મંત્ર (૭) ૐ શ્રી કૃષ્ણાય નમઃ

Submitted by Dharmesh Patel on Sat, 30/01/2010 - 10:14pm

હે પ્રભુ ! તમે સર્વના ચિત્તને તમારા સ્વરૂપમાં ખચનારા છો, કહેતાં આકર્ષનારા છો. લોહચુંબક લોઢાને ખેંચે તેમ હે પ્રભુ ! તમે ભકતોને તમારાં સ્વરૂપમાં ખેંચો છો.

મૈયા ભક્તિ દેવીને આંગણે માર્કંડેયઋષિ પધાર્યા ધર્મદેવ બહુ રાજી થયા, આદર સત્કાર કરી, માર્કંડેયને ભાવથી જમાડ્યા પછી કહ્યું કે, "હે ઋષિ મહારાજા ! મારા પુત્રનું નામકરણ સંસ્કાર કરી આપો."

બાળપ્રભુનો જમણો હાથ માર્કંડેયમુનિ પોતાના હાથમાં લીધો. રેખા જોતાં જ જણાયું કે આ સાધારણ બાળક નથી. પણ જગતનો નાથ છે. અતિ આનંદમાં છલકાતા હૈયે બોલ્યા, "મા આ તમારાં બાળકના એક બે નામ નહિ પણ અનંત નામના નામી છે, ગુણના સાગર છે. આ બાળક તમારા સર્વેના મનને આકર્ષણ કરશે, તેથી તેનું નામ કૃષ્ણ રાખજો. કર્ક રાશીમાં જન્મ છે તેથી કૃષ્ણ કહેવાશે. લક્ષ્મીજી એના ચરણમાં રહેશે. મૈયા આ તમારા પુત્રની કીર્તિ જગતમાં બહુ વધશે. એનાં તો મોટાં મોટાં મંદિરો બંધાશે, એના નામની ઝાલરો વાગશે, એના નામની ધજાઓ ફરકશે. મૈયા આતો ત્રિભુવનનો નાથ છે. અનેક લોકોનો એ ઊધ્ધાર કરશે. મૈયા આ તમારો પુત્ર અનેક લીલાનો વિસ્તાર કરશે, અને બહુ પ્રતાપી થશે."

પ્રભુ કેવા ભકતોને પોતાના સ્વરૂપમાં ખેંચે છે ? જે પ્રભુના નામનો જપ કરે છે, ધ્યાન કરે છે તેના મનને પ્રભુ ખેંચે છે. તમે જેમ જેમ કૃષ્ણનું નામ વધારે લેશો, તેમ તેમ તમારું મન વધારે ભગવાનમાં કેન્દ્રિત થશે, કૃષ્ણ નામમાં એવી અગાધ શકિત છે.

પરમાત્માના નામમાં તનમય ન થાય ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. પ્રભુના નામનો જપ કરે છે તેને પાપ કરવાની ઈચ્છા થતી નથી. પરમાત્મા એ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે પણ નામ પ્રગટ રાખ્યું છે.

વડતાલનો જોબન લૂંટારો ડભાણમાં શ્રીજીમહારાજની માણકી ચોરવા આવ્યો, ત્રણ રાત્રી સુધી ઊજાગરા કર્યા પણ માણકી ચોરી ન શકયો. જેટલા ઘોડા તેટલાં સ્વરૂપો દેખાયાં હવે કઈ ઘોડી ચોરવી ? સતત ત્રણ રાત્રી હરિદર્શન થયાં, હરિ ચિંતવન થયું તો એનું મન ભગવાને ખેંચી લીધું. લોઢાંને લોહચુંબક ખેંચે તેમ ખચાઈ ગયો. આવ્યો છે ઘોડી ચોરવાને પણ ચોરાઈ ગયો પોતે. આવા ધાડ પાડુના મનને આકર્ષી લે તેવા કૃષ્ણ છે. તેથી તેનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું છે.

-: કૃષ્ણ ચિત્ત ચોર છે. :-

ભગવાન સ્વામિનારાયણે સચ્ચિદાનંદસ્વામીનું મન પોતામાં ખેંચી લીધું. શ્રીજીમહારાજ માણકી ઘોડી પર સવાર થઈ એક ગામથી બીજે ગામ જતા ત્યારે સચ્ચિદાનંદસ્વામી સાથે જ જાય. પણ ઘોડીની પાછળ ન ચાલે, આગળ પણ ન ચાલે, ઘોડીની પડખે ચાલે અને પ્રભુનાં દર્શન કરતા જાય. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, "સ્વામી ! પડખે ચાલો છો તેથી કાંટા, કાંકરા વાગી જાય છે. માટે અમારી પાછળ ચાલો. સચ્ચિદાનંદસ્વામીએ સરસ જવાબ દીધો કે, "પ્રભુ ! જો પાછળ ચાલું તો તમારા મુખારવિંદનાં દર્શન ન થાય, અને આગળ ચાલું તો પણ દર્શન ન થાય, તેથી પડખે પડખે ચાલું છું." ત્યારે શ્રીજીમહારાજે હસીને કહ્યું, "અમારામાં આટલી વાસના રાખશો તો મરીને ભૂત થાશો." ત્યારે સ્વામીએ કહ્યું, "મહારાજ ! જીવતાં તમને જ વળગ્યા છીએ અને મરીને પણ તમને જ વળગીશું." સાચું એજ કરવાનું છે. દેહનું ગમે તેમ થાય, વાગે તો ભલે વાગે પણ તમારાં અંગનાં દર્શન તો થાય છે. આ રીતે ભગવાન ચિત્ત ચોર છે.

ચિત્ત ચોરી ગયો રે મારું કોઈ દેખાડો કહાનને,

કાંઈક કામણ કરીને મુજને ભૂલાવી ગયો દેહ ભાનને. ચિત્ત૦

ચિત્ત ચોરાઈ જાય તો માયાનાં બંધન તૂટી જાય, અને મુકતદશાને પામી જાય. આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ! અમારા ચિત્તને તમારા ચરણમાં આકર્ષણ થાય એવી કૃપા કરતા રહેજો. હવે આઠમા મંત્રમાં પ્રવેશ કરીએ.