આવો મારા હૈડા કેરા હાર, વાલમ વારણે જાઉં રે (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:38pm

 

રાગ : ભૈરવી પ્રભાતી  

પદ - ૧

આવો મારા હૈડા કેરા હાર, વાલમ વારણે જાઉં રે; આવો૦ ટેક.

મોહન મુખડું નિરખું સુંદર શ્યામળિયા શિરદાર;

તન મન પ્રાણ લેઇને વારું, વારણે વાર હજાર. વાલમ૦ ૧

રૂપાળા છો રાજીવ લોચન, નટવર નંદકુમાર;

નેણાં મારાં ત્રપત નથી થાતાં, નિરખી પ્રાણ આધાર. વાલમ૦ ૨

મનડું મારૂં મોહી રહ્યું છે, સુંદર જોઇ શણગાર;

માથે મુકુટ રત્ન જડાઉ, કુંડળ મકરાકાર. વાલમ૦ ૩

નીલ ક્લેવર ચરચિત ચંદન, કટિ પટ પીત ઉદાર;

પ્રેમાનંદ કે’ વારૂં વદનપર, કોટિ મદન વાર વાર. વાલમ૦ ૪

 

પદ - ૨

આવો મારા મીઠડા બોલા માવ, વાલમ વહાલા લાગોરે; આવો ટેક.

વાલમ મુજને વહાલા લાગો, બહુ નટવર સુંદર નાવ;

હેત કરી હૈયાપર રાખું, રસિયા જાદવરાવ. વાલમ૦ ૧

પલંગ ઉપર પધરાવું પ્યારા, દૂધડે પખાળું પાવ;

ભૂધર ભેટું પ્રેમ કરી મારે, ઘણા દિવસનો ભાવ. વાલમ૦ ૨

કેશર ચંદન ચરચી કરું, ફુલડામાં ગરકાવ;

આંખલડીથી અળગા ન મેલું, શોભાના દરિયાવ. વાલમ૦ ૩

જેમ રાજી રહો તેમ કરૂં હરિ, ન જોવું ન્યાય અન્યાય;

પ્રેમાનંદના નાથજી તમપર, પ્રાણ કરૂં નોછાવ. વાલમ૦ ૪

 

પદ - ૩

આવો ઓરા રસિયા રાજીવનેણ, જીવન જોઇને જીવુંરે; આવો૦ ટેક.

નટવર નાગર શોભાના સાગર, સુંદરવર સુખદેણ;

આંખલડીમાં અમૃત વરસે, વહાલાં લાગે વેણ. જીવન૦ ૧

મુખની મીઠી વાતો સાંભળતાં, મનડું થયું છે મેણ;

કેશવ તમ કેડે ભમતું ફરે છે, જંપ નથી દિનરેણ. જીવન૦ ૨

લોક કુટુંબ સઉ ફુટી થાક્યા, કોઇનું ન માને કેણ;

પ્રિતમ તમ સંગ પ્રીત બંધાણી, જાણી સાચા સેણ. જીવન૦ ૩

સંસારિયા સઉ ઝેર થયા જાણે, જેવું કડવું અફેણ;

પ્રેમાનંદના પ્યારા તમ વિના, ક્યાંયે ન સુખચેણ. જીવન૦ ૪

 

પદ - ૪

માણિગર મોરલીવાળા મીત, ગિરિધર ઘેલડી કીધીરે; માણિગર૦ ટેક

મુખ તણા મરકલડાઈમાં, પ્રિતમ જોડી પ્રીત;

નેણતણે નજારે મારૂં, ચોરી લીધું ચિત્ત. ગિરિધર૦ ૧

મોહન મોરલી અધર ધરીને, ગાઇએ સુંદર ગીત;

આંગણિયે મારે ઉભા આવી, કરતાં લટકાં લલીત. ગિરિધર૦ ૨

લાવણ્યતા જોઇ મોહી રહી જાણે, ચિત્ર આલેખ્યાં ભીંત;

એવાને એવા આવી વશ્યા મારા, અંતરમાંઇ અજીત. ગિરિધર૦ ૩

ગોવિંદ હવે ક્યાંય ન ગોઠે, વાત થઇ વિપરીત;

પ્રેમાનંદના નાથજી હવે, રાખો હજુરમાં નિત. ગિરિધર૦ ૪

Facebook Comments