદ્યા જેહ રે, પોતે પ્રવરતાવી છે તેહ રે ।।૧૫।।

વળી અહિંસામય જગન રે, તે પ્રવરતાવ્યા છે ભગવન રે ।

દેવ બ્રાહ્મણ તીરથ સંત રે, તેનો મહિમા વધાર્યો અત્યંત રે ।।૧૬।।

વળી શ્રીમદ્ભાગવત આદિ રે, બીજાં સતશાસ્ત્ર અનાદિ રે ।

તેનું કરાવિયું પ્રવર્તન રે, કર્યું સાત્વિક દેવનું સ્થાપન રે ।।૧૭।।

કૌલાર્ણવાદિ મિથ્યા જે ગ્રંથ રે, કહ્યા નથી એ મોક્ષને અર્થ રે ।

રાજસ તામસ દેવ ઉપાસના રે, દુઃખદાયક છે સુખ વિના રે ।।૧૮।।

વળી નાસ્તિક ને કૌલ મત રે, એહઆદિ મનાવ્યા અસત્ય રે ।

શુદ્ધ ધર્મ જેહ સનાતન રે, કર્યું તેનું અતિશે સ્થાપન રે ।।૧૯।।

વળી નિજ આશ્રિતને કાજે રે, કર્યું હેત બહુ મહારાજે રે ।

દેશ દેશમાં મંદિર કરાવી રે, તેમાં નિજમૂર્તિઓ પધરાવી રે ।।૨૦।।

ભક્તિમાર્ગ પ્રવર્તાવા કાજ રે, કર્યા ધરમવંશી આચારજ રે ।

દીક્ષાવિધી રીત્ય બાંધી દીધી રે, વર્ત્યા સારૂં શિક્ષાપત્રી કિધિ રે ।।૨૧।।

તેતો સતશાસ્ત્રનું છે સાર રે, તે પ્રવર્તાવી જન મોઝાર રે ।

વળી નિજઆશ્રિત બ્રહ્મચારી રે, સાધુ ગૃહી ત્યાગી નરનારી રે ।।૨૨।।

તેના ધર્મ તે જાુજવી રીત્યે રે, આપે કહ્યા તે પાળે છે પ્રીત્યે રે ।

જન્માષ્ટમી આદિ વ્રત સઇ રે, અન્નકૂટાદિ ઉત્સવ વિધિ કઇ રે ।।૨૩।।

કહી અષ્ટાંગયોગની રીત્ય રે, તે પણ પ્રવર્તાવી જનહિત રે ।

વળી સહુનાં કલ્યાણ કાજે રે, રૂડો ગ્રંથ કરાવ્યો મહારાજે રે ।।૨૪।।

તેમાં ચરિત્ર છે પોતાતણાં રે, કહેતાં સુણતાં રહેતાં સુખ ઘણાં રે ।

જાણું હવે સર્વે કામ થયું રે, કાંઇ કરવા કેડ્યે ન રહ્યું રે ।।૨૫।।

પછી એમ વિચાર્યું ઘનશ્યામે રે, હવે જાઉં હું મારે ધામે રે ।

પણ મુજ આશ્રિત જે જન રે, મારે વિયોગે નહિ રાખે તન રે ।।૨૬।।

માટે વાત કરૂં એને આગે રે, રાખે ધીરજ તન ન ત્યાગે રે ।

પછી નિજ આશ્રિત તેડાવ્યા રે, સર્વે બાઇ ભાઇ મળી આવ્યા રે ।।૨૭।।

રામપ્રતાપ ઇચ્છારામ ધીર રે, અવધ્યપ્રસાદ ને રઘુવીર રે ।

મુક્તાનંદ ને ગોપાળાનંદ રે, નિત્યાનંદજી ને બ્રહ્માનંદ રે ।।૨૮।।

શુકમુનિ ને આનંદસ્વામી રે, એહ આદિ મોટા નિષ્કામી રે ।

મુકુંદાનંદ અખંડાનંદ રે, એહ આદિ બ્રહ્મચારી વૃંદ રે ।।૨૯।।

ઉત્તમ સોમ સુરા સુજાણ રે, રત્ન મીયાંદિ પાળા પ્રમાણ રે ।

જીવુબા લાડુબા રાજબાઇ રે, એહ આદિ બાઇઓ તથા ભાઇ રે ।।૩૦।।

તમે સાંભળજયો સર્વે જન રે, જેહ અર્થે ધાર્યું તું મેં તન રે ।

તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કેડ્યે રાખ્યું નથી રજ રે ।।૩૧।।

હવે જાઇશ હું ધામ મારે રે, માટે શીખ આપવી તમારે રે ।

રાજી રહેવું રોવું નહિ વાંસે રે, કેડ્યે કરવો નહિ કંકાસ રે ।।૩૨।।

એવું વજ્ર જેવું એ વચન રે, સુણી વ્યાકુળ થયા સહુ જન રે ।

પામી મૂરછા પડીયાં ભોમ રે, તનની ન રહી કેને ફોમ રે ।।૩૩।।

કોઇનાં તણાણાં પ્રાણ ને નાડી રે, કોઇ રુવે છે રાડ્યું પાડી રે ।

કેની આંખમાં પડ્યાં રુધિર રે, ચાલ્યાં સહુના નયણે નીર રે ।।૩૪।।

કરે વિલાપ કલ્પાંત કઇ રે, કહે અમને ચાલો ભેળાં લઇ રે ।

કહે તમવિના કેમ રહેવાય રે, પળ ઘડી દિન કેમ જાય રે ।।૩૫।।

હાયહાય માનખો હરામ રે, તમ વિના રહિએ આણે ઠામ રે ।

અન્ન વસ્ત્ર જળ ઝેર થાય રે, તમ વિના અમે ન રહેવાય રે ।।૩૬।।

તમે જાઓને રહીએ અનાથ રે, એવું કરશો માં મારા નાથ રે ।

આપ્યું આટલા દિવસ સુખ રે, હવે દેખાડશો માં એવું દુઃખ રે ।।૩૭।।

એવાં પાપ અમારાં છે શિયાં રે, તમે જાઓ ને રહીએ અમે ઇયાં રે ।

આવ્યો હોય એવો થર ભારે રે, ભોગવાવજયો બીજે પ્રકારે રે ।।૩૮।।

પણ એવાં દુઃખને જોઇ રે, જન તમારા ન જીવે કોઇ રે ।

એમ કહે રહે નહિ છાનાં રે, રૂવે વૃધ્ધ જોબન ને નાનાં રે ।।૩૯।।

કરે વિલાપ વલવલે વળી રે, થાય ઉભાં ને પડે છે ઢળી રે ।

તેહ દાસને દેખી દયાળ રે, પોત્યે વિચારિયું તેહ કાળ રે ।।૪૦।।

આ સહુને મુજમાં છે સ્નેહ રે, મુજ વિના નહિ રાખે દેહ રે ।

સત્ય મારગ કલ્યાણ કાજ રે, તેની પ્રવૃત્તિ સારૂં આજ રે ।।૪૧।।

એને રાખી જાવું છે જો આંહિ રે, એમ નિશ્ચય કર્યું મનમાંહિ રે ।

પછી એમ બોલ્યા અવિનાશ રે, તમે શિદને રૂવો છો દાસ રે ।।૪૨।।

પછી નિજ આશ્રિત નારી નર જે રે, તેને પોતાના યોગ અૈશ્વર્યે રે ।

આપી ધીરજ શક્તિ જે કહીએ રે, થયાં વજ્ર જેવાં સહુ હૈયે રે ।।૪૩।।

જાણું ધીરજ દ્રઢતા આવી રે, ત્યારે મહારાજે કહ્યું બોલાવી રે ।

હું રહીશ વરતાલ ત્યાંઇ રે, ભક્તિ ધર્મ શ્રીકૃષ્ણ માંહિ રે ।।૪૪।।

વળી અમદાવાદમાં વાસે રે, રહીશ નરનારાયણ પાસે રે ।

ગોપીનાથ ગઢડામાં આંહિ રે, હું સદા રહીશ તે માંહિ રે ।।૪૫।।

બીજાં મંદિર મૂર્તિ મારે રે, તેમાં રહીશ હું સર્વે પ્રકારે રે ।

તેહ મૂર્તિને મુજ માંઇ રે, તમે ભેદ જાણશો માં કાંઇ રે ।।૪૬।।

એમ જાણીને સેવા કરજયો રે, પૂજા કરીને થાળ ધરજયો રે ।

વળી ધર્મવંશી દ્વિજ ધીર રે, અવધપ્રસાદ ને રઘુવીર રે ।।૪૭।।

એહ દત્તપુત્ર છે અમારા રે, તેને કર્યા છે ગુરૂ તમારા રે,

તેને માનજયો તમે સુજાણ રે, રહેજયો શિક્ષાપત્રીને પ્રમાણ રે ।।૪૮।।

સાધુ વર્ણી પાળા સુણી લેજયો રે, ગોપાળસ્વામીની આજ્ઞામાં રહેજયો રે ।

અમ કેડ્યે મરશોમાં તમે રે, અન્ન મુકશો માં કહું અમે રે ।।૪૯।।

આત્મઘાત ન કરશો જન રે, એહ માનજયો મારૂં વચન રે ।

મારા વચનનો કરશો ઉત્થાપ રે, મારે તમારે તો નહિ મેળાપ રે ।।૫૦।।

એમ કહી વચન વિષમ રે, દીધા પોતાના ચરણના સમ રે ।

જયારે મનાવ્યું એવું વચન રે, તેહ સુણીને બોલિયા જન રે ।।૫૧।।

હે મહારાજ રહેશું આંહિ અમે રે, એવું મનાવ્યું વચન તમે રે ।

પણ તમારા ચરણમાં મન રે, રાખજયો અમારૂં નિશદન રે ।।૫૨।।

અપરાધ અમારા મ જોજયો રે, અંતકાળે તો વેલા આવજયો રે ।

વળી જયારે સંભારીએ હરિ રે, ત્યારે દર્શન દેજયો દયા કરી રે ।।૫૩।।

વળી તમારી ભક્તિને માંય રે, કોઇ પ્રકારે વિઘ્ન ન થાય રે ।

બાહેર અંતરશત્રુ છે ઘણા રે, સહુ દ્વેષી ભક્તિ ધર્મ તણા રે ।।૫૪।।

તેથી ઉગારજયો કૃપાનિધિ રે, એમ સહુએ પ્રાર્થના કીધી રે ।

કહે નાથ તથાસ્તુ તે થાશે રે, જેહ માગ્યું તમે મુજ પાસે રે ।।૫૫।।

પછી કહ્યું જાઓ તમે જન રે, ત્યારે ચાલ્યાં સહુ માની વચન રે ।

સહુ રોતાં રોતાં પાછાં ગયાં રે, ચાલે નહિ ચર્ણ ચૂર્ણ થયાં રે ।।૫૬।।

પ્રાણ મૂકી ગયાં પ્રભુ પાસ રે, થયાં અંતરે અતિ ઉદાસ રે ।

એમ પાછાં વળીયાં એ જન રે, અતિ અતિ કરતાં રૂદન રે ।।૫૭।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે પોતાના આશ્રિત આગળ પોતાને સ્વધામ પધારવું તે વાત કરીને સહુને ધીરજ આપી એ નામે એકસો ને સાઠ્યમું પ્રકરણમ્ ।।૧૬૦।।